શોધ કરો ભઈ શોધ!

આયાં બધા ઓલરાઇટ છે!

લલિત લાડ Wednesday 15th July 2015 06:13 EDT
 
 

સાંભળ્યું છે કે પાપારાઝી ફોટોગ્રાફરોના ત્રાસથી ખ્યાતનામ વ્યક્તિઓ બચી શકે તે માટે એક ‘પાપારાઝી ડિટેક્ટર’ નામના યંત્રની શોધ થઈ છે. જેનાથી લગભગ ૧ કિલોમીટરના વિસ્તારમાં ઝળૂંબી રહેલા પાપારાઝીઓની ચેતવણી મળી જાય છે. આવી તો અનેક શોધો આવી રહી છે, પરંતુ જ્યારે તે બજારમાં મુકાઈ જશે પછી મામલો કંઈક ઔર જ હશે.

પાપારાઝી ડિટેક્ટર

કલ્પના કરો કે ડાયેના અને ડોડી આજે જીવતાં હોત તો કોઈક અજાણ્યા, ટચૂકડા ટાપુના દરિયાકિનારે તેઓ સમુદ્રસ્નાન કરી રહ્યાં છે. ત્યાં જ ડાયેનાના પાપારાઝી પકડક યંત્રમાં ‘બીપ-બીપ’ થાય છે! ડાયેના તરત જ ડોડીને કહે છેઃ

‘કમ ઓન ડોડી! કમ ઓન! પાપારાઝીઓ આપણા ફોટા પાડવા આવી રહ્યાં છે!’

‘ઓહ માય ગોડ! ડાયેના, આપણે ક્યાં સંતાઈશું?’

‘ડોડી, તારામાં અક્કલ ક્યારે આવશે ડાર્લિંગ?’

‘કેમ હની?’

‘આપણે સંતાવા માટે નથી દોડી રહ્યાં!’

‘તો?’

‘સ્ટુપિડ, જોતો નથી? મારી બિકિનીનો કલર કેટલો ડલ છે? અને મારા ગોગલ્સ સાથે તે જરાય મેચ નથી થતી! એન્ડ લુક એટ યુ ડોડી, આ પટ્ટાવાળી ચડ્ડીમાં તું અસ્સલ જમાલપુરના ધોબી જેવો દેખાય છે!’

‘યુ મીન, ડાયેના, આપણે-’

‘ઓફ કોર્સ વળી! આપણે આપણા કોસ્ચ્યુમ્સ બદલવા દોડી રહ્યાં છીએ! લંડનનાં છાપાંઓના પહેલે પાને આપણે રંગીન ફોટા છપાવાના હોય તો આપણે એટલું ધ્યાન તો રાખવું જ પડે ને?’

સોપારીશોધક યંત્ર

આજકાલ ભારતમાં સોપારી વડે હત્યા કરાવવાનો રિવાજ વધતો જાય છે. આના કારણે અતિશય ધનાઢ્ય ફિલ્મસ્ટારો, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓમાં આવા ‘સોપારીશોધક યંત્ર’ની ડિમાન્ડ ખૂબ જ વધી ગઈ છે.

આ ડિમાન્ડને ધ્યાનમાં રાખીને એક કંપનીએ એક વૈજ્ઞાનિકને મોટ્ટા પગારે રાખી લીધો છે. હવે જુઓ, ત્યાં પ્રયોગશાળામાં શું થઈ રહ્યું છે...

‘કેમ છો પ્રોફેસર નટખટરાજન્? આપણા સોપારીશોધક યંત્રનું કામ કેટલે આવ્યું છે?’

‘સોપારીશોધક યંત્રની શોધ મેં કરી નાખી છે!’

‘શું વાત કરો છો?’

‘યસ! જુઓ આ યંત્ર! આ સોપારી ડિરેક્ટર બે કિલોમીટરના વિસ્તારમાં કોઈ કોઈને સોપારી આપતું હશે તો તે તરત પકડી પાડશે!’

‘ધેટ્સ ફેન્ટાસ્ટિક!’

‘ફક્ત એટલું જ નહીં, સોપારી લઈને આવતો માણસ જેવો ૨૦૦૦ ફૂટના અંતરમાં દાખલ થશે કે તરત આ મશીન લાલ લાઈટ સાથે ‘બીપ-બીપ’નું સિગ્નલ આપવા માંડશે!’

‘વાઉ!’

‘અરે હજી તો આની અસલી કમાલ બાકી છે!’

‘એ શું છે?’

‘જુઓ. તમે આ ચાંપ દબાવો એટલે સોપારી કયા પ્રકારની છે તે પણ ખબર પડી જશે. જેમ કે કાચી સોપારી, શેકેલી સોપારી, સેવર્ધન સોપારી, મલબારી સોપારી...’

‘એ... એ... એ... એક મિનિટ! આ તો તમે ખાવાની સોપારીની વાત કરો છો!’

‘હાસ્તો વળી! તમે પાનને ગલ્લે જઈને પાન બંધાવો, તો પાનવાળાની મજાલ નથી કે તમને ભળતી-સળતી ખવડાવી દે! આ સોપારી ડિટેક્ટર વડે-’

‘હે... ભ... ગ... વાન! હું -’

કંપની માલિકના આ છેલ્લા શબ્દો હતા. મેન્ટલ હોસ્પિટલમાં દાખલ થયાને છ મહિના થયા. હજી તેઓ કંઈ બોલતા જ નથી!

•••

પણ આપણા દેશી વૈજ્ઞાનિકો સાવ ડફોળ છે એવું નથી. એમણે ખરેખર સોપારી ડિટેક્ટર શોધી કાઢ્યું છે. એમાં એવું છે બોસ, કે પૂરા એક કિલોમીટરના વિસ્તારમાં કોઈ પણ બુલેટ, દારૂગોળો કે આર.ડી.એક્સ.ની હલચલ થતી હોય તો આ યંત્રમાં ઝડપાઈ જાય છે. મતલબ કે પેલો સોપારી કોન્ટ્રાક્ટર દેશી તમંચાથી માંડીને બોમ્બ સુધીના કોઈ પણ હથિયાર વડે હુમલો કરવા આવતો હોય તો તમને ખબર પડી જાય.

બસ, આમાં ખાલી એક જ લોચો છે. તે એ કે તમારા પોતાના બોડીગાર્ડસનાં હથિયારમાં ગોળીઓ હોય તેનું શું?

જોકે આનો ઉપોય પણ આપણી કને છે! એ હથિયારો પર એક ખાસ જાતનું ટચૂકડું ટ્રાન્સમિટર લગાડી દેવાનું! એટલે આપણા પેલા સોપારીશોધક યંત્રમાં તેની લાઇટ જ ન બતાડે!

બસ? પતી ગયું ને? હવે જે કોઈ માણસ હથિયાર લઈને તમારી તરફ આવતો હોય, તો એ કાં તો ઇન્સપેક્ટર હોય, કાં તો સોપારી-શૂટર હોય! જો સોપારી-શૂટર હોય તો તમારે બોડીગાર્ડસને તૈયાર રાખવાના, અને ઇન્સ્પેક્ટર હોય તો હપ્તો તૈયાર રાખવાનો!

વિચારવાચક યંત્ર

છાપાંઓમાં વાચકોના વિચારોનો એક વિભાગ હોય છે. જેમાં વાચકો ‘ભ્રષ્ટાચાર ક્યારે દૂર થશે?’ ‘પ્રજામાં શિસ્ત ક્યારે આવશે?’ ‘ઝડપી ન્યાયપ્રક્રિયાનો અમલ ક્યારે થશે?’ એવા બધા ગંભીર-ગંભીર વિચારો લખી મોકલતા હોય છે. પરંતુ આવા દરેક વાચકના મનમાં તો ફક્ત એક જ વિચાર ચાલતો હોય છે, ‘મારો પત્ર છાપામાં ક્યારે છપાશે?’

એવી જ રીતે આપણે સૌ જાણીએ છીએ કે માણસો મોઢા પર જે બોલતા હોય છે તેના કરતાં મનમાં કંઈક જુદું જ વિચારતા હોય છે. જેમ કેઃ

શામજીભાઈઃ (ઓલ્યા માવજીડો આ બાજુ નો આવે તો હારું, મારે ઈને પાંચ હજાર દેવાના છે. હત્તેરીકી! આ તો આવી જ ગ્યો!) ઓ...હો...હો...હો! માવજીભાઈ! કેમ છો? હવાર હવારના તમારાં દર્શન થઈ ગયાં, મારો તો દા’ડો સુધરી ગ્યો ભાઈ!

માવજીભાઈઃ (મારો બેટો, મારા પાંચ હજાર દાબીને બેઠો છે ને પાછો મીઠી છૂરી ચલાવે છે) દા’ડો તો મારો સુધરી ગ્યો શામજીભાઈ! લ્યો હાથ મિલાવો!

શામજીભાઈઃ હાથ મિલાવ્યે નો હાલે માવજીભાઈ! તમને તો ભેટવું જ પડે! બાળપણના ગોઠિયા કોને કીધા? હેં હેં હેં હેં!

(બન્ને ભેટે છે અને એક સાથે વિચારે છે.)

બન્નેઃ (મારો બેટો ગઠિયો છે... આને કે’વાય મુખમેં રામ બગલમેં છૂરી...)

માવજીભાઈઃ કાં શામજીભાઈ? આજે ઘણા વખતે મળ્યા નંઈ? (આજે ઘણા વખતે હાથમાં આવ્યો છે!)

શામજીભાઈઃ તમે જ ક્યાં આવો છો? હું તો રોજ આંયથી નીકળું છું. (મારો બેટો રોજ અપશુકનિયાળ બિલાડીની જેમ આડો ઊતરે છે, ને પાછો પૂછે છે કે ઘણા વખતે મળ્યા!)

માવજીભાઈઃ કેમ છે ધંધાપાણી? (મારા પૈસા ક્યારે આપીશ?)

શામજીભાઈઃ હમણાં તો બ...વ મંદી છે. (હમણાં તો પૈસા નહીં જ આપું!)

•••

પરંતુ જ્યારે વિચારવાચક યંત્રની શોધ થશે ત્યારે વ્યવહારો ઘણા સરળ થઈ જશે. ખાસ કરીને રાજકારણીઓ માટે! ઉદ્યોગપતિઓ માટે તો આ શોધ વરદાનસમાન હશે. કારણ કે કરોડોના કોન્ટ્રાક્ટની ‘કડલી’ કઢાવવા માટે ખરેખર કેટલી પેટી ભરીને ‘બોર’ આપવાં પડશે તે ચપટીમાં જાણી શકાશે!

બકબકમાપક યંત્ર

ઉપરની તમામ શોધો તો મોટા માણસો માટે છે, પરંતુ મારા તમારા જેવા નાના માણસો માટે બકબકમાપક યંત્ર ખૂબ જ ઉપયોગી થશે.

જેની પત્ની ઘરમાં આખો દિવસ ઓટોમેટિક મશીનગનની જેમ બકબક કરતી હશે કે -

‘હાય, હાય! હું તો કોઈ દિવસ કસ્સુ... ય બોલુ છુ? આ તમારી મમ્મી આખો દિવસ મને મેણાં મારે છે તો ય હું કસ્સુય... બોલુ છું? તમને ઓફિસે જવામાં મોડું થાય એમાં તો બૂમાબૂમ કરી મૂકો છો. બાબાને સાક ના ભાવે એમાં તો ચીસાચીસ કરી નાખે, બેબીનો ડ્રેસ ઇસ્ત્રીમાંથી ના આયો હોય તો આખું ઘર માથે લે, પણ હું કોઈ દિવસ કસ્સુ... ય બોલી છુ? બોલો હું ક્યારેય કસ્સું... ય બોલુ છું?’

‘હવે રહેવા દે. જો આ મારા બકબકમાપક યંત્રના આંકડા મુજબ મને આખા અઠવાડિયામાં માંડ પચાસ શબ્દો બોલવા મળે છે. અને તું આજ સવારથી અત્યાર સુધીમાં સાડી તેવીસ હજાર શબ્દો બોલી ગઈ છે.’

‘હાય હાય બા!’ સાડી તેવીસ હજ્જાર શબ્દો? કોણે કીધુ?

‘આ મશીનમાં બતાડે છે... જો.’

‘હાય હાય? આવું મશીન? કેટલાનું લાયા?’

‘પાંચ હજારનું.’

‘લો બોલો! તમે આ પાંચ હજારનું મશીન લાયા તો હું કંઈ બોલી? ને તમે? આ પરમદા’ડે એક નવી સાડી લાઈ એમાં તો કેવું બોલ્યા’તા કે આવતે મહિને સાડી ના લાવત તો ના ચાલત? બોલો, બોલ્યા’તા કે નંઈ? ને તે વખતે હું કસ્સુ... ય બોલી’તી? ના ના, આ ગઈ કાલની જ વાત લો ને? ગઈ કાલે મેં મારી બેન માટે સાવ સાદા બે ડ્રેસ લીધા તો તમે તો કેવા ચીડઈ ગયા ’તા? કેતા’તા કે બબ્બે હજ્જારના તો ડ્રેસ લેવાતા હશે? ને હવે તમે આ પાંચ હજ્જારનું આવડુંક અમથું પેજર જેવું નક્કામું રમકડું લઈ આયા તો હું કસ્સુ...ય બોલી? ના...ના! તમે જે કો’, હું કસ્સુ... ય બોલી?’

•••

લ્યો બોલો, આ છેલ્લી શોધમાં તમને ભારે રસ પડી ગ્યો લાગે છે. પણ ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઈટ છે!


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter