તા. 17 ડિસેમ્બર 2022થી 23 ડિસેમ્બર 2022 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 16th December 2022 08:57 EST
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઈ): પરિસ્થિતિ સાનુકૂળ રહેશે. સપ્તાહની શરૂઆતમાં જ તમારા કાર્યો માટેની સફળતાની શરૂઆત થઈ શકશે. પ્રોપર્ટી ખરીદી કે વેચાણને લગતી કામગીરીમાં પણ ફાયદો થાય. તમારા સંબંધોની મજબૂતીને કારણે વ્યવસાયિક મદદ મેળવી શકશો. વ્યાપાર-ધંધામાં થોડી ગતિવિધિમાં ફેરફાર જોવા મળે. નોકરીના ક્ષેત્રમાં કોઈ બીજાની વાતોમાં આવીને પોતાના નિર્ણયો બદલશો નહીં. તમારી કાર્યક્ષમતા ઉપર વિશ્વાસ રાખીને આગળ વધજો.

• વૃષભ (બ,વ,ઉ): મનની અશાંતિ દૂર થાય. કોઈ જૂની ઇચ્છાઓ પૂરી થતી જોઈ શકશો. આર્થિક રીતે પરિસ્થિતિ થોડીક મજબૂત બનતી જોવા મળે. તમારા કાર્યોની પ્રશંસા થાય. વ્યવસાયિક રીતે કોઈ પાર્ટનર સાથે થોડી કઠિન પરિસ્થિતિમાંથી પસાર થવું પડે. જોકે એ તમારા ફાયદામાં રહેશે. હેલ્થને લઈને હવે થોડી હળવાશવાળી સ્થિતિ રહેશે. વાહન ખરીદીની ઇચ્છાઓ પૂર્ણ થાય. મોટાભાગના કામ સમયસર પૂરા કરી શકશો.
• મિથુન (ક,છ,ઘ): સમય લાભકારી છે. સપ્તાહની શરૂઆતમાં કામનું ભારણ રહેશે. મહેનત પણ વધુ કરવી પડે, જેનાં ફાયદા પણ ભોગવી શકશો. ઘરમાં રિપેરીંગને લગતી કામગીરી અથવા તો ફેરફારની કામગીરી શક્ય બનશે. આર્થિક રીતે ફાયદો મેળવી શકશો. ધંધા-વ્યવસાયમાં કોઈની સલાહને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. નોકરિયાત વર્ગને કોઈ સારા પ્રોજેક્ટ્સ પર કામ કરવાની તક મળશે.
• કર્ક (ડ,હ): સામાજિક અને રાજકીય પરિસ્થિતિમાં તમારી ગતિવિધિ વધતી જોવા મળે. તમારો મોટાભાગનો સમય સામાજિક કાર્યોમાં પસાર થતો જોઈ શકશો. સાથે સાથે મહત્ત્વપૂર્ણ લોકો સાથે સંબંધ મજબૂત બનશે. વડીલોની સલાહ લાભદાયી પૂરવાર થાય. આર્થિક રીતે નહીં નફો નહીં નુકસાન રહેશે. ધંધા-ઉદ્યોગમાં તમારા નિર્ણયો થકી ફાયદો થાય. માંગલિક પ્રસંગોમાં સમય પસાર થાય. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે.
• સિંહ (મ,ટ): વ્યક્તિગત જીવનમાં ફેરફારનો પ્રયાસ કરશો તો સાનુકૂળ પરિસ્થિતિ બનાવી શકશો. લક્ષ્યને નક્કી કરીને આગળ વધશો તો ફાવશો. નાણાકીય રીતે આ સપ્તાહ ફાયદાકારક રહેશે. કરિયરને લઈને આ સપ્તાહમાં કોઈ સારો નિર્ણય લઈ શકશો. વિદ્યાર્થીઓ આ સમયમાં કોઈ સારા સમાચાર મેળવી શકશો. સ્વાસ્થ્યને લઈને થોડીઘણી સમસ્યાઓ રહેશે.
• કન્યા (પ,ઠ,ણ): સમયનો તાલમેલ જાળવીને કામગીરી કરશો. કામ અને પરિવાર વચ્ચે બેલેન્સ જાળવી રાખવાથી માનસિક શાંતિ મેળવી શકશો. ધંધા-વ્યવસાયમાં નકારાત્મક તત્ત્વોથી દૂર રહેશો તો એ તમારા માટે ફાયદાકારક રહેશે. પતિ-પત્ની વચ્ચેના સંબંધો વધારે મજબૂત બનશે. નોકરિયાત વ્યક્તિઓને સારી કામગીરી કરવાની તક મળશે. કોર્ટ-કચેરીમાં થોડો સમય બરબાદ થાય. પ્રોપર્ટીને લગતા કામકાજ પૂર્ણ થાય.
• તુલા (ર,ત): જીવનનું અસંતુલન દૂર કરવાનો ઉકેલ મેળવી શકશો. તમારી ભાવનાઓને કંટ્રોલમાં રાખજો. નકારાત્મક વિચારોને હાવી થવા દેશો નહીં. કરિયરને લગતા નિર્ણયોમાં કોઈ યોગ્ય વ્યક્તિની સલાહથી આગળ વધશો તો અવશ્ય સફળતા મેળવશો. આર્થિક મામલે આ સપ્તાહ ખર્ચાળ રહેશે. ધંધા-ઉદ્યોગમાં નવા પ્રોજેક્ટ્સ ઉપર કામ હાથ ધરી શકશો. મકાન-મિલકતની ખરીદીમાં થોડું ધ્યાન રાખીને આગળ વધશો.
• વૃશ્ચિક (ન,ય): આત્મવિશ્વાસ અને મહેનતથી તમારા કાર્યોને સફળ બનાવી શકશો. ભરપૂર ઊર્જા દ્વારા તમારી કામગીરીને અંજામ આપશો તો સફળ થશો. કોઈ નજીકની વ્યક્તિ સાથે મતભેદ થઇ શકે છે. યુવાનોને રોજગાર માટેના નવા અવસર પ્રાપ્ત થશે. માંગલિક પ્રસંગોને કારણે વ્યવસ્તતા વધશે. કોર્ટકચેરી કે ઇમિગ્રેશનને લગતાં કામકાજમાં થોડી મુશ્કેલીને બાદ કરતાં તમારી સ્થિતિને મજબૂત બનાવી શકશો.
• ધન (ભ,ફ,ધ,ઢ): પરિવારમાં કોઈ ધાર્મિક આયોજન થઈ શકે છે. સપ્તાહ ખૂબ જ વ્યસ્ત રહેશે. આ સપ્તાહની મહેનત તમારા માટે ઘણા લાંબા સમયનો ફાયદો લઈને આવશે. ધંધા-વ્યવસાયમાં થોડી પરેશાની આવશે. જોકે તેનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા કોશિશ કરશો. નોકરિયાત વર્ગ કાર્યક્ષેત્રમાં વર્ચસ જાળવી શકશે. વધારે મહેનતના કારણે તણાવ અને નબળાઈ લાગશે.
• મકર (ખ,જ): સપ્તાહ દરમિયાન ફાલતુ ગતિવિધીથી ધ્યાન હટાવીને પોતાના કાર્ય ઉપર ધ્યાન આપશો. ખર્ચા ઉપર થોડો કંટ્રોલ રાખજો. ધંધા-નોકરીમાં થોડું સકારાત્મક વલણ રાખવાથી આઉટપુટમાં ફેરફાર લાવી શકાય. થોડો સમય કસરત વ્યાયામમાં પણ પસાર કરશો. પરિવાર સાથે પણ થોડો સમય વ્યતીત કરવો. મકાન-મિલકતના પ્રશ્નોને વાતચીતથી પતાવવાનો પ્રયત્ન કરજો.
• કુંભ (ગ,શ,સ,ષ): વડીલોના આશીર્વાદ અને સ્નેહથી ઘરનું વાતાવરણ સુખમય બનાવી શકશો. યુવાનોએ પોતાની મહેનતનું પરિણામ મેળવવા માટે થોડી રાહ જોવી પડશે. કોઈ પ્રાસંગિક સમારોહમાં તમારે તન-મનથી વ્યસ્ત રહેવું પડશે. આવકની દૃષ્ટિએ આ સપ્તાહ ખર્ચાનું પલડું ભારી રહેશે. ધંધા-વ્યવસાય તેમજ નોકરીમાં સ્પર્ધાત્મક પરિસ્થિતિમાંથી પસાર થવું પડશે.
• મીન (દ,ચ,ઝ,થ): આ સપ્તાહમાં કોઈ પ્રિયજન સાથેની મુલાકાત તમને ભાવનાત્મક તેમજ માનસિક રીતે સુખ આપી શકે છે. કોઈ પણ નિર્ણય લેતાં પહેલાં તમારા દ્વારા ભેદભાવ ન થાય તેનું ધ્યાન રાખજો. વ્યવસાયમાં આઉટસોર્સથી કામ નીકળી શકતું હોય તો તેની તક હાથમમાંથી જવા દેશો નહીં. નોકરિયાત વર્ગને થોડા કઠીન સમયમાંથી પસાર થવું પડશે. સ્વાસ્થ્યને લઈને થોડી રાહત રહેશે.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter