AI ત્વચાની મદદથી તમારું લોકેશન્સ શોધશે
વર્તમાન યુગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની બોલબાલા છે, દરેક ક્ષેત્રમાં તેનો પગપેસારો થઈ ચૂક્યો છે. તમે ક્યાં હરવાફરવા ગયા હતા તેનું લોકેશન પણ નવી AI સિસ્ટમ આપી દેશે. આમાં કોઈ જીપીએસ, ટ્રેકર અથવા ચીપ જેવાં ઉપકરણો કે સેટેલાઈટથી માહિતી મેળવવાની વાત નથી, માત્ર તમારી ત્વચા જ આ કથા કરી આપશે.
AI ત્વચાની મદદથી તમારું લોકેશન્સ શોધશે
વર્તમાન યુગમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ની બોલબાલા છે, દરેક ક્ષેત્રમાં તેનો પગપેસારો થઈ ચૂક્યો છે. તમે ક્યાં હરવાફરવા ગયા હતા તેનું લોકેશન પણ નવી AI સિસ્ટમ આપી દેશે. આમાં કોઈ જીપીએસ, ટ્રેકર અથવા ચીપ જેવાં ઉપકરણો કે સેટેલાઈટથી માહિતી મેળવવાની વાત નથી, માત્ર તમારી ત્વચા જ આ કથા કરી આપશે. સ્વીડનની લુન્ડ યુનિવર્સિટીના સંશોધકોએ mGPS (માઈક્રોબાયોમ જિઓગ્રાફિક પોપ્યુલેશન સ્ટ્રક્ચર) સિસ્ટમ વિકસાવી છે. આ AI સિસ્ટમ તમારી ત્વચા સાથે સંકળાયેલી અનોખી બેક્ટેરિયલ નિશાનીઓ પારખી તમારા લોકેશન્સને જાહેર કરી દેશે. હકીકત એવી છે કે તમે વિશ્વના કોઈ પણ સ્થળની મુલાકાત લો છો ત્યારે તમારા શરીર પર તે સ્થળોની ફિંગરપ્રિન્ટ જેવી વિશિષ્ટ માઈક્રોબાયલ કોમ્યુનિટીઝની અદૃશ્ય ફૂટપ્રિન્ટ્સ જોડાઈ જાય છે. હવે AI આ ફૂટપ્રિન્ટ્સને નકશાની માફક વાંચી શકે છે. આ શોધ ફોરેન્સિક્સ એટલે કે અપરાધવિજ્ઞાન, રોગ પર નજર રાખવા અને તમારી અંગત સુરક્ષાના ક્ષેત્રોમાં પણ ક્રાંતિ સર્જશે. જોકે, એક પ્રશ્ન એવો પણ ઉભો થાય કે જો AI તમારા માઈક્રોબ્સ થકી તમારી હિલચાલો પર નજરી રાખી શકે તો.... તમારું જીવન કેટલું ખાનગી રહેશે?
•••
ઊંટનાં આંસુનું એક ટીપું વિશ્વમાં સૌથી મોંઘું
કુદરત હંમેશાં આપણને આશ્ચર્ય આપતી રહે છે. ઊંટ રણપ્રદેશનું જાજરમાન પ્રાણી છે, લાંબા સમય સુધી હોજરીમાં પાણીનો સંગ્રહ કરી શકે છે અને તેનું દૂધ આરોગ્યપ્રદ છે તેનાથી વધુ કદાચ આપણે જાણતા નથી. ઊંટ વિશે ભારે રહસ્યમય જાણકારી બહાર આવી છે જે તમને અવશ્ય ચોંકાવી દેશે. ઊંટનાં આંસુનું એક ટીપું વિશ્વમાં સૌથી મોંઘું ગણી શકાય કારણકે તે સાપના 26 પ્રકારના ઝેરની અસર નકામી બનાવી દે છે. ભારતમાં રાજસ્થાનનાં બિકાનેરમાં આવેલા નેશનલ રિસર્ચ સેન્ટર ઓન કેમલ્સ (NRCC)ના તારણો મુજબ રણના વહાણ ઊંટની આંખના અશ્રુપ્રવાહીમાં શક્તિશાળી વિષવિરોધી પેપ્ટાઈડ્ઝ અને એન્ઝાઈમ્સ છે. રણપ્રદેશમાં સાપ, વીંછી સહિતના ઝેરી જીવજંતુઓ અપાર છે અને સદીઓ સુધી અત્યંત વિષમ હાલતમાં અસ્તિત્વ જાળવી રાખવાના પડકારના કારણે ઊંટમાં સુરક્ષાઉત્ક્રાંતિ સર્જાઈ હોવાનું વિજ્ઞાનીઓ માને છે. કુદરતી એન્ટિડોટ્સ મેળવવાના સંશોધનો ચાલે છે અને વેપારી ઉપયોગ માટે તૈયાર ન હોવાં છતાં, સર્પદંશ સામાન્ય હોય અને સિન્થેટિક એન્ટિડોટ્સની અછત હોય તેવા પ્રદેશોમાં કુદરતી ઝેરવિરોધી સારવારમાં ઊંટના આંસુ રોમાંચક દ્વાર ખોલી નાખશે તેમાં શંકા નથી.
•••
સ્ત્રીઓનું મગજ સગર્ભાવસ્થામાં સંકોચાઈ જાય
સ્ત્રીઓ માટે સગર્ભાવસ્થા અનેરો અવસર હોય છે. તેમનાં શરીરમાં અનેક પ્રકારના ફેરફાર જોવાં મળે છે. તમે કદી કલ્પના પણ નહિ કરી હોય, પરંતુ સગર્ભાવસ્થામાં સ્ત્રીઓનું શરીર વધે છે અને મગજ સંકોચાઈ જાય છે. MRI સ્કેન્સના અભ્યાસોથી જણાયું છે કે સગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીનાં મગજ કામચલાઉ રીતે સંકોચાય છે. આ સંકોચનના કારણે ખાસ કરીને સહાનુભૂતિ, સંવેદના અને સામાજિક જોડાણ સાથે સંકળાયેલા ક્ષેત્રોમાં અસરો જોવાં મળે છે. આ કોઈ પ્રકારની ખામી નથી, અપગ્રેડેશન છે. સ્ત્રીને ભાવિ સંજોગો અને પડકારો માટે તૈયાર કરવાની કુદરતની કરામત છે. આ સંકોચનથી મગજના કાર્યક્ષમતામાં ફેરફાર થતો નથી. આ ન્યૂરોલોજિકલ પુનઃરચના છે, જે માતાને તેનાં બાળક સાથે વધુ ગાઢ સંપર્કમાં જોડાવામાં મદદ કરે છે જેનાથી બાળકના ચહેરાની અભિવ્યક્તિઓ, લાગણીઓ અને નહિ કહેવાયેલી બાબતો સમજવાની જાગૃતિ કેળવાય છે. મગજના કદને મૂળ અવસ્થામાં આવતાં 6 મહિના જેટલો સમય લાગી જાય છે, પરંતુ માતૃત્વ સાથે અનુકૂલન સાધવાની મગજની આ સાઈડ ઈફેક્ટ છે. કુદરત માત્ર બાળકનો ઉછેર નથી કરતી. તે માતાનું પણ રિવાયરિંગ કરે છે.
(તસવીર અને માહિતી સૌજન્યઃ WHAT’S HOT)
