સમુદાયોમાં પ્રબળ નર અને માદાને અકાળે વૃદ્ધત્વ અને રોગનું જોખમ

લંડનઃ સમાજમાં પ્રભુત્વશાળી વ્યક્તિઓ વચ્ચે અસમાન કાર્યભાર તેમના માટે રોગ અને અકાળે વૃદ્ધત્વનું જોખમ લાવતો હોવાની ચેતવણી વિજ્ઞાનીઓએ આપી છે. સર્વોત્કૃષ્ટ (આલ્ફા) નર અને માદા તેમના ફાળે આવતાં કાર્યથી વધુ કાર્ય કરવાનો આગ્રહ રાખતાં હોય તો તેઓ અકાળે વૃદ્ધત્વ અથવા હૃદયરોગ જેવી પરિસ્થિતિઓથી વહેલાં મોતને ભેટવાનું જોખમ ધરાવે છે.
White-browed sparrow નામની ચકલીઓના વિશિષ્ઠ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે મોટા ભાગનું કામ કરવા આગ્રહ રાખતી વર્ચસ્વ ધરાવતી નર અને માદા ચકલીઓ ‘ઓક્સિડેટિવ સ્ટ્રેસ’નો ભોગ બનવાની વધુ શક્યતા રહે છે. રક્ષણાત્મક એન્ટિઓક્સિડન્ટ્સના અભાવથી આવતાં ‘ઓક્સિડેટિવ સ્ટ્રેસ’ માનવીઓમાં હૃદયરોગ, અલ્ઝાઈમર રોગ અને ઝડપે આવતા વૃદ્ધત્વ જેવાં રોગ લાવે છે.
White-browed sparrow સમુદાયોમાં પ્રભુત્વશાળી નર અને માદા એક માત્ર પક્ષીઓ છે ,જેઓ પ્રજનન ઉપરાંત, જૂથના ક્ષેત્રનું રક્ષણ કરવા તનતોડ મહેનત કરે છે. અસમાન કાર્યભાર પક્ષીઓનાં આરોગ્યને કેવી રીતે અસર કરે છે તે જાણવા સંશોધકોએ ૯૩ સ્પેરો વીવરમાં પ્રજનનકાળ પહેલા અને પછી રક્ષણાત્મક એન્ટિઓક્સિડન્ટ્સનું સ્તર માપ્યું હતું.
સંશોધનના મુખ્ય આલેખક ડો. ડોમિનિક ક્રામે જણાવ્યું હતું કે જ્યારે માનવીઓ સહિતના પ્રાણીઓ જૂથમાં રહેતાં હોય ત્યારે સામાન્ય રીતે કાર્યભારની વહેંચણી કરે છે અને કેટલીક વ્યક્તિઓ અન્યો કરતા વધુ કાર્ય કરે છે. અભ્યાસનો હેતુ સૌથી વધુ કામ કરનારા સૌથી વધુ તંદુરસ્ત હોય છે અને આના કારણે તેઓ વધુ કામ કરી શકે છે તે તપાસવાનો હતો.
અભ્યાસમાં જણાયું હતું કે બ્રીડિંગ સીઝન અગાઉ પ્રબળ અને નબળાં પક્ષીઓમાં એન્ટિઓક્સિડન્ટ્સ રક્ષણ તુલનાત્મક પ્રમાણમાં હતું. જોકે, છ માસનો સંવર્ધન ગાળો પૂરો થયાં પછી સૌથી વધુ કામગરી માદાઓ નબળાં એન્ટિઓક્સિડન્ટ્સ રક્ષણથી પીડાતી હતી. એન્ટિઓક્સિડન્ટ્સ પ્રાણીઓને ફ્રી રેડિકલ્સની નુકસાનકારી અસરો સામે રક્ષણ આપે છે.
ફંક્શનલ ઈકોલોજી જર્નલમાં પ્રકાશિત સામાજિક પૃષ્ઠવંશીય પ્રાણીઓમાં આ પ્રકારના પ્રથમ અભ્યાસના તારણો સૂચવે છે કે પ્રાણીવર્ગોમાં સામાજિક પ્રભુત્વ છૂપી કિંમતોએ હાંસલ થાય છે, સમુદાયોમાં જેની સીધી અસર આરોગ્ય અને વયવૃદ્ધિની પેટર્ન્સ પર જોવાં મળે છે.
