ગોધરાકાંડઃ ૧૧ દોષિતોની ફાંસી આજીવન કેદમાં તબદીલ

Wednesday 11th October 2017 07:07 EDT
 
 

અમદાવાદઃ વર્ષ ૨૦૦૨માં ગોધરા રેલવે સ્ટેશને સાબરમતી એક્સપ્રેસના કોચમાં આગચંપી અને ૫૯ કારસેવકોનાં મૃત્યુની ઘટનાને ગુજરાત હાઇ કોર્ટે પૂર્વયોજિત કાવતરું ગણાવી છે, પરંતુ આ ઘટનાને રેરેસ્ટ ઓફ ધ રેર ઘટના માનવાનો ઇન્કાર કરીને ૧૧ આરોપીઓની ફાંસીની સજા ઘટાડીને આજીવન કેદમાં તબદીલ કરી છે. અલબત્ત, સ્પેશિયલ ડેઝિગ્નેટેડ કોર્ટે જે અન્ય ૨૦ આરોપીઓને આજીવન કેદ અને બાકીના ૬૩ને નિર્દોષ મુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો તેને હાઇ કોર્ટે બહાલી આપી છે.
હાઇ કોર્ટના જસ્ટિસ એ. એસ. દવે અને જસ્ટિસ જી. આર. ઉદવાણીની બેન્ચે સોમવારે ૯૯૭ પાનાંના દળદાર ચુકાદામાં રાજ્ય સરકાર અને રેલવે તંત્ર કાયદો-વ્યવસ્થાની જાળવણીમાં નિષ્ફળ જતાં ગોધરાકાંડ સર્જાયો હોવાની માર્મિક ટકોર પણ કરી હતી. સ્પેશિયલ ડેઝિગ્નેટેડ કોર્ટે ૨૦ દોષિતોને આજીવન કેદની ફટકારેલી સજાને હાઇ કોર્ટે યથાવત્ રાખી હતી.
આ ઉપરાંત હાઇ કોર્ટે ગોધરા ટ્રેનકાંડમાં મૃત્યુ પામેલા ૫૯ કારસેવકોના વારસદારોને રૂપિયા ૧૦-૧૦ લાખનું વળતર છ સપ્તાહમાં રાજ્ય સરકાર ચૂકવે તેવો આદેશ પણ કર્યો છે. સાથોસાથ નિર્દોષ મુક્ત થયેલા ૬૩ વ્યક્તિને સજા ફરમાવવાની માંગ સાથે થયેલી અરજી ઉપરાંત ફાંસીને સજાને બહાલી માટે ગુજરાત સરકારે કરેલી ક્રિમિનલ કન્ફર્મેશનલ અરજીને પણ હાઇ કોર્ટે ફગાવી દીધી હતી.

ફેબ્રુઆરી ૨૦૧૧માં સ્પે. ડેઝિગ્નેટેડ કોર્ટે આપેલા ચુકાદાને રાજ્ય સરકાર ઉપરાંત દોષિતોએ પણ હાઈ કોર્ટમાં પડકાર્યો હતો. સ્પે. ડેઝિગ્નેટેડ કોર્ટે ૧૧ આરોપીને ફાંસીની સજા ફરમાવી હતી, જ્યારે ૨૦ને આજીવન કેદની સજા આપી હતી. જેના પગલે એક તરફ, દોષિતોની ફાંસીની સજાને કન્ફર્મ કરવા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (‘સીટ’) તરફથી હાઇ કોર્ટમાં અપીલ કરાઇ હતી. બીજી તરફ, રાજ્ય સરકારે જે આરોપીઓને આજીવન કેદ થઈ હતી તેમને ફાંસીની સજા ફરમાવવા માટે કોર્ટમાં અપીલ કરી હતી. જ્યારે ત્રીજી તરફ દોષિતોએ ચુકાદાને પડકારતી બચાવ અપીલ કરી હતી. આ તમામ અરજીઓ પર સુનાવણીના અંતે સોમવારે હાઈ કોર્ટની ખંડપીઠે સંયુક્ત ચુકાદો આપ્યો હતો.
આ ચુકાદામાં ખંડપીઠે ટ્રાયલ કોર્ટના એ વલણને યથાવત્ રાખ્યું હતું કે ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેન પર સુનિયોજિત હુમલો થયો હતો અને તેના ભાગરૂપે જ કોચ એસ-૬ને આગ લગાડાઈ હતી. નોંધનીય છે કે, ટ્રેનને આગ લાગવાથી અયોધ્યામાં કારસેવા કરીને પરત ફરી રહેલા ૫૯ કારસેવકોનાં મૃત્યુ થયા હતા. આ ઘટના પગલે રાજ્યમાં હિંસક કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે અગાઉ સ્પે. ડેઝિગ્નેટેડ કોર્ટના જજ પી. આર. પટેલે ૨૦૧૧માં ચુકાદો આપતાં ગોધરા હત્યાકાંડને ‘રેરેસ્ટ ઓફ ધી રેર’ની શ્રેણીમાં આવતો ગુનો ગણાવ્યો હતો. આ ઉપરાંત સમગ્ર નરસંહારને પૂર્વનિયોજીત કાવતરું ઠેરવીને ૧૧ આરોપીઓને ફાંસી અને ૨૦ને આજીવન કેદની સજા ફટકારી હતી. જોકે, હાઇ કોર્ટની ખંડપીઠે ગોધરાકાંડને રેરેસ્ટ ઓફ ધી રેર (જવલ્લે જ બનતી ઘટના) નહીં ઠેરવતાં ૧૧ આરોપીની ફાંસીની સજાને સખત આજીવન કેદમાં ફેરવવાનો હુકમ કર્યો હતો.

ચુકાદામાં વિલંબ બદલ ખેદ

ટ્રાયલ કોર્ટના હુકમ સામેની અપીલ પર ચુકાદો જાહેર કરવામાં થયેલા વિલંબ સંદર્ભે હાઇ કોર્ટે ખેદ વ્યક્ત કર્યો હતો. હાઇ કોર્ટે સુનાવણી પૂરી થયા બાદ અઢી પહેલાં ચુકાદો અનામત રાખ્યો હતો. જસ્ટિસ દવેએ કહ્યું હતું કે ગોધરાકાંડનો ચુકાદો અઢી વર્ષ પછી આપું છું ત્યારે ભોગ બનેલાઓ અને આરોપીઓને આનાથી કેટલી મુશ્કેલી પડી હશે તે સમજી શકાય છે. જોકે, તમે સમજી શકો છો કે તમામ બાબતો આપણા નિયંત્રણમાં હોતી નથી.

ચુકાદામાં ફેરફાર

ગોધરાકાંડ કેસની સુનાવણી માટે રચાયેલી સ્પે. ડેઝિગ્નેટેડ કોર્ટે ૧૧ આરોપીઓને ફાંસીની સજા કરી હતી અને હવે હાઇ કોર્ટ તેને આજીવન કેદમાં તબદીલ કરી છે. નવા ચુકાદા પ્રમાણે ઇસ્માઇલ સુજેલા ઉર્ફે હાજી બિલાલ રમઝાની બેહરા, રઝાક કુરકુર (અમન ગેસ્ટ હાઉસનો માલિક), જબ્બાર બેહરા, સિરજા બાલા, ઇરફાન ભોપા કલંદર, ઇરફાન પાટડિયા, મહેબૂબ લતિકા, હસન લાલુ, મહેબૂબ ચંદા, સલીમ ઉર્ફે સલમાન ઝર્દાને આજીવન કેદ ભોગવવાની રહેશે.

અભ્યાસ બાદ અપીલનો નિર્ણય

સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરે કહ્યું કે, હાઇ કોર્ટના હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકારવો કે નહીં એ રાજ્યનો વિશેષાધિકાર છે. આમ છતાં ચુકાદાની નકલ આવ્યા પછી તેનો અભ્યાસ કરીને અમે અમારી ભલામણ રાજ્ય સરકારને કરીશું. તેના આધારે રાજ્ય નક્કી કરશે કે સુપ્રીમ કોર્ટમાં જવું કે નહીં. બીજી તરફ આરોપીઓના વકીલોએ કહ્યું હતું કે સુનાવણીમાં કદાચ કંઇ ખામી રહી ગઇ હોય તેમ લાગે છે.

દરેક ચૂંટણીમાં સળગતો મુદ્દો

વર્ષ ૨૦૦૨થી લઈને ૨૦૧૭ સુધીમાં ગુજરાતમાં જ્યારે જ્યારે ચૂંટણીઓ નજીક આવે ત્યારે ગોધરાકાંડ - કોમી રમખાણોનો મુદ્દો ચર્ચામાં આવે છે. પોલીસની તપાસ, મેજિસ્ટ્રેટ કે ‘સીટ’ના રિપોર્ટ, મોટા રાજકીય નેતાઓના સમન્સ કે ચુકાદા જેવી પ્રક્રિયાઓ ટાઇમલાઈનના જોગ-સંજોગને કારણે પીડિતોની ફરિયાદ અને રાજકીય આક્ષેપબાજીમાં ગુજરાતની પ્રત્યેક ચૂંટણીઓ યોજાઈ છે. આ વખતે પણ વિધાનસભા ચૂંટણીમાં આ મુદ્દો હાવિ થાય તો નવાઈ નહીં!


comments powered by Disqus