સુભાષકથાઃ અંતિમ અધ્યાય (ભાગ-૧૪)

ગુજરાતી મનસુખલાલ આઠમી ગોળી સુધી લડતો રહ્યો!

Wednesday 22nd June 2016 06:19 EDT
 
 

હજુ તો બલિદાની યાત્રા અધૂરી હતી, શિદેઈ...
સુભાષને સ્મરણ થયુંઃ

સમર શેષ હૈ,
બહુત કુછ અભી કરના હૈ
લડના હૈ, ઝૂઝના હૈ,
અપાર દુશ્મનોં કે બિચ
એક અકેલા ગરજના હૈ,
ગંગા-જમુના-કાવેરી
બ્રહ્મપુત્ર કે જલનર્તન
તક સ્વાધીન હોકર બઢના હૈ...
સમર શેષ હૈ!

શિદેઈ આ જનનાયકની અસ્તમિત મહત્ત્વાકાંક્ષાને નજર સામે જોઈ રહ્યો. સાચ્ચે જ, જાપાની ઇતિહાસનો ‘સમુરાઈ’ અહીં સા-વ નિકટ હતો, સાવ નજીકનાં ઇતિહાસ-પાનાં ખોલી રહ્યો હતો...
‘એશિયાએ આવું યુદ્ધ ભાગ્યે જ નિહાળ્યું હશે, શિદેઈ!’
જાણે કે યુદ્ધની વચ્ચે ખીલેલા સ્વાતંત્ર્યજંગની અ-વિરત કથાનાં પાનાં...

પ્રથમ ડિવિઝનના સેનાપતિ કિયાનીની નજરમાં હતું – ઇમ્ફાલ. ભારતીય ભૂભાગના પૂર્વોત્તરનો રમણીય વનવાસી પ્રદેશ. એક વાર કોહિમા સર થાય તો પછી ચટ્ટગ્રામ થઈને કોલકાતા, અને દેશ વ્યાપી વિપ્લવ થકી, નવી દિલ્હી! ચલો દિલ્હી!!
આઠ મોરચા હતા.
આઠ સેક્ટર.
આઠ કમાન્ડર.
ગુલઝારા સિંઘ, ઠાકુર સિંહ, પ્રીતમ સિંહ, પૂરન સિંહ, એસ. મલિક. રાતુરી, બુરહાનુદ્દીન, રામસ્વરૂપ...
સામે હતી યોર્કશાયર રેજિમેન્ટ, ડર્હમ લાઇટ ઇન્ફંટ્ટી, રોયલ સ્કેટે્સ... શસ્ત્રસજ્જ ટુકડીઓ કોઈ પણ ભોગે આઝાદ ફોજના આ સૈનિકોને પાછા ધકેલવાના મરણિયા પ્રયાસો કરતી રહી.
તો પણ જી. ટી. પર્વત પરનો બંધ અને વિશાળ તળાવ, ડેપ્યુટી કમિશનરનો બંગલો... એક પછી એક જગ્યા સર કરતા રહ્યા, ‘જયહિન્દ!’ નારા સાથે.
૮ એપ્રિલે ઠાકુર સિંહ કર્નલે કોહિમા પર વિજય ધ્વજ ફરકાવ્યો... દૂ...ર સુદૂર આકાશ સુધી નારો ગાજી ઊઠ્યો, ‘જય હિન્દ!’ ‘ચલો દિલ્હી!’
કોહિમા ઇમ્ફાલની ઉત્તર દિશાનું નગર હવે દક્ષિણે મોરચો ખોલવો પડશે. વડું મથક સ્થાપવું તે નીલમણિનું મકાન... મશીનગનોથી ભગ્નાવશેષ બન્યું તે અદ્ભુત ઘટના-સ્તંભ છે.
ડો. બા મોએ કહ્યુંઃ મેં મારી નજર સામે આ યુદ્ધ નિહાળ્યું છે. અહા, એકાગ્રતા, નિષ્ઠા, પ્રબળ શક્તિનો અંદાજ! આ તો એશિયામાં ચોતરફ સ્વાધીનતાની આગ લગાવવામાં સંકલ્પિત કહાણી છે.
ત્રીસ લાખ દક્ષિણપૂર્વ એશિયાના ભારતવાસીઓની આ સંકલ્પસિદ્ધિ!
આગેકૂચ. આગેકદમ.
મયરાંગ પછી બિશનપુર. મિખતુખંગમાં ભીષણ લડાઈ. વિજયી આઝાદ ફોજના સમાચારથી વિન્સ્ટન ચર્ચિલનો ક્ષોભ વિસ્તરી ગયો. હવે? બીજો રિઝર્વ ફોર્સ ડીમાપુર માર્ગ પરથી મોકલવો જરૂરી, પણ ત્યાં તો આઝાદ સેનાની છાવણીઓ હતી. ઇમ્ફાલ ચારે તરફથી આઝાદીની આબોહવામાં નાચવા લાગ્યું... તેમાં એક અંગામી ઝાપુ ફીઝો પણ હતો!
૨૮ ફેબ્રુઆરી, ૧૯૪૪ના દિલ્હીમાં સરકારી ઘોષણા થઈ કે આરાકાનમાં બ્રિટીશ ચૌદમી આર્મીએ જાપાનને પરાસ્ત કર્યું છે, ખાનાખરાબી સર્જી છે. ૧૯૦૦ સૈનિકો મોતને ઘાટ ઉતારાયા પણ બ્રિટિશ સેનાએ ભાર નુકસાન વેઠવું પડ્યું છે... આ દિલ્હી-સૂચના તદ્દન જૂઠાણું હતી, આરાકાન સેક્ટરમાં આઝાદ હિન્દ ફોજ અને કર્નલ મિશ્રાએ તો વિજય વાવટો ફરકાવ્યો હતો!
૨૨ માર્ચ, ૧૯૪૪ ચિંદવીન નદી પરથી જાપાને વળતો હુમલો કર્યો. મણિપુર રાજ્યના કેટલાક ભૂભાગ સુધી તેની પહોંચ રહી. ટિડ્ડિમની ઉત્તરે બ્રિટિશ ફોજ ખડકી દેવામાં આવી. બ્રિટિશ મુખ્ય સેનાપતિ સર ક્લોડ એકિનલેકે લંડન અહેવાલ મોકલ્યો. ‘આસામની રેલવે, નદી, રસ્તાઓ હજુ આપણી પાસે સુરક્ષિત છે.’
ખરેખર? ૮ એપ્રિલે કોહિમા-ઇમ્ફાલ સડક નષ્ટ કરવામાં આવી. જવાબી હુમલા ચાલુ થયા. ૧૨ એપ્રિલે જાપાને ઇમ્ફાલના મેદાની વિસ્તારના ઉત્તર પૂર્વ પર આવેલો પહાડ કબજે કરી લીધો. યુદ્ધ ચાલુ રહ્યું, ડીમાપુરથી ૪૬ માઇલ, ઇમ્ફાલથી ૬૦ માઇલ દૂર મણિપુર માર્ગ પર.
૨૨ મે બિશનપુર-ટિડ્ડિમનો પશ્ચિમે પર્વતમાળાને પાર કરીને જાપાની સૈનિકો છેક ઇમ્ફાલથી ૧૦ માઇલ સુધી પહોંચી ગયા, ત્યાં ભીષણ લડાઈ થઈ. મિત્ર સેનાની છાવણીઓ ધ્વસ્ત કરવામાં આવી.
અંગ્રેજ-અમેરિકી સૈન્ય ઘણા ક્ષેત્રોમાં માર ખાઈ રહ્યું હતું. પીછેહઠ પણ કરવી પડી. ક્લોંગ-ક્લોંગ ઘાટી પર એવો જ ઇતિહાસ રચાયો. ૧૪ મેના મેજર મહેબૂબ અહમદે ૨૦ માઇલ પહાડી રસ્તે પગપાળા કૂચ કરી. સામે તોપો સાથે બ્રિટિશ સેના! મશીનગનોનો ઉપયોગ થયો. કેપ્ટન અમેરિક સિંહને લાગ્યું કે સાહસનો ચરમસીમા વિના ઓવારો નથી. તે સૈનિકોની સાથે કૂદી પડ્યા. રાતના છેલ્લા પ્રહરમાં આમને સામનેનો જંગ થયો. તોપ અને મશીનગનના અવાજો, દારૂગોળાનો ધૂમાડો. કોઈ કોઈને નજરે જોઈ શકે નહીં... સવારનો સૂર્ય ઊગ્યો ત્યારે એક દૃશ્ય નજરે ચડ્યુંઃ ક્લોંગ-ક્લોંગમાંથી બ્રિટિશ અધિકારી સમાપ્ત થઈ ગયો હતો, આઝાદ ધ્વજ ફરકી રહ્યો હતો!
ક્ષોભજનક પરિણામોને લીધે બ્રિટિશરોએ તેની જગ જાણીતી ‘સી ફોર્થ હાઇલેંડર’ સેના મેદાનમાં ઉતારી. તોપ અને મોર્ટારથી સજ્જ સૈન્યને લેફ્ટનંટ અજાયબસિંહે ત્રણ વાર, પોતાના સૈનિકો સાથે, પીછેહટ કરાવ્યું... દુનિયામાં અંગ્રેજ સેનાને આવી ભોંઠપ ક્યાંય અનુભવવી પડી નહોતી. ૩૦૦૦ બ્રિટિશરોની સામે આઝાદ ફોજના માત્ર ૬૦૦ જવાંમર્દો!
કોણ આ લેફટનંટ મનસુખલાલ? પૂરું નામ પણ અંધારામાં ખવાઈ ગયું છે. તમામ દસ્તાવેજો બ્રિટિશ સેનાએ વિજય પછી ભસ્મીભૂત કરી નાખ્યા અને બીજી ફાઈલો સ્વતંત્રતા પછી ભારતની સરકારોનાં વહિવટીતંત્રે રફેદફે કરી નાખી.
પણ મનસુખલાલ નામે ગુજરાતી સ્વાતંત્ર્ય સૈનિકની એ રોમાંચક કહાણી?
સી ફોર્થ હાઇલેંડરે ચારે તરફ કબજો જમાવ્યો હતો. કેપ્ટન રાવના સૈનિકો તો ઘેરાઈ ગયા. આઈ. જે. કિયાની પણ બચી શકે તેમ નહોતા. એક રસ્તો હતો કે પહાડની ટોચ મેળવીને ત્યાંથી બ્રિટિશરોને હંફાવવા પણ વચ્ચે તેઓ છાવણી નાખીને બેઠા હતા. લેફટનંટ મનસુખલાલે આગેવાની લીધી. દૂરથી બંદૂકની ગોળી ચાલતી રહી. ‘કેમોફ્લાઇજ’ના આધારે આગેકદમ તો થયાં પણ મનસુખલાલના શરીર પર દુશ્મનોની ગોળી વાગી. એક, બે, ત્રણ... લોહીથી તરબતર મનસુખલાલ પહાડી જંગલમાં ભોંય પર આગળ સરકતા રહ્યા અને તેની પાછળ બીજા સૈનિકો પણ. એક વાર ટોચ પર પહોંચી જવાય તો...
મનસુખલાલને તેરમી ગોળી ખતમ ન કરી નાખે ત્યાં સુધી આગેકૂચનો આદેશ આપતો રહ્યો. પછી લેફટનંટ અજાયબસિંહની ટૂકડી આવી પહોંચી. તેણે કેપ્ટન રાવને શત્રુઓના ઘેરાની વચ્ચેથી જ છોડાવીને બ્રિટિશરોને આશ્ચર્યચકિત કરી મૂક્યા.
રણક્ષેત્રમાં ઘાયલ સૈનિકોની સારવાર માટે ઝાંસી રાણી રેજિમેન્ટની પરિચારિકાઓએ મેમિઓ હોસ્પિટલમાં અદ્ભુત સુશ્રુષા કરી અને પોતાનાં લોહીથી નેતાજીને પત્ર લખ્યોઃ ‘તમે ઝાંસી રાણી બનવા અમને હાકલ કરી હતી ને! હવે રણમોરચે અમને જવાની પરવાનગી આપો નેતાજી, અમે દુશ્મનોના છક્કા છોડાવી દેશું...’
એક અ-જાણ દૈનંદિની આ યુદ્ધકથામાં વિપ્લવી વીરાંગનાઓની અગ્નિજ્વાળાનો અહેસાસ કરાવે છે.
તે જાનકી થેવરની ડાયરી - ‘વિદ્રોહી કન્યાની રોજનિશિ.’
વિદ્રોહ.
વિપ્લવ.
આ ‘અગ્નિ દિવ્ય’ તો નારી – શક્તિની સમૃદ્ધિ છે. તેની આંખોમાં તેના હોઠ પર, તેની જબાનમાં અને મૌનમાં, તેના હૃદયમાં, દિમાગમાં... અને પછી આસપાસની દુનિયામાં પરિવર્તનના પ્રભાત માટે તે વિદ્રોહિની બને ત્યારે સાક્ષાત્ મા ભવાનીની સ્વરૂપ ધારણ કરે છે, ‘ત્વમેકમ્ શરણમ્ માત ભવાની!’ આ વિહવળ સ્વર તેનું જ પરિણામ!
જાનકી કંઈ સામાન્ય સ્ત્રી નહોતી. ઘરબાર અને સ્વજનોની વચ્ચેય તેનો આદર્શ દૂ...ર ક્યાંક, પર્વતની પેલી પાર રાહ જોઈ રહ્યો હતો. નેતાજી તેમાં નિમિત્ત બન્યા, અને જાનકીનો સંકલ્પ આકારિત થઈ ગયોઃ ચલો દિલ્હી! જય હિન્દ!
સુભાષ કહી રહ્યા હતા, જાનકીની કહાણી, પણ તેમાં ઉમેરો કરવાની લાલચ રોકી શક્યા નહીંઃ ‘શિદેઈ, તું જાણે છે કે દિલ્હીને સ્વાધીનતા સંગ્રામનું લક્ષ્ય બનાવવા માટે અમારો પોતાનો જ અતીત હાથ પકડીને દોરી રહ્યો છે. ૧૮૫૭ના સ્વાતંત્ર્યસમરની સાચુકલી કહાણી લંડનની ઇન્ડિયા લાયબ્રેરીમાં બેસીને એક ૨૫ વર્ષીય મરાઠી યુવકે લખી હતી.’
શિદેઈઃ વિનાયક દામોદર સાવરકર તો નહીં?
સુભાષઃ સાચું કહું તે. આ વીર સાવરકરે લંડનમાં ઇન્ડિયા હાઉસને ક્રાંતિતીર્થ બનાવી દીધું ત્યારે ૧૮૫૭નો ઇતિહાસ લખ્યો. તેમાં બરાકપોરની છાવણીથી માંડીને, કાનપુર – મેરઠ – ઝાંસીએ એક મહાસૂત્ર અપનાવ્યું – દિલ્હી, ચલો દિલ્હી! ત્યાં મુઘલ બાદશાહ બહાદુર શાહ ‘ઝફર’ જિંદગીની અંતિમ લડાઈ માટે સજ્જ થયો અને બ્રિટિશરોને શાહઝાદાઓનાં કપાયેલાં માથાં ભેટ ધરવા માટે આવેલા બ્રિટિશ સેનાપતિને શેર સંભળાવ્યો હતોઃ
ગાઝીઓંમે બૂ રહેગી
જબ તલક ઇમાન કી!
તખ્તે લંડન તક ચલેગી
તેગ હિન્દુસ્થાન કી!
શિદેઈઃ એટલે તમે લશ્કરી બગાવત અને સંઘર્ષને પ્રાથમિકતા આપો છો...
સુભાષઃ હા. અને ઝાંસીને જેમ તેજસ્વિની મનુબાઈ રાણી લક્ષ્મી મળી તેવું જ મારી આઝાદ હિન્દ ફોજનું રત્ન છે – ઝાંસી રાણીની સૈનિકાઓ, પરિચારિકાઓ, ગૃહલક્ષ્મીઓ.
લખે છે જાનકી, તેની દૈનંદિનીમાં, અને તેય યુદ્ધ મોરચે! ભોજન તૈયાર કરીને દિવાનખાનામાં બેસી, પતિ – પુત્ર – પિતા – પુત્રીની રાહ જોતી ગૃહિણીની સુખ સુવિધાપૂર્વક નહીં, રણ-મોરચે, જ્યાં ગમે ત્યારે આકાશેથી વિમાનો બોમ્બ વરસાવે છે. વિસ્ફોટ અને ધૂમાડા સાથે મકાનો પર પડતા બોમ્બથી આગની જ્વાળા ઊઠે છે, તેવા સંજોગોમાં.
જાનકી શું લખે છે?
‘મજા આવી ગઈ. હુકમ આવ્યો કે ઝાંસી રાણી સેનાની બે ટુકડીઓને સીધો સંઘર્ષ કરવાની મંજૂરી મળી ગઈ છે. અમે સૈન્યની આગલી હરોળમાં રહેશું. લડાઈ કપરી તો છે એટલે ખૂબ સાવધાન રહેવાની સૂચના વારંવાર મળતી રહે છે.’
...રાત ના ત્રણ વાગ્યા છે. પગપાળા કૂચનો આદેશ મળ્યો. ગાઢ અંધકારમાં કોઈ વાતચીત ના કરે જેથી દુશ્મનોને ખબર પડી જાય. વિરાન કૂચ! એવું લાગ્યું કે રસ્તો પૂરો જ નથી થતો! પછી કહેવામાં આવ્યું કે એક પર્વતની પાછળ ‘પોઝિશન’ લેવામાં આવે. બસ, ત્યારથી એક જ માઇલ પર અંગ્રેજ સેના હતી.
અમે ભૂલી ગયાં કે સ્ત્રી છીએ અમે. જેને અબળા, કોમળ, ડરપોક કહેવાય તેવી સ્ત્રી અમે નથી! અમે તો છીએ સ્વાધીનતાનાં સૈનિકો! એક માઇલનો અંતરાલ હતો. જેવા તેઓ આગળ વધ્યા કે ગોળીબારનો હૂકમ મળ્યો. ફાયર! ફાયર! એક પછી એક... ધનાધન... ધનાધન... કારતૂસ ભરીને ગોળીબાર કરતા રહ્યા... પછી કૂદીને પહાડથી નીચે તરફ. મારી સાથે હતી તે ગબડી પડી. હું રોકાઈ નહીં. રોકાઉં તો પૂરી સેના પર ખતરો હતો. મારા પગ તળે તેનો હાથ પીસાઈ ગયો તો કહે, ‘જય હિન્દ!’ વળી ઊભી થઈને આગળ વધી. પાછી ગોળી વાગી...
મારા પર ગોળી વછૂટી. શરીર લોહી લૂહાણ પણ ધીરે ધીરે ઘાની વેદના ઓછી થશે. ધીરે – પણ દૃઢતાથી આગેકૂચ કરી રહી છું... ખબર મળી કે દુશ્મનોએ આત્મસમર્પણ કરી દીધું! હવે ગોળીબારની જરૂર નહોતી આ મોરચે – અમે સ્ત્રી સૈનિકો જ – યુદ્ધના મેદાનમાં હતી.
અમારામાંના ઘણા ઘાયલ થયાં પણ અમે જીત મેળવી.
...એક પછી એક ઘટનાઓની તવારિખ. રક્તરંજિત અધ્યાયનો ઉમેરો. ‘મા, તારી કોણ ગાશે, પલપલ બાર માસી!’ અપેક્ષા વિનાનો આ બલિદાની સંઘર્ષ હતો.
૨૦ માર્ચ આઝાદ ફોજે જીત્યું તાડગંજન.
એકવીસમીએ ઉખફૂલ. બાવીસમીએ ટિડ્ડિમ અને મોલન. પછી વારો આવ્યો સાંગહકનો અને મોર્સ – વિજય માર્ચનો મહિનો પૂરો થયો.
વાસંતી દિવસોનો વિપ્લવ રાગ હતો, એ! ‘મેરા રંગ દે બસંતી ચોલા...’ લાહોર જેલ થઈને આરાકાનનાં જંગલો સુધી પહોંચી ગયેલી તમન્ના હતી.
એપ્રિલના પ્રારંભે જ તામુ અને કાવાઉ જીતી લેવાયાં. હેંગટામ, કોહિમા, કાંગરા ટંગી, મોરયરાંગ, પેલેટોયા, ટેંગપાલ...
મે મહિનામાં આઝાદ હિન્દ ફોજની એક વધુ ટુકડીએ સરહદ પાર કરીને ભારત ભૂમિ પર કદમ માંડ્યા. સૌથી મોટી સમસ્યા ખાવાપીવાની સામગ્રીના અભાવની હતી. બ્રિટિશ સેનાએ ચારે બાજુ સૈન્યને ખડકીને વ્યવહાર અટકાવી દીધો હતો. ખાદ્ય-સામગ્રી વિના ચાલે કઈ રીતે?
બ્રિટિશ સૈન્ય બ્રેડ, બટર, પાંઉ, ડબલ રોટી, માછલીઓ દૂ...રથી બતાવીને લાલચ આપે. ઉપરથી વિમાનો પત્રિકાઓ ફેંકે. ‘આવી જાઓ, બ્રિટિસ સેનામાં. ભરપૂર ખાવાનું મળશે. કપડાં મળશે. ખિતાબ અપાશે...’
આઝાદ ફોજ કાન ફાડી નાખે તેવા અવાજે સંભળાવતાઃ ‘ગુલામી કી રોટીસે આઝાદી કા ઘાંસ અચ્છા હૈ!’
મૂઠ્ઠઠીભર ચાવલ
કટોરીમાં દાળ.
એ ય એક દિવસે મળે બીજા ત્રણ દિવસ ઉપવાસ! બર્માના સત્તાધારીઓ – ડોક્ટર બા મો અને આંગ સેનની વચ્ચે મતભેદ શરૂ થઈ ગયા હતા.
ફોજને માટે ત્યારે સાઇકટ ગામનો વનવાસી રાજા કાલાબેટ આગળ આવ્યો કહ્યું, ‘નેતાજી અમારા રાજા!’
આવું તો ક્યારેયચ જવાહરલાલને માટે ય કહેવાયું નહોતું, બલ્કે તેમણે તિરસ્કૃત કરેલ અંગામી ફિઝો આઝાદ હિન્દ ફોજના પ્રથમ મોરચાનો સૈનિક બની ગયો હતો.
સુભાષ ગયા હતા કલેબેટના ઘરે. પંચોતેર વર્ષીય વનવાસી રાજાએ તેમને સત્કાર કર્યો. ગામનાં ઘટાટોપ ઝાડ નીચે નેતાજી બેઠાં હતા. પહાડો અને મેદાનો ઉતરીને લોકો તેમના દર્શન માટે ઊમટી પડ્યાં હતાં. નાગા વિદ્રોહીઓની ભારતભક્તિનો એ અ-જાણ અધ્યાય હતો, જાણે!
ઇમ્ફાલ મોરચે મેજર જનરલ શાહનવાઝ ખાન, એમ. ઝેડ. કિયાની, આઈ. જે. કિયાની (બન્ને કાકા-ભત્રીજા ભાઈઓ) અને સૈનિકો. જાપાની સેનાપતિ મુતાગાચી ઇચ્છતા હતા કે અંગ્રેજ સૈન્ય હથિયારો સાથે આત્મસમર્પણ કરે તેની સંખ્યા દોઢ લાખની હતી. આઝાદ ફોજનું બળ માંડ ૫૦ હજારનું. બ્રિટિશ સૈન્યના ભારતીય સૈનિકો પોતે જ હથિયાર હેઠાં મૂકી દે તો? ‘ચર્લિલ સપ્લાઈ કેન્દ્ર’માં ખાદ્ય સામગ્રીનો મોટો જથ્થો બંગાળી – અસમીઓની પાસેથી છીનવીને એકત્રિત કરાયો હતો. તે પૂરવઠો પણ પ્રાપ્ત થઈ જાય તો...
આ રણનીતિ જ હતી ‘જો’ અને ‘તો’ની. જોતજોતામાં ત્રણ મહિના વીતી ગયા. મહિના પછી દોધમાર વરસાદ થશે. તેની પૂર્વે જ સંપૂર્ણ ઇમ્ફાલને સ્વાધીન બનાવવું જોઈએ. દક્ષિણ પૂર્વ એશિયાના ત્રીસ લાખ ભારતીયો ઇમ્ફાલ-પતનના સમાચાર માટે તલપાપડ હતા.
દરમિયાન રણઘોષ અવિરત રહ્યો. રંગુનમાં નેતાજી-સપ્હાત દરમિયાન સ્વંય નેતાજીએ પ્રજાને વિગતો આપી. આઝાદ હિન્દ બેન્કની સ્થાપના કરાઈ. આઝાદ રેડિયો પરથી નેતાજીએ ગાંધીજીને સીધું સંબોધન કર્યુંઃ સ્વાધીનતા પ્રાપ્તિની આ છેલ્લી લડાઈ છે. ભારતમાં રહીને આમ કરી શકવાની આશા હોત તો મેં ભારત થોડ્યું ન હોત. આઝાદ ફોજ બહાદૂરીપૂર્વક લડી રહી છે. રાષ્ટ્રના હે પિતા! ભારતના આ મુક્તિ-સંગ્રામમાં તમારી શુભેચ્છા અને આશીર્વાદ ચાહીએ છીએ...
છઠ્ઠી જુલાઈ, ૧૯૪૪નો એ દિવસ હતો. એસ. એ. અય્યર તે ઉદ્બોધિત સમયે હાજર હતા. ‘હું ચોક્કસ માનું છું કે જો ગાંધીજી ત્યાં ઉપસ્થિત હોત તો નેતાજીની પ્રાર્થનાનો પ્રતિસાદ આપ્યો હોત – આશીર્વાદપૂર્વક!’
અગિયાર જુલાઈએ નેતાજી રંગુનની માંડલેસ્થિત ગૂમનામ સમાધિ પર ફૂલ ચઢાવવા ગયા.
(ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter