તા. 21 મે 2022થી 27 મે 2022 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 20th May 2022 05:21 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

• મેષ (અ,લ,ઈ)ઃ બીજાના કામમાં દખલગીરી કરવાથી તમારી આબરૂમાં દાગ લાગી શકે છે. કાળજી રાખવી. પરિવાર અને સમાજમાં વર્ચસ્વ જાળવવા મહેનત કરવી પડે. જૂની પ્રોપર્ટીના વેચાણને લગતા વ્યવસાયમાં મહત્ત્વપૂર્ણ સોદા થઈ શકે છે. નોકરીમાં તમારી ધારેલી સફળતા હાંસલ કરવાન તકો પ્રાપ્ત કરી શકો છો. જીવનસાથી સાથેના મતભેદ દૂર કરવા તમારે પહેલ કરવી જરૂરી. કોર્ટ-કચેરીના મામલામાં હજી રાહ જોવી પડશે.
• વૃષભ (બ,વ,ઉ)ઃ આ સપ્તાહ સફળ સાબિત થઈ શકે છે. તમારી સંપૂર્ણ મહેનત અને ઊર્જાને કાર્યોમાં લગાવો. કોઈ ધાર્મિક આયોજનમાં પણ ભાગ લઈ શકો છો. નાણાંકીય રીતે પણ સારાં ફાયદા મેળવશો. ભૂતકાળમાં કરેલા રોકાણ તરફથી નફો મેળવી શકશો. વ્યાવસાયિક કાર્યમાં વધુ તેજી આવી શકશે. કારકિર્દી સંદર્ભે તમારે કાર્યપદ્ધતિમાં થોડાંઘણાં ફેરફાર લાવવા જરૂરી રહેશે. કામના કારણે દોડધામ પણ વધશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ તમારો વધુ પડતો અનુશાસિત સ્વભાવ પરિવાર માટે પરેશાની ઊભી કરી શકે છે, જેથી કરીને થોડાં પરિવર્તનની જરૂર રહેશે. આર્થિક રીતે પરિસ્થિતિને મજબૂત બનાવી રાખવાના તમારા પ્રયત્નો સફળ થતાં જોવા મળશે. નોકરી-વ્યવસાયમાં સરકારી કામકાજોને કારણે થોડીઘણી અડચણ ઊભી થાય. કોઈ જૂની સ્વાસ્થ્યસંબંધી સમસ્યામાંથી છૂટકારો મળશે. બેરોજગાર વ્યક્તિઓ માટે હવે સારો સમય આવી રહ્યો છે.
• કર્ક (ડ,હ)ઃ તમારા પ્રયત્નોનું અપેક્ષા મુજબ ફળ મળતાં આનંદ - ઉત્સાહ અનુભવશો. પારિવારિક પ્રસંગોમાં સમય પસાર થશે. નાણાંકીય પરિસ્થિતિમાં નજીવા બદલાવ સાથે થોડી નિરાંત અનુભવશો. નોકરિયાત વર્ગને સમયમર્યાદામાં કામ પૂરું કરવાનું પ્રેશર વર્તાય. વ્યવસાય ક્ષેત્રે ભાગ્ય તમારા પક્ષમાં રહેશે. જે કામ હાથ પર લેશો તે સફળતાપૂર્વક પૂરું કરી શકશો. વિદ્યાર્થીઓ માટે સમય થોડો કપરો જણાય. પરીક્ષાનું ટેન્શન રહેશે.
• સિંહ (મ,ટ)ઃ નિરર્થક કાર્યોમાં સમય ખરાબ ન કરશો. મનમાં અશાંતિ અને તણાવ જેવી પરિસ્થિતિ અનુભવાય. આમાંથી બહાર આવવા માટે થોડો સમય તમારા પોતાના પણ માટે કાઢો. પ્રકૃતિના સાંનિધ્યમાં સમય પસાર કરો. ધ્યાન, યોગ-મેડિટેશનથી સારું લાગશે. આર્થિક સ્થિતિમાં નજીવા ફેરફાર જોવા મળે. ખર્ચાઓ પર કાબૂ રાખો. નોકરી-વ્યવસાયમાં કોઈ મહત્ત્વપૂર્ણ વાટાઘાટો થઈ શકે છે, જેમાં તમારા તરફથી જે કોઈ કામગીરી થશે એમાં અચૂક સફળતા મળશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ આ સપ્તાહે તમારા કામને લઈને ખૂબ સચેત રહેશો. ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન ન થાય તેની કાળજી લેશો. નાણાંકીય સ્થિતિ વધુ મજબૂત બને. બાકી લેણાં પરત મળશે. વાહનખરીદીની પણ શક્યતા રહેશે. પારિવારિક માંગલિક પ્રસંગોને કારણે મન થોડું હળવાશ અનુભવશે. નોકરિયાત વ્યક્તિને કોઈ કાયદાકીય ગૂંચ હોય તો એમાંથી બહાર નીકળવાના રસ્તા મળે. ઉદ્યોગજગતમાં મોટા રોકાણો માટેની નાણાંકીય જોગવાઈ થઇ શકે.
• તુલા (ર,ત)ઃ બિનજરૂરી ઉતાવળ કામ બગાડી શકે છે, જેથી શાંતચિત્તે કામગીરી કરશો. વાણી ઉપર ખાસ નિયંત્રણ જરૂરી રહેશે. આર્થિક કામગીરીમાં કોઈના પર અતિ વિશ્વાસુ બનીને કાર્ય ન કરવાની સલાહ રહેશે. વ્યવસાયમાં ભાગીદારો સાથે નાની મતભેદ મોટું સ્વરૂપ ધારણ ન કરે તેની ખાસ કાળજી રાખશો. ફક્ત તમારા કમિટમેન્ટને ધ્યાનમાં રાખીને આગળની કામગીરી કરશો તો ફાવશો. પ્રવાસ-પર્યટનથી મન થોડું હળવું થાય.
• વૃશ્ચિક (ન,ય)ઃ હવે સમય તમને અનુકૂળ પરિસ્થિતિ તરફ લઈ જઈ રહ્યો છે. તમારી ભવિષ્યની યોજના પર યોગ્ય વિચાર કરીને આગળ કાર્યવાહી શરૂ કરી શકો છો. વ્યાપારમાં થોડાઘણાં પડકારોનો સામનો કરવો પડશે. અહીં જો અહંકાર આગળ કરશો તો નુકસાન તમારે જ વેઠવું પડશે. નોકરિયાત વર્ગને સારી એવી તકો હાથ લાગશે. કોર્ટ-કચેરીના કાર્યોમાં તમારો વિજય થાય. ઈમિગ્રેશનને લગતી બાબતોની ગૂંચ હવે ઉકેલાતી જોવા મળે.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન સારો એવો સમય ઘરની દેખરેખ કે સુધારાને લગતી ગતિવિધિમાં પસાર થાય. કોઈને ઉછીના આપેલાં નાણાં પરત મેળવી શકશો. વ્યવસાયમાં પોતાના લક્ષ્યને ધ્યાનમાં રાખી આગળની કામગીરી કરવી સલાહભર્યું છે. નોકરીમાં બદલી-બઢતીનાં અટવાયેલા કાર્યો હવે ઉકેલાય. પરિવાર સાથે થોડો વધુ સમય પસાર કરશો. વિદ્યાર્થીઓને કોઈ શુભ સમાચાર મળે.
• મકર (ખ,જ)ઃ તમારો આ સમય થોડો કસોટીવાળો રહેશે. જોકે, સૂઝબૂઝથી તમે દરેક કસોટીમાંથી પાર ઉતરી શકશો. વ્યવસાય જગતમાં બદલાતી પરિસ્થિતિ સાથે નવી નીતિથી કામગીરી કરશો લાભમાં રહેશો. નોકરીના ક્ષેત્રમાં સહકર્મચારી સાથે નજીવી બાબતે રકઝક થાય એવી સ્થિતિ બની શકે છે. પતિ-પત્નીના સંબંધમાં સુધારો જોવા મળે. જોકે, સ્વાસ્થ્યને લઈને થોડી સમસ્યા રહેશે.
• કુંભ (ગ,સ,શ,ષ)ઃ સપ્તાહ દરમિયાન પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો. જે ખૂબ શાંતિ અને હકારાત્મક ઊર્જાનો અનુભવ કરાવે. આર્થિક ક્ષેત્રે ગૂંચવાયેલા પ્રશ્નોનો નજીકની વ્યક્તિની મદદથી હલ લાવી શકશો. વ્યાપારિક પરિસ્થિતિમાં થોડા ઘણાં પરિવર્તનો જોઈ શકશો. માન-સન્માન પણ વધે. નોકરી માટેના પ્રયાસો હવે સફળ થતાં જોઈ શકશો.

• મીન (દ,ચ,ઝ,થ)ઃ સપ્તાહ દરમિયાન કામનું ભારણ વર્તાય, જેના કારણે સ્વભાવ પણ બદલાતો જોઈ શકશો. ગુસ્સો, ટેન્શન અનુભવાય. નાણાંકીય રીતે આ સમય સારો છે. તમારા કામનું વળતર પણ સારું મેળવશો. કોઈ જગ્યાએ રોકાણનું આયોજન હોય તો તે પણ શક્ય બનશે. વ્યવસાયમાં કોઈ પણ લેવડદેવડ કરતાં સમયે જરૂરી કાળજી સાથે આગળ વધશો. નોકરીમાં પરિવર્તનની ઈચ્છા હશે તો તે હવે સફળ થતી જોવા મળે. સંતાનની બાબતમાં કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણયો માટે યોગ્ય વિચાર કરીને આગળ વધશો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter