સ્કૂટરની ફરિયાદો!

આયાં બધા ઓલરાઇટ છે!

લલિત લાડ Wednesday 06th January 2016 08:28 EST
 
 

મોંઘી મોંઘી ગાડીયું ને ઈસ્ટમેન કલર બાઈકું લઈને ફરતાં અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઈન્ડિયામાં ઠાઠીયાં જેવા સેકન્ડ હેન્ડ સ્કુટરું હલાવતાં હંધાય દેશીયોનાં જેશ્રીકૃષ્ણ!

અમારું આવું હેડિંગ વાંચીને બધા જ કહેશે, ‘હા યાર, સ્કૂટરની બહુ ફરિયાદો હોય છે!’ પણ વાત સ્કૂટરની ફરિયાદોની નથી, સ્કૂટર આપણા સૌ માટે કેવી ફરિયાદો કરતું હોય છે તેની છે!

હકીકતમાં આપણે ક્યારેય બિચારા સ્કૂટરોની ફરિયાદો પર ધ્યાન જ નથી આપ્યું. એટલે જ અમે એક સ્કૂટરનો ઈન્ટરવ્યુ લીધો છે....

કેવી, કેવો, કેવું?

અમે ફરિયાદપોથી લઈને જ ગયેલા. પેનનું ઢાંકણું ખોલીને સીધો જ સવાલ કર્યો, ‘બોલો, ફરિયાદ નંબર એક?’

સ્કૂટર બગડ્યું!

બગડ્યું એટલે, ગેરેજમાં લઈ જવું પડે એ અર્થમાં નહીં, પણ આપણે માણસોના સંદર્ભમાં કહીએ છીએ એ રીતે બગડ્યું. ‘અમે નરમાય નહીં અને નારીમાંય નહીં? સાવ નાન્યતર?’

‘એટલે?’

‘જુઓ,’ સ્કૂટરે ચિડાયેલા અવાજે કહ્યું, ‘સાવ તીતીઘોડા જેવું લુના હશે તોય એનો માલિક એને કહેશે, ‘ચલ મેરી લૂના!’ સાવ ખટારા જેવી હશે તોય મોટરસાઈકલનો માલિક કહેશે, ‘આપણી બાઈક છે!’ અરે, પેલા ડબ્બા જેવા ટાટા સુમોના શેઠ પણ એમ બોલતા હોય છે કે ‘આપણો સુમો પડ્યો છેને?’ પણ સ્કૂટર? અમને તો નાન્યતર જાતિમાં જ ગણવામાં આવે છે!’

‘તમારી વાત સાચી છે સ્કૂટરભાઈ, સોરી સ્કૂટરબેન-’ અમે પણ ગૂંચવાયા, ‘સોરી, તમને શું સંબોધન કરું..? સ્કૂટરડું?’

પ્રેમભાવ ક્યાં છે?

બગડેલા સ્કૂટરે ઘર્રઘર્ર અવાજો કર્યાં. લાઈટમાંથી ડોળા કાઢ્યા અને ધૂંધવાઈને જમીનમાં પગ પછાડ્યા, એટલે કે કીકો મારી.

‘અમને કોઈ પ્રેમ જ નથી કરતું!’ તડતડિયા સ્પાર્ક પ્લગ જેવા અવાજે સ્કૂટરે કહ્યું,

‘વાત તો સાચી, પણ શું થાય?’ અમે ધીમા અવાજે કહ્યું, ‘નાન્યતર જાતિના પ્રેમમાં તો કોણ પડે?’

આ સાંભળીને સ્કૂટર વધારે બગડ્યું. તેના ગળામાં એટલે કે સાયલેન્સરમાં ડૂમો ભરાયો હોય તેવા અવાજે બોલ્યું, ‘લોકો રિક્ષાને સજાવીને રાખે છે. અંદર ફોટા લગાડે છે, સ્ટીરીયો સિસ્ટમ બેસાડે છે, મડગાર્ડ પર એક્ટરોનાં ડાચાં ચિતરાવે છે, પાછળની બાજુએ શાયરીઓ લખાવે છે, પણ અમારાં મડગાર્ડની તો સામેય કોઈ નથી જોતું! અરે કમ-સે-કમ સ્પેર-વ્હીલના કવર ઉપર તો હૃતિક રોશન ચિતરાવો!’

સ્કૂટરની સાઈડ લાઈટો ભીની થઈ ગઈ હતી, ‘પેલી સળેકડી જેવી લુના જાણે પાળેલી કૂતરી હોય તેમ એની બોડી પર ચામડાનું કવર પહેરાવશે, પણ અમારી તો બોડી જ ક્યાં છે? બે સાઈડ ઉપર બે ફાંદ કાઢી હોય એવો તો અમારો શેપ બનાવ્યો છે! આગળની બાજુ જો કોઈ સ્ટીકર મફતમાં મળી ગયું હોય તો લગાડ્યું હોય, પણ તે ઊખડી જાય પછી ગુંદરના ડાઘ દૂર કરવાની તસદી કોઈ લેતું નથી!’

રીસમાં ને રીસમાં આગળનું મોઢું, એટલે કે પૈડું, ત્રાંસું જ રાખીને તે બોલ્યું, ‘નિશાળનાં છોકરા-છોકરીઓ તેમની સાઈકલોને નવડાવી-ધોવડાવીને કેટલી સરસ રાખે છે? જુવાનિયાંઓ તેમની મોટર સાઈકલોને કેવી ચકચકાટ રાખે છે? અરે કારના માલિકો તો રોજ તેમના નોકર પાસે બે વાર કાર સાફ કરાવડાવે છે. પણ અમારા માલિકો? છ-આઠ મહિને એકાદ વાર જ્યારે મિકેનિકને સર્વિસ માટે આપે ત્યારે સાવ નફ્ફટાઈથી કહેતા હોય છે - આને જરા ફુવારો-બુવારો મારી દેજો, છેલ્લે!’

નો થેન્ક્સ?

‘તમને ખબર છે?’ સ્કૂટરે વાઈપર વિના તેની સાઈડ લાઈટો લૂછતાં કહ્યું! ‘અમારા જેવા કોઈ બાંકડા નથી!’

‘એટલે?’ હું સમજ્યો નહીં.

‘પાર્કિંગમાં અમારા જેવું કોઈ નહીં.’ સ્કૂટરે સમજાવ્યું, ‘લુના પાર્ક કરી હોય ને તમે બેસવા જાઓ તો તે ઘોડીની જેમ આગલા પગ અધ્ધર કરીને ઊભી થઈ જાય! મોટરસાઈકલો મોટા ભાગે ત્રાંસી થઈને જ ઊભી રહે છે. જ્યારે સ્કૂટર પાર્ક થયું હોય તો પણ તેના પર આખું કુટુંબ આરામથી બેસીને ચણાજોરગરમ ખાઈ શકે છે!’

સ્કૂટરના આ ગુણની અમને ખબર જ નહોતી.

‘સ્પેર વ્હીલ પર હાથનો ટેકો દઈને બેઠા હો તો કોઈ નાના રજવાડાના મહારાજા બેઠા હોય તેવો પોઝ બને! બોલો, બીજા કોઈ વાહનમાં છે આવી સગવડ?’

બે હાથ પહોળા કરી ક્લચનાં ડાંડિયા હલાવતાં તેણે ફરિયાદો ચાલુ રાખી, ‘પ્રેમીપંખીડાઓ માટે અમે બેસ્ટ છીએ. ગેસનો બાટલો લાવવા માટે અમે આદર્શ છીએ, શાક-શિખંડ કે તરબૂચ લાવવું હોય તો પણ અમે શ્રેષ્ઠ છીએ. છતાં અમારી કોઈ કદર જ નથી!’

જશને માથે જૂતિયાં!

હવે તો સ્કૂટરે અમને ખરેખર ક્લચમાં લીધા. ‘આટઆટલું કરવા છતાં તમારું વર્તન તો જશને માથે જૂતિયાં જેવું જ હોય છે.’

‘જૂતિયાં? ના યાર, અમે તને ક્યારે જૂતિયાં માર્યાં?’ મેં લૂલો બચાવ કર્યો.

‘હંમેશા!’ સ્કૂટરે સેકન્ડ ગિયરમાં ફાયરિંગ શરૂ કર્યું. ‘કીકો તો એવી રીતે મારો છો જાણે અમને હડેહડે કરતા હો! અને જો અમે ભૂલેચૂકે સ્ટાર્ટ ના થઈએ તો તમે અમને હચમચાવી નાખો છો, ત્રાંસું વાળીને મણ મણની જોખાવો છો અને મહિનામાં એકાદ લાત તો ફટકારી જ દો છો!’

સૌ સ્કૂટર વાળા જાણે છે કે કીકો મારતાં મારતાં સ્કૂટરને ક્યારે લાત મરાઈ જાય છે તેની આપણને જ ખબર નથી હોતી.

‘અમને જ્યાં ફાવે ત્યાં રેઢું મૂકી દો છો. અમારી કાયા ખખડી ગઈ હોય તો લોક પણ નથી મારતા. અને પાર્કિંગમાં જગ્યા કરવા માટે તો અમારા કાન, બોચી, પીઠ ગમે તે ઝાલીને ઘસડી કાઢો છો!’ સ્કૂટર હવે ખરેખર ઝાટકા મારી રહ્યું હતું.

માઈલેજ નથી મળતું!

સ્કૂટર તેમના બળાપા કાઢતાં કાઢતાં ખરેખર રેઈઝ થઈ રહ્યું હતું, ‘અમારી મોટી ફરિયાદ તો એ છે કે અમને જરાય માઈલેજ નથી મળતું!’

‘માઈલેજ!’ હું ભડક્યો, ‘દોસ્ત, માઈલેજ આપવાનું કામ તો તમારું છે. અમે શી રીતે માઈલેજ આપીએ?’

‘કેમ? ટીવીની જાહેરખબરોમાં તો બીજાં વાહનોને જબરદસ્ત માઈલેજ આપો છો!’ સ્કૂટરે અમને રોંગ સાઈડમાં ઝડપી લીધા. ‘મોટરસાઈકલની એડ. તમે કેટલી મસ્ત-મસ્ત બનાવો છો?’ ફીલ ઈટ, શટ ઈટ, ફરગેટ ઈટ! નો પ્રોબ્લેમ! ધી અન-શેકેબલ! તુમ દેના સાથે મેરા... ઓ મેરે યાર!’

‘પણ શું કરીએ દોસ્ત?’ અમે હવે રિઝર્વમાં આવી ગયા હતા. ‘સ્કૂટરમાં કંઈ ગ્લેમરસ હોતું જ નથી.’

‘અરે ગ્લેમર ના બતાડો તો કંઈ નહી, પણ અમને બદનામ તો ન કરો!’ સ્કૂટરે દાખલા આપતા કહ્યું, ‘એક ટુ-ટી’ ઓઈલની જાહેરખબરમાં બધા બૂમો પાડી પાડીને અમારા વિશે કહે છે કે ‘સ્ટાર્ટિંગ પ્રોબ્લેમ... બિગ પ્રોબ્લેમ.’ એક વ્હિસ્કીની એડ.માં એક જણનું સ્કૂટર વરસાદમાં બંધ પડી જાય છે ત્યારે બીજો તેને કારમાં લિફ્ટ આપે છે!’

‘સાવ એવું નથી, દોસ્ત.’ મેં પતલી ગલીમાંથી રસ્તો કાઢતાં કહ્યું, ‘હમણાં એક સ્કૂટરની સારી એડ. આવે છે. જેમાં પાછળની સીટ પર ગર્લ-ફ્રેન્ડને બદલે પેલો આંધળો બેસી જાય છે.’

‘હં!’ સ્કૂટરે તરત ખોંખારીને કહ્યું, ‘એનું સ્લોગન શું છે?’

‘શું છે?’

‘ઈટ ઈઝ સમથિંગ એલ્સ!’ એટલે કે આ સ્કૂટર તો છે જ નહીં, બીજું જ કંઈ છે!’

કોઈ હરિફાઈ નથી!

હવે વધુ ફરિયાદો સાંભળવાના અમારામાં હોશ જ નહોતા. અમે ચૂપચાપ પેન પકડીને ઊભા રહ્યા. સ્કૂટરમાંથી વરાળ નીકળી રહી હતી. સ્વાભાવિક છે કે તેનું મગજ, એટલે કે એન્જિન ગરમ થઈ રહ્યું હતું.

અમે તેનું મગજ ઠંડું થાય તેની રાહ જોઈને ઊભા રહ્યા. આખરે પાંચ-દસ મિનિટ પછી સ્કૂટર ન્યુટ્રલમાં આવ્યું.

‘અમારી કોઈ હરિફાઈ નથી.’ તે ઠંડા અવાજે બોલ્યું.

‘કરેક્ટ!’ મેં તેનો ઉત્સાહ વધારવા કહ્યું, ‘બિલ્કુલ સાચી વાત છે. સ્કૂટરની આખી રચના જ એવી છે કે તેની કોઈ હરિફાઈ હોઈ જ ન શકે!’

‘પત્યું?’ સ્કૂટર ડચકાં ખાતું બોલ્યું, ‘તમે પણ એમ જ માનો છો ને કે અમારી હરિફાઈ હોય જ નહીં?’

‘કેમ?’ મેં કહ્યું, ‘આ તો સારી વાત છે!’

‘ધૂળ સારી વાત છે?’ સ્કૂટર ફરી ખખડ્યું, ‘હરિફાઈ એટલે હું રેસની વાત કરું છું. કાર રેસ હોય, મોટર સાઈકલની રેસ હોય, અરે ઓલિમ્પિક જેવી ઓલિમ્પિકમાં સાયકલ ચલાવવાની રેસ હોય છે... પણ ક્યાંય કોઈ દિવસ સાંભળ્યું કે ફલાણી જગ્યાએ સ્કૂટરની રેસ છે?’

‘સ્કૂટરની રેસ?’ મેં માથું ખંજવાળતાં કહ્યું, ‘કેવી લાગે?’

‘કેમ કેવી લાગે એટલે?’ સ્કૂટરે કહ્યું, ‘તમે લોકો સ્લો-સાયક્લિંગની રેસ રાખો છો, તો કમ-સે-કમ ૧૯૮૬ના મોડેલના સ્કૂટરોને કીકો મારીને, વાંકા નમાવીને સૌથી પહેલાં સ્ટાર્ટ કોણ કરી શકે છે તેવી એક હરિફાઈ તો રાખો?’ સ્કૂટરનું ગળું ખરેખર ભરાઈ આવ્યું હતું.

મેં વિવેક ખાતર પૂછ્યું, ‘ચોક આપું?’

ફિલ્મોમાં પણ રોલ નહીં!

‘ટીવી તો સમજ્યા,’ સ્કૂટરે કહ્યું, ‘અમને સૌથી વધુ અન્યાય હિંદી ફિલ્મોએ કર્યો છે!’

હું જાણતો હતો કે સ્કૂટર હવે ટોપ ગિયરમાં ફાયરિંગ કરવાનું છે. ‘ફિલ્મના કોઈ હીરોએ કોઈ દિવસ સ્કૂટર પર બેસીને ગાયન ગાયું છે? ક્યારેય વિલનના અડ્ડાની બારીના કાચ તોડીને એટલે કે સ્કૂટર પર એન્ટ્રી મારી છે? કોઈ દિવસ સ્કૂટર પર ડબલ-સીટ બેસીને હીરો-હીરોઈનોએ ઘંટડીને બદલે ટીટી...ટીટી... હોર્ન વગાડતાં વગાડતાં યુગલ-ગીતો ગાયાં છે? અરે ઈન્સ્પેક્ટર કે ડોક્ટરને છોડો, ક્યારેય કોઈ કોમેડિયન પણ સ્કૂટર ચલાવતો દેખાય છે?’

અટકતાં પહેલાં સ્કૂટરે છેલ્લી કીક મારી. મને કહે, ‘આ હિંદી ફિલ્મોમાં મિથુન જેવા મિથુન ચાલી ગયા છે, તો સ્કૂટરો કેમ ના ચાલે?’

•••

લ્યો બોલો! તમારી પાસે તો કોઈ ઠાઠીયું સ્કૂટર નથી ને? ઠીક ત્યારે, ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધા ઓલરાઈટ છે!


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter