જાતે ભણાવી જુઓ!

આયાં બધા ઓલરાઇટ છે!

લલિત લાડ Friday 18th December 2015 07:33 EST
 
 

ઈંગ્લીશ મિડીયમમાં ભણતાં ટેણિયાવ શું ભણે છે એની ચિંતા કરતાં હંધાય એનારાઈ ભાઈઓ, ભાભીઓ અને ચિંતા કર્યા વિના ગોટપીટ કરતાં ભૂલકાંવ! ઈન્ડિયામાં ટ્યુશન બંધાવીને નવરા થઈ ગયેલા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

વચમાં ટ્યુશનિયા શિક્ષકો પર દરોડા પડ્યા ત્યારથી મા-બાપ ચિંતામાં પડ્યાં છે. બાળકો ન ભણે તો તેમનાં ભવિષ્યનું શું? આથી ઘણાં મા-બાપો જાતમહેનત ઝિંદાબાદ કરીને તેમનાં બાળકોને ભણાવી રહ્યાં છે... પણ જાતે ભણાવી જુઓ તો જ ખબર પડે!

૨૦૦૧ની આ વાત છે. તે દિવસે અમારી બેબીએ ઘરમાં આવતાંની સાથે કૂદાકૂદ કરી મૂકતાં જાહેર કરેલું કે, ‘પપ્પા! અમારી સ્કૂલમાં તો પરીક્ષા જ નથી લેવાના!’ તે જ દિવસથી અમને ધ્રાસકો પડી ગયેલો. બીજા દિવસે તો બેબીએ ખબર આપ્યા કે ‘હવે તો નિશાળમાં ભણાવતા જ નથી!’ અને માંડ ત્રણ દિવસ થયાં ત્યાં તો બેબી ખુશખબર લઈ આવી, ‘પપ્પા! અમારી સ્કૂલમાં કાલથી રજા!’

‘હેં?’ અમે ચોંકી ગયા. ‘શેની રજા?’

‘કેમ? ધરતીકંપ ના થયો?’ બેબીએ સામું પૂછ્યું.

‘ક્યાં થયો?’ અમે ભડક્યા, ‘તમારી સ્કૂલમાં ધરતીકંપ થયો? ક્યારે થયો? આજે?’

‘ના હવે!’ બેબી હસી પડી. ‘એ તો પેલો જૂનો ધરતીકંપ! પણ સ્કૂલમાં તિરાડો પડી છે ને, એટલે હવે રજા!’

‘કેટલા દિવસની?’ અમને એમ કે રિપેરિંગ કામ માટે રજાઓ પાડી હશે. પણ બેબી કહે, ‘હવે તો વેકેશન પછી જ જવાનું!’ અમને થયું, આ તો કેમ ચાલે? એક મહિનો તો ભૂકંપની વાતો સાંભળવામાં ગયો અને હવે માર્ચ, એપ્રિલ, મે, જૂન.... ચાર મહિના સુધી ભણવાનું જ નહીં?

અમે નક્કી કર્યું કે બેબીને ભણાવવી જ જોઈએ. તરત જ શ્રીમતીજીને કહ્યું, ‘બેબીને ભલે રજા પડી ગઈ પણ એને રોજ ઘરે ભણાવવાનું રાખો!’

‘કોણ, હું ભણાવું?’ શ્રીમતીજીએ તરત જ રોકડું પરખાવ્યું. ‘ના હોં? મને ટાઈમ ના મળે. અને મને ફાવેય નહીં. તમે જ ભણાવો!’

આમેય લેખકો અડધા માસ્તર જ હોય છે (અથવા એમ પણ કહેવાય કે લેખકોમાં અડધા માસ્તરો જ હોય છે!) પણ અમે તો માંડ સાડા ત્રણ વરસથી જ લેખક થયેલા એટલે માસ્તરીની આદત ઓછી. છતાં થયું, બીજા ધોરણનું લેસન ભણાવવામાં શી ધાડ મારવાની? હેં?

બીજા જ દિવસે શ્રી ગણેશાય નમઃ કર્યા. બેબીને કહ્યું, ‘ચાલો! નોટ પેન્સિલ કાઢો!’

બેબી કહે, ‘પપ્પા બે મિનિટ, આ પેન્સિલ છોલીને આવું છું.’ બેબી ઓટલા પર પેન્સિલ છોલે અને અમે ડ્રોઈંગરૂમમાં રાહ જોઈએ. આમ ને આમ દસ મિનિટ વીતી ગઈ એટલે મેં બૂમ પાડી, ‘હજી કેટલી વાર?’

‘જુઓ ને? આ પેન્સિલ બટકી જ જાય છે!’

‘તને છોલતાં નહીં આવડતું હોય.’

‘આવડે છે હોં!’ બેબીએ તરત જ કહ્યું, ‘પણ આ પેન્સિલ જ એવી છે. વારેઘડીએ બટકી જાય છે.’

‘તો બીજી પેન્સિલ લઈ લે, એ છોલી કાઢ.’ અમે રસ્તો બતાડ્યો.

પણ બેબી કહે, ‘બીજી પેન્સિલો તો છોલેલી જ છે!’

‘હેં?’ અમે ચમક્યા. ‘છોલેલી જ છે? તો છેલ્લી દસ મિનિટથી આ પેન્સિલ કેમ છોલ્યા કરે છે?’

‘છોલવી પડે.’ બેબીએ ખુલાસો કર્યો ‘અમારાં બહેને કહ્યું છે કે ભણવા બેસીએ ત્યારે કંપાસમાં ઓછામાં ઓછી ચાર પેન્સિલો છોલેલી તૈયાર હોવી જોઈએ એટલે ટાઈમ ના બગડે!’

‘ઉફ્ફ!’ અમે કપાળ ફૂટ્યું. ‘અત્યારે ટાઈમ ના બગડ્યો? જો, તારી બહેનની વાત તારી સ્કૂલમાં રાખવાની. અહીં હું કહું એમ કરવાનું. ચાલ, હવે બેસ જોઉં?’

બેબી છેવટે બેઠી ખરી. પણ એનો જીવ પેન્સિલમાં જ હતો. મેં કહ્યું, ‘હવે એ પેન્સિલને બાજુમાં મૂકને?’

‘આ શાર્પનર જ ભંગાર છે.’ બેબી બોલી, ‘પપ્પા, મારી એક બેનપણી છેને, એની પાસે એવું શાર્પનર છે કે એમાં રબ્બર પણ હોય! તમે મને એવું લાવી આપશો?’

‘શાર્પનરમાં રબ્બર હોય?’ અમને નવાઈ લાગી.

‘અરે પપ્પા, પેન્સિલમાં પણ રબ્બર હોય!’

‘હા, હા હવે ખબર છે!’ અમે બોલ્યા, ‘ચાલો હવે ભણવા બેસીશું?’

અમે ખરેખર સિરીયસ હતા.

પણ અમારી બેબીએ અમને સિરીયસલી કીધું, ‘પપ્પા, મારી પાસે સારી પેન્સિલો જ નથી. મમ્મી લાવી જ નથી આપતી. તમે લાવી આપશો?’

અમને થયું, શુભસ્ય શીઘ્રમ! બેબી પાસે સુંદર પેન્સિલો હશે તો તેને ભણવામાં વધુ રસ પડશે. અમે તરત જ બેબી માટે પેન્સિલની ખરીદી કરવા નીકળ્યા. અમે છાપામાં ચાઈલ્ડ સાયકોલોજી વિશે છપાતી વાતો વાંચી વાંચીને એવું માનતા થઈ ગયા હતા કે શિક્ષણ પોતે એટલું મહત્ત્વનું નથી, પરંતુ શિક્ષણનું વાતાવરણ ખૂબ જ મહત્ત્વનું છે. પેન્સિલો આ જ આદર્શ વાતાવરણનો ભાગ હોવાથી અમે અમારી બેબીને શ્રેષ્ઠ પેન્સિલો લાવી આપવાના મૂડમાં હતા.

જ્યારે અમે ઘરે પાછા આવ્યા ત્યારે મારા ખિસ્સામાંથી ખાસ્સા દોઢસો રૂપિયા ઓછા થઈ ગયા હતા! મારી બેબી ખુશખુશાલ હતી અને અમે સ્વપ્નલોકમાંથી પાછા ફર્યા હોઈએ તેમ દિગ્મૂઢ હતા.

બેબીએ અમને મસ્કા મારીને, જીદ કરીને, રિસાઈને, રડીને લગભગ એક ડઝન જુદી જુદી પેન્સિલો લેવડાવી. એક એવી પેન્સિલ જેમાં રબ્બર હોય, એક એવી પેન્સિલ જેના છેડા પર પ્લાસ્ટિકનું રમકડું હોય, એક પેન્સિલને તો વળી ટોપી હતી! બીજી એક પેન્સિલનું નામ ‘ધક્કા પેન્સિલ’ હતું, જેમાં છુટ્ટી અણીઓ હોય. આગળથી ઘસાયેલી અણી પાછળ નાખીએ એટલે ધક્કાથી નવી અણી બહાર આવે. એક જરી જરી ચમકતી પેન્સિલ, એક કાર્ટૂનવાળી પેન્સિલ, એક એબીસીડીવાળી પેન્સિલ... અમે ખરેખર દિગ્મૂઢ હતા!

ઘરે આવીને બેબી શ્રીમતીજીને કહે, ‘પપ્પા બહુ જબરા છે, મારી મોસ્ટ ફેવરિટ પેન્સિલ તો લઈ જ ના આપી.’

‘કેવી પેન્સિલ?’

‘મમ્મી! એમાં લખતી વખતે લાઈટ થાય છે!’

જોકે અમને મોડે મોડે લાઈટ થઈ કે હોમ ટ્યુશનના પહેલા દિવસનું ટાઈમટેબલ તો ખરીદીમાં જ પૂરું થઈ ગયું હતું. છતાં બેબીનો શોપિંગ-ઉત્સાહ અકબંધ હતો. ‘પપ્પા, મારી એક બેનપણી છે ને, એની પાસે કેવું રબ્બર છે ખબર છે? ઉંદરડા જેવું! ભૂંસીએ ને, તો ચૂંચૂં અવાજ આવે, બોલો!’

પત્યું. મને થયું કે હવે રબ્બર પુરાણ ચાલશે. પણ તરત જ શ્રીમતીજી મેદાનમાં આવ્યા. ‘રહેવા દો હોં? એની પાસે બહુ રબ્બરો છે. પાછી તમને મસ્કા મારીને જાતજાતનાં રબ્બરો લેવડાવશે.’

‘જા...ને મમ્મી!’ બેબીએ બૂમાબૂમ કરીને એની મમ્મીને પાછી રસોડામાં ધકેલી. પછી મારી સામે વટ મારતી હોય તેમ કહે, ‘પપ્પા તમને ખબર છે, મારી પાસે કંપાસ કેટલા છે?’

‘કેટલા છે?’ અમે પૂછ્યું.

‘સાત!’ બેબીએ ગર્વથી કહ્યું, ‘અને એમાંથી બે તો ડબ્બલ ડેક્કર છે!’ હવે ડબલ-ડેક્કર કંપાસ કેવા હોય તેની ડીટેઈલમાંથી હું ઊતરીશ તો ભણાવવાનું આઘું જ રહી જશે એમ સમજીને અમે બીજા દિવસે સીધા પ્રોબ્લેમ સોલ્વિંગ મેથડ પર આવી ગયા.

‘બોલ જોઉં? આગળનો સવાલ શું છે?’

બેબીએ ગણિતની ચોપડીમાંથી સવાલ વાંચ્યો, ‘ગુણાકાર શું છે?’

‘હેં?’ અમે ચમક્યા. ‘આ તે કંઈ સવાલ છે?’

‘એનો જવાબ આપવાનો છે.’ બેબીએ કહ્યું, ‘ગુણાકાર શું છે?’

‘ત્રાસ છે.’ અમે અકળાયા. ‘ગુણાકાર શું છે? આવો તો કંઈ સવાલ હોતો હશે?’

‘છે જ ને?’ બેબીએ કહ્યું, ‘સવાલ તો આ રહ્યો.’

અમે ચોપડીમાં જોયું. સવાલ તો એ જ હતોઃ ‘ગુણાકાર શું છે?’ ચોપડીનાં પાનાં ઉથલાવ્યાં, વાંચ્યું, પણ સમજ ન પડી. અમે શ્રીમતીજીનો સહારો લીધો. ‘અરે, આ ખબર છે તને? ગુણાકાર શું છે?’

‘ના રે ભઈ, મને નથી ખબર હોં?’

‘બીજા ધોરણનો ગણિતનો સવાલ છે, તને નથી ખબર?’ અમે કહ્યું. ‘તું રોજ બેબીને લેસન કરાવે તો ય નથી ખબર?’

‘નથી ખબર.’ શ્રીમતીજીએ વઘાર કરતાં કહ્યું, ‘હું ભણતી હતી ત્યારે બીજા ધોરણમાં આવું નહોતું આવતું. તમે બીજું ધોરણ ભણ્યા હો તો કહો.’

‘એટલે?’ અમે ચોંક્યાં. ‘હું બીજું ધોરણ ભણ્યો જ નથી એમ?’

‘શી ખબર?’ નહીં જ ભણ્યા હો...ને? બાકી આટલો સવાલ ના આવડે?’ શ્રીમતીજી અમારા પર અકળાયા. ‘આમ તો આખો દહાડો જાડાં જાડાં થોથાં વાંચ્યા કરો છો, તે આટલું તો ક્યાંક વાંચ્યું હશે ને?’

‘અરે પણ - એ બધી વાર્તાની ચોપડીઓ છે. એમાં ગણિત ના હોય. અને આ સાવ સાદો સવાલ છે. ગુણાકાર શું છે?’ અમે હવે ખરેખર મૂંઝાયા. બેબીને જવાબ તો આપવો જ રહ્યો. છેવટે અમે અમારા મિત્રને ફોન જોડ્યો.

‘હલો ગિરીશભાઈ, તમે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છો ને?’

‘હા કેમ?’

‘બસ. તો આ સવાલનો જવાબ આપો, ગુણાકાર શું છે?’

સામે છેડે સોંપો પડી ગયો. થોડી વાર પછી ગિરીશભાઈ કહે, ‘લલિતભાઈ, આ ફિલોસોફીનો સવાલ લાગે છે. ગણિતમાં આવા તાત્વિક સવાલો નથી હોતા. એમાં તો સરવાળા-બાદબાકી જ હોય.’

‘યાર, આ બીજા ધોરણનો સવાલ છે!’ અમે અમારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મિત્ર આગળ રહસ્ય ખોલ્યું.

આ સાંભળીને તો ગિરીશભાઈ ખરેખર મૂંગામંતર થઈ ગયા. અમે પોકાર કરીને સવાલ દોહરાવ્યો, ‘ગિરીશભાઈ, ગુણાકાર શું છે?’

ત્યાં તો બેબી મોટા અવાજે બોલી, ‘ગુણાકાર એ સરવાળાનું સાદું રૂપ છે!’

અમે હવે ખરેખર ડઘાઈ ગયા. ફોન મૂકી દીધો. બેબી પાસે જઈને પૂછ્યું, ‘તને કોણે કીધું?’

આ ગાઈડમાં લખ્યું છે! જુઓ. બેબીએ અમને ગાઈડ બતાડી. ‘જુઓ, આ લખ્યું. ગુણાકાર એ સરવાળાનું સાદું રૂપ છે.’

•••

બસ એ દિવસથી અમે અમારી બેબલીને ભણાવવાનું મૂકી દીધું છે! લ્યો ત્યારે ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઈટ છે!


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter