સુભાષકથાઃ અંતિમ અધ્યાય (ભાગ-૩)

વિષ્ણુ પંડ્યા Wednesday 23rd March 2016 06:53 EDT
 
 

હવે જનરલ શિદેઈનો વારો હતો. જાપાનીઝ સ્મિત સાથે તેણે અહેવાલો વાંચી સંભળાવ્યા. વિમાનના ઘરઘરાટ વચ્ચે પણ સુભાષ તે સાંભળતા રહ્યા.
શિદેઈએ અખબારોનો થોકડો કરી રાખ્યો હતો. સમાચાર-સંસ્થાએ સીધો એક અહેવાલ મોકલી આપ્યો તે જાપાનીઝ ભાષામાં હતો. શૈલી પણ કોઈ યુદ્ધકાલીન પત્રકારની જ.
આઝાદ હિન્દ ફોજના સરસેનાપતિ અને આઝાદ હિન્દ સરકારના વડા ભારતીય ચંદ્ર બોઝ ફોર્મોસા(તાઇવાન)ના તાઇહોકુ(તાઇપેઇ)ના મત્સુયામા વિમાની મથકેથી ઊડેલા વિમાનની દુર્ઘટનામાં માર્યા ગયા છે. આ બોમ્બવર્ષક વિમાન ‘મિત્સુબિતીશી’ સાઈગોનથી ઉપડ્યું હતું. સીટોના અભાવમાં મુસાફરો નીચે બેઠા હતા. ચંદ્ર બોઝ પણ તેમાંના એક હતા. વિમાની કોકપીટમાં વિમાનચાલક વોરન્ટ ઓફિસર જૂજાબુરો અને મેજર તાકીજાવા હતા. જહાજના પાછલા હિસ્સામાં લેફ. જનરલ તદેઓ સકઈ, લેફ. કર્નલ શિરો નોનોગાકી, મેજર તારા કોનો અને મેજર ઇલાહો તાકાશાહી બેઠા હતા. ત્યાર બાદ ચંદ્ર બોઝને વિમાનચાલકની પાછળની બેઠક મળી. શિદઈ પણ એક બેઠક પર આવ્યા. નેતાજીની પાછળ હબીબ-ઉર-રહેમાને જગ્યા લીધી. શિદેઈની બરાબર સામે અને ચંદ્ર બોઝની નજીક જ પેટ્રોલની ટાંકી હતી.
સાંજે ૭ વાગે સાઇગોનથી વિમાન તુરેન મથકે ઉતર્યું (આજનું દક્ષિણ વિયેતનામનું દા નાંગ). ત્યાં એક હોટેલમાં થોડોક સમય રોકાણ થયું. ૧૮મીની સવારે ટોકિયો તરફ વિમાન જવા નીકળ્યું ત્યારે તે જમીનથી ૧૪,૦૦૦ ફૂટ ઊંચાઈ પર હતું. બપોરના બે વાગે આ પહાડી વિસ્તારના નિર્જન વિમાની મથકે એક છાવણીમાં નાસ્તો કર્યો. સેન્ડવિચ અને કેળાં. અર્ધા કલાક પછી વિમાનમાં જવાનો આદેશ અપાયો.
બે અઢી વાગે વિમાનનું ઉડ્ડયન શરૂ થયું અને અચાનક ‘ધડામ’ કરતો મોટો અવાજ થયો. કેપ્ટન નાકામુરાને લાગ્યું કે કંઈક ખતરનાક બની રહ્યું છે. તેણે દૂરથી જોયું કે મત્સુમાયા વિમાની મથક પર ભડભડ બળતું વિમાન નીચે તરફ ધસી રહ્યું છે. તેણે સંતુલન ગુમાવી દીધું હતું. હાલતું-ડોલતું વિમાન તેનાં પ્રોપેલર અને પોર્ટ એન્જિનથી છૂટું પડી ગયું હતું. પાયલટે કોશિશ તો કરી, પણ વ્યર્થ. ૩૦૦ કિલોમીટર કલાકની ઝડપે તે જમીન પર તૂટી પડ્યું.
માંડ ત્રણ સેકન્ડમાં આ બની ગયું! મોટા ધક્કાથી નોનોગાકી બહાર ફેંકાઈ ગયો, પણ શિદેઈ સ્ટાર બોર્ડ પર ભટકાઈને પાસેની પેટ્રોલ ટાંકી સાથે અથડાયો અને ત્યાં જ ભડભડ આગમાં ઝુલસાઈ ગયો. બીજા કેટલાક ઘાયલ તો થયા પણ બચી ગયા.
મેજર કોનોએ ચંદ્ર બોઝને બચાવી લેવાની ભરપૂર કોશિશ કરી, પણ વચ્ચે પેટ્રોલની ટાંકી હતી. તાકિજાવાને ભડથું થતો જોયો. કોકપીટની બારી તોડીને તેણે નીચે કૂદી જવાનું સાહસ કર્યું.
જહાજ તો આગમાં લપેટાઈ ચૂક્યું હતું. ચીસાચીસ અને પેટ્રોલની વાસ. ધુમાડો. પાછલો હિસ્સો તો વચ્ચેના સામાનને લીધે દેખાવો યે શક્ય નહોતો.
હબીબ-ઉર-રહેમાનના જણાવ્યા પ્રમાણે નેતાજીના મસ્તક પર ભારે ચોટ આવી હતી. એ આગની વચ્ચે ઝુલસતા ઊભા થઈ ગયા અને પાછલા ભાગમાંથી બહાર જવાની નિષ્ફળ કોશિશ કરી. એક ઇંચ જેટલી જગ્યા બહાર જવાય તેટલી નહોતી! મેં બૂમ પાડી, ‘આગલા ભાગમાંથી નીકળો, નેતાજી! ચંદ્ર બોઝે પાછા ફરીને જોયું તો આગળના ભાગમાં આગનો ગોળો હતો. તેમાંથી કૂદીને તે નીકળ્યા. બે હાથથી આગની જ્વાળાથી અલગ થવા મથતા થોડાક આગળ વધ્યા, ત્યાં સુધીમાં વિમાન તૂટી પડ્યું. તેનાં પેટ્રોલે સુતરના ખાખી પોશાકને ઝડપી લીધો. બળતા પોશાક વચ્ચે પણ એમણે કોશિશ કરી. તેમના બેલ્ટને ખોલવાની મેં કોશિશ કરી. અમે બન્ને દાઝી ગયા હતા...’
શરીર પરના પોશાકને ફગવી દઈને તેમને બચાવવાની રહેમાનની કોશિશ કામિયાબ ન થઈ. જમીન પર એ ઢળી પડ્યા. માથામાં ડાબી બાજુ સખત ઈજા, માથાના બળી ગયેલા વાળ અને આગમાં બળીઝળી ગયેલો ચહેરો! તેમની બળેલી ચામડી લટકતી હતી.
તેમણે પૂછયું, તૂટતા સ્વરેઃ ‘રહેમાન, વધુ વાગ્યું નથી ને?’
‘ના. સારું થઈ જશે.’
તેમણે કહ્યુંઃ હું બચી શકીશ નહીં હવે.
રહેમાનઃ ભગવાન તમને બચાવી લેશે.
તેમનો જવાબ હતોઃ અસંભવ છે...
પછી બધી શક્તિ ભેગી કરીને તેમણે કહ્યુંઃ ‘જબ તુમ વતન વાપસ જાઓ તો લોગોં કો બતાના કિ મૈંને આખરી સાંસ તક અપને દેશકી આઝાદી કી લડાઈ લડી હૈ. ઉન્હેં યહ સંઘર્ષ જારી રખના હૈ. ઔર મુઝે લગતા હૈ કિ અબ ભારત જલ્દ હી આઝાદ હો જાયેગા. અબ ઈસે ઝંઝીરોં મેં કૈદ રખના આસાન નહીં...’
થોડી મિનિટોમાં એમ્બ્યુલન્સ આવી. એમ્બ્યુલન્સ તો શું, યુદ્ધસામગ્રીની હેરાફેરી કરતું વાહન. ચંદ્ર બોઝ અને રહેમાનને તેમાં સુવડાવીને હોસ્પિટલ લઈ જવાયા. બીજા પણ ત્યાં જ દાખલ કરાયા હતા.
બપોરના સમયે હોસ્પિટલમાં હલચલ વધી ગઈ.
ડોક્ટર તાનેયોશી યોશિમી અહીંના વડા તબીબ હતા. તેમણે તુરંત સારવાર શરૂ કરી. બોઝ સખત રીતે દાઝી ગયા હતા. કોઈ ભાગ બચી શક્યો નહોતો. નાડીની ગતિ મિનિટે ૧૨૦ની અને ઉષ્ણતામાન ૩૯ ડિગ્રીનું. ડોક્ટરની ભરચક કોશિશ રહી. તેમના ઘાવને સાફ કરાયા. આગે શરીરને પૂરેપૂરું દઝાડી દીધું હતું. કોઈને ખબર ના પડે કે આ બોઝ બાબુ જ છે! ડો. યોશિમીએ બીજા તબીબ ત્સુરતો તોયોશીને બોલાવ્યા. ઝિંકનો મલમ શરીર પર લગાવવામાં આવ્યો. ૨૦૦ સીસી લોહી શરીરમાંથી કાઢીને નવું ૪૦૦ સીસી લોહી પ્રવેશ કરાવાયું પછી ઓપરેશન થિયેટરથી બહાર લાવ્યા પણ ત્રુટક શબ્દો સિવાય કંઈ જ બોલી શકતા નહોતા. અર્ધબેભાન અવસ્થા એક કલાકમાં તો પૂરી બેહોશી તરફ લઈ ગઈ.
શરૂઆતની આશા તબીબોને છેતરી ગઈ. ત્રણેક કલાકમાં તો નિરાશા ફરી વળી. ચંદ્ર બોઝના એક ભાષાંતરકાર - દુભાષિયા - જ્યૂકી નાકામુરાને બોલાવવામાં આવ્યા. પથારી પાસે જ હાજર હતા - ડો. યોશિમી, નાકામુરા, કેટલીક પરિચારિકાઓ અને હબીબ-ઉર-રહેમાન.
રાતના નવ.
ચંદ્ર બોઝના મૃત્યુનો સ્વીકાર.
નક્કી તો થયું કે મૃતદેહને સિંગાપુર લઈ જવામાં આવે. બપોરે એક તાબુત (કફનપેટી) લાવવામાં આવ્યું. પરંતુ બોમ્બવર્ષક વિમાનમાં મૃતદેહ લઈ જવો કે કેમ એની આપસમાં ચર્ચા થઈ.
૨૦ ઓગસ્ટે જાપાનીઝ અફસરે માફી માગી કે મૃતદેહને વિમાનમાં લઈ જવો શક્ય નથી. એટલી જગ્યા જ નહોતી! મૃતદેહને લાંબા સમય સુધી સુરક્ષિત રાખતી દવાઓનો અભાવ હતો. એટલે નક્કી કરાયું કે અંતિમ સંસ્કાર કરવો.
કફનપેટીમાં પાટાપીંડીથી બંધાયેલો ચહેરો સૂજી ગયો હતો. હબીબ-ઉર-રહેમાને કહ્યું એટલે તસવીરકારે આખા - ઢંકાયેલા મૃતદેહનો - ફોટો પાડ્યો.
ચાર માઇલ દૂર સ્મશાને મૃતદેહને લઈ જવાયો. રહેમાન, નાકામુરા અને મેજર નાગાતોમો પણ એક કારમાં આવી પહોંચ્યા. મૃતદેહને શરીરના બોક્સમાંથી કાઢીને શબદાહની લાંબી પાટ પર મુકાયો અને પળવારમાં અંદર ધકેલી દેવાયો. એક અગરબત્તી રહેમાનના હાથમાં હતી. અરધો કલાક ખામોશી છવાયેલી રહી.
બીજા દિવસે ફરી વાર સ્મશાનગૃહે આવ્યા તો બૌદ્ધ પરંપરા મુજબ મેજર નાગાતોઓએ ગળાના ભાગનાં હાડકાંની એક કરચ લઈને બોક્સમાં મૂકી. લાકડાનાં વાસણમાં રાખ લીધી, તેમાં સોનેરી ફિલિંગવાળો દાંતનો ટૂકડો પણ હતો!
‘મૃત્યુઘટનાની આટલી ગતિ ભાગ્યે જ ઇતિહાસમાં અંકાઈ છે, ચંદ્ર બોઝ!’ જનરલ શિદેઈએ સુભાષને આખી વાત પૂરી કરતાં કહ્યું. સુભાષ વિમાનની બારીમાંથી બહાર ધૂંધળા આકાશને નિહાળી રહ્યા હતા.
તેમણે શિદેઈ તરફ મોં ફેરવીને કહ્યુંઃ ‘...અને શિદેઈ, એ નિશ્ચિત લખી રાખજો કે જે દિવસે ઇતિહાસનાં પાનાં અંધકારને ભેદીને પોતાની વાત કહેવા આવશે ત્યારે તમામ કથા - દંતકથા - સાચજૂઠની ઇમારતો ધ્વસ્ત થઈ જશે અને સત્ય સાબિત થશે કે એક ભારતીય - સુભાષ અને એક જાપાની - શિદેઈએ સ્વાતંત્ર્યજંગનાં નવાં ક્લેવર ધર્યાં હતાં!’ પછી હસીને કહ્યુંઃ ‘તો તો હજુ મારાં અસ્થિ સુધીની કહાણી પણ ખરીને?’ તે હસ્યા. શિદેઈએ થોડીક વધુ વિગતો આપી.
- ૫ સપ્ટેમ્બરે તાઇપેઇથી સુભાષબાબુના અસ્થિ જાપાનના ટોકિયો તરફ રવાના કરાયાં. તેની સંપૂર્ણ જવાબદારી રહેમાન, સેકઈ, તાત્સુઓ હૈશિદા અને તાઇપેઇના એક અફસરને સોંપવામાં આવી હતી.
‘એટલે કામ યોજનાબદ્ધ જ રહ્યું હશે...’ સુભાષ મુસ્કરાયા.
૭ સપ્ટેમ્બર સુધી અસ્થિને ટોકિયોની ઇમ્પિરિયલ કાર્યાલયમાં જાળવવામાં આવ્યાં. પછી તેની સોંપણી એસ. એ. અય્યર તેમજ એમ. રામમૂર્તિને કરવામાં આવી. અય્યરે મૃતદેહ નિહાળ્યો નહોતો એટલે વિશ્વાસ ન બેઠો. પણ છેવટે તેમણે જ જે અખબારી યાદી લખી તે ૨૪ ઓગસ્ટે દુનિયાભરનાં અખબારોમાં છપાઈ. ભારતમાં ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ સૌથી પહેલા ખબર આપ્યા, માત્ર એક ફકરામાં! પછી ‘હિન્દુ’ અને ‘હિન્દુસ્તાન ટાઇમ્સ’માં બીજા દિવસે ૨૫મીએ છપાયા. જાપાનના બધાં અખબારોમાં ચંદ્ર બોઝના વિમાની અકસ્માતમાં મોતના સમાચાર પહેલા પાને છપાયા. ટોકિયોમાં હજારો લોકો રડ્યા. કોઈને ય ભરોસો નહોતો, ભારત પ્રિય સુભાષનું આમ અચાનક મોત થાય!
સુભાષ સ્વયં પોતાની આંખે આ ગતિવિધિના હસ્તાક્ષરો ઉકેલતા રહ્યા ત્યારે તેમની સાથે આ પરમ વિશ્વાસુ જાપાની અફસર, એક જાપાન-રશિયાની મહિલા જાસૂસ તેમ જ અંગત વિમાનનો ચાલક - આના સિવાય કોઈ જ નહોતું.
આકાશમાં તેઓ મંચુરિયાથી રશિયન ભૂમિ પર ઉતરાણ માટે ઊડી રહ્યા હતા અને જમીન પર સુભાષ-રહસ્ય વધુને વધુ ઘેરું થઈ રહ્યું હતું.
એક વધુ અહેવાલમાં મોતથી હાથવેંત છેટા સુભાષ વિશે બયાન હતુંઃ ‘નેતાજીના શરીર પર કોઈ ઘાવ નહોતો. લોહી પણ નીકળી રહ્યું નહોતું બસ, આગને લીધે શરીર બળીઝળી ગયું હતું. તેમને ૫૦૦ સીસીનું રિંગર ઇન્જેકશન અપાયું. એક વાર નહીં, વારંવાર. એક જાપાની સૈનિકે લોહી આપ્યું તે દાખલ કરાયું. હોઠ ફફડતા હતા. દુભાષિયો નાકામુરા તેનું ભાષાંતર જાપાનીમાં કરતો રહ્યો.’
‘મારી સાથેના બધાંની પૂરી દેખભાળ થઈ રહી છે ને?’
‘જનરલ શિદેઈની હાલત કેવી છે?’
‘હવે હું સૂઈ જઈશ... મારા મગજ પર લોહી ચઢી રહ્યું છે.’
રાતના સાડા સાતે નાડીની ગતિ ધીમી પડી ગઈ. ઇન્જેકશનો અપાયાં પણ વ્યર્થ. આઠ વાગતા જ...
ડોક્ટર જોશિમીએ ‘ડેથ સર્ટિફિકેટ’ લખ્યું. નામ કાટાકાના. રાષ્ટ્રીયતા જાપાની. મૃત્યુનું કારણઃ વિમાની અકસ્માત.
જો આવું હતું તો સુભાષ ક્યાં હતા? આ કાટાકાના કોણ વળી?
દીમોઈ એજન્સીના સમાચાર મુજબઃ Mr. Bose, head of the Provisional Government of Azad Hind, left Singapore on August 10, by air for Tokiyo for talks with the Japanese Government. He was seriously injured when his plane crashed at Taihoky air field at 2 P.M. on August 18. He was given treatment in hospital in Japan, where he died at midnight.
૨૪ ઓગસ્ટ, ૧૯૪૫ના જવાહરલાલ નેહરુ બોલ્યા, એક સભામાંઃ ‘આપણે મર્માહિત થયા છીએ, અને નિશ્ચિત પણ થયાં. તેમના જેવા સાહસિક સૈનિકનાં નસીબે અધિકાંશ દુઃખ અને દુર્દશા જ લખેલી હોય છે, તેનાથી તેમનો છૂટકારો થઈ ગયો...’ (‘આનંદબજાર પત્રિકા’, ૨૭ ઓગસ્ટ, ૧૯૪૫)
પણ ગાંધીજીએ કહ્યુંઃ ‘સુભાષનું મૃત્યુ નથી થયું. જરૂરત પડ્યે કેટલો મોટો ત્યાગ તે કરી શકે છે તે હું જાણું છું. તેમની પ્રચંડ તૈયારી, સૈનિકી ગુણ અને સંગઠન શક્તિનો પરિચય મને થયો તે પણ ભારતમાંથી અદૃષ્ટ થયા પછી. આ રીતે તે મરી ન શકે મારું હૈયું એમ કહે છે.’
ગુવાહાટીની સભામાં યે તેમણે જણાવ્યુંઃ ‘મને વિશ્વાસ છે કે સુભાષ જીવિત છે. સમય થશે ત્યારે આપણી વચ્ચે આવશે. (I believe Subhash still alive. He is biding time and will come out at the right moment.’)
ગાંધી સ્મારકઃ શશાંક શેખર સન્માન ગ્રંથમાં (૧૯૬૯) ખ્યાત જનનેતા શશાંક શેખરનું સ્મરણઃ ‘દિલ્હીના ક્વિન્સ-વેમાં આઝાદ હિન્દ સરકારના મુખ્ય કાર્યકર્તાઓની બેઠકમાં કર્નલ હબીબ-ઉર-રહેમાને સુભાષમૃત્યુની દુર્ઘટનાનું વિગતે વર્ણન કર્યું. વાત પૂરી થતાં ગાંધીજી બોલ્યાઃ ‘બીજું કંઈ કહેવાનું છે?’ રહેમાને ના પાડી. ગાંધી બોલ્યાઃ હું તમારી એકાદ વાતનો યે ભરોસો નથી કરતો. સુભાષ મરી ના શકે.’
કોલકતા, અમદાવાદ, કરાચી, મુંબઈ સર્વત્ર શોકની આંધી ફરી વળી. પ્રેસ્ટન ગોયર એસોસિયેટેડ પ્રેસ ઓફ અમેરિકાનો સંવાદદાતા હતો. તેણે સવાલ વહેતો કર્યોઃ ‘શું જાપાનીઓએ સુભાષચંદ્રને ‘અંડર ગ્રાઉન્ડ’ થવામાં મદદ કરી છે, જેનાથી તે મિત્ર દેશો સામેના જંગને લીધે થનારી સજાથી બચી જઈ શકે?
વાઇસરોય માર્શલ આર્ચીબોલ્ડ વેવેલથી ના રહેવાયું. તેમણે સ્વીકાર્યું કે આવી કથિત દુર્ઘટનાની ખબર ‘અંડર ગ્રાઉન્ડ’ થતાં પહેલાં થતી જ હોય છે.
જવાહરલાલની એક પત્રકાર પરિષદમાં ‘ટ્રિબ્યુન’નો પત્રકાર અલ્ફ્રેડ વેગ હાજર હતો. અમેરિકી સેના સાથે જોડાયેલો યુદ્ધ સંવાદદાતા. તેણે નેહરુની સમક્ષ કહ્યુંઃ ‘છેક ૨૯મી ઓગસ્ટ, ૧૯૪૫ના દિવસે. બોઝ જીવંત છે. મેં તેમને માત્ર ચાર દિવસ પહેલાં સાઇગોનમાં જોયા હતા.’
‘સન્ડે ઓબ્ઝર્વર’ લંડને લખ્યુંઃ ‘અમેરિકા અને બ્રિટિશ સેના પણ બોઝના વિમાની અકસ્માત પર વિશ્વાસ નથી રાખતી.’
૩૦ ડિસેમ્બર, ૧૯૪૫ના ગાંધી શું બોલ્યા? ‘કોઈ તેમના અસ્થિ લાવીને બતાવે તો યે હું ભરોસો નહીં કરું!’ ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’એ પોતાની ટિપ્પણી સાથે આ ખબર છાપી. કારણ એ હતું કે અલ્ફ્રેડ વેગ - જે ‘શિકાગો ટ્રિબ્યુન’નો સંવાદદાતા હતો - ગાંધી સમક્ષ સુભાષ-રહસ્યની ઘણી બધી માહિતી પ્રસ્તૂત કરી ચૂક્યો હતો. ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’એ પણ આ વિધાનને ભારે મહત્ત્વ આપ્યું... ‘લોકો અને સ્વયં ગાંધી - ભારતવિભાજનના જવાબદાર નેતૃત્વથી દુઃખી થઈને - તેના આ ‘ત્રીજા પુત્ર’નાં આગમનની રાહ જોઈ રહ્યા હતા.’
સુભાષબાબુને મન વંદનીય મોટાભાઈ શરદબાબુ યુરોપના પ્રવાસે હતા. તેમણે મન ખોલ્યું ‘મને વિશ્વાસ અપાયો છે કે મારો ભાઈ જીવિત છે. વિમાની અકસ્માતની ઘટના એક દંતકથા છે...’ (જુલાઈ, ૧૯૪૬)
બ્રિટિશ સામ્રાજ્યના દિલોદિમાગમાં હજુ ‘જીવંત યા મૃત્યુ પામેલા’ બંગવીર નેતાજી હતા! તપાસ પર તપાસ. ગુપ્તચર તંત્રની, સૈન્યની, રાજકીય ગૃહવિભાગની, અંગત પત્રકારોની... ઇસ્ટ એશિયા ટ્રાન્સલેશન સેન્ટર (સિયાટિક), અમેરિકન કાઉન્ટર ઇન્ટેલિજન્સ કોર (સીઆઇસી), દક્ષિણ પૂર્વ એશિયા કમાન્ડ સેકશન-૧, આઇ.બી. અધિકારીઓની સમિતિ, કમ્બાઇન્ડ સર્વિસિસ ડીટેઇલ્ડ ઇન્ટ્રોગેશન સેન્ટર (સી.એસ.ડી.આઇ.સી.) મિલિટરી ઇન્ટેલિજન્સ, ડબલ્યુ મેકરાઇટ, ફિલિપ ફીને, ડબ્લ્યુ.એમ.એફ. ડેવિસ, રાયબહાદુર બક્ષી બદ્રીનાથ (ઇન્ટેલિજન્સ બ્યુરો), જી. ડી. એન્ડરસન, એલાઇડ લેન્ડ ફોસેઝના દક્ષિણ પશ્ચિમી પેસિફિક વિભાગ, સાઇગોન કન્ટ્રોલ કમિશન (સીએસી), મેકરાઇટ, એન્ડરસન, લૂઈ ફિશર...
આ યાદી પણ અધૂરી છે.
સુભાષ અને શિદેઈઃ તાઇકોહ વિમાની દુર્ઘટનામાં ‘માર્યા ગયેલાં’ આ બે પાત્રો દેવહૂમા બનીને મંચુરિયાથી રશિયા પહોંચવા માગતા હતા.
અને રશિયાથી ‘ચલો દિલ્હી!’
(ક્રમશઃ)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter