નવી ગુજરાતી ટીવી ચેનલ!

આયાં બધા ઓલરાઇટ છે!

લલિત લાડ Wednesday 28th October 2015 07:11 EDT
 
 

ફોરેનમાં રહીને ફોરેનની ટીવી ચેનલું જોવા ટેવાઈ ગયેલા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં સાડી ત્રણસો ચેનલુંમાંથી માત્ર પસંદગીની સાડા ત્રણ ચેનલો જોતાં હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

ગુજરાતમાં ગુજરાતી ટીવી ચેનલો કેમ જામતી નથી? મોટા મોટા દિગ્ગજો નવી ગુજરાતી સેટેલાઈટ ચેનલ શરૂ ‘કરું-કરું’ કરતાં ફસકી ગયા! બીજી તરફ બે-ત્રણ ગુજરાતી ચેનલો શરૂ થતાં જ ફૂસ થઈ ગઈ! આવું કેમ? ખરી સમસ્યા એ છે કે ગુજરાતી પ્રેક્ષકોને શું જોઈએ છે તેની કોઈને ખબર જ નથી! ફક્ત અમને જ ખબર છે કે ગુજરાતી ચેનલના પ્રોગ્રામો કેવા હોવા જોઈએ...

ચેનલનું નામ

સૌથી પહેલા તો આ સેટેલાઈટ ચેનલનું નામ શું હોવું જોઈએ? જી ટીવી? (એ તો છે જ ને? હજી ઘણા ગુજરાતીઓ ઝી ટીવીને જી ટીવી જ કહે છે!) એમ ટીવી, વી ટીવી, ઝી ટીવી, પી ટીવીના ઝમેલામાં જી ટીવી ખોવાઈ જશે. એટલે જી ટીવી કેન્સલ રાખો.

તો પછી ગુજ્જુ ટીવી? આમ જોકે નામ સારું છે, પણ ગુજ્જુઓને નોન-ગુજ્જુઓ ગુજ્જુ કહે છે. ગુજ્જુને ગુજ્જુ કહેનારા ગુજ્જુઓ બહુ જુજ્જુ, સોરી, જૂજ છે! વળી ‘ગુજ્જુ ટીવી’ બોલવામાં પણ ખાસ જામે તેવું નથી. ‘યે હૈ.... ગુજ્જુ ટીવી!’ જામે છે? નથી જામતું ને?

ચેનલ કર્ણાવતી? ભાજપની પ્રોપેગેન્ડા ચેનલ જેવું લાગે છે. તો ચેનલ નર્મદા? જવા દો ને યાર, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રવાળાઓ ચેનલ શરૂ જ નહીં થવા દે! ચેનલ સાબરમતી! પાણી વિનાની લાગે છે! લાગે છે કે ગુજરાતી ચેનલ માટે કોઈ વાજબી નામ જ નહીં જડે.

જડી ગયું! લો, જડી ગયું!

‘વાજબી ચેનલ!’

કોઈ ગુજરાતી ચેનલનું આનાથી વધુ સારું નામ હોઈ જ શકે! ચેનલની પોતાની જાહેરખબરોમાં પણ આ નામ જામી જશે. ‘વાજબી ભાવે, વાજબી મનોરંજન... વાજબી ચેનલ પર!’

બીજું પણ એક સારું સ્લોગન છે - ‘ચલો, મારુંય નહીં ને તમારુંય નહીં, આપણે વાજબી ટીવી રાખો!’

વાહ! શું નામ મળ્યું છે - ‘વાજબી ટીવી!’ તો હવે આ વાજબી ટીવીના પ્રોગ્રામો કેવા હશે?

આપણ કેટલા ટકા?

આખા ગુજરાતની સમગ્ર પ્રજાનું એકમાત્ર અનોખું લક્ષણ હોય તો તે આ છે - ‘આપણા કેટલા ટકા?’ કહેવાનો મતલબ એમ નથી કે પ્રજાને કશાયની પડી નથી. મૂળ વાત એ છે કે આપણે જે કંઈ કરી રહ્યા છીએ તે કરવાથી અથવા જે કંઈ ચાલી રહ્યું છે તેમાં રસ લેવાથી આપણને ‘મળે છે શું?’

વાજબી ટીવીના આ પ્રોગ્રામમાં આ મુદ્દો સ્પષ્ટ રીતે સમજાવવામાં આવશે. બેસણામાં જવાથી ક્યારે ફાયદો થઈ શકે? રિસેપ્શનોમાં રિક્ષાભાડું અને ચાંલ્લાના રોકાણ ઉપર કેટલા ટકા નફો છૂટે છે? પાર્ટ-ટાઈમ ગોરમહારાજ બનવામાં કેટલા ટકા પ્રોફિટ માર્જિન હોય છે?

સરળ હપ્તેથી અગરબત્તીની ખરીદીમાં તેમ જ વિમાન ખરીદવા માટેની વગર વ્યાજની લોન લેવામાં કેટલા ટકાનું જોખમ રહેલું છે? (અગરબત્તી અને વિમાનના દાખલાઓથી ચોંકી ન જતા, હવે આવી જ સ્કિમો આવવાની છે!) આવા અનેક પ્રશ્નોની વિગતવાર છણાવટ આ પ્રોગ્રામમાં કરવામાં આવશે.

દાખલા તરીકે, જો તમે એક મોબાઈલ ફોનનું ડબલું (હેન્ડસેટ) સેકન્ડ હેન્ડના ભાવે અમુક રૂપિયામાં ખરીદો છો, પછી પૂરેપૂરી રકઝક અને ભાવ-તાલ કર્યા પછી સૌથી વધુ ડિસ્કાઉન્ટ અને સૌથી વધુ મફત એર-ટાઈમ આપતી કંપનીનું સીમ-કાર્ડ ખરીદો છો. જેના પેમેન્ટ માટે કંપનીને એવી તારીખનો ચેક આપો છો કે તે તારીખ પછી ત્રણ બેન્ક હોલિડે આવે છે. પછી જ્યારે તે ચેક તમારી બેન્કમાં આવે ત્યારે ત્રણ વાર પ્રેઝન્ટ અગેઈન કરીને તમે તેને પાછો ઠેલો છો અને છેવટે ખૂબ જ ટટળાવીને પહેલું પેમેન્ટ આપો છો. આ દરમિયાન તમે મોબાઈલ ફોનનો ઘાણીની જેમ ઉપયોગ કરી રહ્યા હો અને છેવટે જ્યારે અધધધ બિલ ભરવાની તમે નફ્ફટાઈપૂર્વક ના પાડો... અને જો તે સમયે કંપનીને તેનું સીમ-કાર્ડ પાછું લઈ લે તો તમને મૂળ રોકાણ પર કેટલા ટકા નફો થયો ગણાય?

બોલો, છે ને એકદમ વાજબી પ્રોગ્રામ?

લડાઈ-લડાઈ ઝટ કરો!

યુદ્ધનું નામ પડે કે તરત જ આપણને શૂરાતન ચડી જાય છે. આપણે બાંયો ચઢાવીને, મુઠ્ઠી ઊગામીને હાથમાં હથિયાર પકડી લઈએ છીએ. એ હથિયાર છે - ટીવીનું રિમોટ કંટ્રોલ!

યસ, આપણને લડાઈ ગમે છે, પણ તે ટીવી પર હોય ત્યાં સુધી! તો પછી ‘વાજબી ટીવી’ પર લડાઈનો ગેમ-શો તો હોવો જ જોઈએ ને? આ ગેમ-શોનું નામ છે ‘લડાઈ-લડાઈ ઝટ કરો!’

આ શોમાં ત્રણ ટીમો હશે - ‘સોલ્જર,’ ‘જંગ’ અને ‘નિશાના’.

જે રીતે આ ત્રણેય ફિલ્મી નામો છે, અને તે ફિલ્મોને યુદ્ધ સાથે કંઈ જ નિસબત નથી, એ જ રીતે આપણા ગેમ-શોને પણ યુદ્ધ સાથે કંઈ જ નિસબત નથી. ફક્ત બધાએ સૈનિકોનો ડ્રેસ પહેરવાનો રહેશે અને વારેવારે સેલ્યુટ માર્યા કરવાની રહેશે. ભાગ લેનારે હાથમાં રાઈફલ, મશીનગન કે પિસ્તોલ પણ ઉપાડવાની નથી. તે કામ ડમી સોલ્જરો કરશે. તમારે તો ફક્ત તમારો વારો આવે ત્યારે ફંડ-ફાળાના ડબલામાં સિક્કો જ નાખવાનો રહેશે!

સ્વયંસંચાલિત રેન્ડમ એક્સેસ કોમ્પ્યુટરો તમારા ડમી સોલ્જરો પાસે યુદ્ધ કરાવડાવશે અને સ્ટેજના વિશાળ પડદા પર દુશ્મન દેશના ઘૂસણખોરો તેમ જ સૈનિકોની લાશો ઢળતી જોઈ શકાશે. જેનો ડમી સૈનિક વધારે ખુવારી કરશે તેને ઈનામ મળશે. બોલો સાવ વાજબી વાત છે ને?

હા, જો તમે એનસીસી-ફેનસીસીની ટ્રેનિંગ લીધી હોય અને તમે તમારા ડમી સૈનિકોને બદલે જાતે યુદ્ધ કરવા માગતા હો તો તમારે માટે એક બમ્પર પ્રાઈઝ છે - અમર શહીદ મેડલ!!

ફાંદ-ફિટનેસ શો

ગુજરાતીઓ અને કસરત? રામ રામ કરો! આપણને બોડીબિલ્ડિંગમાં રસ નથી, માત્ર બિલ્ડિંગોમાં રસ છે. (અને તેમાં પણ લિફ્ટ હોય તો જ! દાદર કોણ ચડે?) ગુજરાતના પચાસ ટકા લોકો ફાંદવાળા છે અને ચાલીસ ટકા લોકો સળેખડી જેવા છે. (બાકીના દસ ટકા લોકો ધીમે ધીમે ‘ગુજરાતી’ બની જશે. ચિંતા ન કરો!) આ સૌ ગુજરાતી દર્શકોને માફક આવે તેવી કસરતોના બે શો ‘વાજબી ટીવી’ પર આવશે. ‘ધ ફાંદ-ફિટનેસ શો’ અને ‘પાપડ પહેલવાન શો.’

આ બંને શોમાં દર્શકો સોફામાં બેઠાં-બેઠાં અથવા પલંગમાં સૂતાં-સૂતાં સહેલાઈથી થઈ શકે તેવી કસરતો જોઈ શકશે. જેમ કે, સોફામાં પડ્યાં-પડ્યાં ધાણાની દાળ ચાવવાની કસરત, કે પછી પથારીમાં અમળાતાં-અમળાતાં આંગળીના ટચાકા ફોડવાની કસરત. આ ઉપરાંત જમ્યા પછી ફાંદ ઉપર હાથ ફેરવવાની સાચી રીત, પ્રવાસ દરમિયાન ફાંદની સાચવણી તથા જાળવણી, હાસ્યને કારણે ફાંદમાં ફેલાતાં આંદોલનો ફાયદાકારક છે કે નુકસાનકારક? આ બધા વિષયો પર ફાંદાળા દર્શકોને સોનેરી સલાહો આપવામાં આવશે. જ્યારે સળેખડી-છાપ દર્શકો માટે ખાસ આવા વિષયો આવરી લેવામાં આવશે. જેમ કે, - ‘પતલી કમર હૈ, તીરછી નજર હૈ,’ ‘તમે ધરતી પર બોજ નથી.’

ગુજરાતી ફિલ્મ ક્વિઝ

ગુજરાતી ફિલ્મો ઉપર કસોટી-સ્પર્ધા કેમ ન હોય? ખરેખર તો નવ્વાણું ટકા ફિલ્મો તમારી બુદ્ધિની કસોટી કરતી હોય છે! એટલે જ આપણાં ‘વાજબી-ટીવી’ ઉપર ગુજરાતી ફિલ્મો વિશે એક ક્વિઝ પ્રોગ્રામ હશે. જેમાં આવા અને આનાથી પણ ખતરનાક પ્રશ્નો પૂછવામાં આવશે.

જેમ કે -

‘વીર ખાલી જગ્યાવાળો’. આમાં ખાલી જગ્યામાં જુદાં જુદાં દસ નામો ભરી આપો!

એવી કઈ ગુજરાતી ફિલ્મ છે કે જેમાં એક પણ ગરબો નથી?

એક જ શબ્દનું નામ હોય તેવી દસ ગુજરાતી ફિલ્મોનાં નામ આપો તો ખરા!

‘જય દશામા’ ફિલ્મ સહિત અત્યાર સુધીમાં માતાજીઓ પર કેટલી ફિલ્મ બની છે? પૂરતું સંશોધન કરીને જવાબ આપજો.

આ ક્વિઝ શોનું બમ્પર ઈનામ પણ ખતરનાક છે. કોઈ પણ એક ગુજરાતી ફિલ્મના સળંગ ત્રણ શો જોવા પડશે!

આ સીઝનના મુરતિયા!

લગ્નની સીઝન આવી નથી કે છાપાંઓમાં ‘સ્વદેશાગમન’ વાળી જાહેરખબરોનો રાફડો ફાટી નીકળે છે. ફોરેનથી મુરતિયાઓનાં ધાડેધાડાં દેશી કન્યાની શોધમાં ઉતરી પડે છે. આ સૌ મુરતિયાઓની સવલત માટે આપણું ‘વાજબી ટીવી’ એક સાવ વાજબી ભાવનો પ્રોગ્રામ શરૂ કરશે - ‘આ સીઝનના મુરતિયા!’

આ પ્રોગ્રામમાં દરેક મુરતિયાને બિલકુલ વાજબી ભાવે પૂરેપૂરી પાંચ મિનિટ ફાળવવામાં આવશે. આ પાંચ મિનિટમાં મુરતિયો પોતાને લગ્નબજારમાં વાજબી ભાવે મળે તે માટે જે બતાડવું હોય તે બતાડી શકશે. અમેરિકાનું ગ્રીન કાર્ડ, પોતાનું ક્રેડિટ કાર્ડ, હેન્ડસમ ચહેરો, હાઈટ-બોડી, ઈમ્પોર્ટેડ ગોગલ્સ, ગામડાંનો બંગલો, મામાની વાડી, કાકાની વખાર, ભાભીનું કરિયાવર... પાંચ મિનિટમાં જે બતાડવું હોય તે બતાડવાની છૂટ!

બોલો, છે ને એકદમ વાજબી ઓફર?

•••

લ્યો ત્યારે, આવી ગુજરાતી ચેનલ આવે ત્યારે ખરી! બાકી તમતમારે ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઈટ છે!


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter