તા. 10 ડિસેમ્બર 2022થી 16 ડિસેમ્બર 2022 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 09th December 2022 05:35 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઈ): વિદ્યાભ્યાસ અથવા શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા લોકો માટે આ સપ્તાહ ખૂબ મહત્ત્વપૂર્ણ તેમજ સફળ સાબિત થઈ શકે છે. કોઈ અંગત સંબંધોની કડવાશ હવે દૂર થતી જોઈ શકશો. નાણાંકીય રીતે આ સમય થોડો કટોકટીવાળો રહેશે. અણધાર્યા ખર્ચાઓ સહન કરવા પડે. વ્યવસાયમાં તમારો સમય અને શક્તિ બંને કામે લગાડવા પડશે. નોકરિયાત વર્ગ કેટલાક મુશ્કેલ નિર્ણયોમાંથી પસાર થયા બાદ સફળતા મેળવશે. સ્વાસ્થ્યને લઈને થોડી ઘણી કાળજી રાખવી જરૂરી રહેશે.

• વૃષભ (બ,વ,ઉ): આ સપ્તાહે વ્યાવસાયિક તેમજ અંગત કાર્યોની વચ્ચે બેલેન્સ જાળવવું જરૂરી રહેશે, નહીં તો તણાવ ઉત્પન્ન થઈ શકે છે. વ્યવસાય-ધંધામાં કોઈ કાનૂની કાર્યવાહીમાંથી પસાર થવું પડે. ભાવનાત્મક નિર્ણયથી દૂર રહેશો. નોકરીના સ્થળ પર આક્રોશમાં આવીને કોઈ પણ જાતના નિર્ણયો ન લેવા સલાહ છે. નાણાકીય પરિસ્થિતિમાં સુધારો જોવા મળે. વ્યવસાયના કારણે દોડધામમાં વધારો થાય. કોર્ટ-કચેરીના કાર્યોથી હવે રાહત મળશે.
• મિથુન (ક,છ,ઘ): આ સમયમાં ઈચ્છાઓ પરિપૂર્ણ ન થતાં થોડી માનસિક બેચેની તેમજ ટેન્શન અનુભવશો. જોકે, તમારી ધીરજની પણ કસોટી થશે, જેથી ચૂપચાપ કામ કર્યે રાખજો. નોકરીના ક્ષેત્રમાં તમારી કારકિર્દી સંદર્ભે આ સમય હજી વધારે મહેનત માંગી લેશે. વ્યવસાય-ધંધામાં નિર્ણયો લેતાં પહેલાં કોઈ સલાહકાર સાથે ચર્ચા-વિચારણા જરૂરી. વિદ્યાર્થી વર્ગે અભ્યાસમાં હજી વધુ મહેનત કરવી પડશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં સંભાળીને આગળ વધવું.

• કર્ક (ડ,હ): આ સમય દરમિયાન કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતો ઉપર નિર્ણય લેવા તમારી વિચારધારા રજૂ કરવી જરૂરી રહેશે. કૌટુંબિક બાબતોના નિર્ણયો માટે અંગત વ્યક્તિની સલાહ થકી આગળ વધી શકશો. આર્થિક સ્થિતિમાં સકારાત્મક ફેરફાર જોઈ શકશો. વ્યાપારિક સંબંધોમાં સુધારો થતો જોવા મળશે. નવી ભાગીદારી થકી લાભ પ્રાપ્ત કરશો. સ્વાસ્થ્યને લઈને થોડી ઘણી ચિંતાઓ રહેશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં હજી વિલંબ જોવા મળશે. વિદ્યાર્થીઓ માટે કોઈ નવી યોજનાઓ પ્રાપ્ત થાય. લગ્નવાંચ્છુકો માટે સમય સાનુકૂળ છે.
• સિંહ (મ,ટ): આપનો આ સમય થોડો વધુ ચિંતાજનક પસાર થાય. સંતાનો બાબતે થોડી વધુ ચિંતા રહે. કાર્યસંબંધી મુશ્કેલીઓનો થોડાઘણા અંશે નિકાલ લાવી શકશો. વ્યાવસાયિક સંબંધોમાં સુધાર લાવી શકાય. નોકરિયાત વર્ગને પ્રગતિ તેમજ બઢતીની તક મળશે. આર્થિક મુદ્દે થોડું બેલેન્સ બનાવી રાખવું પડશે. નવા કરિયરને લઈને માર્ગદર્શન માટે કોઈ વડીલ કે સલાહકાર પાસે આપ મદદ માંગી શકો છો. સ્વાસ્થ્યસંબંધી થોડી વધુ કાળજી જરૂરી.
• કન્યા (પ,ઠ,ણ): ખોટા વાદ-વિવાદ ટાળશો અથવા તો કોઈની સાથેની જીભાજોડીથી દૂર રહેશો તો ફાવશો. ગુસ્સો અને આવેગને કાબૂમાં રાખવા ખૂબ જરૂરી છે, નહીં તો એ આપના માટે નુકસાનકારક સાબિત થાય. નાણાંકીય દૃષ્ટિએ સમય હજી થોડો તંગ રહેશે. વ્યાવસાયિક ક્ષેત્રમાં કોઈ નવા ભાગીદાર સાથે નવું કાર્ય શરૂ કરી શકશો. સંતાનોના અભ્યાસ બાબતે થોડી ઘણી ચિંતા રહેશે. પ્રવાસ થકી થોડી હળવાશ અનુભવી શકશો.
• તુલા (ર,ત): આ સમય પરિવર્તનકારી સાબિત થઈ શકે છે. મહત્ત્વની કામગીરીમાં પ્રગતિ હાંસલ કરશો. નોકરિયાત વર્ગને કોઈ સારા સમાચાર મળે, જેના કારણે આનંદ-ઉત્સાહ વધતા જોવા મળશે. આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આવતું જોવા મળે. વ્યાપારિક દૃષ્ટિએ સારા એવાં રોકાણ થકી ભવિષ્ય માટે ફાયદાકારક પાયા નાંખી શકશો. સંતાનોના લગ્નવિષયક બાબતે સારા સમાચાર મેળવી શકશો.
• વૃશ્ચિક (ન,ય): આ સમય પ્રગતિકારક અને સફળ પુરવાર થાય. દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરશો. કૌટુંબિક દૃષ્ટિએ પ્રશ્નો હલ થાય. પારિવારિક સંબંધો સુધરે. વ્યવસાય તેમજ નોકરીના ક્ષેત્રમાં નવીન કાર્યો થકી આપને સફળતા પ્રાપ્ત થાય. કાર્યની પ્રશંસા થાય. જમીન-મકાન માટેના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય. ઈમિગ્રેશનના અટવાયેલા કાર્યોમાં હવે નવેસરથી શરૂઆત કરી શકશો. મકાન-મિલકતમાં રિપેરિંગ અથવા બદલાવ લાવી શકશો.
• ધન (ભ,ફ,ધ,ઢ): કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં દિલ અને દિમાગ બંનેથી વિચારીને આગળ વધશો. ભાવાવેશમાં આવીને લીધેલા નિર્ણયો માટે પસ્તાવાનો વારો આવી શકે છે. વ્યવસાય-ધંધામાં પ્રતિકૂળ સંજોગોમાંથી પસાર થવું પડે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેશો તો સાનુકૂળ પરિસ્થિતિ બનાવી શકશો. જીવનસાથી સાથે મતભેદો વધતાં જોવા મળે. તમારી જીદને કારણે તમે દરેકને નુકસાન પહોંચાડી શકો છો. વ્યાયામ પર ધ્યાન કેન્દ્રિત કરશો.
• મકર (ખ,જ): જીવનમાં દરેક પરિસ્થિતિ તમારી ઈચ્છા મુજબની રહે એ શક્ય નથી. થોડું નમતું રાખીને કામ કરશો તો દરેકના પ્રિય બની શકશો. વ્યવસાય-ધંધામાં કોઈ યોગ્ય સલાહકારની મદદથી આગળ વધવું. કાર્યક્ષેત્રે પરિસ્થિતિ અચાનક ફેરફાર આવી શકે છે, જે કદાચ તમારા માટે નુકસાનદાયક સાબિત થાય. માતા-પિતાના સ્વાસ્થ્યને લઈને થોડી ઘણી ચિંતા રહેશે. વિવાદોથી દૂર રહેશો તો ફાવશો. નાણાંકીય રીતે આ સમય નહીં નફો, નહીં નુકસાનવાળો રહેશે.
• કુંભ (ગ,શ,સ,ષ): આ સપ્તાહ ખૂબ વ્યસ્ત પસાર થઈ શકે છે. તમામ અધૂરાં કાર્યો પૂરા કરવાની જવાબદારી તમારા ઉપર રહેશે. બિનજરૂરી વર્કલોડ માનસિક તંગદિલી ઊભી કરી શકે છે, જેનું ધ્યાન રાખજો. આર્થિક બાબતોમાં થોડી ઘણી રાહત જોવા મળે. જીવનસાથી તરફથી મદદ મેળવી શકશો. કૌટુંબિક મિલકતોના પ્રશ્નો હલ થાય. વ્યવસાય-ધંધામાં ભાગીદારીથી લેણું રહેશે. માંગલિક પ્રસંગોને કારણે દોડધામમાં વધારો થાય.
• મીન (દ,ચ,ઝ,થ): સપ્તાહની શરૂઆત સકારાત્મક રહેશે. દરેક કાર્ય સમજદારીથી કરશો તો ઝડપથી તમારા લક્ષ્યને પાર પાડી શકશો. આર્થિક રીતે આ સપ્તાહ આપને ફાયદાવાળું રહેશે. કરિયર સંબંધિત બાબતોમાં તમારી મહેનત હવે રંગ લાવશે. વ્યવસાય-ઉદ્યોગમાં થોડી વિપરિત પરિસ્થિતિ આવે, મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેતાં પહેલાં કોઈ અનુભવીના સલાહ-માર્ગદર્શન આવશ્યક રહેશે. આધ્યાત્મિક તેમજ કોઈ સંત-મહાત્માના માર્ગદર્શથી જીવનનો દૃષ્ટિકોણ બદલાઈ શકે છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter