હળવે હૈયે

Wednesday 19th June 2019 05:38 EDT
 
 

બ્રેકિંગ ન્યુઝઃ રાજકોટમાં પત્ની સાથે કપટ કરનારા હવામાન ખાતાના કર્મચારીની ધરપકડ.
રોજ વરસાદની આગાહી કરીને પત્ની પાસે ભજિયાં બનાવડાવતો હતો.

એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરતાં પોલીસને કહ્યુંઃ સાહેબ મારા પતિ બે દિવસથી ઘંટીએ ઘઉં દળાવવા ગયા હતા. તે હજુ સુધી પાછા જ આવ્યા નથી.
પોલીસઃ તો બહેન, તમે અત્યાર સુધી તમે શું કર્યું?
મહિલાઃ શું કરું સાહેબ? પરમ દિવસે મગ-ભાત બનાવ્યાં, કાલે બટાકાપૌંઆ અને આજે મને ભાવતી નથી તો પણ ખીચડી મૂકીને આવી છું. હવે કાલ તો રોટલી-ભાખરી કરવી પડશેને?

પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો. ગુસ્સે થઈ પત્નીએ કહ્યુંઃ ‘હું ઘર છોડીને જાઉં છું.’
પતિઃ હું મંદિરે જાઉં છું.
પત્નીઃ તમે ગમેતેટલી બાધા-આખડી રાખશો તો પણ હું પાછી આવવાની જ નથી.
પતિઃ હું તો બાધા પૂરી થઈ એટલે જાઉં છું.

ચંપાઃ પચવામાં ભારે ખોરાક કયો?
જિગોઃ ગોળ-ધાણા... દસ વર્ષ પહેલાં ખાધા હતો હજી દુઃખાવો રહે છે.

જિગોઃ મારે બહુ ટેન્શન છે.
ભૂરોઃ શેનું?
જિગોઃ રોજ સવારે પડે અને તારા ભાભી મારી પાસે બસ્સો રૂપિયા માગે છે.
ભૂરોઃ હેં? તો ભાભી દરરોજ આ બસ્સો રૂપિયાનું કરે છે શું?
જિગોઃ એ જ વાતનું તો ટેન્શન છે, આજ સુધી આપ્યા નથી એટલે ખબર જ પડતી નથી.

ભૂરોઃ મારા અને મારી ગર્લફ્રેન્ડ ચંપાના આવતા મહિને લગ્ન છે.
જિગોઃ અરે વાહ, અભિનંદન... કઈ તારીખે લગ્ન છે?
ભૂરોઃ મારા ૨૧ જુલાઇએ અને ચંપાના ૨૬ જુલાઇએ.

લીલીઃ કેળા શું ભાવ?
ભૂરોઃ ૧૦૦ના દસ.
લીલીઃ થોડું વાજબી કરોને.
ભૂરોઃ સારું ૮૦ના ૮ લઈ લો.

વેઈટરઃ સર, તમારું બિલ લઈ લો.
ચંગુઃ આ લે, મારું કાર્ડ લઈ લે.
વેઈટરઃ પણ સર, આ તો રેશનિંગ કાર્ડ છે.
ચંગુઃ આ શું મજાક છે. પહેલાં કહેવું જોઈએને. બહાર તો લખેલું છે કે All cards are accepted.

ચંગુઃ સાહેબ, હું ક્રિકેટ, ફૂટબોલ, બેડમિંટન અને વોલીબોલ નિયમિત રમું છું.
ડોક્ટરઃ કેટલા કલાક?
ચંગુઃ મોબાઈલમાં બેટરી હોય એટલા કલાક.

બહુ દ્વિધા-મૂંઝવણ થતી હતી તે સમયે -
- બાયોલોજીના ટીચરે શીખવ્યું કે સેલ એટલે શરીરની કોશિકાઓ.
- ફિઝિક્સના ટીચરે કહ્યું કે સેલ એટલે બેટરી.
- ઈકોનોમિક્સના ટીચરે શીખવ્યું કે સેલ એટલે વેચાણ.
- હિસ્ટ્રીના ટીચરે સમજાવ્યું કે સેલ એટલે જેલ.
- અંગ્રેજીના ટીચરે કહ્યું કે સેલ એટલે મોબાઈલ.
આ સાંભળીને ભણવાનું જ છોડી દીધું કે પાંચ શિક્ષકો એકમત નથી ત્યાં ભણીને શું કરવું? સાચું જ્ઞાન તો ત્યારે મળ્યું જ્યારે પત્નીએ જણાવ્યું કે સેલ એટલે સાડીઓ પર ડિસ્કાઉન્ટ.


comments powered by Disqusto the free, weekly Gujarat Samachar email newsletter