તાજા... નવા... ‘બંધ!’

આયાં બધા ઓલરાઇટ છે!

લલિત લાડ Wednesday 24th February 2016 07:25 EST
 
 

બારે મહિના અને ચોવીસ કલાક હંધીએ ચીજું જ્યાં અટક્યા વિના હાલતી જ રહે છે એવા દેશમાં વસતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! જ્યાં સમય તો શું, ઇતિહાસ પણ થંભી જાય છે એવા ઇન્ડિયામાં બગાસાં ખાતાં હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ.

ઇન્ડિયામાં જો રાજકારણીઓને ચાલવું હોય તો એ લોકો બધું ‘બંધ’ કરાવવામાં માને છે! પણ ‘ગુજરાત બંધ’, ‘ભારત બંધ’ કે ‘ટ્રેન બંધ’ અને ‘બસ બંધ’થી નુકસાન કોને થાય છે? આપણને જ! એટલે હવે જરૂર છે નવા અને તદ્દન ઓરિજિનલ ‘બંધ’ની...

તાજા... નવા... ‘બંધ!’

છાશવારે અપાતા ‘અમદાવાદ બંધ’થી માંડીને ‘પાડાપોળ બંધ’ અને ‘પટવાશેરી બંધ’નાં તમામ એલાનોથી પ્રજા તો ઠીક, હવે રસ્તા પર ભટકતી ગાયો પણ કંટાળી રહી છે (તમે ધ્યાનથી જોજો, ‘બંધ’ના દિવસે ગાયો પણ રસ્તા પર બેઠી બગાસાં ખાતી હોય છે!)

બીજા દિવસનાં છાપાંમાં એકાદ ઉજ્જડ રસ્તાનો ચાર દિવસ પહેલાં છપાઈ ગયેલો હોય તેવો જ ફોટો જોઈને એ છાપું ‘સ્વયંભૂ’ રીતે ફાડી નાખવાનું મન થાય છે. અમને હજી સુધી એ નથી સમજાતું કે અમે અમારી કરિયાણાની દુકાન બંધ રાખીએ એનાથી કાશ્મીરના આતંકવાદીઓના પેટમાં કયું તેલ રેડાઈ જવાનું છે? અને અમે પાનના ગલ્લાના અડધા શટર નીચેથી પાનમલાસાલાના સોદા કરીએ એમાં સરકારની કઈ ઊંઘ ઊડી જવાની છે?

ટૂંકમાં, આ બધા ‘બંધ-ફંધ’ વડે મારા જેવા મામૂલી માણસો જ હેરાન થાય છે અને મિનિસ્ટરની ફાંદ પરથી માખેય નથી ઊડતી! એટલે હવે એ સમય આવી ગયો છે કે તદ્દન નવાં અને ઓરિજિનલ એલાનો થવાં જોઈએ. એવાં એલાનો કે જેના લીધે જનતા તો જલસા કરતી રહે, પણ મિનિસ્ટરોની મોંકાણ મંડાઈ જાય!

એર-કન્ડિશનર બંધ

આ એલાન હેઠળ સરકારના તમામ મિનિસ્ટરો, સચિવો, સેક્રેટરીઓ અને વિવિધ બોર્ડના પ્રમુખો અને ચેરમેનોનાં ઘરનાં, ઓફિસોનાં, કારનાં અને બાથરૂમોનાં તમામ એર-કન્ડિશનરો ‘બંધ’ પાળશે. જો આ એર-કન્ડિશનરો બંધ નહિ પાળે તો તેમના પર દાદાગીરી કરવામાં આવશે. પેટ્રોલ અને કેરોસીન જેવાં પ્રજ્વલનશીલ હીટર વડે એર-કન્ડિશનરોને બાળી નાખવામાં આવશે જેથી એર-કન્ડિશનરો ‘સ્વયંભૂ’ બંધ પાળી શકે.

આ પ્રકારના બંધથી સરકારને શબ્દશઃ (લિટરલી) પરસેવો છૂટી જશે! અને રેબઝેબ થયેલી સરકારને પરસેવાની ગંધ કેવી હોય અને પરસેવો પાડવો કોને કહેવાય તેનું પ્રેક્ટિકલ ભાન થશે.

કાર બંધ

આપણા મિનિસ્ટરોને કાર વિના સરકાર ચલાવવાનું ફાવતું જ નથી. એટલે જે દિવસે ‘કાર બંધ’નું એલાન આપવામાં આવ્યું હશે તે દિવસે સરકારની તમામ કારો (જેમાં સરકારી જીપો અને મેટાડોર્સનો પણ સમાવેશ થાય છે) તેનાં તમામ ટાયરો પંક્ચર કરી નાખવામાં આવશે.

‘કાર બંધ’ના દિવસે જે મિકેનિક સરકારી વાહનનાં ટાયરનું પંકચર કરતો માલૂમ પડશે તેને ‘દુકાન બંધ’નો પરચો બતાડવામાં આવશે. અસરકારક ‘કાર બંધ’નું પરિણામ એ આવશે કે મિનિસ્ટરોને સામાન્ય માણસોની જેમ બસ, રિક્ષા કે ટ્રેનમાં પ્રવાસ કરવો પડશે અને ત્યારે જ તેમને સમજાશે કે સરકાર એ કાર નથી.

કમાન્ડો બંધ

પ્રજા બિચારી ટ્રેનોમાં, બસમાં, સડકો પર, મંદિરોમાં, મેળાઓમાં કોઈ પણ જાતના રક્ષણ વિના ફર્યા કરે અને મિનિસ્ટરોની આજુબાજુ ચોવીસે કલાક કમાન્ડો હોય તે કેમ ચાલે?

‘કમાન્ડો બંધ’ના દિવસે મિનિસ્ટરોના તમામ સુરક્ષા કર્મચારીઓને પકડી પકડીને કૂતરાગાડીમાં પૂરી દેવામાં આવશે. જો સુરક્ષા કર્મચારીઓ ‘સ્વયંભૂ’ રીતે કૂતરાગાડીમાં પુરાવાનું પસંદ ન કરે તો કૂતરાગાડીઓમાં પુરાયેલા હડકાયા કૂતરાઓને તેમના પર છોડી મૂકવામાં આવશે. છેવટે સુરક્ષા કર્મચારીઓને પણ સમજાશે કે પ્રધાનોની સુરક્ષાની જવાબદારી ભલે તેમની હોય, પણ તેમની સુરક્ષાની જવાબદારી તો પ્રધાનો પણ લેવા તૈયાર નથી!

માઇક બંધ

આપણા દેશના તમામ પ્રધાનોનાં મગજ માઇકપ્રધાન હોય છે. માઇક જોતાંની સાથે જ તેમના મગજમાંથી અચાનક ખાસ પ્રકારનાં રસાયણોનો ધોધ વછૂટે છે, જેના કારણે તેમની જીભ સળવળવા માંડે છે અને પેટમાં ભાષણનો આફરો ચડવા માંડે છે.

‘માઇક બંધ’ના એલાનના દિવસે આપણા ઉત્સાહી સ્વયંસેવકો જ્યાં જ્યાં સભા-સમારંભ ચાલી રહ્યા હોય ત્યાં છૂપી રીતે પહોંચી જશે અને જેવા મિનિસ્ટર માઇક પર આવે કે તરત જ ‘માઇક બંધ’ શરૂ કરી દેશે. અમે જાણીએ છીએ કે માઇક બંધના આ કાર્યક્રમની મિનિસ્ટરો ઉપર બહુ ગંભીર માનસિક અસરો થશે, પરંતુ ‘માઇક બંધ’નો પ્રોગ્રામ ઘડતાં પહેલાં આપણે મેન્ટલ હોસ્પિટલમાં વધારાની ૩૦-૪૦ પથારીની વ્યવસ્થા અગાઉથી જ કરાવી રાખીશું!

જો ‘માઇક બંધ’નું આંદોલન માત્ર એક અઠવાડિયું ચલાવવામાં આવે તો અમને ખાતરી છે કે સરકારની ખરેખર ‘બોલતી બંધ’ થઈ જશે!

ટીવી બંધ

‘માઇક બંધ’ના એલાન દરમિયાન જ્યાં જ્યાં ટીવી ચેનલો માટે મિનિસ્ટરો ભાષણ ભરડી રહ્યા હોય કે બટન માઇક્રોફોન લગાડીને ટીવી સ્ટુડિયોમાં ગોઠવાઈ ગયા હશે તેવાં તમામ માઇકો પણ બંધ કરવામાં આવશે.

પણ ટીવી ચેનલવાળાઓ અવળચંડા છે એટલે તેઓ અગાઉના ફૂટેજ બતાડ્યા કરશે. મિનિસ્ટરોને બોલતા નહિ તો હોઠ ફફડાવતા બતાડશે, પણ ‘ટીવી બંધ’ના એલાનને દિવસે સ્વયંભૂ રીતે જ જેવા પ્રધાનો ટીવી પર દેખાય તે તરત જ લોકો ‘ટીવી બંધ’ કરી દેશે.

છાપાં બંધ

આપણે રોજ છાપાંમાં જોઈએ છીએ કે તેમાં અડધોઅડધ પાનાં ભરીને તો જાહેરખબરો જ આવે છે. બાકી રહેલી અડધી જગ્યામાં આપણા રાજકારણીઓ ક્યાં શું રાંધી રહ્યા છે, ક્યાં શું બાફી રહ્યા છે અને ક્યાં કેવી ખીચડી પકાવી રહ્યા છે તેના જ સમાચારો હોય છે એટલે ‘છાપાં બંધ’ના દિવસે ખરેખર છાપાં બંધ નહિ કરાવવામાં આવે, પણ દરેક છાપાની ઓફિસે હજારો લોકો ઘેરો ઘાલશે અને રાજકારણીઓના સમાચારવાળા છાપાંની એક પણ કોપી બહાર નહિ જવા દે!

બે ઘડી તંત્રીઓને થશે કે જો આવું બધું નહિ છાપીએ તો છાપામાં છાપીશું શું? તો આપણે કહીશું કે ભાઈલોકોના સમાચાર છાપોને? આતંકવાદીઓના હુમલા વિશે અઢી ડઝન નેતાઓ શું કહે છે તેના બદલે જે અઢી ડઝન મામૂલી ઇન્સાનો મર્યા છે તેમનાં સગાંવહાલાં શું કહે છે તે છાપોને? અમારા મહાન મિનિસ્ટરો માલદીવ્સમાં કે યુનોમાં જઈને શું ગાણાં ગાવાના છે તેના બદલે આ નવરાત્રિમાં અમારાં મેઘરજ, મહુડી અને માણાવદરમાં ક્યાં ગરબા ગ્રૂપો કેવા ગરબા ગાવાનાં છે તેની વાત કરોને?

દિલ્હી બંધ

તમને થશે કે અહીં ‘ગુજરાત બંધ’ તો શું, પણ ‘ઘાટલોડિયા બંધ’ કરાવતાં તો ફેં ફાટી જાય છે ત્યાં તમે અહીં બેઠાં બેઠાં દિલ્હી બંધ કેવી રીતે કરાવશો? પરંતુ થોભો, આ ‘દિલ્હી બંધ’ જુદી જાતનો છે.

આપણી રાજ્ય સરકારના તમામ સભ્યોને દર ત્રીજી મિનિટે દિલ્હી ફોન કરવાનો અને દર ત્રીજા દિવસે વિમાનમાં બેસીને ‘દિલ્હી દૂર નહિ’ સાબિત કરવાનો રોગ હોય છે. આપણા ઉત્સાહી સ્વયંસેવક આવા રોગનાં લક્ષણોને ઊગતાં જ ડામી દેવા માટે મિનિસ્ટરોના ફોન ‘ચક્કાજામ’ કરી નાખશે અને એરપોર્ટ ઉપર જે કોઈ મિનિસ્ટર દિલ્હીની ફ્લાઇટ પકડવા માટે આવેલો દેખાશે તેને એરપોર્ટના ‘મેન્સ રૂમ’માં બંધ કરી દેશે!

બિચારા મિનિસ્ટરોને આમ ‘બંધ’ કરી દેવાથી હેરાન તો થશે, પણ શું થાય? છેવટે આ હેરાનગતિના બદલારૂપે તેઓ જે તે ‘મેન્સ રૂમ’માં બંધ થઈ ગયા હતા તેના બારણાનું અંદરથી ‘ઉદ્ઘાટન’ કરવા દેવાની બે કલાક બાદ છૂટ આપવામાં આવશે.

હપ્તા બંધ

ગુજરાતમાં એક પ્રચલિત મોડર્ન કહેવત એવી છે કે ગુજરાતની દરેક સરકાર હપ્તા આધારિત છે અને આ ખાસ હપ્તાનું નામ છે દારૂનો હપ્તો.

‘ગુજરાત બંધ’ અને ‘પટવાશેરી બંધ’ તો હજી હવે આવ્યાં, બાકી આ ‘દારૂ બંધ’ તો વરસો પહેલાં ખુદ સરકારે જ જાહેર કરેલો છે અને લોકવાયકા મુજબ આ ‘દારૂ બંધ’ અકબંધ રહે તેવા પુણ્ય હેતુથી હપ્તા પદ્ધતિની સ્થાપના કરવામાં આવી હતી. આજે આ હપ્તા પદ્ધતિ આખા ગુજરાતમાં પ્રચલિત થઈ ગઈ છે.

જ્યારે આપણા ઉત્સાહી સ્વયંસેવકો આ ‘હપ્તા બંધ’નું સફળ અમલીકરણ કરવા માંડશે ત્યારે સરકાર છેક નીચેથી ઉપર ધ્રૂજી ઊઠશે અને ભલભલા મિનિસ્ટરોનો સત્તાનો નશો ઊતરી જશે.

અને એક મિનિટ, આનો મતલબ એમ હરગીજ નથી કે દારૂ બંધ થઈ જશે. જાહેર જનતાની સુવિધા માટે દારૂ તો જ્યાં જ્યાં, જેમ જેમ અને જેટલો જેટલો મળે છે તે તો મળ્યા જ કરશે, પરંતુ હપ્તા નહિ મળે! આના કારણે પોલીસો પણ ‘સ્વયંભૂ’ રીતે દારૂના અડ્ડાઓ પર ત્રાટકશે, પરંતુ ત્યાં સુધી ‘હપ્તા બંધ’નું આંદોલન પણ સ્વયંભૂ રીતે જનજાગરણ(!) આંદોલનમાં ફેરવાઈ ગયું હશે એટલે જેવો એક અડ્ડો બંધ થાય ત્યાં તો બીજા દસ અડ્ડા સ્વયંભૂ રીતે ફૂટી નીકળશે!

દિમાગ બંધ

અને આ તમામ બંધો પછી પણ જ્યારે સરકારની આંખો નહિ ઊઘડે ત્યાં આવશે... તમામ બંધોના ઊંડા અંધારેથી પરમ તેજે લઈ જનાર... ‘દિમાગ બંધ!’

આ બંધ તેના તમામ અર્થોમાં સ્વયંભૂ બંધ છે.

‘દિમાગ બંધ’નું પાલન કરનારે પોતાના દિમાગના તમામ દરવાજાઓ એક પછી એક બંધ કરવાના રહેશે. આમ કરવા માટે પહેલાં તો તમારે ‘છાપાં બંધ’ પાળવો. મતલબ કે છાપાં વાંચવાનાં બંધ કરો. ત્યાર બાદ ‘ટીવી બંધ’ કરો એટલે કે ટીવી જોવાનું બંધ કરો (રાતના ઊંઘ સારી આવે તે માટે તમે જે દૂરદર્શનના પ્રોગ્રામો જોતા હતા તે પણ બંધ કરવા પડશે.)

હવે છાપાં-ટીવીથી આગળ વધીને પોળના નાકે ‘ચર્ચા બંધ’ કરો, પાનના ગલ્લે ‘ગપાટા બંધ’ કરો અને ઓફિસમાં ‘ડિસ્કશન બંધ’ પણ કરવા જ માંડો. જો તમે આ પાંચ જાતના બંધ પહેલા પાંચ દિવસમાં કરી શક્યા હો તો માનવું કે તમે સફળ થઈ રહ્યા છો. હવે ગાંધીજીના ત્રણ વાંદરાઓને યાદ કરો અને ‘આંખ બંધ’ ‘કાન બંધ’ તથા ‘મોં બંધ’ કરી દો!

આમ એક સપ્તાહ સુધી કર્યા પછી આપોઆપ તમારું જડબેસલાક ‘દિમાગ બંધ’ થઈ જશે! અને પછી તો જીવતેજીવત મોક્ષ મળ્યા સરખી અનુભૂતિ થવા લાગશે. તમારી ભૂખ ઊઘડશે, ચહેરા પર કાંતિ આવશે, મનમાં તાજગી આવશે, શરીરમાં સ્ફૂર્તિ આવશે અને રોટલી, શાક, દાળ, ભાત, પાપડ અને અથાણાં જેવી મામૂલી વસ્તુઓની કિંમત સમજાવા લાગશે.

અને બોલો, રોટલી - શાક, દાળ - ભાત - પાપડ - અથાણાંથી વધારે મહત્ત્વનું જિંદગીમાં છે પણ શું? કમ-સે-કમ આપણા મિનિસ્ટરો તો નહિ જ, રાઈટ?

લ્યો અમે તો જાતજાતના તુક્કા લડાવતા જ રહેવાના, અટલે તમ તમારે ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઇટ છે!


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter