સૌંદર્ય-સ્પર્ધામાં સુધારા!

આયાં બધા ઓલરાઇટ છે!

લલિત લાડ Wednesday 16th September 2015 06:48 EDT
 
 

બ્યૂટિફુલ સિન-સિનેરીવાળા બ્યૂટિફુલ દેશમાં રહેતા અમારા હેન્ડસમ ભાઈઓ, બ્યૂટિફુલ ભાભીઓ અને ક્યૂટ ભૂલકાંવ! ઇન્ડિયાના વાંકાચૂકા દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

‘મિસ વર્લ્ડ’ અને ‘મિસ યુનિવર્સ’ હવે બોરિંગ થતું જાય છે! આપણને દેશીઓને તો એ જ સમજ નથી પડતી કે લાંબી તાડ જેવી, અથવા ચાર દિવસના ઉપવાસ કરેલી હોય એવી છોકરીઓ કયા હિસાબે ‘સુંદર’ ગણાય? અમને લાગે છે કે જે કંઈ ચાલી રહ્યું છે તેમાં હવે ધરખમ સુધારાઓ કરવાની જરૂર છે...

(૧) સ્પર્ધાઓ ટુંડ્ર પ્રદેશમાં રાખો

સૌથી પહેલું કામ તો એ કરવા જેવું છે કે આ તમામ સૌંદર્ય સ્પર્ધાઓ ઉત્તર ધ્રુવના ટુંડ્ર પ્રદેશનાં કોઈ સૂમસામ બર્ફીલા ટાપુ પર યોજાવી જોઈએ અને તે પણ ડિસેમ્બર મહિનાની કડકડતી ઠંડીની સીઝનમાં!

આને કારણે બે ફાયદા થશે. એક તો જે કન્યાઓ ભાગ લેવા પધારી હશે એમણે પૂરતાં કપડાં પહેરવાં પડશે. જેના કારણે આપણે સૌ એ સ્પર્ધાઓનું લાઈવ-ટેલિકાસ્ટ આપણાં દાદા-દાદી, કાકા-કાકી તથા ટેણિયા-મેણિયાઓની હાજરીમાં બેઝિઝક જોઈ શકીશું!

આને કારણે બીજો એક ફાયદો પણ થશે. જે લોકોને જગતની સંસ્કૃતિ બચાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે તે લોકો પણ આવી ઠૂંઠવાતી ઠંડીમાં જાહેર સરઘસો, દેખાવો તથા ઉપવાસો કરવાનું માંડી વાળશે!

(૨) મહિલા મંડળોમાંથી જજ નીમો

પુરુષોને સ્ત્રીની સુંદરતામાં શી સમજ પડે? જેને કોલ્ડ ક્રીમ અને વેનિશિંગ ક્રીમનો તફાવત ખબર ન હોય તેવા આધેડ વયના ખખડી ગયેલા ખટારાઓ યુવતીઓનું સાચું સૌંદર્ય કેવી રીતે પામી શકવાના હતા?

મહિલાઓનું ખરું સૌંદર્ય તો મહિલાઓ જ સમજી શકે! લગ્નના રિસેપ્શનમાં ‘પેલીની સાડી સાવ ભંગાર હતી!’ અને ‘ફલાણીએ ઇમ્પોર્ટેડ પરફ્યુમ છાંટેલું તેમાં તો કેવી રુઆબ છાંટ્યા કરતી હતી!’ આવી ઝીણવટભરી અવલોકનશક્તિઓ કોનામાં રહેલી હોય છે? અલબત્ત, મહિલાઓમાં!

સૌંદર્યસ્પર્ધાની દસેદસ જજ મહિલાઓ હોય તો જ ખરેખરી કસોટી થાય! જેમ ‘વહુ’માં કેટલું પાણી છે તેની ખબર ‘સાસુજી’ઓને જ હોય છે તેમ આ આધેડ વયની મહિલાઓ યુવતીઓને માર્કસ આપતાં પહેલાં બરાબરની ખબર લઈ નાખશે! તેઓ આવા ધારદાર સવાલો પૂછશે કે ‘અલી, મેથિયાં અથાણામાં સરસિયાનું તેલ કેટલું નંખાય તેની કંઈ ખબર છે ખરી?’

અથવા ‘બાફટા-સિલ્કની સાડી પર ચાના ડાઘ પડી જાય તો તું શી રીતે કાઢીશ? બોલ જોઉં?’

લગ્નના રિસેપ્શન વખતની કોમેન્ટો પરથી જ આપણને અંદાજ આવી જાય છે કે એક મહિલા બીજી મહિલાના સૌંદર્યની કેટલી કડક પરીક્ષા કરી શકે છે! અને આ તો વિશ્વ-સુંદરી સ્પર્ધા! એટલે દુનિયાના ૪૦-૫૦ દેશોમાંથી માંડ ચાર-પાંચ છોકરીઓ ફાઇનલ સુધી પહોંચી શકવાની! અને મોટા ભાગે તો એવું જ બનવાનું કે પહેલું, બીજું અને ત્રીજું ઇનામ તો કોઈને મળશે જ નહિ.

હા, આશ્વાસન ઇનામો ઢગલાબંધ હશે! કારણ કે વડીલ મહિલાઓની આમાં માસ્ટરી હોય છે!

(૩) આદિવાસીઓને જજ બનાવો

ટીવી પર જે દેશવિદેશની ‘મિસ નાઇજીરીયા’ અને ‘મિસ મલેશિયા’ બતાડે છે તે જોઈને આપણને એમ થાય કે ‘આવી? સાવ આવી? આને તે કંઈ બ્યુટી કહેવાતી હશે?’

આનું કારણ એ છે કે દરેક સંસ્કૃતિઓમાં સૌંદર્યના ખયાલો અલગ અલગ હોય છે. ભારતની એક જમાનાની બ્યુટીક્વીનો વૈજયંતીમાલા અને પદ્મિની હતી. ગુજરાતી ફિલ્મની ટોપ હિરોઇનો ‘ખાધેપીધે સુખી ઘરની’ જ લાગતી હોય છે. દક્ષિણ ભારતની તો ચોઇસ જ જુદી છે. અત્યારની જયલલિતાકાકી જ્યારે તમિળ ફિલ્મોની નંબર વન હિરોઇન હતી ત્યારે ‘જરાય ઓછી’ નહોતી! સિલ્ક સ્મિતા નામની એક કાળી અને કદાવર કન્યાની પાછળ લોકો એટલા બધા પાગલ હતા કે બિચારીએ તેના ઘરની ફરતે કિલ્લા જેવો કોટ બંધાવવો પડેલો! ખુશ્બુ નામની ગોળમટોળ હિરોઇનનાં દક્ષિણ ભારતમાં લગભગ ૧૦૦ જેટલાં મંદિરો બંધાયેલાં!

જો ખરેખર ભારતીય બ્યુટીક્વીનનો ખ્યાલ ભારતીય લોકોમાં આવો હોય તો આપણી ‘મિસ ઇન્ડિયા’ ખરેખર મિસ ઇન્ડિયા ગણાય ખરી?

એટલે દુનિયાની સુંદર સ્ત્રીનાં ધોરણોને ધરમૂળથી બદલી નાખવાની જરૂર છે. આને માટે દુનિયાના ૧૦ આદિવાસી દેશના પુરુષોને જજ બનાવવા જોઈએ! જો આવું થાય તો જજ લોકો અડધોઅડધ છોકરીઓને તો એરપોર્ટથી જ પાછી મોકલે, ‘બેન, કંઈ ખાઈને આવો! આમ ભૂખ્યા પેટે ફાઈનલ સુધી શી રીતે પહોંચશો?’

અને તો પછી આ સ્પર્ધાઓમાં નવા નવા રાઉન્ડ ઉમેરાશે. જેમ કે, ‘મરચાં ખાંડવાનો રાઉન્ડ’, ‘ભેંસનું દૂધ દોહવાનો રાઉન્ડ’ તથા ‘પચાસ માણસની રસોઈ રાંધવાનો રાઉન્ડ!’

ભારતીય સૌંદર્યશાસ્ત્રોમાં ‘ગજગામિની’નો સમાવેશ કંઈ અમથો અમથો નથી થયો. ગજગામિની એટલે ‘જે સ્ત્રીની ચાલ હાથણી જેવી છે!’

(૪) કાપડનો સદુપયોગ કરો

આ બધી બ્યુટી-કોન્ટેસ્ટોમાં છોકરીઓ બે જાતનાં કપડાં પહેરે છે. કાં તો એમના દરજીઓને પૂરતું કપડું જ ન મળ્યું હોય તેવાં કપડાં, અથવા દરજીઓને એક ગાઉન સીવવા આખેઆખો તાકો પકડાવી દીધો હોય તેવાં કપડાં!

અને દરજીઓ પણ કેવા ઢંગધડા વિનાનાં કપડાં સીવે છે? પગની પાછળ પાંચ મીટર કાપડ અમસ્તું ઢસડાયા કરતું હોય અને તોય કહે, ‘ખભા ઢાંકવા માટે કાપડ જ ના બચ્યું!’

આવા પાછળ ઢસડાતા કાપડવાળા ડ્રેસનો સદુપયોગ થાય તે માટે સ્પર્ધામાં એક નવો રાઉન્ડ ઉમેરવાની જરૂર છે - ‘સ્ટેજ સાફ કરો રાઉન્ડ!’ જે કન્યા ઓછામાં ઓછા સમયમાં તેની પાછળ ઢસડાતા ‘તાકા’ વડે સ્ટેજ પરનો કચરો સાફ કરી નાખે તેને ‘મિસ કચરા-પોતાં’નો ઇલ્કાબ મળવો જોઈએ!

અને હા, ‘કચરા-પોતાં રાઉન્ડ’માં જો સ્વચ્છતાના માર્ક વધારે રાખ્યા હશે તો કન્યાઓ તેમના ગાઉનને ડેટોલ, ફિનાઇલ અને ડિટર્જન્ટના પાણીમાં પલાળીને તૈયાર રહેશે!

(૫) પેપરો ફોડી નાખો

આવી સ્પર્ધાઓના ફાઇનલ રાઉન્ડમાં દર વખતે એક જ જાતના ચાંપલા-ચાંપલા સવાલો પૂછાતા હોય છે અને તેના જવાબો પણ જાણે રેડીમેઇડ-બજારમાંથી ઉઠાવીને આપી દીધેલા હોય તેવા જ હોય છે.

‘પ્રેમ એટલે શું?’, ‘સૌંદર્ય ક્યાં સમાયેલું છે?’, ‘તમે મિસ યુનિવર્સ બનો તો જગતને શો સંદેશો આપશો?’, ‘પૃથ્વી પરની સૌથી સુંદર જગ્યા કઈ છે?’, ‘તમારા હિસાબે દુનિયાનો સૌથી સોહામણો પુરુષ કોણ છે?’, ‘દુનિયાનાં દુઃખ શી રીતે દૂર થાય?’, ‘વિશ્વની મહિલાઓ માટે તમે શું કરવા માગો છો?’

અમારું સૂચન છે કે આવા દોઢસો સવાલોનું લિસ્ટ બનાવીને ‘૧૫૦ અપેક્ષિત’ બહાર પાડી નાખવો જોઈએ. અને તેમાં ઓબ્જેક્ટિવ ટેસ્ટમાં હોય છે તેવા એ, બી, સી, ડી વિકલ્પવાળા જવાબો પણ છાપી નાખવા જોઈએ. જેથી આવા વાહિયાત સવાલ-જવાબોનો રાઉન્ડ ટૂંકમાં પતે! જેમ કે, જજ સવાલ પૂછે, ‘સવાલ નંબર એકસો બાર?’ તરત કન્યા કહે ‘બી!’ એટલે બધાએ તાળીઓ પાડી નાખવાની!

(૬) દુભાષિયાઓને સરખી ટ્રેનિંગ આપો

આપણા ઇન્ડિયાની છોકરીઓ તો ધાણી ફૂટે તેવું અંગ્રેજી બોલતી હોય છે એટલે ફાઇનલ રાઉન્ડોમાં ફાવી જાય છે. પણ બિચારી મિસ બાર્બાડોસો અને મિસ વિયેતનામોને ફાંફાં પડી જાય છે. એક તો બિચારી માંડ માંડ સવાલ સમજે પછી તેમની ભાષામાં ‘તાકાસીનો માકીયો-ચીં. પૂં.-આકાઈ શિમોનો આયાનો કૂશી-શી વાંગ-ચૂ, વોન-લૂ, વેંગ-ચાઇ ઓકાસા!’ એવો જવાબ આપે.

જેનો તરજુમો કરનાર દુભાષિયો હંમેશાં એટલો બાઘો હોય છે કે તે ‘અ...શી સેય્ઝ ધેટ... અ... શી વુડ... અ...’ કરીને બિચારી છોકરીના જવાબને સાવ મોળી છાશ જેવો બનાવી નાખે છે!

અમારું સૂચન છે કે કાં તો દુભાષિયાઓને કડકડાટ અંગ્રેજી બોલવાની સરખી તાલીમ આપો અથવા તો દુભાષિયાઓને અગાઉથી આખું પેપર જ આપી દો. ‘જવાબો બરાબર ગોખી માર! કન્યા ગમે તે વાંગ-ચુ ચાંગ-લી બોલે, તારે આ જ જવાબ ફટકારવાનો છે, સમજ્યો?’

(૭) ફિલ્મી આઇટમો બતાડો

આમ જોવા જાવ તો ‘મિસ યુનિવર્સ’ કે ‘મિસ વર્લ્ડ’નું ટીવી પ્રસારણ સાવ બોરિંગ હોય છે. છોકરીઓ વારાફરતી આવે, બેસે, ઊભી થાય, જાય, ફરી આવે, લાઇનમાં ઊભી રહે, થોડી આગળ આવે, હસે, બોલે, પછી લાઇનમાં ઊભી રહે. ૧૦ છોકરીઓની લાઈન, પછી પાંચ છોકરીઓની લાઈન, પછી ત્રણ છોકરીઓની લાઈન... કંટાળો ના આવે?

માથે તાજ પહેરાવે ત્યારે પણ બધી સરખી જ રીતે હસે, રડે, એકબીજીને ભેટે, વહાલ કરે... ખરેખર કંટાળો આવે! અને એમાંય હોલમાં બેઠેલા સજ્જનો અને સન્નારીઓની તો ખરેખર દયા જ આવે. બિચારાઓ એટલી બધી વાર તાળીઓ વગાડ વગાડ કરે છે કે આપણાં તો આંગળાં સૂજી જાય!

હા, વચ્ચે વચ્ચે કંઈક બળતાસળતા પોપ-સિંગરો અને અષ્ટમ્ પષ્ટમ્ ડાન્સરો એક-બે આઇટમો રજૂ કરે છે પણ... હવે શું કહેવું? ‘ફિલ્મફેર એવોર્ડ’ જેવી મઝા નહિ!’ બોલો ખરું ને?

આવા કંટાળાજનક કાર્યક્રમોમાં જરા ઝમક ઉમેરવા માટે થોડી હિન્દી ફિલ્મોની આઇટમો ઉમેરવા જેવી છે. આમેય બધી બ્યુટીક્વીનો હરીફરીને હિન્દી ફિલ્મોમાં જ ઠરીઠામ થવાની છે, તો અત્યારથી જ સ્ટેજ પર ગાયનો રજૂ કરવામાં શો વાંધો?

દાખલા તરીકે આપણી ઐશ્વર્યા રાયે આપણા ગોવિંદા સાથે સ્ટેજ ઉપર ‘મૈં તો રસ્તે પે જા રહી થી, મૈં તો ભેલ-પુરી ખા રહી થી’ રજૂ કર્યું હોત તો કેવી મઝા પડી જાત?

(૮) ઇનામની રકમનો સાચો વહીવટ કરો

બિચારી બ્યુટીક્વીનો સ્ટેજ પરથી વાતો તો એવી કરે છે કે જાણે બધીઓ આગળ જઈને ‘મધર ટેરેસા’ જ બનવાની હોય!

આ છોકરીઓ જો ખરેખર આટલી સેવાભાવી હોય તો એમને આટલા બધા પૈસા ઇનામમાં આપવાની શી જરૂર છે? એમને ઇનામ આપવું જ હોય તો ‘મરણોત્તર’ ઇનામ આપો! જેથી બિચારીઓ ઇથોપિયા કે સાઇબેરિયામાં અનાથ બાળકોની સેવા કરતાં કરતાં મરી જાય પછી જ તેમને આ ઇનામ મળે!

અથવા તો એવું કરો કે જે યુવતી જે ક્ષેત્રની સેવા કરવાની ડંફાશ મારતી હોય તે ક્ષેત્રમાં જ ઇનામની રકમ બારોબાર પધરાવી દો! દાખલા તરીકે કોઈ છોકરી એમ કહે કે હું તો ભારતની ગરીબ અને શોષિત મહિલાઓના ઉદ્ધાર માટે કામ કરવાની છું, તો તેના ઇનામની રકમ સીધી ‘સેવા’ સંસ્થાનાં ઇલાબહેનને જ હાથોહાથ આપી દેવી! લો, હવે મારો ડંફાશ!

(૯) સુંદરીઓને સેવા કરવાની તક આપો

બને છે એવું કે સુંદરીઓ બિચારી બ્યુટિક્વીન બન્યા પછી રિસર્ચ કરવા માગતી હોય છે, પત્રકાર બનવા માગતી હોય છે, લેખક બનવા માગતી હોય છે, પણ આ જાલિમ દુનિયા તેમને છેવટે જાહેરખબરની મોડેલ અથવા ફિલ્મોની હિરોઈન બનાવીને જ જંપે છે!

પણ એવું હરગિજ ન થવા દેવું જોઈએ. બ્યુટીક્વીનોની મોડેલિંગ તથા ફિલ્મોની કારકિર્દી પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ. અને તેમણે સ્ટેજ ઉપરથી જે ક્ષેત્રમાં કામ કરવાની અદમ્ય ઇચ્છા પ્રગટ કરી હોય તે ક્ષેત્રમાં પાંચ વરસની ફરજિયાત નોકરી જ પકડાવી દેવી જોઈએ!

આનાથી સૌથી મોટો ફાયદો એ થશે કે સુંદરીઓને સાચું બોલવાની ટેવ પડશે!

•••

પણ ઠીક મારા ભાઈ! આ તો બધા તુક્કા... કારણ કે અમારાં મિસિસ આ ઉંમરે પણ દર મહિને ‘બ્યૂટિ’ પાર્લરમાં બબ્બે હજાર રૂપિયા નાંખી આવે છે! અટલે ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઇટ છે!


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter