દેશી જુરાસિક વર્લ્ડ

આયાં બધા ઓલરાઇટ છે!

લલિત લાડ Wednesday 01st July 2015 09:52 EDT
 
 

શાનદાર મલ્ટીપ્લેક્સમાં જોરદાર થ્રી-ડી ઈફેક્ટમાં જુરાસિક વર્લ્ડ જોઈને આવેલા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ-ભાભીઓ અને ભૂલકાંવ, ઈન્ડિયામાં ગરોળીઓને જોઈને જુરાસિક પાર્કનો સંતોષ લેતાં હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

‘ગોડઝિલા’ ફિલ્મની વાર્તા એવી છે કે આટલાન્ટિક મહાસાગરમાં અણુધડાકા થવાને કારણે તેના વિકિરણોની અસરથી એક ટાપુનું ગરોળી જેવું પ્રાણી ડાયનોસોર જેટલું મોટું બની ગયું. ગોડઝિલા તરીકે ઓળખાતી એ ‘ગરોળી’ ન્યૂ યોર્કમાં આવી પહોંચે છે અને ભાંગફોડ કરવા લાગે છે... આવું જ કંઈક પોખરણમાં બન્યું હોય તો? પ્રસ્તુત છે પોખરણની અણુગરોળીનો સનસનાટી ભર્યો અહેવાલ....

આત્મવિશ્વાસનો અભાવ

અણુધડાકા પછીના બરાબર ૯૧મા દિવસે પોખરણના રણમાં એક ગરોળી આળસ મરડીને બેઠી થઈ. તેણે પોતાના શરીર તરફ જોયું. તેનું શરીર અતિશય વિકરાળ થઈ ગયું હતું. તેના મનમાં પહેલાં તો ફાંકો આવી ગયો, ‘હવે હું સામાન્ય ગરોળીમાંથી એક મહાસત્તા બની ગઈ છું!’ પણ બીજી જ ક્ષણે તેના પેટમાં ફાળ પડી, ‘પણ હવે હું મારું પેટ શી રીતે ભરીશ? પહેલાં તો સારું હતું કે એકાદ-બે મચ્છરો ખાઈને મારું ગાડું ગબડી જતું હતું. પણ હવે?’

ગરોળી ઊભી થઈ. પોતાનો પડછાયો જોઈને તેને સમજાઈ ગયું કે તે અમેરિકન ગોડઝિલાની જેમ ૬૦-૭૦ માળ જેટલી ઊંચી નહોતી. તે પોતાની પૂંછડી પર ઊભી રહે તો પણ માંડ પાંચમા માળે પહોંચે!

તો હવે કરવું શું? છેવટે અણુગરોળીએ નક્કી કર્યું કે પેટનો ખાડો પૂરવા માટે ભારતના લોકોને ડરાવ્યા વિના છૂટકો નથી.

અણુગરોળી અમદાવાદમાં

અણુગરોળીને થયું કે આખા દેશમાં ગુજરાતીઓ સૌથી વધુ ડરપોક છે એટલે તેણે હાઈવે પરના એક એસ.ટી.ડી. બૂથ ઉપરથી અમદાવાદમાં ફોન જોડ્યો.

‘ખબરદાર! હું થોડી જ વારમાં તમારા શહેર ઉપર ત્રાટકવાનો છું!’ અણુગરોળીએ દાદાગીરી શરૂ કરી.

‘એમ? કોણ છો ભઈ તમે?’

‘હું એક વિકરાળ પ્રાણી છું. મારો ચહેરો કદરૂપો છું. મારી ચામડી જાડી છે. મારા હૃદયમાં લેશમાત્ર દયા નથી અને હું લોકો પર એવો કાળો કેર વર્તાવું છું કે લોકો ત્રાહિમામ પોકારી ઊઠે છે!’

‘અચ્છા, અચ્છા! સમજી ગયો! તમે વિધાનસભામાંથી બોલતા લાગો છો!’

‘તમે મને મામૂલી ધારાસભ્ય સમજી બેઠા છો?’ અણુગરોળી છંછેડાઈ, ‘હું એમના કરતાં પણ ખતરનાક પ્રાણી છું!’

‘એમ? તો તો લોકસભાના સભ્ય હશો. ખરું?’

અણુગરોળી ગભરાઈ ગઈ. આ દેશમાં મારાથીયે વિકરાળ પ્રાણીઓ વર્ષોથી વસે છે?

અણુગરોળી મુંબઈમાં

અણુગરોળીને જાણવા મળ્યું કે, મુંબઈના લોકો પાસે બહુ માલમલીદા હોય છે. તેમના ઉપર એકાદ ધમકીભર્યો ફોન આવે એટલામાં તો તેઓ ફફડી ઊઠે છે. અણુગરોળીએ ટેલિફોન ડિરેક્ટરીમાંથી એક મોટી પાર્ટીનો નંબર શોધીને ફોન લગાડ્યો.

‘ખબરદાર! મારી તાકાતનો તમને અંદાજ નથી! હું એકસાથે ૫૦-૬૦ માણસોને મારીમારીને અધમૂઆ કરી નાખું છતાંય મારો એક વાળ પણ વાંકો થતો નથી. મારા મસલ્સ પથ્થર જેવા છે અને મારું બોડી -’

‘એક મિનિટ, એક મિનિટ...’ સામેથી અવાજ આવ્યો, ‘...મુંબઈમાં તો આવા ત્રણ જ માણસો છે. સલમાન ખાન, અક્ષય કુમાર અને સની દેઉલ! તમે કોણ બોલો છો?’

અણુગરોળી શું બોલે? તેણે ફોન મૂકી દીધો.

અણુગરોળી દિલ્હીમાં

આખરે અણુગરોળીએ વિચાર્યું કે હવે દિલ્હી ગયા વિના છૂટકો જ નથી. લોકસભામાં બેસતા સાંસદો તેને જાતભાઈ સમજીને કમસે કમ રાજ્યસભામાં તો ગોઠવી જ આપશે!

અણુગરોળીએ દિલ્હી તરફ દોટ મૂકી. આ તરફ દિલ્હીમાં હાહાકાર મચી ગયો. ચારે બાજુ એવી અફવા હતી કે એક વિશાળકાય પ્રાણી દિલ્હીનો તખ્તો હચમચાવવા માટે ધસમસતું આવી રહ્યું છે.

અણુગરોળીએ આ અફવાનો ફાયદો ઊઠાવવાનું નક્કી કર્યું, જેથી થોડોક ભાવ તો વધારે મળે! તેણે દિલ્હીના એક રાજકારણીને ફોન કરીને ઊંઘમાંથી જગાડ્યો.

‘હલો! તમે હજી સુધી ઊંઘી રહ્યા છો?’ અણુગરોળીએ કહ્યું, ‘દિલ્હીમાં શું વાતો ચાલી રહી છે તેની તમને કંઈ ખબર જ નથી?’

‘શેની વાતો?’ રાજકારણીએ બગાસું ખાતાં પૂછ્યું.

‘એ જ કે એક વિશાળકાય પ્રાણી દિલ્હીને ખેદાનમેદાન કરી નાખવા માટે આવી રહ્યું છે. હવે કાન ખોલીને સાંભળી લો, એ પ્રાણી હું પોતે છું!’

‘એમ? શું નામ છે તારું?’

‘ગોડઝિલા!’ અણુગરોળીએ ફેંકી.

‘ગોડઝિલા?’ રાજકારણીએ સામી દાટી ભિડાવી. ‘અબે જા જા! અમે લોકો જયલલિતા જેવી જયલલિતાથી નથી ડરતા તો તારા જેવા ગોડઝિલાની શું વિસાત!’

અણુગરોળી કાશ્મીરમાં

હવે તો ત્રાસવાદ સિવાય કોઈ ઉપાય જ નહોતો. અણુગરોળી કાશ્મીરની ખીણમાં સંતાઈ ગઈ. રોજ રાત પડે તે ગામડાંઓમાં ઘૂસીને એકાદ-બે જણાંને ઓહિયાં કરી જવા લાગી. પેટમાં ખાવાનું પડવાથી અણુગરોળી જરા તાજીમાજી થઈ. પણ તેને થયું, ‘સાલી આ તે કંઈ જિંદગી છે? ફાલતુ ચોર-લૂંટારાની જેમ ગામડાંઓમાં જઈને માણસો પકડવાના? હું કંઈ મામૂલી ગરોળી નથી, હું તો અણુગરોળી છું. લોકોએ સામે ચાલીને મારી આગળ ભોગ ધરાવવો જોઈએ.’

આથી તે એક દિવસ ભરબપોરે રોફ મારતી મારતી એક ગામડામાં ઘૂસી. પણ લોકો તેને જોતાંની સાથે જ તેના પર તૂટી પડ્યા. પથ્થરમારાનો વરસાદ વરસાવી મૂક્યો અને ડંડા મારીમારીને અણુગરોળીને અધમૂઈ કરી નાખી. અણુગરોળી તો ઊભી પૂંછડીએ નાઠી.

ભાગતાં ભાગતાં તે એક ગુફામાં આવીને સંતાઈ. અહીં ત્રાસવાદીઓનો અડ્ડો હતો. ત્રાસવાદીઓ તેને જોઈને હસવા લાગ્યા, ‘કેમ? ઊભી પૂંછડીએ ભાગવું પડ્યું ને?’

અણુગરોળી કહે, ‘સાલું, મને નવાઈ લાગે છે. લોકો મારાથી ડરતા કેમ નથી?’

‘ના જ ડરે ને?’ ત્રાસવાદીએ ફોડ પાડ્યો. ‘ઈન્ડિયાના લોકો ભોળા છે. તે ત્રાસવાદથી ડરે છે, ગોડઝિલાથી નહીં.’

અણુગરોળીનો કરુણ અંત

આખરે અણુગરોળીની કમાન છટકી. હવે તે ખુલ્લેઆમ હુમલાઓ કરવા લાગી. આખા દેશમાં હાહાકાર મચી ગયો. નેતાઓને જવાબ આપવા ભારે પડી ગયા. દેશની પોલીસ મથી-મથીને થાકી ગઈ, પણ અણુગરોળી હાથમાં જ નહોતી આવતી.

આખરે એક દિવસ પોલીસ કમિશનરની ઓફિસનો ફોન રણકી ઊઠ્યો. ‘સાહેબ, એક ખુશખબર છે! અણુગરોળી મરી ગઈ!’

‘અરે વાહ? કેવી રીતે?’ કમિશનર ખુશ થઈ ગયા.

‘સાહેબ બન્યું એવું કે છેલ્લા બે-ત્રણ દિવસથી અણુગરોળીને કોઈ માણસનો શિકાર હાથ નહોતો લાગતો. આખરે કંટાળીને ગઈકાલે રાત્રે તે એક ફરસાણવાળાની દુકાને ત્રાટકી. વખારમાં ૨૫ કિલો ભજિયાં પડ્યાં હતાં. ગરોળી ભૂલથી તે ભજિયાં ખાઈ ગઈ!’

‘અરે! પણ એનાથી શું?’

‘એ જ જોવાનું છે ને? ભજિયાં જે તેલમાં તળ્યાં હતાં એ તેલ ભેળસેળવાળું હતું!’

•••

લ્યો ત્યારે, તમે જુરાસિક વર્લ્ડની ઘરોળીયું જોતાં રહો. અમે અમારી ઘરોળીઓને જોઈં છીએ! ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઈટ છે!


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter