મૃત્યુ મરી ગયું રે લોલ...

Wednesday 06th May 2015 05:48 EDT
 
હંસરાજભાઈ શાહ
શાંતાબહેન કે. મહેતા
 

વડીલો સહિત સહુ વાચક મિત્રો, ભારતીય સનાતન સંસ્કૃતિના પાયાના અને અમર કહેવાય તેવા સંદેશામાં જન્મ અને મરણ વિશેનો જે દૃષ્ટિકોણ રજૂ થયો છે તે મારી દૃષ્ટિએ અન્ય ધર્મ કે આધ્યાત્મિક વિચારસરણી કરતાં સહેજસાજ અળગો ગણી શકાય. શ્રીમદ્ ભગવદ ગીતામાંથી પણ એવો જ સૂર સંભળાય છે કે જન્મ-મરણ, લાભ-હાનિ, યશ-અપયશ માનવીમાં હાથમાં નથી. સાદી ભાષામાં કહીએ તો, આ છએ છ ઘટનાઓ પે’લા કીમિયાગર કે જાદુગર કે કઠપૂતળીના સંચાલક તરીકે જાણીતા પરમ તત્વ કે જેમને આપણે પરમાત્મા કહીએ છીએ, જગતનિયંતા કહીએ છીએ તે અદમ્ય શક્તિ નિયંત્રિત કરતી હોય છે. આપણે ભલે તેને નિહાળી શકતા નથી, પણ અનુભવી શકીએ છીએ અવશ્ય. સનાતન સંસ્કૃતિમાં અવસાન, મોત એ માત્ર શોક કે દુઃખનો પ્રસંગ નથી. શિર્ષકમાં ટાંકેલી પંક્તિ મેં એક ભજનમાં સાંભળી હતી. કોલેજકાળમાં થોડુંક સમજાયું હતું, પણ કંઇ ઝાઝી ગતાગમ પડતી નહોતી.
વડોદરામાં તે વેળા અમને સુરેશ જોષી ગુજરાતી વિષય ભણાવતા હતા. પ્રોફેસર કરતાં સાહિત્યકાર તરીકે વધુ જાણીતા સુરેશભાઇ ગુજરાતી ભાષાના મોટા ગજાના વિદ્વાન ખરા, પણ માથે પંડિતાઇના પોટલાં લઇને ફરનારા નહીં. સ્વભાવે ટીખળી. એક વખત વાત વાતમાં મેં આ પંક્તિનો અર્થ પૂછ્યોઃ ‘મૃત્યુ મરી ગયું રે લોલ...’નો અર્થ સમજાવોને...
પ્રિય વાચક મિત્રો, સ્વ. સુરેશભાઇએ જે કંઇ વિગતવાર સમજાવ્યું તેનો અર્ક મારી સમજ પ્રમાણે રજૂ કરું છુંઃ જીવનમાં મૃત્યુ અનિવાર્ય છે, પણ કેટલાક માનવી એવા હોય છે જેમણે અંતિમ પળ આવતાં સુધીમાં એવી અપ્રતીમ સિદ્ધિ હાંસલ કરી લીધી હોય છે કે તેમની વિદાયથી જાણે મૃત્યુનું પણ મરણ થયું હોય તેવી અનુભૂતિ થાય. આવી વ્યક્તિઓ અવસાન બાદ, વિશ્વ સમક્ષ કે પરિવાર સમક્ષ પ્રત્યક્ષ કે સદેહે ઉપસ્થિત ન હોય તો પણ તેમની આભા, સંસ્કારવારસા થકી સતત ધબકતી રહે છે. આ વ્યક્તિવિશેષો તેમના જીવનકર્મો થકી દીર્ઘજીવી અને અમુક અંશે અજરાઅમર સ્થિતિ પ્રાપ્ત કરતા હોય છે.
મારા-તમારા સહિત દરેકના જીવનમાં કોઇને કોઇ વ્યક્તિ આવું સ્થાન ભોગવતી હોય છે. વાચક મિત્રો, તમે પણ જરા વિચારજો, માતા કે પિતા, દાદા કે દાદી, નાના કે નાની... કોઇને કોઇએ તમારા જીવનને જીવતેજીવ હર્યુંભર્યું કર્યું હશે. તેઓ પોતાની પાછળ એવી કાયમી વિરાસત મૂકી ગયા હશે કે જેને સમયનો, કાળનો કાટ ન લાગે. જો જો હોં... આ વિરાસત શબ્દ જમીન-મકાનના અર્થમાં સીમિત નથી. સંતાનો કે પરિવાર પ્રતિ તેમજ આમ સમાજમાં એક યા બીજી વ્યક્તિ ઓછાવત્તે અંશે પોતાના જીવનસૌરભનો પમરાટ છોડતા જ જાય છે ને? અને આ સ્થિતિ કોઇ એક ચોક્કસ જ્ઞાતિ, કોઇ એક પરિવાર કે શિક્ષણ કે ધનદૌલત કે જીવનના કોઇ ક્ષેત્રે પ્રાપ્ત સિદ્ધિ પર અવલંબિત નથી.
કોઇ વ્યક્તિમાં અઢળક સારા ગુણો હોય તો એકાદ-બે અવગુણ પણ હોવાના જ. આમ પણ કોઇ વ્યક્તિ ક્યારેય સંપૂર્ણ હોતી નથી. (જો આવું જ હોય તો તેને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીરામનો દરજ્જો ન મળી જાય?!) સંભવ છે કે તમે કોઇ એવા વ્યક્તિત્વને પણ જાણતા હશો જેમનામાં અઢળક અવગુણો હશે, પરંતુ જો આ જ વ્યક્તિત્વમાં જરા ઊંડા ઊતરીને તપાસ કરશો તો તમને અવશ્ય એવા સારાં ગુણોની ઝાંખી થશે, જે આપણને તેમના પ્રતિ આદરભાવ માટે પ્રેરશે, સન્માનની લાગણી કેળવવા માટે પ્રેરશે.
કાશ, આ બાબતમાં જો આપણે મધમાખી બની શકીએ તો કેવું સારું? અત્યારે બ્રિટનમાં સ્પ્રિંગની પધરામણી થઇ છે. વસંતના વધામણા થઇ ગયા છે. વૃક્ષોના સૂકાંભઠ્ઠ ડાળીડાળખાં લીલાંછમ્મ દેખાઇ રહ્યા છે. વાચક મિત્રો, હું તો દરરોજ પાંચેક મિનિટ ૫૦૦-૭૦૦ ફૂટના અંતરે આવેલા વૃક્ષો પર નજર માંડુ છું. અમારા નિવાસસ્થાનના છઠ્ઠા માળે ઉભા રહીને નજર માંડીએ તો ક્યાંય દૂ...ર દૂ...ર સુધી નજર જઇ પહોંચે છે તેનો હું ભરપૂર લાભ ઉઠાવું છું. તબીબી વિજ્ઞાન પણ સૂચવે છે કે જો તમે તમારી આંખોને દરરોજ દૂર-સુદૂર નજર માંડવાની કસરત કરાવશો તો દૃષ્ટિ સંબંધિત સમસ્યામાં રાહત રહેશે. ખેર, આપણે મધમાખીની વાત પર પાછા ફરીએ. મધમાખી એક ટીપું મધ એકત્ર કરવા માટે કેટલો આકરો પરિશ્રમ કરે છે... એક એક ફૂલ પર બેસવું, તેનો રસ ચૂસવો અને ટીપે ટીપે સરોવર ભરાય એ ન્યાયે ટીપે ટીપે મધપૂડો બનાવે છે. મધ દીર્ઘકાલીન સાચવી શકાય છે એ તો તમે જાણો જ છો. ડાયાબીટીસના દર્દી પણ દિવસ દરમિયાન એકાદ ચમચી મધનું સેવન કરી શકે. મધ માનવશરીર માટે ભલે અનેક પ્રકારે લાભદાયક ગુણોનો ખજાનો ધરાવતો હોવાનું જણાવાય, પણ આ મધ એકત્ર કરનાર મધમાખીનું આયુષ્ય બહુ લાંબુ હોતું નથી. મધમાખીની આવરદા અલ્પ હોવા છતાં તે પોતાની પાછળ (મધ સ્વરૂપે) પોષક વિરાસત છોડી જાય છેને? ઇશ્વરના ચરણોમાં ધરાવાતું પંચામૃત પણ મધ વગર અધૂરું ગણાય છે તે જ દર્શાવે છે કે આપણા જીવનમાં મધને કેટલું મહત્ત્વનું સ્થાન આપ્યું છે.
મધને તેમાં રહેલા પોષક તત્વોના કારણે પાંચ અમૃતની યાદીમાં સ્થાન મળ્યું છે તેની ના નહીં, પણ મિત્રો... મધના મૂલ્યને જરાક સૂક્ષ્મ અર્થમાં મૂલવશો તો સમજાશે કે આપણે મધને અમૃતસમાન ગણાવીને એક નાનકડા જીવના અથાક પરિશ્રમને બિરદાવીએ છીએ. આ પરિશ્રમ એવો છે જે પે’લા નાનકડા જીવે પોતાના માટે નથી કર્યો, પણ અન્યોના લાભાર્થે કર્યો છે. કંઇક આવું જ સત્વસભર જીવન કેટલાક મહાન આત્માઓ જીવી જતા હોય છે, જેના પરિણામસ્વરૂપ પોતાનું શરીર છોડ્યા પછી પણ તેઓ આપણા અંતરમનમાં ધબકતા રહે છે. આજે મારે બહુ સંક્ષિપ્તમાં આવા જ બે મુઠ્ઠીઊંચેરા વડીલોની વિદાયનો ઉલ્લેખ કરવો છે. આ બન્ને વડીલો જૈન સમુદાયના છે, તે એક સંયોગ જ છે.
ગયા સપ્તાહના ગુજરાત સમાચારમાં પાન નં. ૨૮ ઉપર આપણે માતુશ્રી શાંતાબા કાંતિલાલ મહેતા વિશે અંજલિ વાંચી હશે. એક જમાનામાં જ્યારે સંતાનો - પછી તે દીકરો હોય કે દીકરી - પિતા કે માતાના નામે ઓળખાતા હતા. આવા સમયે સંતાનના નામથી પિતા કે માતા ઓળખાય એ તો કેવું સદભાગ્ય ગણાય! નીતિનભાઇ મહેતાના માતુશ્રી શાંતાબા. નીતિનભાઇના પિતા કાંતિભાઇસાહેબ અને મોટા ભાઇ સ્વ. કિરીટભાઇ. નીતિનભાઇ મહેતા કાઠિયાવાડી વાણિયા. કેન્યાથી બ્રિટન આવ્યા. સારા ગ્રેડ સાથે ગ્રેજ્યુએટ થયા. આજે ગુજરાતી સમુદાયમાં મોટું નામ ગણાતા નીતિનભાઇ છેલ્લા ૩૫-૪૦ વર્ષથી શાકાહાર અને જીવદયાને સમર્પિત જીવન વીતાવે છે. વાણિયા એટલે ધનપ્રાપ્તિમાં રચ્યાપચ્યા રહે તેવું માનવાની ભૂલ કરતા નહીં. તેઓ છેલ્લા કેટલાય વર્ષોથી યંગ ઇંડિયન વેજિટેરિયન સોસાયટીમાં નિસ્વાર્થભાવે સક્રિય પ્રદાન આપીને સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવી રહ્યા છે.
હું મધ્ય લંડનમાં રહું છું, જ્યારે શાંતાબાની અંતિમક્રિયા ગયા શુક્રવારે સાઉથ લંડનમાં આવેલા ક્રોયડનમાં યોજાઇ હતી. કેટલાક અનિવાર્ય કારણોસર હાજરી આપવાનું શક્ય ન બન્યું તેનો મને વસવસો છે.
બીજા દિવસે, શનિવારે નોર્થ લંડનમાં ગોલ્ડર્સ ગ્રીન ક્રિમેટોરીયમ ખાતે સ્વ. હંસરાજભાઇ દેવરાજ શાહની અંતિમક્રિયામાં હું ઉપસ્થિત રહી શક્યો તેને હું મારું સદભાગ્ય ગણું છું. કોઇ પણ વ્યક્તિની અંતિમક્રિયામાં કેટલા માણસો આવ્યા - ઓછા આવ્યા કે વધુ આવ્યા - તેનું ખાસ મહત્ત્વ નથી. આમ પણ આયખાનો સમીકરણનો અંદાજ જનમેદનીની સંખ્યા પરથી ન કાઢી શકાય. હા, જે તે વ્યક્તિ પછી તે માતા હોય કે પિતા, નાના હોય કે મોટા, પોતાની રીતે આગવી ઓળખ અવશ્ય મૂકી જતા હોય છે.
સ્વ. હંસરાજભાઇને ત્રણ પુત્રો - મનિષભાઇ, ભરતભાઇ, અને કમલભાઇ. બ્રિટનની અંદર અને બ્રિટનની બહાર પણ પોતાના વ્યવસાયમાં આ પરિવારે બહુ મોટું કાઠું કાઢ્યું છે. ફાર્માસ્યુટિકલ ડિસ્ટ્રીબ્યુશન ક્ષેત્રે સિગ્મા પીએલસી સુપ્રસિદ્ધ છે. સિગ્મા ફાર્માસ્યુટિકલ્સ પરિવાર બૃહદ છે. ભાઇઓ-બહેનો, પુત્ર-પૂત્રવધુઓ સહુ કોઇ સાથે મળીને કામ કરે છે. વેપાર-ધંધામાં તો મોટું નામ કમાયા જ છે, પણ ઓશવાળ સમાજના ઇતિહાસને ગ્રંથસ્થ કરવામાં પણ આ પરિવારનું પ્રશંસનીય પ્રદાન છે. આખરે તો જે વ્યક્તિ, પરિવાર પોતાના સમાજને, પોતાની આગવી ઓળખને બળવત્તર બનાવવામાં સક્રિય પ્રદાન આપે છે એ જ તો સામાજિક પ્રતિષ્ઠાને વરે છે ને...
સ્વ. હંસરાજભાઇ સાથે વર્ષોજૂનો પરિચય. કેટલીય વખત રૂબરૂ મળી પણ ચૂક્યો છું, પણ ક્યારેય તેમની નમ્રતાને સંપત્તિનો રંગ ચઢ્યાનું નિહાળ્યું નથી. જંગી કારોબાર કરતી પેઢીના મોવડી હોવા છતાં તદ્દન શાંત. જન્મે જૈન હંસરાજભાઇ માત્ર ૧૨ વર્ષની વયે કેન્યા ગયા ત્યારે હાથમાં દોરી-લોટો લઇને ગયા હશે. ૧૯૯૭માં લંડનમાં આવ્યા. ૨૬ એપ્રિલે આપણી વચ્ચેથી વિદાય લીધી.
શાંતાબાની વાત કરો કે હંસરાજભાઇની, બન્ને પોતપોતાની રીતે એવો સંસ્કારવારસો મૂકતા ગયા છે તેમના પરિવારજનોને તો પ્રેરણા મળતી જ રહેશે, પરંતુ દિવાદાંડી સમાન તેમનું જીવન આપણને સહુને પણ મારગ ચીંધતું રહેશે. આપણા સમાજમાં કેટલાય વ્યક્તિવિશેષ એવા હશે જેઓ પરિવારને કાયમી જીવનભાથું આપીને વિદાય લે છે, પણ શાંતાબા અને હંસરાજભાઇ જેવા તારલા બહુ ઓછા હોય છે, જે સમગ્ર સમાજને માર્ગ ચીંધતા જાય છે.

ચૂંટણીના ચકરાવામાં મૂલ્યોની ચટણી...

બ્રિટનમાં સાતમી મે, ગુરુવારે મતદાન થશે અને ૨૪ કલાકમાં તો પરિણામ પણ બહાર આવી જશે. અત્યારના અહેવાલ મુજબ તો કોઇ એક પક્ષને સ્પષ્ટ બહુમતી સાંપડે તેવું જણાતું નથી. સોમવારના ડેઇલી ટેલિગ્રાફ (ટોરી સમર્પિત)ના કહેવા પ્રમાણે કન્ઝર્વેટિવ્સને ૩૪ ટકા અને લેબરને ૩૩ ટકા જનમતનો સથવારો મળશે. આવા જ એક અન્ય અહેવાલમાં ટેલિગ્રાફે લખેલા લેખમાં ટાંકેલા પાંચ અંગ્રેજી શબ્દોએ મારું ધ્યાન ખાસ ખેંચ્યું. આ શબ્દો હતાઃ Tory still leading latest poll. આનો એક અર્થ એવો પણ થઇ શકે કે લેબર હવે કન્ઝર્વેટિવ્સની લગોલગ પહોંચી ગયો છે અને તેની આગેકૂચ ચાલુ જ છે.
આ અખબાર આપ સહુ સુજ્ઞ વાચકોના હાથમાં આવશે ત્યારે તો જગજાહેર થઇ ગયું હશે કે ક્યા પક્ષને વધુ બેઠકો મળી? ક્યા પક્ષની સરકાર રચાશે? યુતિ રચાશે તો ક્યા પક્ષો વચ્ચે? આથી આવા કોઇ પણ મુદ્દે કંઇ પણ ધારણા કરવાનું કપોળ કલ્પિત જ ગણાશે.
સોમવારના ટેલિગ્રાફના અહેવાલ અનુસાર, ટોરી નેતા વડા પ્રધાન ડેવિડ કેમરન અને લિબ-ડેમ નેતા નીક ક્લેગ વચ્ચે નવી યુતિ સરકાર વિશે વાટાઘાટો પૂરજોશમાં ચાલી રહી છે. ચૂંટણી પરિણામ ભલે જે કંઇ પણ આવે, ભેંસ ભાગોળે, છાશ છાગોળે ને ઘેર ધમાધમ જેવો તાલ છે.
એક બીજી પણ હેડલાઇન ટાંકી જ દઉં. સોમવારના ટેલિગ્રાફના બિઝનેસ સેક્શનમાં સૌથી ઉપર મોટી હેડલાઇન છે કે જો લેબર જીતશે તો અર્થતંત્ર ડામાડોળ બની જશે તેવી આશંકા પ્રવર્તે છે. આ જ પાન ઉપર નીચે બીજી ન્યૂસ આઇટેમ છે. બ્રિટનના થયેલા વિદેશી મૂડીરોકાણકારોમાં માર્ચ મહિનામાં અભૂતપૂર્વ કહી શકાય તેવો ઉછાળો નોંધાયો છે. મૂડીરોકાણ પેટે ગવર્ન્મેન્ટ બોન્ડમાં ૨૮.૨ બિલિયન ડોલરનું રોકાણ થયું છે. લેબર મજબૂત બનીને ઉભર્યો છે એ તો બધા જાણે છે તેમ છતાં આ અખબાર દહીં-દૂધ બન્નેમાં પગ રાખવા પ્રયત્નશીલ છે.
જોકે આ ચૂંટણીનું સૌથી અણગમતું પાસું હોય તો છે તે પાયાવિહોણો પ્રચાર. પોતાની લીટી લાંબી કરવા માટે બધા પક્ષો બીજાની લીટી નાની કરવા સક્રિય બન્યા છે. અને આવા દુષ્પ્રચારમાં ટોરી પક્ષ સૌથી આગળ હોવાનું જણાય છે. ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’ અને ‘ધ ઇકોનોમિસ્ટ’એ તેના તંત્રીલેખોમાં બન્ને મુખ્ય પક્ષોની નીતિરીતિનું સમીક્ષા કરતા કેટલાક મંતવ્યો રજૂ કર્યા છે તે મનનીય છે.
યુરોપિયન યુનિયન (ઇયુ) વિશે રેફરન્ડમ્ યોજવાનો ટોરી પાર્ટીનો નિર્ધાર ખૂબ નાજુક પરિસ્થિતિ પેદા કરી શકે છે તેના ભયસ્થાનો આ બન્ને જાજરમાન પ્રકાશનોએ સ્પષ્ટ કર્યા છે. તે બાબતમાં લેબરની સ્થિતિ સારી ગણાવાય છે, પણ લેબર સત્તા પર આવશે તો સમાજવાદી વલણ અપનાવશે અને સ્કોટીશ નેશનાલિસ્ટ પાર્ટીની વગ વધશે, જેના પરિણામે યુનાઇટેડ કિંગ્ડમનું ભવિષ્ય નબળું પડશે તેવો ટોરી પાર્ટીનો કે બીજાનો જે પ્રોપેગેન્ડા છે તે મુદ્દા પર આ બન્ને પ્રકાશનોએ પોતાના વિશ્લેષણમાં ખાસ ભાર મૂક્યો છે.
રાત થોડી ને વેશ ઝાઝા જેવી વાત છે. આ લખાય છે ત્યારે મતદાન આડે બે રાત બાકી છે ત્યારે હું કે તમે કંઇ પણ અંદાજ બાંધીએ, મતદારોનો મિજાજ જ નિર્ણાયક સાબિત થવાનો છે. આથી જ તમને અનુરોધ છે કે આપને યોગ્ય લાગે તે ઉમેદવારને મતદાન અચૂકપણે કરજો. અને હા, જ્ઞાતિ, ધર્મ કે ચામડીના રંગને નજરમાં રાખીને ઉમેદવારને પસંદ નહીં કરતા. આ વલણ સશક્ત લોકશાહીને અનુરૂપ નથી.
(ક્રમશઃ)

૪૪મા વર્ષમાં મંગળ પ્રવેશના અવસરે...

પરમ કૃપાળુ પરમાત્માની અસીમ કૃપા, વડીલો સહિત સહુ વાચકોના ઉષ્માભર્યા સાથસહકાર તથા આશીર્વાદ તેમ જ સર્વ મિત્રો, લેખકો, કવિઓ, કલાકારો, સમાજસેવકો, વિતરકો અને સવિશેષ વિજ્ઞાપનદાતાઓના સહયોગના પ્રતાપે આજે પાંચમી મે, મંગળવારના રોજ આપના પ્રિય સાપ્તાહિકો ગુજરાત સમાચાર અને Asian Voiceએ ૪૪મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. વિવિધ પ્રકારે સદાસર્વદા અમારી સંગાથે રહેનાર આપ સહુના અત્યંત આભારવશ છીએ. જે સ્તંભ છે તે સ્વસ્થ રહો અને અમે, કાર્યાલયના સહુ સાથીઓ, આ સેવાયજ્ઞ-જ્ઞાનયજ્ઞ થકી યથામતિ-યથાશક્તિ આપ સહુને સાદર કરવા પ્રયાસ કરીએ છીએ તેમાં નિષ્ઠાપૂર્વક અને નમ્રતા સાથે દૃઢ નિશ્ચયી રહીએ તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના...
લી. સી.બી.ના ૐ નમઃ શિવાય


comments powered by Disqus