સુભાષકથાઃ અંતિમ અધ્યાય (ભાગ-૨૫)

કામથે સરકારને સવાલ કર્યોઃ દેશ જાણવા માગે છે કે સુભાષચંદ્ર મૃત્યુ પામ્યા છે ખરા?

Wednesday 21st September 2016 06:36 EDT
 
 

બસ. વાત પૂરી થઈ. સરકારે રાહતનો શ્વાસ લીધો કે હવે કોઈ આ પ્રશ્ન ઊઠાવશે નહીં. પણ ભારેલો અગ્નિ પ્રજાનાં ચિત્તમાં વિખેરાયેલો હતો. દિલ્હી, ક્યાંક લખનૌ અને કોલકતા, તો અનેક વાર વિદેશોમાં... નેતાજી અને વિમાની અકસ્માત. નેતાજી અને મૃત્યુ. નેતાજીની અદૃષ્ટ જિંદગી. નેતાજી અને કોંગ્રેસ. નેતાજી અને જવાહરલાલ.
હરિ વિષ્ણુ કામથ સુભાષબાબુની સાથે ફોરવર્ડ બ્લોકમાં કરી ચૂક્યા હતા. બંધારણ સભાના સભ્ય અને રાજનીતિમાં અત્યંત આદરપાત્ર સમાજવાદી નેતા. આઈ. સી. એસ. પરીક્ષા પાસ કર્યા પછી પણ નોકરીમાં જોડાયા નહોતા. એપ્રિલ, ૧૯૫૧માં તેમણે કેન્દ્ર સરકારને ધ્રૂજાવતો સવાલ કર્યોઃ દેશ જાણવા માગે છે કે સુભાષચંદ્ર બોઝ મૃત્યુ પામ્યા છે ખરા? કઈ માહિતી તમારી પાસે છે? અને જે છે તે બહાર કેમ મૂકતા નથી?
સંસદમાં વિદેશ ખાતાના રાજ્યપ્રધાન બી. વી. કેસકરે ઘસાઈ ગયેલી રેકોર્ડ સંભળાવીઃ વડા પ્રધાનનાં વક્તવ્ય પ્રમાણે બોઝ ૧૮ ઓગસ્ટ, ૧૯૪૫ના મૃત્યુ પામ્યા હતા... ‘ખુદ જે. કે. ભોંસલેએ એક પત્ર લખીને સરકારને જણાવ્યું છે કે તેમનાં અસ્થિ જાપાનમાં રેંકોજી દેવળમાં છે.’
ખરેખર?
પશ્ચિમ બંગાળની વિધાનસભામાં ડો. અતીન્દ્રનાથ બોઝે જણાવ્યુંઃ ‘આખો દેશ ઇચ્છે છે કે આની તપાસ કરવામાં આવે. દુનિયાની કોઈ સરકાર એવી નહીં હોય જે પોતાના પ્રિય નેતાથી આટલી શરમજનક રીતે પીછો છોડવા માગતી હોય.’ બંગાળ વિધાનસભાએ તો તપાસ માટેનો પ્રસ્તાવ પણ પસાર કર્યો. નેહરુને તેમના મિત્ર એસ. એચ. અય્યરના અહેવાલ પર ભરોસો હતો. એક સમયના નેતાજીના પ્રચારમંત્રી અય્યરને નેહરુ સરકારમાં હોદ્દો મળ્યો હતો, મુંબઈ રાજ્ય સરકારના માહિતી પ્રસાર વિભાગનો. પણ આઝાદ ફોજના બીજા વરિષ્ઠ અફસરોને જાણ હતી કે આ અય્યરે ટોકિયોમાં ઇન્ડિયન ઇન્ડિપેન્ડ્ટસ લીગના પ્રભારી એમ. રામમૂર્તિની સાથે મળીને - આઝાદ હિન્દ ફોજના માતબર ખજાનાની - ભાગબંટાઈ કરી લીધી હતી.
નેતાજી તો બધું છોડીને આ સાથીદારોના ભરોસો રાખીને ગુપ્તવાસે નીકળી ગયા હતા. જાપાન સરકાર વિશ્વયુદ્ધ પછીની તબાહીમાં ફસાયેલી હતી ત્યારે આઇ.એન.એ.ના દસ્તાવેજો અને ખજાનાનું આવું ‘અચ્યુતમ્’ કરવામાં આવ્યું. નેતાજીનાં ‘મૃત્યુ’ની ઘટનાને વારંવાર સ્થાપિત કરવા માટે નેહરુજીને આવા સાથીઓ મળી જ ગયા. સચિવોએ તેનો ઢંઢેરો પીટાવવાની વફાદારી બતાવી. ૧૯૫૧માં, ૨૪ સપ્ટેમ્બરે શ્રીમાન અય્યરે - વડા પ્રધાનની સૂચનાથી - એક અહેવાલ પણ તૈયાર કર્યો. જનરલ તોજોની ‘મુલાકાત’ ટાંકીને સાબિત કરવાનો એક વધુ પ્રયાસ થયો. નેહરુએ સુભાષબાબુના રાજકીય વિરોધી રહેલા, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન બિધાનચંદ્ર રોયનેય એક પત્ર લખીને આ અહેવાલ મોકલ્યો. લોકસભામાં કહ્યુંઃ ‘રેંકોજી દેવળમાં નેતાજીનાં અસ્થિત છે એ વાતમાં મને કે અય્યરને કોઈ આશંકા નથી.’
પણ કરારો જવાબ મળ્યો દેવનાથ દાસ તરફથી. આઝાદ હિન્દ સરકારના મહત્ત્વના અગ્રણી, નેતાજીના સાથીદાર દાસ ૧૯૫૩માં થાઈદેશ રહેતા હતા. તેમને આઘાત એ વાતનો રહ્યો કે અય્યર, સદાય, ભોંસલે જેવા સહયોગીઓએ પોતાનું વલણ બદલાવી નાખ્યું અને ભારત સરકારની માન્યતામાં સૂર પૂરાવ્યો. પૂછયું તેમણે કેન્દ્ર સરકારનેઃ ‘આ અય્યર તો જે દેશની ભાષા પણ જાણતા નથી તેમને તપાસ કરવા શા માટે મોકલ્યા?’ વાસ્તવમાં, ૨૬ ઓગસ્ટ, ૧૯૪૫ (નેતાજીના ૧૮ ઓગસ્ટના કથિત અકસ્માત પછી એક સપ્તાહ બાદ) જાપાનીઝ ઇન્ટેલિજન્સ વિભાગનો એક અફસર, જે માર્શલ તેરાઉચીના કાર્યાલયમાં કામ કરતો હતો, તેણે મને મળીને કહ્યુંઃ
‘નેતાજીનો હિકોકી ઓચિરુ કોતાઉન શિનિઓ શિમાસન...’
અર્થાત્ - વિમાની દુર્ઘટનાને અસલી દુર્ઘટના સમજશો નહિ.
દાસે વ્યથાપૂર્વક કહ્યુંઃ સંપર્ક હોય કે ના હોય, નેતાજી જીવંત છે અને જો તેઓ જીવતા ના હોય તો ઇતિહાસની એ ક્ષણ કોઈ ધૃણાજનક કૃત્યની સાક્ષી રહી છે... આ મારો દાવો છે. છેલ્લી મુસાફરીમાં જાપાની સૈન્યાધિકારીઓ તેમની સાથે હતા. જવાબદારી તેમની છે... તેઓ આજે ય જીવિત છે, પૂછો તેમને. તથ્ય બહાર લાવો.
દેવનાથ દાસને ૧૬-૧૭ ઓગસ્ટના આટાપાટા યાદ હતા. સાઇગોન પહોંચ્યા પછી જાપાની અફસરોએ દેવનાથ દાસ અને બીજા સાથીદારોને નેતાજીની વિમાની સફરથી અલગ પાડી દીધા અને કહ્યું કે તે વિમાનમાં જગ્યા નથી. સાઇગોનમાં નેતાજીએ દેવનાથ દાસને કહ્યું પણ ખરું કે ‘ખબર નહીં, આ લોકોએ યોજના શા માટે બદલાવી છે...’ ઇસોદાએ દાસને ભરોસો આપ્યો. ‘જ્યાં સુધી હું જીવતો છું, નેતાજી સુરક્ષિત છે.’
અને ભારતીય સંસદમાં રજૂ કરાયેલો અહેવાલ પણ છેડછાડ સાથેનો હતો! અય્યરે ‘નેતાજી અને જનરલ શિદેઈને ડેરોનમાં છોડવાની જાપાનીઝ યોજના વિશે લખ્યું તે ફકરો ઊડાવી દેવાયો હતો!’
આવી માહિતી અય્યરને આપી હતી જાપાનીઝ અફસર ટાડાએ. પણ ટાડા ક્યાં હતો? તેનો પત્તો મેળવવા માટે ગુપ્તચર તંત્રો કોશિશ કરી રહ્યા હતાં.
એ ઘટનાના થોડાઘણા સંકેતો તો મળી રહ્યા હતા કે ૧૭ ઓગસ્ટ, ૧૯૪૫ના નેતાજી તેમજ સાથીદારોનાં બે વિમાન સાઇગોન હવાઈ મથકે ઊતર્યાં. કર્નલ ટાડા સીધો - નજીકના જાપાની યુદ્ધ કાર્યાલય દલાત પહોંચ્યો. ત્યાં તેણે ફિલ્ડ માર્શલ તેરાઉચીની મુલાકાત લીધી. ટાડાએ તેરાઉચીને જણાવ્યું કે નેતાજી રશિયન સત્તા હેઠળના મંચુરિયા જવા માગે છે, ત્યાંથી તેમની ઇચ્છા મોસ્કો પહોંચવાની છે. આને માટે જાપાની સૈન્ય મદદ કરે એવી અપેક્ષા રાખે છે. ફિલ્ડ માર્શલે આ જવાબદારી પોતે નિભાવશે એમ કહ્યું અને ટોકિયોના ઇમ્પિરિયલ મિલિટરી મુખ્યાલયને કશું કહ્યા વિના જ કર્નલ ટાડાને જણાવ્યું કે જાઓ, નેતાજીને કહો કે રશિયા પહોંચવા માટે જાપાન પૂરી મદદ કરશે. ફિલ્ડ માર્શલ તેરાઉચીને નેતાજી પ્રત્યે અત્યંત આદર હતો. એ ઇચ્છતા હતો કે નેતાજીને નવા અધ્યાય માટે પૂરતી મદદ કરે.
એ સમયે ટોકિયો-ડેરોન જઈ રહેલાં વિમાનમાં જનરલ શિદેઈ જવાની તૈયારીમાં હતા. નેતાજી તેમની છોડેલી સીટ પર હતા. શિદેઈ તેમનું સુરક્ષાકવચ બને તેવી સૂચના હતી. ત્યાંથી જ ગૂમ થવાની યોજના અને પછી જાપાન જાહેર કરે કે ડેરોનથી જ નેતાજી ગાયબ થઈ ગયા છે. આને લીધે મિત્ર દેશોને એવું લાગે કે નેતાજીનાં ગૂમ થવામાં - કે તેમ કરાવવામાં - જાપાનનો કોઈ હાથ નહોતો.
કર્નલ ટાડા લાંબી વાત કર્યા પછી દલાતથી સાઇગોન પાછા આવ્યા, નેતાજીની સાથે બંધબારણે મંત્રણા કરી...
તેરાઉચી પૂર્વ વડા પ્રધાનનો પુત્ર, તેના પાંસઠમાં વર્ષે એટલો બિમાર હતો કે તેને ખાતરી હતી કે જાપાન ભલેને મિત્ર રાષ્ટ્રો પાસે શરણાગતિ મેળવે, પોતે કંઈ વધુ જીવવાનો નથી! અને બન્યું યે એવું જ. યુદ્ધબંદી તરીકે તેણે એક જ વર્ષમાં છેલ્લા શ્વાસ લીધા. કર્નલ ટાડા તો અંગ્રેજોને હાથ જ ન આવ્યો અને ૧૯૫૧ સપ્ટેમ્બરમાં, તમામ રહસ્યોને ભોંયમાં ભંડારીને મૃત્યુ પામ્યો...
અય્યરે ૧૯૫૧માં ‘અનટુ હિમ એ વિટનેસ’ પુસ્તક તો લખ્યું, પણ કેન્દ્રની સૂચના મુજબ વિદેશ ખાતાંએ તે છપાતાં પહેલાં વાંચ્યું. એક અફસરે કહ્યું કે હજુ વધુ ‘સારી રીતે’ લખી શકાયું હોત. ‘સારી રીતે’નો અર્થ એટલો જ હતો કે અય્યર સાહેબે જવાહરલાલની ઇચ્છાના અદૃષ્ટ પડછાયાને અનુસરવાની વધુ જરૂર હતી. નેતાજીના એક સાથીદાર તરીકે ઠસાવવામાં કંઈ બાકી ન રહેવું જોઈએ કે સુભાષ મૃત્યુ પામી ચૂક્યા હતા અને તે ય પેલી વિમાન દુર્ઘટનામાં જ.
અય્યરનું પુસ્તક અને સરકારી અહેવાલને લીધે વિશેષે બંગાળમાં આશંકાનાં વાદળ ઓર ઘેરાયાં કે મામલો રફેદફે કરવા માટે આઇ.એન.એ.ના વરિષ્ઠ અફસરોનોયે ‘ઉપયોગ’ કરાઈ રહ્યો છે! નિહારેંવુ દત્તે - પૂર્વ મુખ્ય પ્રધાનની જવાબદારીને યાદ કરાવીને - નેહરુને લખ્યુંઃ ‘વિશેષ તપાસ પંચ નિયુક્ત કરો...’
જવાબ તુરત મળ્યોઃ ‘મને સમજ નથી પડતી કે ભારત સરકાર નેતાજી સુભાષચંદ્ર બોઝને માટે તથ્યો જાણવા બીજું શું કરી શકે? અમે દરેક પ્રકારના પ્રયાસો કર્યા છે અને તે બધી હકીકતો નજર સામે છે. મને તેમાં કોઈ આશંકાનું કારણ મળતું નથી.’
બેરહામપુરની સભામાં લોકોએ માંગ ઊઠાવી. દરમિયાન કથિત મૃત્યુનાં દસ વર્ષ થતાં રેંકોજી દેવળમાં નેતાજી સ્મૃતિ દિવસ મનાવવાની વાત ઉમેરાઈ. જાપાને ત્યાંના ભારતીય રાજદૂતને જણાવ્યું. રાજદૂત તો બિચારો ચિઠ્ઠીનો ચાકર. રોજ દૂતાવાસ ખૂલે ત્યારે સૌની નજર નવી દિલ્હીનાં સચિવાલય તરફ જ હોય. વિદેશ ખાતાએ આ રાજદૂત પર જ ઢોળ્યું, તારે શું કહેવાનું છે? સરકારી બાબુઓ ‘નોંધ’માં કાબેલિયત ધરાવતા હોય છે એટલે તેણે નોંધ તૈયાર કરી નાખી. પૂર્વ રાજદૂતની નોંધનો યે ઉપયોગ કર્યો પણ સવાલનું સાહસ કર્યુંઃ ‘નેતાજીના મૃત્યુ વિશે ભારતીયોમાં મતભેદ છે. તથ્ય સામે ન આવે ત્યાં સુધી કશું માનવા તૈયાર નથી. પૂર્વ રાજદૂત શ્રીમાન રઉફની જેમ હું પણ માનું છું કે જ્યાં સુધી કોઈ ચોક્કસ નિર્ણય ન આવે ત્યાં સુધી સ્થિતિ યથાતથ્ રાખવી જોઈએ...’
ભારતીય ‘જૈસે થે’ની આ કરુણાંતિકા આજેય રેંકોજી દેવળમાં એવીને એવી છે, ન કોઈ આ ‘અસ્થિ’ને વંદના કરવા આવતું, ન કોઈ કાર્યક્રમ ઊજવાય છે. ૭૨ વર્ષે ભારતીય અસમંજસતાનો ધ્વજ ફરકતો રહ્યો છે... હવે તો દૂતાવાસના બાબુઓ પણ કદાચિત ભૂલી જાય છે કે કોઈ રેંકોજીનો પુજારી નેતાજીનાં અસ્થિત જાળવીને બેઠો છે... વડા પ્રધાનો પણ ટોકિયો તો જાય છે પણ...
રાજદૂતને પરવાનગી મળી એટલે સ્મૃતિ દિવસ તો મનાવવામાં આવ્યો પણ તે નિરર્થકતાનો જ નમૂનો હતો. જાપાન સરકારે અસ્થિ ભારત વાપસ મોકલવાનો પ્રસ્તાવ રાખ્યો ત્યારે બીજો સવાલ એ પણ જાપાનીઝ અખબારોએ ઉઠાવ્યો કે આઇ.એન.એ.ની સંપત્તિ અને નેતાજીનું મોત - આ બન્ને તપાસના વિષય છે.
‘ખજાનાના ભેદ’ને ટાળવા માટે જનરલ હાસ્કી ઇસાયામાએ જાહેર કર્યું કે કેટલાક એવું પણ માને છે કે નેતાજીની હત્યાનું એક કારણ તેમના કિંમતી ખજાનાનુંયે છે. નેતાજી તો સિંગાપુરથી તે લાવ્યા હતા, નવા સ્વાતંત્ર્ય સંઘર્ષ માટે. પણ પરિસ્થિતિ જ એવી હતી કે તેમણે એ ખજાનો કેટલાક અફસરોને - પૂરા ભરોસા સાથે - સુપરત કર્યો હતો.
કોને સોંપાઈ હતી સંપત્તિ - સોનું, રૂપું, ચાંદી, ઘડિયાળ, ચલણ...?
જાપાની અફસરે નામ આપ્યુંઃ રામમૂર્તિ. તે ટોકિયોમાં ઇન્ડિયા લીગના અધ્યક્ષ હતા.
એસ. એ. અય્યર પણ તે વિગતમાં સામેલ હતા.
આ અફસરોની પત્રકાર પરિષદમાં અનેક સવાલો ઊઠ્યા. જવાબ સિફતપૂર્વકના, પણ સંકેત દર્શાવનારા હતા.
- જનરલ હારુકી ઇસાયમા.
- કેપ્ટન યાશિમી.
- કર્નલ મોરિયો તાકાકુરા.
અને જાપાનીઝ સમાચાર સંસ્થા દોમેઇ (ક્યોદો)ના જણાવ્યા પ્રમાણે તો સુભાષને અ-ગોચર કરવાની યોજના ક્યારની તૈયાર થઈ ગઈ હતી અને તેનું ત્વરિત અમલીકરણ પણ થઈ ચૂક્યું હતું.
નિયતિ નિશ્ચિત હતી, રશિયન ક્ષેત્રના મંચુરિયામાં નેતાજીનું ગમન.
પણ ભારત સરકારે વાતને અવળે રસ્તે વાળી. જાપાનીઝ બેદરકારીને લીધે આ બન્ને બાબતો પેદા થઈ છે - નેતાજીનું મૃત્યુ અને ખજાનો ગાયબ થવો, એવું ભારતીયોના દિમાગમાં છે તે દૂર કરવા માટે જાપાન સરકારે અસ્થિની ભારત વાપસીનો પ્રયાસ કરેલ છે...
જાપાન અને ભારત. વિદેશ વિભાગની શતરંજના મહોરાં ગોઠવાય તે પહેલાં નેતાજી સમર્થકોએ બેઠક કરીને જણાવી દીધું કે મૃત્યુ - તપાસ પંચ નિયુક્ત થવું જોઈએ ભારત સરકારની તેમાં ના હતી.
૬ સપ્ટેમ્બર, ૧૯૫૫ની આ બેઠકે નક્કી કર્યું કે સરકારનો કોઈ ઇરાદો ના હોય તો અમે નાગરિક તપાસ પંચ બનાવીશું.
જો એમ થયું હોય તો?
રાધા વિનોદ પાલ. આ નામ એકલાં બંગાળમાં નહીં, આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનપૂર્વક બોલાય છે. ટોકિયોમાં મિત્ર રાષ્ટ્રએ બીજાં વિશ્વયુદ્ધના અપરાધીઓની સામે જે આંતરરાષ્ટ્રીય ખટલો ચલાવ્યો એમાં એશિયન ન્યાયમૂર્તિ તરીકે એકલા રાધા વિનોદ પાલ સામેલ કરાયા હતા. મિત્ર રાષ્ટ્રોને તેઓ જાપાન પ્રત્યે સહાનુભૂતિ રાખનારા લાગ્યા. મુકદમા દરમિયાન તેમને નેતાજી વિશે રહસ્યમય વિગતો પ્રાપ્ત થઈ જે મિત્ર રાષ્ટ્રો છૂપાવવા ઇચ્છતાં હતાં. ખુદ અમેરિકન જજે તેમને કહેલું કે ‘આ તાઇપેઈ વિમાન દુર્ઘટના તો યુદ્ધકાલીન દંતકથા જ છે, મિસ્ટર પાલ!’
બેઠકે રાધા વિનોદ પાલના અધ્યક્ષપદે નાગરિક તપાસ પંચ દ્વારા નેતાજીનાં મૃત્યુનું રહસ્ય ઉકેલવાના નિર્ણયને વહેતો કર્યો કે તુરત ભારત સરકાર ચોંકી ઊઠી. ખુદ શાહનવાઝ ખાન પણ એવું માની રહ્યા હતા કે સુભાષચંદ્ર પેલા વિમાની અકસ્માતમાં માર્યા ગયા નથી... અત્યાર સુધી ભારત સરકારને આ મુદ્દે તપાસનું વજુદ જ નહોતું લાગ્યું એટલે ઉપેક્ષાનો ખડકલો થતો રહ્યો, હવે તો, બાત નીકલેગી તો દૂર તલક જાયેગી!
નેહરુએ તાબડતોબ શાહનવાઝ ખાનને બોલાવ્યા. ૧૩ ઓક્ટોબરે એક સમિતિ નિયુક્ત થઈ. તેણે ‘મૃત્યુ થયું હતું કે નહીં’ તે મુદ્દે નહીં, ‘મૃત્યુ કેવા સંજોગોમાં થયું’ તેની જ
તપાસ કરવાની હતી અને બીજો મુદ્દો ટોકિયોમાં અસ્થિ સુભાષબાબુનાં છે કે નહીં તેનો અંદાજ મેળવવો. સમિતિમાં ‘નેહરુના માણસ’ એ. કે. ધરને ઉમેરવામાં આવ્યા.
(ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter