તા. 29 જુલાઇ 2023થી 4 ઓગસ્ટ 2023 સુધી

સાપ્તાહિક રાશિભવિષ્ય

- જ્યોતિષી ગાયત્રી ભરત વ્યાસ Friday 28th July 2023 09:49 EDT
 
 

વાંચો, આ સપ્તાહે આપના ગ્રહોનું ફળકથન...

• મેષ (અ,લ,ઇ)ઃ આનંદ - ઉત્સાહ અને સ્ફુર્તિ સાથે કામમાં વ્યસ્ત રહેશો તો ચિંતા અને દુઃખ દર્દથી પરે રહી શકશો. નોકરી-વ્યાપાર અથવા તો પરિવારના કામમાં પણ મન પરોવી શકો છો. સાંસારિક જીવનમાં સામાન્ય મતભેદો ઊભા થઈ શકે છે. આર્થિક સ્થિતિમાં કોઈ ફેરફાર જણાતા નથી. વ્યવસાયિક રીતે જે લોકો હોલસેલના ધંધામાં હોય એમણે થોડી કાળજી રાખીને આગળ વધવું. માતા-પિતાના આરોગ્યની કાળજી રાખવી જરૂરી.
• વૃષભ (બ,વ,ઉ)ઃ માનસિક પરિસ્થિતિ થોડી તણાવભરી જોવા મળે. આશા-નિરાશા વચ્ચે મન હાલકડોલક થાય. આર્થિક રીતે થોડા વધુ પ્રયત્નો કરવાથી પરિસ્થિતિને સાનુકૂળ બનાવી શકશો. ઉઘરાણીના પૈસા પરત મેળવશો. ધંધાકીય બાબતોમાં નિર્ણય લેવામાં વિલંબ કરશો નહીં. નોકરિયાત વર્ગને ઉપરી વર્ગનો સહકાર મળશે. બઢતી માટેના પ્રયત્નો પણ સફળ થાય. વિદ્યાર્થીઓ માટે થોડો કપરો સમય રહેશે. કોર્ટ-કચેરીના કાર્યો હજી વણઉકેલ્યા રહેશે.
• મિથુન (ક,છ,ઘ)ઃ તકનો લાભ લેવાનું ચૂકશો નહીં. તમારા કાર્યો થકી અણધાર્યો ફાયદો થાય. વ્યવસાયિક રીતે કોઈ સારી ડીલ પર કામ આગળ વધારી શકશો. જોકે ખોટી લાલચમાં ન ફસાવાય એની કાળજી જરૂરી. નોકરિયાત વર્ગને નવું જોખમ કરવાથી નુકસાન ભોગવવું પડી શકે છે. જેથી હાલ જ્યાં છો ત્યાં સ્થિરતા રાખીને કામગીરી કરવી સલાહનીય રહેશે. પ્રવાસનું આયોજન સફળ બનાવી શકશો.
• કર્ક (ડ,હ)ઃ તમારો પુરુષાર્થ યોગ્ય દિશાનો અને સફળ પુરવાર થતાં ઉત્સાહ વધશે. મુશ્કેલીનો સમય હવે પસાર થઈ ગયો છે. જે કામગીરી હાથ ધરશો એમાં સફળ થશો. નોકરી-ધંધામાં તમારી સૂઝબૂઝથી માર્ગ આડેના અવરોધો દૂર કરીને આગળ વધી શકશો. સંપત્તિને લગતા પ્રશ્નોનો ઉકેલ થોડા પરિશ્રમ બાદ મેળવી શકશો. આર્થિક મુશ્કેલીઓ દૂર થાય. આરોગ્ય પણ સુધરતું જોવા મળશે.
• સિંહ (મ,ટ)ઃ આ સપ્તાહ તમારા માટે મિશ્ર પરિણામ આપનારું બનશે. શરૂઆતના ત્રણ દિવસ થોડો થાક-ઉચાટ, મન પર ભારણ અનુભવાય. જોકે અંત ભાગમાં આકસ્મિક કોઈક શુભ સમાચાર પ્રાપ્ત થતાં હળવાશ અનુભવશો. વ્યવસાયિક કામગીરીમાં કર્મચારીઓના સાથસહકાર દ્વારા તેમની સલાહસૂચનથી આગળ વધશો તો ફાયદો રહેશે. આર્થિક રીતે સમય સામાન્ય રહેશે. ઘરમાં રિપેરીંગ કરાવવાનું ઇચ્છતા હશો તો હવે શક્ય બને. પારિવારિક વાતાવરણ આનંદમય રહેશે.
• કન્યા (પ,ઠ,ણ)ઃ તમારા પ્રયત્નોનું ફળ મેળવવા માટે થોડી વધારે ધીરજ રાખવી પડશે. ઉન્નતિના માર્ગો ખુલતાં જોવા મળે. નાણાકીય મૂંઝવણોમાંથી બહાર નીકળવા માટેના રસ્તાઓ ઉપલબ્ધ થાય. નવી નોકરીની શોધખોળ પૂરી થતી જોવા મળશે. વ્યાપાર-ધંધામાં નવી ટેકનોલોજી અપનાવી જરૂરી બને. મકાન લે-વેચના નિર્ણયો લેવામાં હજી થોડી વાર લાગશે. જીવનસાથી સાથેના સંબંધોમાં સુધાર જોવા મળે.
• તુલા (ર,ત)ઃ આ સમય આરોગ્ય અને માનસિક શાંતિના મુદ્દે થોડો પ્રતિકૂળ જોવા મળે. ચિંતા-તાણ-આવેશમાં વધારો થાય. અકારણ વાદવિવાદના પ્રસંગો બળવાન બને. વાણી ઉપર અંકુશ રાખશો તો ફાયદામાં રહેશો. આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનાવવા માટે ખર્ચ પર નિયંત્રણ જરૂરી છે. નોકરીના ક્ષેત્રમાં કેટલીક સાનુકૂળતાઓ જોઈ શકશો. કોર્ટ-કચેરીના કાર્યોમાં હજી નિર્ણય આવતા વાર લાગશે.
• વૃશ્ચિક (ન,ય)ઃ આપનો આ સમય ઉત્સાહ અને આનંદથી ભરપૂર પસાર કરી શકશો. નવા-નવા કાર્યોની શરૂઆતને લઈને વધુ ઉત્સાહ મહેસૂસ કરી શકશો. જોકે અહીં ખાસ ધ્યાન એ પણ રાખવું જરૂરી છે કે કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણયો ફક્ત ઉત્સાહ કે આવેગમાં આવી ન લેશો. ફાઈનાન્સને લગતા પ્રોબ્લમ અહીં દૂર થતાં જોવા મળે. નવા રોકાણોથી લાભ મેળવી શકશો. વ્યવસાય કે નોકરીના કારણે પ્રવાસ આયોજન શક્ય બને. જીવનસાથી સાથેના ખટરાગો અહીં દૂર થાય.
• ધન (ભ,ધ,ફ,ઢ)ઃ કોઇ પણ કાર્યમાં નિરાશાવાદી અને નકારાત્મક વલણને ખંખેરી ઉત્સાહ અને આનંદ સાથે ઝંપલાવશો તો અચૂક સફળતા મેળવી શકશો. અંગત વ્યક્તિની સલાહ ઉપયોગી બનશે. નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવા માટે યોગ્ય પગલાં સમયસર લેવા જરૂરી. નવા વ્યાપારની ઇચ્છા ધરાવનાર આયોજન પાર પાડી શકશે. નોકરીમાં થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આંખ-મસ્તકની તકલીફ થોડો સમય પરેશાન કરશે. ભાઈ-બહેન સાથેના સંબંધોમાં સુધાર લાવી શકશો.
• મકર (ખ,જ)ઃ વણનોતર્યા પ્રસંગોને લઈને આ સમય થોડુંક ભારણ વધારશે. બેઠાં બેઠાં જ કોઈ મુશ્કેલીમાં ફસાઈ જાવ એવા સંજોગો ઊભા થાય. જોકે થોડી સૂઝબૂઝ રાખી કાર્ય કરશો તો મુશ્કેલીમાંથી બહાર આવી શકશો. વ્યવસાયના ક્ષેત્રમાં બદલાવ લાવવાની જરૂરત છે. ભૂતકાળની ભૂલોમાંથી બહાર આવીને નવા વિચારો સાથે કાર્ય કરશો તો સફળતા મેળવી શકશો. આર્થિક પરિસ્થિતિમાં કોઈ મોટાં ફેરફાર જણાતાં નથી. માંગલિક પ્રસંગો થકી થોડું મન હળવાશ અનુભવે. આધ્યાત્મિક ગતિવિધિમાં થોડો વધુ સમય પસાર કરશો તો આનંદ અનુભવશો.
• કુંભ (ગ,શ,સ,ષ)ઃ આપનો સકારાત્મક અભિગમ અને મહેનતુ સ્વભાવ મદદરૂપ સાબિત થાય. કાર્યક્ષેત્ર સંબંધિત નવી કાર્યને લઈને જવાબદારી આપને મળી શકે છે, જે આપ સફળતાપૂર્વક નિભાવશો. વ્યવસાય કે નોકરીના કારણે બિનઆયોજિત પ્રવાસ શક્ય બનશે. આર્થિક રીતે થોડું સાચવીને ખર્ચ કરવો જરૂરી છે. કોર્ટ-કચેરીના કાર્યોમાં ખોટા ખર્ચાઓ આવી શકે છે. સંશોધન કે વિજ્ઞાનના વિષયો સાથે જોડાયેલાં વ્યક્તિને પોતાના કાર્યોનો સાબિત કરવા માટે ઉત્તમ તકો મળે. લગ્નસંબંધી ચર્ચાઓ આગળ વધે.
• મીન (દ,ચ,ઝ,થ)ઃ આ સમય મિશ્ર પરિણામ આપનારો છે. શરૂઆતના ત્રણ દિવસ થોડો માનસિક ઉચાટ - ભારણ મહેસૂસ કરશો. જવાબદારીઓને પૂરી કરવાનું ભારણ રહેશે. જોકે બાકીના દિવસોમાં થોડી હળવાશ અનુભવશો. આકસ્મિક યાત્રા શક્ય બને. નોકરીમાં પરિવર્તન ઇચ્છતા હશો તો એ પણ શક્ય બને. આર્થિક રીતે સમય ઘણો સારો રહેશે. જૂનાં અટવાયેલાં નાણાં થકી લાભ મેળવી શકશો. વિવાહિત સંબંધમાં સમસ્યા હોય તો દૂર થાય. પરિવાર સાથે આનંદ-ઉલ્લાસપૂર્વક સમય પસાર કરી શકશો.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter