ભારતીય સિનેમા ઉદ્યોગ માટે ગૌરવની ક્ષણ

Wednesday 15th March 2023 09:43 EDT
 
 

લોસ એન્જલસઃ ભારતીય સિનેમા ઉદ્યોગ માટે સોમવારનો દિવસ સિમાચિહ્નરૂપ સિદ્ધિ સાથે ઉગ્યો હતો. લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં યોજાયેલા 95મા ઓસ્કર એવોર્ડ સમારોહમાં પહેલી વખત દેશની બે ફિલ્મે બે અલગ અલગ કેટેગરીમાં ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો છે.
15 ઈન્ટરનેશનલ એવોર્ડ જીતી ચૂકેલી દિગદર્શક રાજામૌલીની ‘RRR’ને ‘નાટુ - નાટુ...’ ગીતને બેસ્ટ ઓરિજિનિલ સોંગ કેટેગરીમાં જ્યારે ગુનીત મોંગાની ‘એલિફન્ટ વ્હિસ્પરર્સ’ ફિલ્મને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કરથી સન્માનિત કરાઈ હતી. ‘નાટુ નાટુ’ ગીત માટે કંપોઝર એમ. એમ. કીરવાની અને ગીતકાર ચંદ્રબોઝે એવોર્ડ સ્વીકાર્યો હતો જ્યારે ‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ'નો એવોર્ડ સ્વીકારવા તેના ડિરેક્ટર કાર્તિકી ગોન્સાલ્વીસ અને પ્રોડ્યુસર ગુનીત મોંગા ઉપસ્થિત હતાં. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સિદ્ધિને ભારત માટે ગૌરવની ક્ષણ ગણાવી હતી. ઉલ્લેખનીય છે કે 15 વર્ષ પહેલાં 2008માં ‘સ્લમડોગ મિલિયોનેર’ના ‘જય હો...’ ગીત માટે એ.આર. રહેમાનને બેસ્ટ ઓરિજિનલ સોંગનો ઓસ્કર મળ્યો હતો. જોકે, તે બ્રિટિશ ફિલ્મ હતી. બેસ્ટ ઓરિજિનલ સોન્ગ કેટેગરીમાં ‘નાટુ નાટુ ’ સાથે ‘એપ્લોઝ...’ (ફિલ્મ ટેલ ઇટ લાઇક અ વુમન), ‘હોલ્ડ માય હેન્ડ... (ટોપ ગનઃ મેવરિક), ‘લિફ્ટ મી અપ... (બ્લેક પેન્થરઃ વકાન્હા ફોરએવર) અને ‘ધીઝ ઇઝ અ લાઇફ...’ (એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ) જેવા સોન્ગ સ્પર્ધામાં હતા.
‘નાટુ નાટુ’ ગીતને ગોલ્ડન ગ્લોબ અને ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ બાદ આ ત્રીજું મોટું આંતરરાષ્ટ્રીય સન્માન મળ્યું છે. ‘નાટુ નાટુ’ના સિંગર્સ રાહુલ સિપ્લિગંજ અને કાલભૈરવે આ ગીત પર લાઇવ પરફોર્મ પણ કર્યું હતું, જેને દર્શકોએ સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું.
‘નાટુ નાટુ’ (મતલબ કે નાચો - નાચો...) ગીત 10 નવેમ્બર 2021ના રોજ રિલીઝ થયું હતું. અને રિલીઝના ફક્ત 24 જ કલાકમાં તેના તમિળ વર્ઝનને યુટ્યૂબ પર 1.7 કરોડ વ્યૂઝ મળ્યા હતા. તમામ પાંચ ભાષામાં તેને કુલ 3.5 કરોડ વ્યૂઝ મળ્યા છે. તે સૌથી પહેલા એક મિલિયન લાઈક્સ મેળવનારું તેલુગુ ગીત પણ છે. હાલ આ ગીતના માત્ર હિન્દી વર્ઝનને યુટ્યૂબ પર 26.5 કરોડ વ્યૂઝ અને 25 લાખ લાઈક્સ હાંસલ છે. ‘નાટુ - નાટુ’એ ‘બેસ્ટ ઓરિજિનલ સોન્ગમાં એવોર્ડ જીત્યો છે. ગીતને પ્રેમ રક્ષિતે કોરિયોગ્રાફ કર્યું છે.
આ ગીત માટે રક્ષિતે 110 મૂવ તૈયાર કર્યા હતા. તેને શૂટ કરવામાં અંદાજે 20 દિવસ થયા હતા. આ દરમિયાન 43 રિટેક્સ લેવામાં આવ્યા હતા. ‘નાટુ - નાટુ’નું રિહર્સલ અને શૂટિંગ એક જ સાથે થયું હતું.
ગુણીતની બીજી ડોક્યુમેન્ટરીને ઓસ્કર
‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’ ઓસ્કર જીતનારી ગુનીત મોંગાની બીજી ફિલ્મ છે. તેની સ્ટોરી રઘુ નામના એક અનાથ હાથીની સારસંભાળ લેતા દક્ષિણ ભારતના દંપતી બોમન અને બેલીની છે. આ ફિલ્મ દ્વારા મનુષ્યો અને પ્રાણીઓ વચ્ચેનું બોન્ડિંગ દર્શાવાયું છે. અગાઉ 2019માં ગુનીતે પ્રોડ્યુસ કરેલી ‘પિરિયડ એન્ડ ઓફ સેન્ટેન્સ’ને બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ કેટેગરીમાં ઓસ્કર મળ્યો હતો. ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ ‘એલિફન્ટ વ્હિસ્પરર્સ’માં હાથીના ઝૂંડમાંથી વિખૂટા પડી ગયેલા હાથીના બચ્ચાં ‘રઘુ’ની એક મહાવત સાથે માનવીય સંવેદનાની કહાની છે. બીજી તરફ, દીપિકા પાદુકોણ ઓસ્કર સેરેમનીમાં પ્રેઝન્ટર તરીકે હાજર રહી હતી.
ઓસ્કર સન્માન ભારતના વિજયસમાન
‘RRR’ ફિલ્મના બંને મુખ્ય કલાકારો રામચરણ તથા જુનિયર એનટીઆર બંનેએ ‘નાટુ નાટુ’ ગીતને ઓસ્કર સન્માન મળ્યું તેને ભારતના વિજયસમાન ગણાવ્યું હતું. જુનિયર એનટીઆરએ કહ્યું હતું કે આ માત્ર આરઆરઆરને નહીં સમગ્ર ભારતને મળેલો એવોર્ડ છે. આ એક દેશ તરીકે સમગ્ર ભારતની સિદ્ધિ છે. ભારતીય સિનેમા કયા સ્તરે પહોંચી શકે છે તેનું આ ઉદાહરણ છે. આ તો હજુ શરૂઆત છે.
રામચરણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે આપણે જીતી ગયાં છીએ, ભારતીય સિનેમા આપણે જીતી ગયા છીએ. આપણે એક દેશ તરીકે જીતી ગયાં છીએ. ઓસ્કર ટ્રોફી આપણા ઘરે આવી છે. ‘RRR’ માત્ર અમારી જિંદગી જ નહીં પરંતુ સમગ્ર ભારતીય સિનેમા ઇતિહાસની એક ખાસ ફિલ્મ બની રહેશે.
ગ્લોબલ થઇ ગયું ‘નાટુ નાટુ’
‘RRR’ની ટીમને અભિનંદને પાઠવતાં વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે આ ગીતને આવનારાં વર્ષોનાં વર્ષો સુધી યાદ રાખવામાં આવશે. ભારત માટે આ ગૌરવની ક્ષણ છે. તેમણે જણાવ્યું હતું કે આ ગીતની લોકપ્રિયતા ગ્લોબલ થઈ ચુકી છે. એમ.એમ. કિરવાનીને ખુબ ખુબ શુભેચ્છાઓ. ભારત બહુ ખુશ છે અને ગર્વ અનુભવે છે.
‘RRR’ ફિલ્મના એક કલાકાર અજય દેવગણે કહ્યું હતું કે હંમેશાં કહેવાતું રહ્યું છે તેમ સિનેમા વૈશ્વિક ભાષામાં અભિવ્યક્ત થાય છે. ‘RRR’ તથા ધી એલિફન્ટ વ્હિસ્પર્સની ટીમને ખુબ અભિનંદન. આ ભારત માટે ગર્વની ક્ષણ છે.
આલિયા ભટ્ટે આ ગીતને ઓસ્કર એવોર્ડની જાહેરાતના સ્ક્રીન શોટ સાથે ‘અહા..’ એવો સુદીર્ઘ આનંદસૂચક ઉદગાર મુકીને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. તો પ્રિયંકા ચોપરાએ ‘RRR’ની ટીમને હાથ જોડીને તેમને ધન્યવાદ પાઠવ્યા હતા.
સામાન્ય રીતે દીપિકા પાદુકોણની કટ્ટર ટીકાકાર કંગના રણૌતે ઓસ્કરમાં પ્રેઝન્ટર તરીકે દીપિકાનાં પરફોર્મન્સને વખાણ્યું હતું. ‘નાટુ નાટુ’ને ઓસ્કર નિમિત્તે તેણે ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ એવોર્ડ માટે સમગ્ર ભારત અભિનંદનનું અધિકારી છે. વંશીય દ્વેષના મુદ્દે ભારતીયોનું દમન તથા હત્યાની વાતને ગ્લોબલ પ્લેટફોર્મ પર સ્વીકારવામાં આવી છે.
કોરિયોગ્રાફીમાં બે મહિનાની મહેનત
ભારતીય ફિલ્મ ‘RRR’નાં ગીત ‘નાટુ નાટુ’ને ઓસ્કર એવોર્ડ મળતાં સમગ્ર ભારતીય ફિલ્મ જગત ગૌરવાન્વિત થયું છે. આ ગીત પાછળની રસપ્રદ વાત એ છે કે તેના કોરિયોગ્રાફર પ્રેમ રક્ષિતને આ ગીતની કોરિયોગ્રાફી તૈયાર કરતાં પૂરા બે મહિના લાગ્યા હતા. રક્ષિતના જણાવ્યા અનુસાર તેના માટે સૌથી મોટો પડકાર એવી રીતે સ્ટેપ ગોઠવવાનો હતો કે રામચરણ કે જુનિયર એનટીઆર બંનેમાંથી કોઈ એકબીજા કરતાં ક્યાંય ચઢિયાતા કે ઉતરતા લાગે નહીં અને બંનેની એકસમાન એનર્જી જ સમગ્ર ગીતમાં અભિવ્યક્ત થતી રહે. આ ગીતનું શૂટિંગ યુક્રેનના રાષ્ટ્રપ્રમુખના પેલેસના પ્રાંગણમાં સતત 20 દિવસ સુધી ચાલ્યું હતું. કુલ 43 ટેકમાં ગીત પૂર્ણ થયું હતું. કલાકારો માટે કુલ 110 મુવ્ઝ તૈયાર કરવામાં આવ્યા હતા. શૂટિંગની છેક છેલ્લી ક્ષણ સુધી તેમાં ઈમ્પ્રોવાઈઝેશન થતું રહ્યું હતું.
એન્ડ ધ ઓસ્કર ગોઝ ટુ
• બેસ્ટ પિક્ચર
‘એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ’
• બેસ્ટ એક્ટ્રેસ
મિશેલ યો - ‘એવરિથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ’
• બેસ્ટ એક્ટર
બ્રેન્ડન ફ્રેઝર - ‘ધ વ્હેલ’
• બેસ્ટ ડિરેક્ટર
ડેનિયલ ક્વાન, ડેનિયલ શેનર્ટ ‘એવરિથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ’
• બેસ્ટ ઓરિજિનલ સોંગ
નાટુ - નાટુ... ‘RRR’ (સંગીતઃ એમ.એમ. કીરવાની - ગીતકારઃ ચંદ્રબોઝ)
• બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ
‘ધ એલિફન્ટ વ્હિસ્પરર્સ’ (નિર્માતાઃ ગુનીત મોંગા - દિગ્દર્શકઃ કાર્તિકી ગોન્સાલવીસ)
• બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ
‘નેવેલ્ની’
મેકિંગ ઓફ નાટુ - નાટુ... 4 મિનિટ 35 સેકન્ડના ગીત માટે 20દિવસ શૂટિંગ, 43 રિટેક, 20ગીત લખ્યાં હતાં.
• સંગીતકાર એ.એમ. કી૨વાનીએ ગીતનો 90 ટકા હિસ્સો ફક્ત અડધા દિવસમાં પૂરો કરી દીધો હતો, પરંતુ બાકીનો 10 ટકા ભાગ પૂરો કરતા 19 મહિના થયા હતા.
• ડિરેક્ટર રાજામૌલીને 4 મિનિટ 35 સેકન્ડનું ગીત શૂટ કરતાં આશરે 20 દિવસ લાગ્યા હતા, જેના માટે 43 રિટેક લેવાયા હતા.
• ગીતકાર ચંદ્રબોઝે ‘RRR’ માટે 20 ગીત લખ્યાં હતાં, પરંતુ તેમાંથી ફક્ત ‘નાટુ - નાટુ’ ફાઈનલ કરાયું હતું.
• કોરિયોગ્રાફર પ્રેમ રક્ષિતને આ ડાન્સ કોરિયોગ્રાફી કરતા બે મહિનાનો સમય લાગ્યો હતો. 50 બેકગ્રાઉન્ડ ડાન્સર, 400 જુનિય૨ આર્ટિસ્ટની સાથે તેમણે ગીતના હૂક સ્ટેપ માટે 110 મૂવ્સ બનાવ્યાં હતાં.
• ઓગસ્ટ 2021માં યુક્રેનના કીવમાં પ્રમુખ ઝેલેન્સ્કીના ઘર માસિવ્સ્કી પેલેસમાં તેનું શૂટિંગ થયું હતું. 15દિવસના આ શૂટિંગ માટે કલાકાર રહી ચૂકેલા ઝેલેન્સ્કીએ સરળતાથી મંજૂરી આપી દીધી હતી.


comments powered by Disqus