નવલિકાઃ કાતિલ

નવલિકા

ટીના દોશી Wednesday 21st July 2021 04:18 EDT
 
 

સુરીલી સરવૈયા. ઊંચાઈ સાડા પાંચ ફૂટ. ઉંમર સ્વીટ સેવન્ટીનમાં સાડાત્રણ વર્ષ ઉમેરો એટલી. સૌંદર્યની સાક્ષાત પ્રતિમા. રૂપ રૂપનો અંબાર. રુંવે રુંવે રૂપ ટપકતું. આરસપહાણમાંથી કંડારેલી પૂતળી જેવી. ચંપાવર્ણી. ચંદ્રમુખી. સુરાહી જેવી ગરદન. ઘમ્મરવલોણામાંથી નીકળેલા તાજા માખણ જેવી શ્વેત સુંવાળી મલમલ જેવી ત્વચા. કાળાં ચમકતાં નશીલાં અને લીંબુની ફાડ જેવાં કામણગારા નયન. એ આંખોમાં ડૂબી જવાનું મન થાય એવાં. કમાનાકાર ભવાં. તરબૂચની ચીર જેવા પાતળા લાલચટક હોઠ. નમણું ઘાટીલું નાક. ઘાયલ કરતો અંગમરોડ. લચીલી કમનીય કેડ. વાંકડિયા વાળ. ઘાસ પર સરકતા સર્પ જેવી ચાલ. માંસલ દેહમાં ચરબી જ્યાં જેટલી હોવી જોઈએ એટલી જ. ન કમ ન જ્યાદા. જો સુરીલીના સૌંદર્યને ફૂલની ઉપમા આપવી હોય તો એ કેસૂડાના આસવ જેવી, ગુલાબના અત્તર જેવી, ખીલેલા કમળ જેવી અને મોગરાની મહેક જેવી હતી. રંગબેરંગી ફૂલથી મઘમઘતા બગીચા જેવી. જો આટલું લાંબુ વર્ણન ન કરવું હોય અને એક જ વાક્યમાં સુરીલીની સુંદરતાને અંજલિ આપવી હોય તો એ ઇન્દ્રના દરબારમાં શોભતી રંભા, ઉર્વશી અને મેનકા જેવી હતી એમ કહી શકાય. સુરીલીની સુંદરતાને નજર ન લાગે એટલે ઈશ્વરે આ નાજુક અને અનુપમ શિલ્પનું નિર્માણ કર્યાં પછી એના હોઠની બરાબર નીચે ડાબી બાજુએ રાઈના દાણા જેવડું ટપકું કરી દીધેલું. એ તલને કારણે સુરીલીના સૌંદર્યના સોનામાં સુગંધ ભળતી હતી. એની ખૂબસૂરતીને ચાર ચાંદ લાગી જતા. એ તલ જોઇને મજનૂઓ સમરકંદ બુખારા ઓવારી જતા.
એવું કહેવાય છે કે સૌંદર્ય અને બુદ્ધિને બારમો ચંદ્રમા હોય છે, પણ સુરીલીએ આ કહેવતને ખોટી સાબિત કરી. સુરીલી બ્યુટી વિથ બ્રેઈન હતી. અભ્યાસમાં ભલે બહુ તેજસ્વી ન હોય, પણ લલિતકળાઓમાં એ અત્યંત નિપુણ હતી. એ ડોક્ટર કે એન્જિનિયર બનવા માંગતી નહોતી, પણ અભિનયક્ષેત્રે ઓજસ પાથરવાનું એનું સપનું હતું. એને ખબર હતી કે એ રૂપેરી પરદે ચમકવા માટે જ બની હતી. શરૂઆત એણે કોલેજથી કરી. કોલેજમાં એ નાટકોમાં ભાગ લેતી અને દરેક વખતે પહેલું ઇનામ પ્રાપ્ત કરતી. રંગમંચ પર એ પોતાની અભિનય કળાનાં કામણ પાથરતી. સંવાદ બોલવાની એની છટા, અભિવ્યક્તિ, અવાજનો આરોહઅવરોહ, હાવભાવ, પલટાતી મુખમુદ્રાઓ, ભાવભંગિમા... દરેક પાત્રમાં એ જીવ રેડી દેતી. પાત્રને જીવંત કરી દેતી. જોઇને સહુ આફરીન થઇ જતાં. સુરીલી જેવી સુંદર હતી, એટલો જ સુંદર એનો અભિનય હતો.
આવા જ એક નાટકમાં ફિલ્મ ડિરેક્ટર દેવરાજ કાકડિયાની નજર સુરીલી પર પડી. ઝવેરીએ હીરાની પરખ કરી લીધી અને ઢોલીવૂડ તરીકે જાણીતા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં સુરીલીનો પ્રવેશ થયો. સુરીલીનું સપનું સાકાર થયું. દેવરાજે સુરીલીને લઈને “હું તો કૃષ્ણદીવાની” ફિલ્મ બનાવી. મેવાડની મીરાના પાત્રમાં સુરીલીએ અભિનયનાં એવાં અજવાળાં પાથર્યાં કે ફિલ્મ ટંકશાળ સાબિત થઇ. મીરાનું પાત્ર તો ઘણી અભિનેત્રીઓએ ભજવ્યું હતું, પણ સુરીલી તો સુરીલી જ હતી. એના અભિનયની તોલે કોઈ ન આવે. સામાન્ય પ્રેક્ષકોથી માંડીને ફિલ્મસમીક્ષકોને સુરીલી ગમી ગઈ. સહુ ખોબલે ખોબલે એની પ્રશંસા કરવા લાગ્યાં. એક સાથે પાંચ ફિલ્મ સુરીલીના ખોળામાં આવીને પડી. એક સામયિકે કવરપેજ પર સુરીલીની મોહક અને આકર્ષક તસ્વીર છાપીને લખ્યું કે, આશાસ્પદ અને અત્યંત પ્રતિભાશાળી અભિનેત્રી સુરીલી ઢોલીવૂડનો ઊગતો સૂર્ય અને સુપરસ્ટાર શિલ્પીનાં વળતાં પાણી!
ફિલ્મી દુનિયા માટે આ કોઈ નવીનવાઈની ઘટના નથી. સતત સ્વાર્થનાં સમીકરણો રચાય છે અહીં. ઊગતા સૂરજની પૂજા થાય છે. ઊગતાંને નમસ્કાર અને પડેલાને પાટુ એ સર્વસામાન્ય નિયમ છે. રૂપેરી પરદે ગોલ્ડન જ્યુબિલી ઉજવનારને માથે બેસાડવામાં આવે છે અને એ જ કલાકારની બે-ત્રણ ફિલ્મ નિષ્ફળ જાય એટલે એને એક ઝાટકે ફેંકી દેવામાં આવે છે. ઊતરેલો અમલદાર કોડીનો કહેવતની જેમ આજના સુપરસ્ટારને કાલે કોઈ પૂછતું નથી. ફિલ્મ જગત એ વર્તમાનનું વિશ્વ છે.
આજની ક્ષણ ક્ષણ ઊજવતી દુનિયા છે. અહીં દરેક કલાકાર કસબી જાણે છે કે આજે પોતે જ્યાં છે ત્યાં ગઈ કાલે બીજું કોઈ હતું અને આવતી કાલે બીજું કોઈ હશે. ઢોલીવૂડની સુપરસ્ટાર શિલ્પી પણ આ વાત જાણતી જ હતી. સુપરસ્ટાર સંધ્યાનું સ્થાન છતાં પેલા સામાયિકમાં સુરીલીના સમાચાર વાંચીને પોતે સળગી ગઈ. બે ફિલ્મ ડિરેક્ટરે તો શિલ્પીને હાંકી કાઢીને સુરીલીને સાઈન કરી લીધી. ગઈકાલે સંધ્યા સુપરસ્ટાર હતી, આજે પોતે સુપરસ્ટાર છે અને આવતી કાલે કોઈક તો પોતાનું સ્થાન લેવાનું જ છે, એ સત્ય શિલ્પી જાણતી હોવા છતાં એ ક્ષણ આવી ત્યારે સ્વીકારી ન શકી. જીરવી ન શકી. એણે પેલું સામાયિક ગુસ્સાથી મેજ પર પછાડ્યું. એ જોઇને એની સખી અંજલિએ પૂછયું “શું થયું શિલ્પી? આ સમાચાર વાંચીને અકળાઈ ગઈ કે શું? અરે, આ લોકો તો મીઠુંમરચું ભભરાવીને લખતાં હોય છે. તારે ચિંતા કરવાની જરૂર નથી.”
શિલ્પી મસ્તક પર ઝૂલતી લટ સાથે રમત કરતાં બોલી: “અરે, હું શું કામ ચિંતા કરું? હું શિલ્પી છું, શિલ્પી... લાગલગાટ સાત ફિલ્મ સુપરહિટ થઇ છે મારી. બે-ત્રણ ફિલ્મ સફળ ન થઇ તો શું થયું? એ તો ફિલ્મની વાર્તાનો વાંક છે. મારા અભિનયમાં કોઈ જ કહેવાપણું નહોતું. આવી સુરીલીઓ તો આવે ને જાય, પણ શિલ્પીનું સ્થાન કોઈ ન લઇ શકે. શિલ્પી એટલે કોણ? હું. ઢોલીવૂડની ટ્રેજેડીક્વીન! હું નંબર વન છું અને હું જ નંબર વન રહીશ! હું એ સુરીલીને મારું સ્થાન નહીં જ લેવા દઉં... હું એને... હું એને...” બોલતાં બોલતાં શિલ્પીએ દાંત કચકચાવ્યા. એણે હાથની મુઠ્ઠીઓ વાળી દીધી અને એના ચહેરાએ ભયાનક રૂપ ધારણ કર્યું.
એ જોઇને અંજલિ ગભરાઈ ગઈ. પૂછી બેઠી, તું કાંઈ આડુંઅવળું તો નથી વિચારતી ને?... તું સુરીલીને... શિલ્પીએ એ સાંભળીને અંજલિ સામે કુટિલ હાસ્ય કર્યું. પછી કારમી ઠંડકથી બોલી: “હું એને સરપ્રાઈઝ આપીશ.” અંજલિ ભયભીત થઈને શિલ્પીને જોઈ રહી. શિલ્પી સડસડાટ ચાલી ગઈ.
એ જ વખતે ફિલ્મમાં કૃષ્ણનું પાત્ર ભજવનાર સુરીલીનો સહકલાકાર નિખિલ નાણાવટી અંગત સચિવ કુણાલને કહી રહ્યો હતો: “આ સુરીલી પોતાને સમજે છે શું? વટનો કટકો બનીને ફરે છે તે. અરે, આ ફિલ્મી દુનિયા છે. અહીં ચોખલિયાવેડા ન ચાલે. મીરાનું પાત્ર રૂપેરી પરદે ભજવવાનું હોય, વાસ્તવિક જીવનમાં નહીં...!”
“પણ થયું શું એ તો કહો...” કુણાલ બોલ્યો.
“શું થયું એમ પૂછે છે? અરે, આજ સુધીમાં કોઈ અભિનેત્રીએ મને ના કહીને છંછેડ્યો નથી. ભલેને ગમેએટલી મોટી સુપરસ્ટાર હોય...” નિખિલ પોતાનો જમણો ગાલ પંપાળતા બોલ્યો: “પણ આ સુરીલી... સુરીલીના નખરાં તો જો. એ સમજે છે શું પોતાને? ગઈ કાલની આવેલી છોકરી. એવી સતી સાવિત્રી હોય તો સાધ્વી બની જવું’તું. ફિલ્મોમાં આવવાની જરૂર નહોતી. એણે મારી સાથે આવવાની ધરાર ના પાડી દીધી. એટલું જ નહીં, મને એક તમાચો જડી દીધો. મારું આવું અપમાન? હું એને નહીં છોડું. હું એને... હું એને...” કહેતાં કહેતાં નિખિલનો ચહેરો હિંસક પ્રાણી જેવો વિકરાળ થઇ ગયો. એના ગળામાંથી ઘુરકાટ થવા લાગ્યો.
કુણાલ ડરી ગયો. એ કંઇ બોલે એ પહેલાં ક્રોધથી ધૂંઆપૂંઆ થયેલા નિખિલે ઘાંટો પાડ્યો: “હું સુરીલીને પાઠ ભણાવીશ... જોઉં છું એને મારાથી કોણ બચાવે છે!” કહીને નિખિલ ઊભો થઈને ચાલ્યો ગયો.
યોગાનુયોગ એ જ સમયે સાહિલ શેઠ પણ અત્યંત ગુસ્સામાં હતો. સાહિલ સુરીલીને ચાહતો હતો. કદાચ સુરીલી પણ. પરંતુ એ ફિલ્મી ક્ષેત્રે અભિનયનાં અજવાળાં પાથરીને પોતાના નામનો ડંકો વગાડવા માંગતી હતી. લગ્ન કરવા એ તૈયાર નહોતી. સાહિલે એને ઘણું સમજાવી કે લગ્ન પછી પણ એનું અભિનયનું સપનું પૂરું થઇ શકે છે, પણ સુરીલી ન માની તે ન જ માની. ફિલ્મ જગતની ટોચે પહોંચ્યા પછી જ પોતે લગ્ન અંગે વિચારશે, એવું એણે સ્પષ્ટ કહી દીધું. એટલે સાહિલનો પારો ઊંચે ચડી ગયો. પોતાના બિઝનેસ પાર્ટનર નીરજને કહેવા લાગ્યો: “આ સુરીલી સમજતી જ નથી. કેટલી વાર સમજાવું? મને, સાહિલ શેઠને, નાની ઉંમરે સફળતાનાં શિખર સર કરનાર, બિઝનેસની દુનિયામાં સિક્કો જમાવનાર સાહિલ શેઠને એ ના પાડે છે. તું તો જાણે છે કે મારી પાછળ તો કેટલી છોકરીઓ પડી છે. એક કહેતાં હજાર છોકરીઓ કતારબંધ ઊભી રહી જાય એમ છે. પણ હું સુરીલીને દિલ દઈ બેઠો છું. અને એ મારી વાત સમજવા જ તૈયાર નથી. ઊલટું કહેવા લાગી કે, તું બીજી કોઈ છોકરીને પરણી જા. સમજે છે શું પોતાને એ સુરીલી?”
“સાહિલ, તું મારી વાત સાંભળ...” નીરજ કશુંક કહેવા ગયો, પણ સાહિલે એને અધવચ્ચે અટકાવીને કહ્યું: “સુરીલીને હવે ખબર પડશે કે એનો પનારો કોની સાથે પડ્યો છે!” કહીને હાથ ઘસતો, કાળઝાળ થતો આંખમાંથી આગ વરસાવતો ચાલ્યો ગયો.
બરાબર એક અઠવાડિયા પછી ઇન્સ્પેક્ટર કરણ બક્ષીએ વહેલી સવારે કડક, મીઠી ને ખુશ્બૂદાર ચાનો પ્યાલો હજુ હાથમાં લીધો જ હતો કે ફોનની ઘંટડી વાગી. સામો છેડો ટુકડે ટુકડે કહી રહ્યો હતો: “સાહેબ, આજે સવારે હું આવી ત્યારે ખબર પડી કે સુરીલી મેમસાહેબનું ખૂન થઇ ગયું છે. આપ જલ્દી આવો...” કરણ બક્ષી તાબડતોબ સુરીલીને ઘેર પહોંચી ગયા. ફોન કરનાર નોકરાણી નંદા હતી. એણે જણાવ્યું કે, “મેં ગઈકાલે રજા લીધેલી. આજે આવી તો ઘર ખુલ્લું જ હતું. મને નવાઈ લાગી. અંદર આવીને જોયું તો...” કહેતાં કહેતાં એ રડી પડી.
ઇન્સ્પેક્ટર બક્ષીએ તપાસ શરૂ કરી. સૌંદર્યસમ્રાજ્ઞી સુરીલીની છાતીમાં ધારદાર છરી ખૂંપેલી હતી. છરી પર વીંટળેલા રૂમાલને કારણે કોઈનાં આંગળાંની છાપ મળવાની શક્યતા નહોતી. છરી વાગવાથી પુષ્કળ લોહી વહી ગયું હતું. મોડી રાત્રે ખૂન થયું હશે.
કરણ બક્ષીને વિચાર આવી ગયો, એક ઊગતો સિતારો આથમી ગયો... ખેર, એમણે તપાસ શરૂ કરી. પૂછપરછ દરમિયાન ખબર પડી કે થોડા દિવસ અગાઉ શિલ્પી, નિખિલ અને સાહિલને સુરીલી સાથે વાંકું પડ્યું હતું. અને ત્રણે કતલને દિવસે સુરીલીને મળવા પણ આવેલાં.
બક્ષીએ ચક્રો ગતિમાન કર્યાં ત્યારે સુરીલીના એપાર્ટમેન્ટની સામેના મકાનના ચોકીદારે જણાવ્યું કે, “સાહેબ, એ રાત્રે મોડે સુધી એક લાંબી કાળી ગાડી મોડે સુધી ઊભેલી હતી. મેં કુતૂહલથી નજીક જઈને જોયું તો ડ્રાઈવર સીટ પર ફોમની ગાદી પડેલી હતી. ગાડીનો નંબર જોવાનું વિચારતો હતો ત્યાં તો ગામડેથી મારી માનો ફોન આવ્યો એટલે હું ચાલ્યો ગયો.”
શહેરમાં લાંબી, કાળી ગાડી તો કેટલી બધી હોય. તપાસનું વર્તુળ નાનું કરવા ઇન્સ્પેક્ટર કરણ બક્ષીએ શિલ્પી, નિખિલ અને સાહિલની ગાડી અંગે વિગતો મંગાવી. અને ખબર પડી કે ત્રણેય એકસરખી લાંબી કાળી ગાડી વાપરે છે! કરણે માથું ખંજવાળ્યું. પછી કંઈક વિચારીને ત્રણેયને એકસાથે બોલાવ્યા. ત્રણેય હાજર થયા. બક્ષીએ આવકાર આપ્યો. ધ્યાનથી ત્રણેયનું નિરીક્ષણ કર્યું: સવા પાંચ ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતી શિલ્પી સુંદર દેખાય છે, પણ સુરીલીની રૂપરાશિ સામે પાણી ભરે. અભિનેત્રી છે એટલે ચહેરાના ભાવ કળી શકાતા નથી. નિખિલ પણ અભિનેતા છે એટલે મનોભાવ પર મુખવટો ચડાવી દીધો છે. આનો નાકનકશો તો ઠીકઠાક છે, પણ પ્રમાણમાં હાઈટ ઓછી હોવા છતાં હીરો તરીકે ફિલ્મોમાં જામી પડ્યો છે. નસીબ આને કહેવાય. અને આ સાહિલ. કેવો દેખાવડો છે. હાઈટ પણ છ ફૂટથી વધારે છે પહેલી નજરે તો ફિલ્મનો હીરો હોય એવું જ લાગે. સુરીલીએ આને ના પાડવા જેવી નહોતી. ખેર, હવે તો સુરીલી જ નથી ત્યારે...
ઇન્સ્પેક્ટર કરણ બક્ષીએ ત્રણેયને પૂછયું ત્યારે પહેલાં તો એમણે સુરીલીને ઘેર ગયાનો જ ઇનકાર કરી દીધો, પણ પછી બક્ષીએ કરડાકીથી પૂછયું ત્યારે ત્રણેયે કબૂલ કરી લીધું: “હા, અમે સુરીલીને ઘેર ગયેલાં. અમારી બોલાચાલી પણ થયેલી, પરંતુ અમે એની હત્યા કરી નથી!” બક્ષીને વર્ષોના અનુભવે ખબર પડી ગઈ કે ત્રણમાંથી એક વ્યક્તિ ખોટું બોલે છે અને એ જ કાતિલ છે! પણ એ કોણ હતું?
એકાએક બક્ષીએ સામે બેઠેલા ત્રણમાંથી એકને સંબોધીને કહ્યું: “તમે ગાડી ચલાવો છો ત્યારે બેઠક પર ફોમની ગાદી મૂકો છો?”
જવાબ મળ્યો: “હા.., કેમ એ ગુનો છે?”
“હા, એ ગુનો છે, ખાસ કરીને ત્યારે, જયારે તમે કોઈની હત્યા કરી હોય, સાહિલ શેઠ!!” બક્ષીએ કહ્યું.
“ઇન્સ્પેક્ટર, મારા પર ખોટા આરોપ ન મૂકો...” સાહિલ શેઠે તુમાખીથી કહ્યું: “તમારી પાસે શું પુરાવો છે કે મેં સુરીલીની હત્યા કરી છે?”
કરણ બક્ષીએ વીંધી નાખતી નજરે સાહિલ શેઠ સામે જોઇને કહ્યું: “એક લાંબી કાળી ગાડી સુરીલીના એપાર્ટમેન્ટ સામે મોડે સુધી ઊભેલી અને એમાં ડ્રાઈવર સીટ પર ફોમની ગાદી હતી. મેં તપાસ કરાવી તો તમે ત્રણેય લાંબી કાળી ગાડી વાપરો છો. પણ ફોમની ગાદીનો ઉપયોગ કોણ કરે છે એ જાણવા તમને ત્રણને બોલાવ્યા. તમે ત્રણ અંદર આવ્યા ત્યારે જ મને ખબર પડી ગયેલી કે કાતિલ તમે છો, સાહિલ શેઠ!”
“માત્ર આરોપ મૂકવાથી નહીં ચાલે. પુરવાર કરવું પડશે, ઇન્સ્પેક્ટર!” સાહિલ લડાયક મિજાજમાં હતો.
“તો સાંભળો, સાહિલ શેઠ...” ઈન્સ્પેક્ટરે કહ્યું: “સુરીલીની હત્યા મોડી રાત્રે થઇ હતી. અને તમે લોકો કબૂલ કરી જ ચૂક્યા છો કે તમે ત્રણે સુરીલીને મળવા ગયા હતા. ત્રણેય કાળી ગાડી જ વાપરો છો. પણ જે વ્યક્તિ છેલ્લે કાળી ગાડી લઈને ગઈ, એ ગાડીમાં ફોમની ગાદી હતી, એ જ કાતિલ છે. એ તમે હતા સાહિલ શેઠ! તમે જ કાતિલ છો, કારણ કે શિલ્પી અને નિખિલની ઊંચાઈ ઓછી છે. એટલે એમને ડ્રાઈવર સીટ પર ફોમની ગાદી મૂકવાની જરૂર ન રહે, પણ તમે છ ફૂટથી પણ વધુ હાઈટવાળા છો. જો ગાદી ન મૂકો તો ગાડીમાં તમારા પગ અંદરની તરફ વળી જાય. એથી પગ વાંકા ન વળી જાય એ માટે તમારે ડ્રાઈવર સીટ પર ફોમની ગાદીનો ઉપયોગ કરવો પડે છે. યુ આર અન્ડર એરેસ્ટ, સાહિલ શેઠ! સુરીલીની કતલ કરવાના આરોપસર તમારી ધરપકડ કરવામાં આવે છે!”
સાહિલ ગુનો કબૂલ ન કરે તો બીજું શું કરે! v


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter