હવે તો બધે જ વિટામિન!

આયાં બધા ઓલરાઇટ છે!

લલિત લાડ Wednesday 02nd September 2015 09:01 EDT
 
 

છ ફૂટના ભાયડા અને પોણા છ ફૂટની બાયડીયુંના તંદરુસ્ત દેશમાં વસતા અમારા વ્હાલા એનઆરઆઈ ભાઈઓ, ભાભીઓ અને ભૂલકાંવ! ઇન્ડિયામાં સલમાન ખાનની બોડી અને રીતિક રોશનના મસલ્સું જોઈને રાજી થાતા હંધાય દેશીઓનાં જેશ્રીકૃષ્ણ!

લો, હવે એક લોટ વેચતી કંપની કહે છે કે અમારી કંપનીના ઘઉંના લોટમાંથી વધુ શક્તિ મળે છે, કારણ કે તેમાં અમે વિટામીન નાખીએ છીએ! પત્યું? જો તમે ગામડાંમાં રહેતા હો તો અને તમારા જ ખેતરના ઘઉં તમારા જ ઘરની ઘંટીમાં દળીને તેના તાજા લોટની રોટલી ખાતા હો તો પણ હવે તમે ‘અશક્ત’ રહી જવાના! જો આમ ને આમ ચાલ્યું તો શહેરોમાં ‘શક્તિ’નો ફુગાવો થઈ જવાનો છે.

‘શક્તિયુક્ત’ ટૂથપેસ્ટ

જો તમે સવારે ઊઠીને ઝટપટ બ્રશ કરી નાખતા હો તો બોસ, તમે નબળા જ રહી જવાના! કારણ કે હવે તો એવી ટૂથપેસ્ટ નીકળવાની છે જેમાં મિનરલ, વિટામિન્સ અને આયર્ન ઠાંસી ઠાંસીને ભરેલાં હશે!

જરા કલ્પના કરો કે તમે આખાદિવસની શક્તિ કેટલી સહેલાઈથી પ્રાપ્ત કરી શકો છો. તમારે ફક્ત આટલું જ કરવાનું છે -

૧૨૫ ગ્રામની ટૂથપેસ્ટ લઈને તેમાંથી ફક્ત અઢી ગ્રામ જેટલી પેસ્ટ તમારા બ્રશ પર લગાડવાની છે. પછી તમારે રોજની જેમ બ્રશનું ઠૂંઠું મોમાં ઘાલીને માત્ર બે જ મિનીટ હલાવીને બહાર કાઢી નાંખવાનું છે! ટૂથપેસ્ટથી ફીણ થશે, ફીણ તમારા ‘મુંહ’માં ‘કોને કોને તક’ જશે અન તમારા પેઢાં, જીભ તથા ગાલની નાજુક ત્વચામાંથી અઢી ગ્રામ ટૂથપેસ્ટમાં રહેલા ભરપૂર મિનરલ્સ, વિટામિન્સ અને આયર્ન્સ તમારા શરીરમાં પ્રવેશી જશે! અને તમને મળશે ભરપૂર શક્તિ!

એટલી બધી શક્તિ કે તમે સુપરમેનની જેમ ઊડતાં ઊડતાં ઓફિસે જઈ શકશો! પછી તો તમારી પત્ની સવાર-સાંજ બ્રશ કરતાં કરતાં સ્વાદિષ્ટ રસોઈ બનાવશે! અને તમારાં બાળકો ફૂટબોલ રમતાં રમતાં તો બ્રશ કરશે જ, પણ હોમવર્ક જેવાં ‘ખૂબ શક્તિ માંગી લેતાં’ કામો પણ બ્રશ કરતાં કરતાં ચપટીમાં પતી જશે!

‘શક્તિમાન’ વોશિંગ પાવડર

દોસ્તો, તમને ભલે અમારી વાત સાવ કાલ્પનિક લાગતી હોય, પણ એક દિવસ એવો જરૂર આવશે જ્યારે ફલાણો ઢીંકણો વોશિંગ પાઉડર વાપરવાથી રોજનાં બે ડોલ ભરીને કપડાં ધોવાની શક્તિ વોશિંગ પાઉડરમાંથી જ મળતી થશે! અને જો આવી શક્તિ મળતી હોય તો એ તમારા ઘરઘાટીને શા માટે આપો છો? તમારા પતિને જ ‘શક્તિમાન’ બનાવોને?

છોને એ ધોકો લઈને કૂટ્યા કરતો!

‘શક્તિસભર’ કોલ્ડ ક્રીમ

આજકાલ તો ફક્ત એવી કોલ્ડ ક્રીમો મળે છે જે તમારી ત્વચાની ખોઈ હુઈ નમી જ લૌટાવે છે. પરંતુ આગળ જતાં તો વિજ્ઞાન પ્રગતિ કરે કે ના કરે, જાહેરખબરો એટલી બધી પ્રગતિશીલ થઈ ગઈ હશે કે ‘શક્તિસભર’ કોલ્ડ ક્રીમ મળતા જ થઈ જશે!

આ કોલ્ડ ક્રીમો એવી હશે કે તેઓ માત્ર ખોઈ હુઈ નમીને ઢૂંઢી ઢૂંઢીને વાપસ નહીં લૌટાવે, એ ક્રીમોમાં એવી જબરદસ્ત શક્તિ પણ હશે કે તે તમારા શરીરમાં ગરમાટો ફેલાવી દેશે! એટલી હદે કે ભલભલા શિયાળાની કડકડતી ઠંડી કો તો તુમ ઢૂંઢતે રહ જાઓગે!

આ શક્તિસભર કોલ્ડ ક્રીમ આખા શરીરે લગાડીને તમે રાતે સૂઈ જાવ તો સવાર સુધી ધાબળાની પણ જરૂર નહીં પડે!

જોયું? હવે તો કોલ્ડ ક્રીમની ખરીદી પર ધાબળાની પણ બચત!!

‘નારીશક્તિ’ યુક્ત ચા

એક બ્રાન્ડની ચા એવી આવે છે કે એ કંપનીવાળા તેને ચા માનતા જ નથી! એ લોકો તો કહે છે કે અગ્નિ હૈ યહી!

અમારે ઘરે એક વાર ગેસનો બાટલો ખાલી થઈ ગયેલો ત્યારે અમે આ પ્રયોગ કરી જોયેલો. વાત જાણે એમ બની કે અમારે પીવી હતી ચા અને પત્નીશ્રી ગયેલાં બહાર. ગેસના બાટલામાં ગેસ ખલાસ, એટલે અમે તેમાં આ નવી જાતની ચા ભરી દીધી! અમને એમ કે ‘અગ્નિ હૈ યહી!’ પણ કંઈ જામ્યું નહીં. અગ્નિ પ્રગટ્યો નહીં, કદાચ અમે ચાના પેકેટ પર લખેલી સૂચનાઓ બરાબર વાંચી નહીં હોય એટલે અમે તે ચાનું અગ્નિમાં રૂપાંતર ન કરી શક્યા!

ખેર, જે થયું તે થયું, પરંતુ હવે ભારતીય નારીએ વધુ રાહ નહીં જોવી પડે. નજીકના ભવિષ્યમાં એવી ‘નારીશક્તિ’ ચા આવવાની છે જે પીતાંની સાથે જ નારી સ્વયં ‘ફાયર’ બની જશે!

‘કીટાણુ ફાઇટર’ લોટ

પેલા વિટામિનયુક્ત લોટની વાત તો હવે જૂની થઈ ગઈ. એક દિવસ અમે કરિયાણાની દુકાને ગયા ત્યારે અમે ‘કીટાણુ ફાઇટર’ લોટ જોવા મળ્યો!

લોટના પેકેટ પર લખેલું ‘ફલાણા-ઢીંકણા કીટાણુ ફાઇટર લોટ.’ આ વાંચીને અમે પૂછ્યું, ‘ભાઈ, આ કીટાણુ ફાઇટર લોટ એટલે?’

તો કહે, ‘કીટાણુઓ સે લગાતાર લડતા રહતા હૈ!’

અમે કહ્યું, ‘એવું કંઈક તો ટૂથપેસ્ટમાં હોય છે.’

‘લોટમાં પણ જરૂર તો પડે જ ને?’ દુકાનવાળાએ કહ્યું.

‘કઈ રીતે?’

‘જુઓ, આ લોટ કંપનીની ઘંટીમાં બે મહિના પહેલા દળાયો હશે. પછી અમારી દુકાને સમજોને, અઠવાડિયાથી આ લોટનાં પેકેટો પડ્યાં છે. અને સમજોને, તમે આજે આ લોટ લઈ જાવ તો અઠવાડિયું દસ દિવસ સુધી તો ખાવાનાને? હવે આટલા બધા ટાઇમમાં લોટમાં જીવાણુ ના પડી જાય?’ દુકાનવાળાએ રહસ્ય ખોલ્યું, ‘એટલે કંપનીએ આમાં પહેલેથી જ એક્સપીટીઓ નામનું રસાયણ ભેળવેલું છે, જે લોટમાં રહેલા કીટાણુઓ સાથે લગાતાર લડતા રહતા હૈ!’

‘પણ ધારો કે આ લોટની ભાખરી ખાધા પછી મારા પેટમાં ગડબડ થઈ તો!’ અમે શંકા કરી.

‘તો ચિંતા કરવાની જ નહીં ને?’ દુકાનદારે કહ્યું, ‘પેટમાં ગડબડ થતી હોય તો એમ જ માનવાનું કે પેલું એક્સપીટીઓ તમારા પેટમાં લગાતાર લડી રહ્યું છે, એની જ આ બધી ધાંધલ છે!’

‘કેન્સરશામક’ સિગારેટ

અને પછી તો એવી સિગારેટ પણ આવશે કે સરકાર બે ઘડી વિચારમાં પડી જશે કે સિગારેટના પેકેટ પર ‘સ્વાસ્થ્ય માટે હાનિકારક છે’ તેવું છાપવું કે નહીં?

કારણ કે આવી સિગારેટોના તમાકુમાં એક એવું તત્ત્વ ભેળવેલું હશે કે જેના ધુમાડાથી કેન્સર રોગ ફેલાવતા જીવાણુઓને તકલીફ થવા લાગશે!

એટલે થશે શું કે જ્યારે તમે સિગારેટ પીઓ ત્યારે તમાકુનો ધુમાડો તો ફેફસાંમાં જવાનો જ. પણ સાથે સાથે પેલા રાસાયણિક તત્ત્વનો ધુમાડો પણ ફેફસાંમાં જવાનો! હવે ફેફસામાં શું થશે કે જેવા કેન્સરનાં જીવાણુઓ આ ધુમાડો સુંઘશે કે તરત તેમને ઘેન ચડવા માંડશે! તમે એક સિગારેટ પીઓ તો તમારા ફેફસાંમાં રહેલા કેન્સરના જીવાણુઓ કમ સે કમ બે કલાક માટે ઊંઘી જવાના!

જોકે બે કલાક પછી કેન્સરના જીવાણુઓ જાગવાના ખરા, પણ ત્યાં સુધીમાં તો બોસ, તમે બીજી સિગારેટ પીવાના જ ને? એટલે જો કેન્સરથી બચવું હોય તો આ સિગારેટ પીતા રહો! કારણ કે સિગારેટ પીવાનું બંધ કર્યા પછી કેન્સરના જીવાણુઓ શું કરશે તેની કોઈ ગેરંટી નથી!

‘પોષક તત્ત્વો’ જાળવતો ગેસ

હમણાં હમણાં આ પોષક તત્ત્વો જાળવવાનું પણ ખાસ્સું ચાલ્યું છે. ફલાણી ટાઇપના વાસણમાં રાંધો તો પોષત તત્ત્વો જળવાઈ રહે છે, ઢીંકણા જાતના ઓવનમાં રાંધ્યા પછીય તમને સંતોષ ન થયો હોય તો ફલાણા ઢીંકણા ફ્રિજમાં ભોજન મૂકી રાખો. એ ફ્રિજનું તો કામ જ પોષક તત્ત્વોની જાળવણી કર્યા કરવાનું છે!

એટલે જેમ હવે પ્રાઇવેટ કંપનીઓના ગેસના બાટલા મળતા થયા છે તેમ આવનાર સમયમાં પોષક તત્ત્વની જાળવણી કરતો ગેસ પણ નીકળવાનો જ છે! આ ગેસ વડે રાંધેલું શાક ભલેને દાઝી ગયું હોય કે રોટલી ભલેને સાવ બળી ગઈ હોય; તેનાં પોષક તત્ત્વો તો ત્યાંનાં ત્યાં જ જળવાઈ રહેવાનાં!

‘પાઉચ’ કો ન આવે આઉચ!

હમણાં-હમણાં પાણીના પાઉચ નીકળ્યાં છે. તે ય પાછા મિનરલયુક્ત તો છે જ. પણ એક દિવસ આવાં પાઉચ વેચતા એક પાનના ગલ્લા આગળ બબાલ ચાલતી હતી.

એક ભાઈ આવીને કહે, ‘યાર, તમે કઈ જાતનાં પાણીનાં પાઉચ વેચો છો? મને તો ઝાડા થઈ ગયા!’

પાનવાળો કહે, ‘ઝાડા થઈ ગયાને? બસ તો, થવા જ જોઈએને!’

ભાઈ ભડક્યા. કહે, ‘ઝાડા થવા જ જોઈએ એટલે?’

‘કશું નહીં,’ પાનવાળો કહે, ‘કોલેરા છે. માઇનર.’

‘માઇનર?’ ભાઈ અકળાઈને કહે, ‘યાર, તમે તો જાણે ડોક્ટર હો એટલી શાંતિથી વાત કરો છો! અહીં મને કોલેરા થઈ ગયો અને -’

‘તે થાય જ ને?’ પાનવાળાએ સમજાવ્યું, ‘આ પાણીના પાઉચમાં હવે કોલેરાની રસી આવી છે!’

‘હેં??’

‘હા! જેથી શરૂઆતમાં માઇનર કોલેરાનો હુમલો આવે. પણ તેને લીધે તમારા શરીરમાં રહેલા શ્વેતકણોને કોલેરાના જીવાણુઓ સામે લડવાની તાલીમ મળી જાય છે!’

‘એટલે?’

‘એટલે એમ કે આ તમને એક વાર કોલેરા થઈ ગયો, એ થઈ ગયો. હવે પછી તમને ક્યારેય કોલેરા નહીં થવાનો!’ પાનવાળાએ સમજાવ્યું.

‘ખરેખર? ક્યારેય નહીં?’ ભાઈને બહુ નવાઈ લાગી.

‘હા, ક્યારેય નહીં!’ પાનવાળાએ પાણીના બે પાઉચ આપતાં કહ્યું, ‘આ જ કંપનીનાં ગમે તેટલાં વાસી પાઉચ પીઓ તો પણ નહીં!’

તમને થતું હશે કે યાર, આવું બધું ઇન્ડિયામાં જ થાય! પણ સાહેબો, ઇન્ડિયાને ‘વિટામીનો’ અને ‘પોષક તત્ત્વો’થી ‘શક્તિમાન’ બનાવનારી કંપનીઓ તો ફોરેનની જ છે! એટલે ચિંતા ના કરો, તમે ઝીંકે રાખો બાપલ્યા, આંયાં બધાં ઓલરાઇટ છે!


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter