ફિક્સ મેચોનું ‘લાઇવ’ ટેલીકાસ્ટ!

આયાં બધા ઓલરાઇટ છે!

લલિત લાડ Wednesday 02nd September 2015 06:19 EDT
 
 

ક્રિકેટના તીર્થસ્થળ જેવા ગણાતા ઇંગ્લેન્ડ નામના દેશમાં વસતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં ક્રિકેટની પથારી ફેરવીને બેઠેલા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

હવે તો લગભગ બધા લોકો જાણે છે કે બધી જ ક્રિકેટમેચો ફિક્સ થઈ ગયેલી હોય છે. પરંતુ જ્યારે આ વાત ખરેખર જગજાહેર થઈ જશે ત્યારે ફિક્સ-ભાણાં જેવી આ ફિક્સ મેચોનાં લાઇવ ટેલિકાસ્ટ કેવા હશે? એક નમૂનો...

ફિક્સ કોચિંગ

જ્યારે કોઈ અગત્યની સિરીઝ શરૂ થવાની હોય ત્યારે મેચનો માહોલ બનાવવા માટે ટીવીમાં ખેલાડીઓ નેટ પ્રેક્ટિસ કરી રહ્યા હોય તેવું બતાડવામાં આવે છે. પરંતુ ફિક્સ મેચોની નેટ પ્રેક્ટિસ કેવી હોય?

એક બેટ્સમેન ધડાધડ ફટકાબાજી કરી રહ્યો છે. ત્યાં કોચ આવીને તેને ખખડાવવા માંડે છે, ‘અલ્યા શું માંડ્યું છે? આવી ફટકાબાજી કરવી હોય તો રણજી ટ્રોફી અને કાઉન્ટી મેચોમાં કર્યા કરજે! અહીં જરા આઉટ થવાની પ્રેક્ટિસ કર! દર વખતે બોલરને વળતો કેચ આપીને હાલતો થાય છે તો ટીવીમાં જરાય સારો નથી લાગતો! સ્લીપમાં કેચ આપતાં શીખ! અને હવે એલ.બી.ડબલ્યુ. થવાની પ્રેક્ટિસ કર! સમજ્યો?’

પછી કોચ ફિલ્ડરોને ખખડાવવા માંડશે, ‘અને તમે લોકો તમારી ફિલ્ડિંગ હવે સુધારો! બોલ તમારી બાજુમાંથી નીકળી જાય અને તમે બાઘાની જેમ ઊભા રહો છો તે હવે બિલકુલ નહીં ચાલે! ડાઇવ મારો!! અને ડાઇવ એવી રીતે મારો કે બોલ બરાબર તમારી બગલમાંથી નીકળી જવો જોઈએ! બોલ બાઉન્ડ્રી સુધી પહોંચી શકે તેવો ન હોય તો તમારી ડાઇવને લીધે તે બાઉન્ડ્રીની બહાર પહોંચી જાય તેની પ્રેક્ટિસ કરો! આપણાં ક્રિકેટ-બોર્ડો હજારોના ખર્ચે મેદાનમાં ઘાસ ઉગાડે છે તો તેનો જરાક તો ફાયદો ઉઠાવો!’

કેચની પ્રેક્ટિસ કરાવતાં કોચ કહેશે, ‘ઊંચી ઊંચી ગલોલીઓ પકડવામાં પણ હજી બહુ લોચા છે. છેલ્લી ઘડીએ તમે કેચ પકડી જ લો છો! આવું ને આવું ક્યાં સુધી ચાલશે? કો’ક દિવસ લાખોના ખાડામાં ઊતરી જશો!’

ફિક્સ પિચ રિપોર્ટ

મેચ શરૂ થતાં પહેલાં જે પિચ રિપોર્ટ બતાડવામાં આવે છે તેમાં ધરખમ ફેરફારો થશે. રવિ શાસ્ત્રી ક્રોન્યેને પૂછશે, ‘યસ ક્રોન્યે, તારા હિસાબે પિચ કેવી છે?’

ક્રોન્યે કહેશે, ‘પિચ બહુ ધીમી છે. ૧૫૦ રન તો માંડ માંડ થાય. અને આ મારો પ્રોફેશનલ રિપોર્ટ છે કારણ કે આટલું કહેવાના મેં ૧૫ લાખ રૂપિયા લીધા છે.’ ત્યાં તો ગાંગુલી કહેશે, ‘ના ના, પિચ બહુ સરસ છે. ૨૫૦ રન તો રમતાં રમતાં થશે. કારણ કે ક્રોન્યેના એજન્ટે મને ખાતરી આપી છે કે તેની ટીમના બોલરો લાઇન અને લેન્થ વિનાની બોલિંગ કરવાના છે.’

શાસ્ત્રી કહેશે, ‘ઓકે, પિચ વિશે બે જુદા જુદાં મત છે. પણ આપણે સ્પોર્ટ્સ ચેનલના પિચ એક્સ્પર્ટને પૂછીએ.’

પિચ એક્સ્પર્ટ હાથમાં હાલકડોલક થતું ત્રાજવું લઈને ઊભો હશે. તે કહેશે, ‘આ પિચ ક્યાંક ક્યાંક કઠણ છે અને ક્યાંક ક્યાંક પોચી છે. અમુક સ્પોટ પરથી બોલ બહુ ઊછળશે અને અમુક સ્પોટ પર નીચા રહેશે. ક્યારેક ધીમી લાગશે, ક્યારેક ફાસ્ટ લાગશે. ક્યારેક બેટિંગ પિચ લાગશે, ક્યારેક બોલિંગ પિચ લાગશે!’

શાસ્ત્રી પૂછશે, ‘બોસ, આવો ગોળગોળ જવાબ કેમ આપો છો?’

ત્યારે પિચ એક્સપર્ટ રડવા જેવો થઈને કહેશે, ‘ગોળગોળ જવાબ ન આપું તો શું કરું? મારે તો મારી નોકરી કરવાની છે યાર! બાકી મેચમાં તો એ જ થશે જે ફિક્સ થયેલું છે!’

ફલકચ્યુએટિંગ ફિક્સિંગ રેટ

આ એક નવું સેકશન હશે, જેમાં સૌથી પહેલાં જુગારનાં વિવિધ બજારોનાં જુદા જુદા બજારભાવ બતાડવામાં આવશે. જેથી પંટરો સૌથી ફાયદેમંદ સોદો થયા એવી શરત લગાડી શકે. ઉપરાંત અત્યારે જેમ ચાલુ મેચે રન રેટ અને આસ્કિંગ રેટ ટીવી પર બતાડવામાં આવે છે તે રીતે દરેક ઓવર નખાતાં પહેલાં જુદાં જુદાં બજારભાવો બતાડવામાં આવશે. વિકેટ પડતાંની સાથે અથવા છગ્ગો લાગવાની સાથે ભાવોમાં કડાકાબંધ ઉતારચઢાવ થતા હશે તેનો થ્રીલ કંઈ ઓર જ હશે!

ફિક્સ ફિક્સિંગના દાવા

સનસનાટીભર્યા લાઇવ ઇન્ટરવ્યૂથી ભરપૂર આ વિભાગમાં એક ટીમનો કેપ્ટન કહેશે, ‘આ મેચમાં મારી સાથે મારી ટીમના ચાર ખેલાડીઓ છે. અમે ૧૫૦ રનથી વધારે નહીં કરીએ અને ચોક્કસ હારીશું!’

ત્યાં તો એક મોટા બુકીની મુલાકાત આવશે, ‘એ કેપ્ટન ખાંડ ખાય છે! એની ટીમના એક ધૂંવાધાર બેટ્સમેન સહિત મારી પાસે ચાર ઝનૂની પૂંછડિયા ખેલાડીઓ છે. અને સ્કોર ૨૫૦થી વધારે જ થશે! એ કેપ્ટનનું કંઈ ચાલવાનું નથી!’

તો વળી બીજો બુકી દુબઈથી લાઇવ બોલતો હશે, ‘ફક્ત એક ટીમના ખેલાડીઓને ખરીદીને મેચ ફિક્સ કરવાના જમાના ગયા! મારી પાસે બંને ટીમના ચાર ચાર ટોપ ખેલાડીઓ છે અને મેચ તો ઇન્ડિયા જ હારશે!’

ઇન્ડિયાનો કેપ્ટન તેનું માદળિયું સરખું કરતાં કહેશે, ‘ફક્ત ટીમના ખેલાડીઓને ખરીદીને મેચ ફિક્સ કરવાના જમાના ગયા! મારી પાસે બને ટીમના ચાર ચાર ટોપના ખેલાડીઓ છે અને મેચ તો ઇન્ડિયા જ હારશે!’

ઇન્ડિયાનો કેપ્ટન તેનું માદળિયું સરખું કરતાં કહેશે, ‘દુબઈવાળાને જે કહેવું તે કહેવા દો. મારે અને સામેની ટીમના કેપ્ટનને વાત થઈ ગઈ છે. અમારી પાસે બંને ટીમના મળીને પૂરા અગિયાર ખેલાડીઓ છે અને અમારું ડિલિંગ દિલ્હીના ટોપ બુકી સાથે છે!’

ત્યાં તો દુબઈવાળો તાડૂકી ઊઠશે, ‘એ ડફોળ હજી કેપ્ટન જ ક્યાં થયો છે? કેપ્ટનનું નામ જાહેર થવાને હજી ત્રણ મિનિટની વાર છે અને સિલેક્શન કમિટીના ચાર સભ્યો મારા ખિસ્સામાં છે!’

બોલો, આવી ગરમાગરમી હોય તો ફિક્સ થયેલી મેચો જોવાની મઝા જ પડે ને?

ફિક્સ ટોસ

ટોસનું એવું છે કે બીજો દાવ લેનારી ટીમ હંમેશાં ફાયદામાં રહેતી હોય છે. કારણ કે પહેલી ટીમે ગમે તેટલા ઓછા રન કર્યા હોય, તેનાથી બે-પાંચ રન ઓછા કરવાનું હંમેશાં સહેલું હોય છે!

અને અત્યારે પણ તમે જોજો, કિંગ પડ્યો કે ક્રોસ એ તો ટીવીમાં સરખું બતાડતા જ નથી! હકીકતમાં તો સિક્કાની બંને બાજુઓ સરખી જ હોય છે. પરંતુ જગજાહેર ફિક્સ મેચમાં જરા મુશ્કેલી થવાની! બંને ટીના કેપ્ટનો એકબીજાને કહેતા હશે, ‘યાર, તમે પહેલાં બેટિંગ કરો!’

આપણી ટીમનો કેપ્ટન કહેશે, ‘યાર, તમે પહેલા બેટિંગ લઈ લો ને? મારી ટીમના અડધા ખેલાડીઓ મારા કહ્યામાં નથી!’

પેલી ટીમનો કેપ્ટન કહેશે, ‘ના યાર, બેટિંગ તો તમારે જ પહેલાં કરવી પડશે. મારી ટીમનો તો બારમો ખેલાડી પણ મારા કહ્યામાં નથી!’

છેવટે બંને કેપ્ટનો લખનઉના નવાબોની જેમ એકબીજાને વિવેક કરવા લાગશે, ‘પહેલે તુમ!’ ‘પહેલે તુમ!’

આમ કરતાં કરતાં કરતાં બંને કેપ્ટનો પેવેલિયન જતા રહે અને એવું બને કે અડધો કલાક સુધી કોઈ ટીમ બહાર જ ન આવે!

ફિક્સ હાઇલાઇટ્સ

જ્યારે આવી પરિસ્થિત ઊભી થાય ત્યારે જેમ મેચમાં વરસાદ પડે ત્યારે ટાઇમ પાસ કરવા માટે ટીવી પર અગાઉની મેચોની હાઇલાઇટ્સ બતાડવામાં આવે છે તે આ ફિક્સ મેચોમાં પણ હાઇલાઇટ્સ શરૂ થઈ જશે. ફરક ફક્ત એટલો જ કે આ બધી અગાઉ ફિક્સ થઈ ગયેલી મહાન મેચોની મહાન હાઇલાઇટ્સ હશે!

જેમ કે,

ફિક્સ રન-આઉટઃ કોમેન્ટેટર કહેતો હશે, ‘જુઓ જુઓ, વર્લ્ડ કપના ઇતિહાસનો સૌથી રોમાંચક ફિક્સ રન-આઉટ! મેચ જીતવા માટે ફક્ત એક જ રન કરવાનો છે, ચાર બોલ બાકી છે છતાં સામેના છેડેનો રઘવાટિયો ખેલાડી બેટ અને બોલનો સંગમ થાય તે પહેલાં જ કેવો ધસમસતો દોડી આવે છે!’ ‘અને આ જુઓ! એક સાથે બબ્બે રનઆઉટ! બંને ખેલાડીઓ અડધી પીચ આવીને ફેરફૂદરડી રમી રહ્યા છે અને ફિલ્ડરો નારગોલચું રમતા હોય તેમ બંને છેડાના સ્ટંપ્સના ચકલાં ઉડાડીને કિલ્લોલ કરી રહ્યા છે!’

ફિક્સ ડ્રોપ કેચઃ ‘અને આ જુઓ, રૂંવાડાં અધ્ધર કરી દેતો ડ્રોપ કેચ! બેટની ધારને અડીને બોલ સીધો વિકેટકીપરના ગ્લવ્સમાં ગયો, વિકેટકિપરે બોલને છટકવા દીધો. બોલ ગયો પહેલી સ્લીપમાં, પહેલી સ્લીપના ખેલાડીએ ડાઈવ મારવાનો કરીને બોલ ફરી ઉછાળ્યો, બોલ ગયો બીજી સ્લીપમાં આ ખેલાડીએ તો ગુલાંટિયા ખાધા, વારાફરતી બંને હાથે બોલને ફરી હવામાં ઉછાળ્યો, બોલ ઉછળીને છેક લેગ સ્લીપમાં આવ્યો અને લેગ સ્લીપના ફિલ્ડરે તેને લાત મારી ફરી ઉછાળ્યો...અને આ જુઓ... હવે તો વિકેટકિપર તેને આરામથી ઝીલી શકે તેવું છે...પણ...પણ..પણ.. તેણે કેચ છોડી દીધો! ઓફિશિયલ ફિક્સ ક્રિકેટની શરૂઆત થયા પછીનો આ સૌથી રોમાંચક ઓફિશિયલ ડ્રોપ કેચ છે!

ફિક્સ દાનેશ્વરી ઓવરઃ ‘અને આ છે ક્રિકેટના ઇતિહાસની સૌથી લાંબી અને સૌથી મોંઘી ઓવર! મેચ હારવા માટે લોકો શું શું નથી કરતા?’

મેચની છેલ્લી ઓવર છે અને હારવા માટે હજી ૧૯ રન આપવાના છે! પરંતુ પ્રોબ્લેમ એ છે કે સામેની ટીમના પૂંછડીયા ખેલાડીઓ બેટ જ ઊચું નથી કરતા! હવે રન આપવા તો કઈ રીતે? તો જુઓ... આ રીતે...૧૨ વાઇડ બોલ અને ૭ નો બોલ!! ફાસ્ટ એક્શનમાં જુઓ ઇતિહાસની લાંબામાં લાંબી પચ્ચીસ બોલની ઓવર!!’

ફિક્સ રેફ્રીનો નિર્ણય

આટલી બધી હાઇલાઇટ્સો બતાડ્યા પછી પણ મેચ શરૂ ન થાય એટલે મેચ રેફ્રીને બોલાવવામાં આવે. મેચ રેફ્રી બંને ટીમના કેપ્ટનો સાથે લાંબી લાંબી મસલતો કરે. છેવટે અડધા કલાકે તે બહાર નીકળે ત્યારે શાસ્ત્રી તેને પૂછે, ‘શું થયું સાહેબ? મેચ ક્યારે શરૂ થશે?’

જવાબમાં ઠાવકું મોં કરીને રેફ્રી કહેશે, ‘સમસ્યા ખરેખર ગંભીર છે. જ્યારથી ફિક્સ મેચો ઓફિશિયલ થઈ છે ત્યારથી આપણને બળવાખોર ખેલાડીઓની સમસ્યા સતાવી રહી છે. અત્યારે પણ આ બળવાખોર ખેલાડીઓને લીધે કોકડું ગૂંચવાયું છે. એકેય કેપ્ટન પોતાની ટીમના સ્કોર બાબતે કોઈ ખાતરી આપી શકતા નથી.’

‘તો પછી કરવું શું?’ શાસ્ત્રી પૂછશે.

‘જુઓ, મને ભારતીય રાજકારણનો ઊંડો અનુભવ છે.’ રેફ્રી કહેશે, ‘ત્યાં પણ બળવાખોર ધારાસભ્યોને કારણે ક્રોસ વોટિંગથી સમસ્યાઓ ઊભઈ થઈ છે. જેવી રીતે વારંવાર ચૂંટણીઓ કરાવવી મોંઘી પડે છે, તે જ રીતે વારંવાર મેચો રમાડવી પણ ખૂબ મોંઘી થતી જાય છે. પ્રેક્ષકો મેચ જોવા આવતા જ નથી. માત્ર જુગારીઓ અને બુકીઓ માટે આઠ આઠ કલાકનું જીવંત પ્રસારણ કોઈને પોષાતું નથી.’

‘એ બધુ સમજ્યા,’ શાસ્ત્રી પૂછશે, ‘પણ તમે નિર્ણય શો કર્યો?’

‘નિર્ણય એવો કર્યો છે,’ રેફ્રી કહેશે, ‘કે ભારત અનને પાકિસ્તાનની ટીમો સંયુક્ત રીતે ચેમ્પિયન બનશે અને બાંગ્લાદેશની ટીમ તેમને બહારથી ટેકો આપશે!’

લ્યો ત્યારે આ તો આમ જ હાલવાનું!


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter