તા. 14 મે 2022થી 20 મે 2022 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 13th May 2022 05:40 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહ દરમિયાન અટવાયેલા કાર્યો આગળ વધશે. નિર્ણયો સફળ થાય. આર્થિક રીતે તમારી જે મૂંઝવણો હતી એમાંથી બહાર નીકળવાના રસ્તા મળશે. વ્યવસાયના ક્ષેત્રમાં જે કોઈ પરેશાની હોય એને દૂર કરવા માટે યોગ્ય વ્યક્તિઓની સલાહ લઈ આગળ વધવું, નહીં તો મુશ્કેલીમાં વધારો થાય. નોકરી-કરિયર રિલેટેડ બાબતોમાં માતા-પિતાના સહયોગથી સફળ થઈ શકશો. નાના પ્રવાસની યોજનાઓ સફળ થાય.

વૃષભ (બ,વ,ઉ)ઃ આ સમયમાં થોડું વધુ સાવચેતી રાખીને નિર્ણયો લેવાની સલાહ રહેશે. અંગત વ્યક્તિઓ સાથેના સંબંધોમાં ખટાશ આવી શકે છે, જેથી કરીને વાણી-વ્યવહાર પર કાબૂ રાખવો. આર્થિક રીતે કોઈ ખાસ મુશ્કેલી રહેશે નહીં. નવીન રોકાણો માટેની યોજના બનાવી શકાય. વ્યવસાય-ઉદ્યોગમાં ઘણી સારી પ્રગતિકારક તકો સાંપડશે. સરકારી કામગીરીમાં થોડીઘણી રૂકાવટ બાદ આપના કાર્યો પાર પાડી શકશો.
મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ મિશ્રિત પરિણામોવાળું જોવા મળે. રાજનીતિ સાથે જોડાયેલાં વ્યક્તિઓને કોઈ મહત્ત્વપૂર્ણ કાર્યમાં સફળતા હાંસલ કરશે. માન-સન્માન પણ મેળવી શકશો. નાણાંકીય રીતે થોડીઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. લેવડદેવડમાં ખૂબ ચોક્સાઈ રાખવી જરૂરી. સપ્તાહ દરમિયાન કોઈ ધાર્મિક સંસ્થા પ્રત્યે જોડાવ એવી પણ શક્યતા છે. વ્યવસાય-નોકરીમાં તમારા કાર્ય થકી પ્રશંસા મેળવશો.
કર્ક (ડ,હ)ઃ આપના ગ્રહ-નક્ષત્રોની રીતે જોઇએ તો પોઝિટિવ કામગીરી સાથે જીવનશૈલીમાં બદલાવ જોઈ શકશો. વ્યવસાયિક ક્ષેત્રમાં કામગીરીની નીતિમાં ફેરફાર જરૂરી છે. આવકની દ્રષ્ટિએ નહીં નફો, નહીં નુકસાનવાળી પરિસ્થિતિ રહેશે. જોકે, વ્યવસાય-ઉદ્યોગ માટે આર્થિક જોગવાઈ ઊભી કરવામાં સફળતા સાંપડે. નોકરિયાત વ્યક્તિએ નાની બાબતો મોટું સ્વરૂપ ધારણ ન કરે તેનું ખાસ ધ્યાન રાખવાનું સલાહભર્યું છે. આ સમયમાં કોર્ટ-કચેરીના કામકાજમાં થોડી ધીરજ રાખીને કામગીરી કરશો.
સિંહ (મ,ટ)ઃ વ્યક્તિગત અને વ્યવસાયિક જીવનમાં નિખાર લાવવા માટે દરેક પાસાંઓનો યોગ્ય ઉપયોગ કરી આગળ વધશો તો સફળ થઈ શકશો. પરિવર્તન સફળતાની ચાવી છે, જેનો ઉપયોગ યોગ્ય સમયે કરવાથી ઈચ્છિત સફળતા મેળવી શકશો. નોકરી-વ્યવસાયમાં દોડધામ વધવાથી થોડીઘણી સ્વાસ્થ્ય પર પણ અસર જોઈ શકાય. મીડિયા તેમજ મનોરંજન સાથે જોડાયેલા વ્યક્તિઓ માટે ખૂબ જ સારો સમય રહેશે.
કન્યા (પ,ઠ,ણ)ઃ અતિ વિશ્વાસુ બનીને કોઈ પણ સાથે કામગીરી કરશો તો તમારે જ નુકસાની ભોગવવી પડી શકે છે. વિશેષ કાળજી જરૂરી. છેલ્લાં ઘણા સમયથી તમે જે કાર્ય માટે ખૂબ મહેનત કરી રહ્યાં છો એ હવે સફળતા તરફ તમને આગળ દોરી જાય. નાણાંકીય મુશ્કેલી થોડાં અંશે ઓછી થતી જોવા મળે. બાકી નીકળતાં પૈસા પાછાં મળતાં થોડી રાહત રહેશે. સંતાનોની અભ્યાસવિષયક બાબતમાં થોડી વધુ કાળજી રાખવી જરૂરી. મકાન-મિલકતના પ્રશ્નો ઉકેલાશે.
તુલા (ર,ત)ઃ લાગણીમાં તણાઇને તમારી અંગત વાતો કોઈને પાસે જાહેર કરતાં પહેલાં વિચારી લેજો કે એ વ્યક્તિ વિશ્વાસપાત્ર છે કે નહીં. નહીં તો તમારે જ નુકસાની ભોગવવી પડશે. વ્યાયામ-કસરતને તમારી દિનચર્યાનો ભાગ બનાવશો તો સ્વાસ્થ્ય સંબંધી સમસ્યામાંથી છૂટકારો મેળવી શકશો. આર્થિક પાસાં આ સપ્તાહ દરમિયાન તમારા ફેવરમાં જોવા મળે, કોઈ અણધાર્યા ખર્ચાને પહોંચી વળવા માટે જોગવાઈ ઊભી કરી શકશો. વ્યવસાય-નોકરીમાં કોઈ ખાસ વ્યક્તિ સાથેની મુલાકાત અને સલાહ તમારા માટે લાભદાયક રહેશે.
વૃશ્ચિક (ન,ય)ઃ છેલ્લાં ઘણા સમયથી તમારી શક્તિ અને બુદ્ધિને નક્કામી બાબતોમાં લગાવીને સમયની બરબાદી કરી રહ્યા છો તો હવે ચેતી જજો. દરેક બાબતોમાં થોડી સુગમતા દાખવીને યોગ્ય કામ માટે એનર્જીનો ઉપયોગ કરશો તો ફાવશો. જીવનસાથી સાથે જો કોઈ અણબનાવ હોય તો આ સમય દરમિયાન દૂર કરી શકશો. પહેલ તમારે જ કરવી પડે. વ્યવસાય-ધંધામાં, ખાસ કરીને દેશ-વિદેશ સાથે જોડાયેલાં કાર્યોમાં થોડી કાળજી રાખશો. લિગલ ડોક્યુમેન્ટ્સ બાબતોમાં કચાશ રાખશો નહીં. નોકરિયાત વર્ગને પોતાના ઉપરી અધિકારી તરફથી પ્રશંસા મળી શકે છે.
ધન (ભ,ફ,ધ,ઢ)ઃ આપનું આ સપ્તાહ થોડું ચિંતા અને ઉદ્વેગવાળું રહેશે. નાની નાની બાબતોમાં ટેન્શનનો અનુભવ થાય, જે સ્વાસ્થ્ય ઉપર પણ અસર કરશે. જોકે, નાણાંકીય રીતે થોડી રાહતજનક સ્થિતિ રહેશે. સરકારી કામગીરીમાં ખૂબ ચોક્સાઈ રાખીને કામગીરી કરવી હિતાવહ રહેશે. આ સમયમાં રાજકારણમાં જોડાયેલી વ્યક્તિને થોડી વધુ મહેનત તેમજ વ્યસ્તતા રહે. કોર્ટ-કચેરીના મામલા હજી વણઉકેલ્યા રહેશે.
મકર (ખ,જ)ઃ કાર્યક્ષેત્ર પર ખાસ કરીને - આ સપ્તાહ દરમિયાન - લાગણીઓ તેમજ ક્રોધ પર નિયંત્રણ રાખવાની જરૂર રહેશે. ભાગીદારીના વ્યવસાયમાં કાળજી રાખવી, નહીં તો સંબંધોમાં મોટી તિરાડ આવી શકે છે. નોકરી-વ્યવસાયમાં ઉતાવળા નિર્ણયો નહીં લેવાની સલાહ છે. આર્થિક રીતે આ સમય થોડો મિશ્રિત પરિણામવાળો રહેશે. આવકની સામે જાવક પણ એટલી જ જોવા મળે. મકાન-મિલકતમાં રોકાણ કરવાની ઈચ્છા પર કામ આગળ વધારી શકશો.
કુંભ (ગ,સ,શ,ષ)ઃ સપ્તાહ દરમિયાન કોઈ જૂના મિત્રો સાથે મુલાકાતની શક્યતા રહેશે, જે તમારી મનોસ્થિતિમાં સકારાત્મક ફેરફાર લાવી શકશે. પારિવારિક જવાબદારીઓ તમારા શીરે આવશે. કારકિર્દી સંબંધિત આ સમય તમારા માટે ફળદાયક સાબિત થાય. જે કામ હાથમાં લેશો તેને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. માન-સન્માન પણ પ્રાપ્ત કરી શકાય. આર્થિક સ્થિતિને પહોંચી વળવા માટે યોગ્ય બજેટ બનાવીને આગળ વધવું સલાહભર્યું રહેશે.
મીન (દ,ચ,ઝ,થ)ઃ મનમાંથી નિષ્ફળતાનો ડર કાઢી નાંખીને કામગીરી કરશો તો અચૂક સફળતા મેળવી શકશો. તમે જરૂરી મદદ સમય પ્રમાણે મેળવી શકશો. નાણાંકીય લેવડદેવડમાં થોડી વધુ ચોક્સાઈ રાખવી. ભવિષ્યમાં આવનાર ખર્ચાઓ માટે અત્યારથી તકેદારી રાખશો તો મુશ્કેલી વર્તાશે નહીં. નોકરીમાં તમારા સહકર્મચારી સાથેના સંબંધોમાં સુધારો જોવા મળશે. વ્યવસાયિક ક્ષેત્રમાં જરૂરી નાણાંકીય જોગવાઈ ઊભી કરવા માટે નવી ભાગીદારી કામ લાગશે. વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ આનંદદાયક છે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter