અમદાવાદઃ ગુજરાતમાં નવેસરથી ચોમાસુ જામ્યું હોય તેમ છેલ્લા બે દિવસથી અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાની મહેર થઈ છે. સોમવારે દિવસભર 110થી વધુ તાલુકામાં મહત્તમ ચાર ઇંચથી લઈને હળવો વરસાદ થવા પામ્યો હતો. વરસાદનું જોર મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રહ્યું હતું. સૌરાષ્ટ્રના અનેક તાલુકામાં બે દિવસમાં ભારે વરસાદના કારણે ફક્ત સૌરાષ્ટ્ર ઝોનમાં જ સિઝનનો સો ટકા વરસાદ બાકી હતો તે પણ થઇ જવા પામ્યો છે.
રાજ્યમાં જૂનાગઢના માંગરોળમાં મહત્તમ ચાર ઇંચથી વધુ વરસાદ, ઉના-કેશોદમાં બે-બે ઇંચ અને ખેડબ્રહ્મામાં એક ઇંચ સાથે કુલ 9 તાલુકામાં સોમવારે સવારથી સાંજ સુધી એક ઇંચથી વધુ વરસાદ થવા પામ્યો હતો. બે દિવસ દરમિયાન અનેક સ્થળે ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક તાલુકામાં જળબંબાકાર જેવી સ્થિતિ થતા લોકો હાલાકીમાં મૂકાયા હતા. વરસાદના કારણે નવી આવક થતા નર્મદા ડેમ સિવાયના 206 જળાશયોમાં કુલ સંગ્રહ 95.30 ટકા થવા પામ્યો છે. જેમાં 150 ડેમ હાઈએલર્ટ પર, 13 એલર્ટ અને 14 વોર્નિંગની 0 0 કેટેગરીમાં મૂકાયા છે. સો ટકા ભરાઈ ગયા હોય તેવા જળાશયોની સંખ્યા 114 થઈ છે. તેમાં સૌરાષ્ટ્રના મહત્તમ 71 અને મધ્ય ગુજરાતના 13 ડેમનો સમાવેશ થાય છે.
70 ટકાથી 99 ટકા વચ્ચે ભરાયેલા જળાશયોની સંખ્યા 63 થઈ છે.
માર્ગ ઉપર પાણી ભરાવાથી અને રસ્તા ખરાબ થઈ જતા રાજ્યમાં 144 માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કર્યા છે.
મેઘમહેર જારી રહેતા રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 115.10 ટકા થવા પામ્યો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 140.23 ટકા, દક્ષિણ ગુજરાતમાં 121.72 251, ઉત્તર ગુજરાતમાં 120.19 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 115.57 ટકા અને સૌરાષ્ટ્રમાં 102 ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે. રાજ્યના મુખ્ય જળાશયોમાં ઉકાઈમાં 97.43 ટકા, ધરોઈમાં 99.23 ટકા, દાંતીવાડામાં 92.75 ટકા, રાજકોટના ભાદરમાં 88.52 ટકા અને કડાણા તથા પાનમ ડેમ સો ટકા ભરાઇ જવા પામ્યા છે.

