તા. 29 ઓક્ટોબર 2022થી 4 નવેમ્બર 2022 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 28th October 2022 08:35 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન

• મેષ (અ,લ,ઈ)ઃ સપ્તાહના પ્રારંભે સ્વાસ્થ્યને લઈને થોડી ઘણી ચિંતા રહેશે. નાની-મોટી પરેશાનીનો સામનો કરવો પડે. મન થોડું બેચેની અનુભવશે. નોકરી-વ્યવસાયમાં આપના સહકર્મચારીઓથી સાવધાન રહેવું. કોઈની સાથે નકામી જીભાજોડીમાં ઉતરવાનું ટાળશો તો લાભમાં રહેશો. આર્થિક રીતે થોડી રાહત મહેસૂસ થાય. ખર્ચાઓ વધશે. સાથે આવક પણ વધે. કોર્ટ-કચેરીમાં રાહત થાય.

• વૃષભ (બ,વ,ઉ)ઃ તમારી મહેનતની થોડાઘણા અંશે કસોટી થાય. જોકે અંતે યોગ્ય પરિણામ પ્રાપ્ત કરી શકશો. મહત્ત્વપૂર્ણ કાર્યોમાં નિર્ણય લેતાં સમયે યોગ્ય વ્યક્તિ સાથે ચર્ચા વિચારણા કરીને આગળ વધજો. ધંધા-વ્યવસાયમાં તમારી આવડતના આધારે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી શકો એવા કાર્યો થઈ શકે છે. આવકમાં વધારો જોઈ શકશો. લાંબા સમયના રોકાણોનો હવે ફાયદો મેળવવામાં સફળતા મળશે. પ્રવાસનું આયોજન વિચારતા હો તો હવે તે શક્ય બનશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ સપ્તાહ દરમિયાન ભાગ્યના દ્વાર ખૂલતાં જોઈ શકશો. તમારી કારકિર્દીને ચાર ચાંદ લાગે એવા યોગો ઊભા થઈ રહ્યા છે. નાણાંકીય પરીસ્થિતિમાં પણ ઘણા સારા ફેરફાર જોવા મળશે. જોકે આકસ્મિક ખર્ચા પણ ઘણા આવશે. નોકરી-વ્યવસાયમાં નવા પ્રોજેક્ટ્સને કારણે થોડી વ્યવસ્તતા વધે. શક્ય છે કે સપ્તાહ દરમિયાન આપ વિદેશપ્રવાસ પણ કરી શકો છો. મકાન-મિલકતના પ્રશ્નો હજી વણઉકેલ્યા જ રહેશે.
• કર્ક (ડ,હ)ઃ સપ્તાહ દરમિયાન થોડાંઘણાં અવરોધોને બાદ કરતાં તમારા કામના સ્થળ ઉપર નવા વૃદ્ધિદાયક અવસર ઊભા થશે. પાછલાં ઉઘરાણીના નાણાં પરત મળતાં આર્થિક રાહત થાય. માતાપિતાના સ્વાસ્થ્યને લઈને થોડીઘણી ચિંતાઓ રહેશે. અવિવાહિતને યોગ્ય પાત્રની પસંદગી માટે અનુકૂળ સમય છે. વાહન-મિલકતની ખરીદીની ઇચ્છાઓ પૂર્ણ થતી જોઈ શકશો.
• સિંહ (મ,ટ)ઃ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહેશો તો જીવનમાં ઘણી બધી સરળતા થતી જોઈ શકશો. વ્યવસાય ધંધામાં થોડી પ્રતિકૂળ સ્થિતિમાંથી પસાર થવું પડે. જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો થતો જોઈ શકશો. પાર્ટનર તરફથી કોઈ નાની સરપ્રાઈઝ્ડ મળે. સ્વાસ્થ્યને લઈને થોડી વધુ સજાગતા કેળવવાની સલાહ રહેશે. વિદ્યાર્થીઓ માટે પ્રગતિકારક સમય છે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ તમને તમારો જ સ્વભાવ મુશ્કેલીમાં મૂકી શકે તેમ છે, જેથી કરીને કાળજી રાખવી. સમય સાથે જતું કરવાની ભાવના રાખશો તો ફાવશો. વ્યવસાયિક રીતે કેટલાક કઠોર નિર્ણયો લેવા પડશે, તે સમયે જો ભાવુક બનશો તો નુકસાન તમારે જ ભોગવવું પડે. નોકરીમાં બઢતી માટેના ચાન્સિસ રહેશે. સંતાનોના અભ્યાસ માટેની થોડી ઘણી ચિંતાઓ રહેશે. કોર્ટકચેરીમાં કોઇ કામ અટવાયું હોય તો હવે તેમાંથી છૂટકારો મળે એવા યોગ છે.
• તુલા (ર,ત)ઃ સપ્તાહ દરમિયાન કામકાજનું ભારણ વધતું જોવા મળશે. અંગત અને વ્યવસાયિક કાર્યો વચ્ચે બેલેન્સ જાળવવું થોડું મુશ્કેલભર્યું લાગે. તમારી ધીરજની પણ કસોટી થાય. વ્યવસાય-નોકરીમાં આક્રોશમાં આવીને કોઈ પણ નિર્ણય લેશો નહીં. આર્થિક સ્થિતિમાં સારો એવો ફેરફાર જોઈ શકશો. તહેવારોની ઉજવણીમાં પરિવાર સાથે સમય વિતાવવા માટેનું આયોજન સફળ થાય. ધાર્મિક કાર્યમાં પણ મન પરોવાય.
• વૃશ્ચિક (ન,ય)ઃ તમારો આત્મવિશ્વાસ કોઈ પણ જાતના પડકારોનો સામનો કરવામાં તમને મદદરૂપ સાબિત થાય. કોઈ મિત્રની સમસ્યાનો ઉકેલ લાવવામાં તમારો સહયોગ મહત્ત્વપૂર્ણ સાબિત થાય. નોકરી-વ્યવસાયમાં હજી થોડી વધારે મહેનત જરૂરી રહેશે. કોઈ પણ જાતના દબાણ વગર તમારી કામગીરી ચાલુ રાખજો. જીવનસાથી સાથેનો તાલમેલ જાળવવા તમારા તરફથી પહેલ કરવી જરૂરી. બાળકો પ્રત્યેની તમારી જવાબદારી સારી રીતે પૂરી કરી શકશો.
• ધન (ભ,ફ,ધ,ઢ)ઃ સપ્તાહ દરમિયાન તમારા કાર્યોમાં સફળતા મેળવી શકશો, જેના કારણે ઉત્સાહમાં વધારો જોવા મળશે. આધ્યાત્મિક કાર્યો તરફ તમારું મન પરોવાય. કરિયરને લગતો કોઈ નવો અવસર પ્રાપ્ત થાય, જેનાં કારણે તમારો સમય વ્યસ્ત પસાર થાય. પારિવારિક જવાબદારીમાં વધારો જોવા મળશે. જોકે પરિવાર સાથે આનંદથી સમય પસાર કરી શકશો. આર્થિક બોજો હળવો થાય. વ્યવસાય-ઉદ્યોગમાં તમારી પ્રગતિ થાય.
• મકર (ખ,જ)ઃ કોઈ પણ કારણસર ગેરમાર્ગે દોરવાઈ ન જાવ તેનું ખાસ ધ્યાન રાખવું જરૂરી. તમારા કામમાં થોડી વધુ સ્ફુર્તિ લાવવાથી સફળતા પ્રાપ્ત કરી શકાય. સ્વાસ્થ્યને લઈને જે ચિંતાઓ હોય તે હવે દૂર થાય. નોકરીમાં પ્રગતિકારક તકો હાથમાંથી સરી ન જાય તેનું ધ્યાન રાખજો. મકાન-મિલકત અંગેની કોર્ટ-કાર્યવાહીમાં તમારા પક્ષમાં ચુકાદો આવવાથી ટેન્શનમાં મુક્તિ મળશે.
• કુંભ (ગ,સ,શ,ષ)ઃ નવા નવા વિષયો પ્રત્યે જાણકારી મેળવવાની તમારી ધગશ અને મહેનત તમને સફળતા પ્રાપ્ત કરવામાં સહાયક બની રહેશે. નાણાકીય મામલે કોઈની સાથે લેવડદેવડમાં ફસાઈ જવાના ચાન્સીસ છે, જેથી ધ્યાન રાખવું. નોકરીમાં પોતાના લક્ષ્યને હાંસલ કરવા માટે સહયોગીની મદદ આવશ્યક થઈ પડશે. વ્યવસાયિક કાર્યોમાં ભાગીદારીથી ફાયદો જોવા મળશે. લગ્નજીવનને સફળ બનાવવા માટે થોડું સહન કરવાનું રાખશો તો ફાવશો.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ ઘણા લાંબા સમયથી જે કાર્યોની પૂર્તતા ઇચ્છતા હતા તે હવે સાકાર થાય. કોઈ જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે, જે તમારા માટે યાદગાર બની રહેશે. આર્થિક રીતે નહીં નફો નહીં નુકસાનની સ્થિતિ રહેશે. વ્યવસાયિક ક્ષેત્રે તમારા નિર્ણયો થકી ઘણાં પોઝિટિવ બદલાવ જોઈ શકશો. પારિવારિક વ્યવસાય સાથે જોડાયેલા લોકોને કાર્ય સંબંધિત ગેરસમજ સંબંધમાં પણ ખટરાગ ઊભી કરી શકે છે જેથી ધ્યાનથી આગળ વધવું.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter