નવલિકાઃ માજા વેલાનું મૃત્યુ

ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર - ‘સુન્દરમ્’ Wednesday 25th November 2020 07:10 EST
 
 

પ્રાચીન કાળના કોઇ કુલપિતાની અદાથી માજો વેલો બેઠો હતો. તેના માથે આકાશમાં અદૃશ્ય થતી ડાળીઓવાળા, કોઇ એક તપોવનના વૃક્ષ જેવા ઊંચા ઊંચા ટાવરની છાયા ઢળી રહી હતી. તેની આસપાસ તેનો ત્રણ-ત્રણ, ચાર-ચાર પેઢી સુધીનો પરિવાર ફેલાઇને પડયો હતો. તેની દીકરીની દીકરીનાં બે જોડિયાં બાળક તેના બે ખભાં પર ટીંગાયાં હતાં. તેનો સાઠ વરસનો દીકરો તેની પડખે જ ઊભા પગ પર માથું ઢાળી બેઠો હતો.
તેનાં પચાસ વરસના બીજા છોકરાના બે છોકરાની વહુઓ થોડેક છેટે તેમનાં બચ્ચાંને ધવરાવતી દોણીઓમાંથી કંઇક વસ્તુઓ તાંસળીમાં કાઢતી બેઠી હતી અને એવાં બીજાં અનેક સ્વજનો, જેની સંખ્યા ગણતાં કે યાદ રાખતાં માજા વેલાને આવડતું ન હતું. તે બધાં નક્ષત્રના તારાઓની પેઠે આમતેમ ફેલાતાં બેઠાં હતાં.
સાંજનો શિયાળાનો સાતેકનો વખત હતો અને તપોવનના યજ્ઞના ધુમાડાની પેઠે કારખાનાનો ધુમાડો સર્વત્ર વ્યાપેલો હતો. યજ્ઞના ધુમાડાની પેઠે તે પણ આંખોને બાળતો હતો.
યજ્ઞના ધુમાડાની પેઠે તેનામાં પણ ગંધ હતી. પણ તે માત્ર ગટરની, સુગંધિત હવાની નહિ. શહેરના કોટ બહાર મોટરોના એક અડ્ડા પાસે એક ઊંચા ટાવરની પડખે ફૂટપાથ ઉપર રોજની પેઠે આજે પણ માજા વેલાની સંતતિ ભેગી થયેલી હતી.
સાંજ વેળાએ, પોળના લોકો ખાઇ પરવારવાની તૈયારીમાં હોય ત્યારે માજા વેલાની સંતતિ માથે એક નાનકડું દોણું મૂકી મીઠા તીણા રણકતા અવાજે ‘માબાપ, કંઈ આલજો કે...’ના ટહુકા કરતી ગલીએ ગલીમાં ફરી વળતી અને પોતાનું દોણું ભરાયે પેલા ટાવર પાસેના અડ્ડા તરફ લહેકાતી ચાલે રવાના થતી. આદમીએ પોતપોતાના શાકના કે પ્યાલા બરણીના ટોપલા સાથે કે ખાલી હાથે ક્યારના આવીને બેસતા જેમ જેમ દોણાં આવતાં થતાં તેમ તેમ તેમાંની વસ્તુઓને ઈન્સાફ અપાયે જતો અને છેવટે થોડુંઘણું વધે તે ગલીમાં પડી રહેતાં ડોસાંડગરાં માટે લઇ જવાતું.
આજે માજા વેલાને થોડો તાવ આવેલો એટલે ઘણાંએ ના કહેલી છતાં તે આવવા તૈયાર થયો. ગઇ કાલે એક લગ્નમાંથી જે વસ્તુઓ આવેલી તે પરથી તે લગ્ન માટે તેનો અભિપ્રાય ઊંચો બંધાયેલો અને એ લગન, નાત, જમણ બધું જોવા માટે તેની ઉત્સુકતા વધેલી.
‘માજા દાદા, તમને બરાગત ચડી છે ને શું કરવા આવો છો?’ નીકળતાં નીકળતાં તેમના ભત્રીજાએ કહ્યું.
‘અરે બરાગતની મા પરણે!' માજા વેલાએ ખૂંખારીને કહી નાખેલું અને લાકડીને ટેકે મોટરોથી ભરેલા રસ્તા ઓળંગતો, હોટલોના ભપકદાર દીવા જોતો, માજો વેલો આવીને ટાવરની ભીંતે બેસી પડયો. તેને સહેજ હાંફ ચડી, પણ તે થોડી વારમાં બેસી ગઇ.
તેની દીકરીની દીકરીનાં જોડિયાં બાળક તેની આસપાસ બે ગલૂડિયાંની પેઠે વીંટળાઇ તેની મૂછો ખેંચતાં. તેને ખભે ચડી જતાં, તેનો ખોળો ગૂંદતાં ગેલ કરવા લાગ્યા. આજે તેને કોણ જાણે કશો ઉત્સાહ ચડી આવ્યો અને ફરીથી એક વાર શહેર જોવાનું એને મન થઇ આવ્યું.
માજો વેલો છોકરાઓને રમાડતાં, આસપાસ છોકરા-વહુઓની વાતો સાંભળતાં સાંભળતાં, માણસોથી ભરાઇને જતા ખટારા, સાઇકલો, મોટર સાઇકલો, મોટરો વગેરેને જોઇ રહ્યો.
મોટરના અડ્ડા ઉપર એક માણસ સિગારેટ પીતો ઊભો હતો. તેની મીઠી ધુમાડી માજા વેલાના નાકમાં આવી. તેની જીભ સળવળી. પેલા માણસને ફૂંક લેતો તે તાકીને જોઇ રહ્યો. સિગારેટ પીનારે તે થોડીક પીને નાખી દીધી. માજા વેલાએ તરત એક છોકરાને દોડાવ્યો.
‘જા, લલિયા, પેલી બીડી લઇ આવ.’ ‘સિગારેટ, દાદા!’ ‘હા, શીગરેટ, માળા શહેરી થઇ ગયા તો બહુ!’ માજા વેલાએ પોતાનો મીઠો અસંતોષ જણાવ્યો અને છોકરો સિગારેટ લઇ આવ્યો તેને, વચ્ચે વચ્ચે છોકરાને એકાદ દમ ભરવા દઇ, પોતે પીવા લાગ્યો અને આસપાસનાંને કહેવા લાગ્યો:
‘હજી વીજી ન દેખાઇ!’ ‘મકલાને ક્યાં મોકલ્યો છે?’ ‘વ્હાલડી તું તો જાણે નકરી વાણિયણ જેવી લાગે છે.’ ‘અરે, ભાણકી, તારી છોડી કેમ આટલી બધી રોવે છે?’ ‘કલી ડોસી માંદી પડી છે?’ ‘હેં, પેલો મગિયો ઈસ્પિતાલમાં ગયો?’
તેનાં સાઠેક વરસની ઉંમર સુધીનાં ‘છોકરાં’ઓ તેના પ્રશ્નોના ખપજોગા જવાબ આપી વળી પાછાં પોતાની વાતમાં ઢળી જતાં હતાં. છેવટે માજા વેલાએ એક સવાલ કરી બધાને ચોંકાવી મૂક્યાં: ‘અને પેલા ધાડમાં ગયા છે તેમની તો તમે કોઇ મને વાતેય નથી કરતા!’
માજા વેલાની પાસે બેઠેલો તેનો પળિયાંવાળો છોકરો એકદમ કાન સરવા કરી બોલ્યો: ‘બાપા, જરા ધીરે બોલો કે! આ પોલીસવાળો અહીં આંટા મારે છે.’
એવામાં જ અડ્ડા ઉપર આવીને ઊભેલી મોટી ઘર જેવડી મોટરમાંથી એક ઊંચો પોલીસ ઊતર્યો ને કેડ પરનો ડંડો હલાવતો ચાલ્યો ગયો. તેની પાછળ તુચ્છકારની નજર નાખતો માજો વેલો ધીરેથી બોલ્યો :
‘હવે જોઇ તારી પોલીસવાળી! આ એવા તો સત્તરને ગૂંજામાં ઘાલીને અમે ફર્યા છીએ.’
‘દાદા, દાદા, ફરી એક વખત વાત કહો ને, પેલી તમારી ધાડની!’ તેમનો એક પ્રપૌત્ર આવીને તેમને વળગ્યો અને માજા વેલાએ પોતે શહેરમાં ધાડ પાડી હતી તેની વાત કેટલામીય વાર કહેવા માંડી. મોટા માણસોને તો એ વાત જૂની થઇ ગઇ હતી એટલે તેઓ પોતાની વાતમાં મચ્યાં રહ્યાં. માત્ર તેમણે ડોસાને કહ્યું: ‘ડોસા, હળવેથી બોલો હળવેથી.’
માજા વેલાએ વાત ધીરેથી કહેવા માંડી પણ તેની કહેવાની છટા એવી હતી કે બીજી વાતો કરનારનો એક કાન તો તેના તરફ જ રહેવા લાગ્યો.
અને માજા વેલાએ ભૂતકાળ ઉખેળવા માંડયો. ‘ગામડેથી શહેરમાં અમે આવેલા ત્યારે આ કોટ બહાર દરવાજા કને પડી રહેતા. દાતણ વેચતા, એંઠ માગી લાવતા અને રાતને પહોર એકલદોકલ કોઇ મળે તો તેને ખંખેરી લેતા. પણ તે આ દરવાજા આગળ નહિ,. હોં કે? આ શહેરને તો સત્તર દરવાજા છે ને? તે બીજા કોક દરવાજે. અહીં તો ગરીબ ગાય થઇને જ રહેવું પડે ને? અને આ જ્યાં ટાવર છે ત્યાં તો કશુંય નહોતું? - હા, કશું ય નહિ. એક ઊંડો ખાધરો હતો. તેમાં લોક ઝાડે ફરવા આવે. એંઠ નાખી જાય, પતરાળાં નાખી જાય.
અમે તો ઠેરવેલું કે આ દરવાજે કશું ય ન કરવું, પણ એક વાર લગનગાળો હતો. હજારેક જેટલાના દાગીના પહેરીને એક કામવાળી પતરાળાં નાખવા આવે છે. તે મેં તો ઘણોય વાર્યો પણ માળો પેલો નગુડિયો ઝાલ્યો ન રહ્યો અને કામવાળીને ખંખેરી લીધી. પણ એ તો બહુ બુમાટા કરવા લાગી. પછી શું થાય? એની ગળચી દાબી દીધી અને ખાડામાં નાખી દઇ નાસી ગયા. હા, પછી એના ભાગનાં ઘરેણાં વેચતાં અમારામાંથી એક પકડાયો હતો. પણ મારા ભાગનાં તો મેં ગાળી જ નાખ્યાં હતાં. તોય અમને બબ્બે વરસની સજા થયેલી. એ તો અમારી પહેલી મોટી ધાપ.’ અને પછી માજા વેલાએ બીજી, ત્રીજી, ચોથી એમ પરાક્રમકથાઓ કહેવા માંડી.
છોકરાંઓ નવાઇ ભરેલે મોંએ સાંભળી રહ્યાં ‘હેં દાદા, તે અહીં ટાવરેય નહોતો?’ ‘ના.’ ‘અને દાદા, આ પેલી મોટી બત્તીયે નહોતી?’ ‘ના, ભાઇ. આવા રસ્તાય નહોતા, અને હાથહાથની ધૂળ, અને કૂતરાંય કેટલાં બધાં, ભસભસ કર્યા કરે. પણ અમને ઓળખે હાં કે? અને લોક તે વેળા તો ખાઇ જાણતા. ઓઢી પહેરી જાણતા. ભઇલા, હવે તો એ ખાય છે ય શું? હવે તો ઘી વગરના વરા અને તેય મહીં શું મળે? અને હવે બાયડીઓ ઠાઠવાળી શણગારેલી તો ભારે હોય છે પણ એ તો બધાં ખોટાં ઘરેણાં. ખાલી શોભાનાં. કોઇને ખંખેરીએ તોય માંડ દસ હજાર રૂપિયાનો માલ હાથ આવે!’
‘તે દાદા સિગરેટોયે નહોતી?’
‘ના ભાઇ, પહેલે તો લોક હુક્કા પીતા. ને હું ને મારો ભાઇ એક વેપારીને ઓટલેથી હુક્કો ઉઠાવી લાવેલા. આખી રાત બેસીને હુક્કો પીધા કર્યો. દહાડે તો કંઇ આપણા રહેઠાણમાં બેસી પીવાય? સાતેક રાત અમે હુક્કો પીધો. પછી હુક્કો વહેંચવાની તકરાર થઇ અને અમે પછી ભાંગી નાખ્યો!’
‘તે દાદા, કહે છે તમે રૂપિયા બનાવતા?’
‘હા!’ માજો વેલો બોલવા જતો હતો. પણ એના છોકરાએ તેને રોકી નાખ્યો, ‘બાપા, મૂંગા રહો કે, એ વાત અહીં ના કાઢશો.’ માજો વેલો ઘડીક ચૂપ રહ્યો. વાતો સાંભળવામાં મગ્ન એવું એક છોકરું બોલી ઊઠયું : ‘મા, મને ભૂખ લાગી છે.’ અને ઊઠીને મા તરફ જતું જતું બોલ્યું: ‘દાદા, રૂપિયાની વાત ઘેર જઇને કહેજો હોં કે?’
‘હા, બેટા! જા, જોકે તારી મા શું લાવી છે?’
‘તે દાદા, તમે કેટલા બધા રૂપિયા બનાવેલા?’ એક બીજા છોકરાએ પૂછ્યું. ‘આટલા બધા!’ હાથને માટલી માય તેવડા પહોળા કરી માજો વેલો બોલ્યો, અને એ પહોળા કરેલા હાથમાં તે છોકરાને તેણે ઉપાડી લીધું. ‘દાદા તમારી મૂછો રૂપિયા જેવી ધોળી છે, નહિ?’ છોકરાએ માજા વેલાના થોભિયા જોડે રમતાં કહ્યું. માજો વેલો હસ્યો અને મૂછને હથેળીની પૂંઠથી ઊંચી ચડાવતાં બોલ્યો:
‘ના, બેટા, એ તો સૂતરફેણી જેવી છે. ખંભાતની સૂતરફેણી જેવી!’
‘એ શું દાદા?’ છોકરાની જિજ્ઞાસા વધી.
‘અરે બાપ, તેં હજી સૂતરફેણી નથી ખાધી?’ માજો વેલો જમાના પર અફસોસ કરવા લાગ્યો. ‘અરેરે, અમે જેટલું ખાધું છે તેટલું તમને જોવાનું નહીં મળે. હવેના લોક શું ખાઇ જાણે?’ અને દૂર બેઠેલા ટોળા તરફ જોઇને બોલ્યો: ‘અલ્યો, કોઇનામાં સૂતરફેણી આવી હોય તો લાવજો આંહીં!’
સ્ત્રીઓ જરાક રણકતું હસી. પુરુષોમાંથી કોક ધીમેથી બોલ્યું: ‘ડોસાને ય શું મરતેમરત ભસકા થાય છે!’
‘અલ્યો, કોઇ સાંભળો છો કે નહિ?’ માજો વેલો ફરી બોલ્યો. ‘એ આવશે તો આપશું, દાદા. આ હજી તો દાળભાત આવ્યાં છે.’ કોકે કોમળ અવાજે કહ્યું. ‘એ સારું સારું. ભાઇ, મારે નથી ખાવી, આ તો છોકરાને જરા બતાડવી હતી.’
અને ખરી સૂતરફેણી આવે ત્યાં લગી તેનું વર્ણન કરવાની છોકરાંઓને આગ્રહ કરતાં માજો વેલો સમજાવવા લાગ્યો : ‘છે તે તમે છાણાં થાપો છો ને છાણાં, તેવું નાનકડું છાણાં જેવું હોય હોં કે.’ ‘છી: છી:!’ છોકરાં બોલી ઊઠયાં. ‘અરે સાંભળો તો ખરાં! પણ તે ધોળું, સાવ ધોળું, નકરું દૂધ જેવું!’
‘હેં!' બાળશ્રોતાઓની આંખો આશ્ચર્યથી પહોળી બની. ‘અને ગળી ગળી! અને અંદર કેસર હોય તો પીળી હોય.’
‘પીળી? ખીચડી જેવી?’
‘હા, એવીક અને અંદર એલચી, બદામ, પીસ્તાં, જાવંત્રી, એવું એવું બધું હોય!’
‘દાદા, એ બધું શું?’ છોકરાં બોલી ઊઠયાં.
‘અરે તમે એ બધું નથી ભાળ્યું હજી?’ માજો વેલો નવાઇ પામ્યો તેને પોતાના છોકરાઓ ઉપર તિરસ્કાર આવ્યો કે આ નાનાં છોકરાંઓને તેમણે હજી લગી કાંઇ ખવાડયું નથી; બતાવ્યું નથી. તેને કોક ગાંધીની દુકાન ફોડીને બધો સૂકોમેવો છોકરાંઓ માટે લઇ આવવાનું મન થયું.
‘કોક દી દેખાડીશ, બેટા, જીવતો રહ્યો તો...’ તે બોલ્યો. ‘તે દાદા, તમારી મૂછો કેમ ધ્રૂજે છે!’ એક છોકરું બોલ્યું. ‘અરે દાદાના ખભા પણ ધ્રુજે છે!’ બીજું બોલ્યું. ‘દાદા સૂતરફેણી ખાઓ તો મટી જાય?’ ત્રીજું બોલ્યું, ‘રહો કે, હું લઇ આવું.’ અને એમ કહી પોતાના બાપા પાસે જઇ તેને વળગી કહેવા લાગ્યું: ‘બાપા, દાદાને સૂતરફેણી ખવાડી હોય તો? દાદા ધ્રુજે છે!‘’
તે મોટો માણસ, માજા વેલાનો પુત્ર માજા વેલા તરફ ફર્યો: ‘ડોસા બરાગત ચડી કે શું વળી? મેં ના નહોતું કીધું.’
‘કંઇ નથી બેટા! એ તો સહેજ ટાઢ વાય છે!’ માજો વેલો બોલ્યો, ‘તમે તમારે કરતા હોય એ કરો; બાપા!’ પણ ડોસાની પાસે આવીને તેને ભત્રીજા વનાએ ડોસાને હાથ અડાડી જોયો. ડોસાને તાવ ચડવા માંડયો હતો. પોતાના શરીર પરથી લીલી કામળ ડોસાને તેણે ઓઢાડીને કહ્યું:
‘લો હવે બહુ બોલશો મા!’ અને તે છોકરાંને દૂર ભગાડી મૂકવા લાગ્યો. ત્યાં માજા વેલાએ કહ્યું: ‘છો બેઠા એ મારા કને!’ દાદાની કામળના છેડા રમાડતાં છોકરાં બોલવા લાગ્યાં: ‘દાદા, પેલા રૂપિયાની વાત તમારે કહેવાની છે, હોં! તમે બનાવો ત્યારે અમને એકેક આપજો, હોંકે? અમારે જોઇએ છે. અને પેલું ખાવાનું પણ, દાદા, અમારે જોવું છે. શું એનું નામ? ઉત્તર... ઉત્તર...’
માજો વેલો હસી પડયો: ‘સૂતરફેણી! ખાધી તમે હવે, નામ તો પાધરું બોલતાં નથી આવડતું.’
તે ટાવરની ભીંતને અઢેલી જરા વધુ ઢળ્યો. અને પોતાની આસપાસનાંની હિલચાલો તરફ જોઇ રહ્યો. તેની વહુદીકરીઓ વારે વારે ઊઠબેસ કરતી હતી. કોક એક દોણું ઠાલવી વળી ફરી દરવાજા ભણી જતી હતી. દૂર દૂરમાંથી બેન્ડ-વાજાં સંભળાતાં હતાં. દરવાજાની અંદર આઘે બત્તીઓનો મોટો ઉજાસ દેખાતો હતો. લોકોનો કોલાહલ રોજ કરતાં વિશેષ હતો.
માજા વેલાને અહીં આવતાં રોકનાર ભત્રીજાને દાદા તરફ વિશેષ વહાલ હતું. તે દાદા પાસે આવ્યો અને બોલ્યો: ‘દાદા, કંઇ ખાવું છે?’
‘ના ભાઇ, આવશે તે ખાઇ લઇશું.’
‘ના, ના. તમે કંઇ સૂતરફેણીની વાત કરતા હતા ને?’
‘ના ભાઇ, એ તો આ છોકરાંને દેખાડવી હતી જરા!’
‘સારું, બીજું કાંઇ જોઇએ છે?’ અને તે પાસે પડેલું બોચિયું ઉપાડી, માથાનું ફાળિયું ઠીક કરતો, હાથમાં લાકડી લઇને ઊપડયો. તેને જતો જોઇ માજો વેલો ચોંક્યો. છોકરો ભારાડી હતો અને ક્યાંક હાથ લગાવીને ઉપાડી તો જરૂર લાવશે. પણ ઝલાઇ ગયો તો? માળા પોલીસવાળા હવેના બહુ હોશિયાર થઇ ગયા છે. ના ના, આજનો દહાડો એણે ખમી જવું જોઇએ, અને માજા વેલાએ જોરથી બૂમ પાડી:
‘વના, એ વના, પાછો આવ, પાછો.’ પણ વનાને તેનો અવાજ પહોંચ્યો નહિ. દરવાજા પાસેની બત્તીના અજવાળામાં તેની પડછંદ પીઠ માજા વેલાને દરવાજામાં દાખલ થતી દેખાઇ... માજા વેલાને એકદમ થાક ચડી આવ્યો. એ જરાક ટૂંટિયું વળી વિશેષ લંબાયો.
તેનાથી બેએક હાથ છેટે છોકરાં, તેની પાસેથી આઘાં હટી, આવેલ દોણીઓની સામગ્રી ઉપર ઝૂકતા હતાં. બેએક તાંસળીમાં તેઓ દોણીમાંના પદાર્થો ઠાલવવામાં આવતા હતા તેમને બેય હાથે લઇ તેઓ ખાતાં હતાં અને ખાતાં ખાતાં કશુંક પોતાને ન ઓળખાય એવું નીકળે કે તરત બોલી ઊઠતાં હતાં: ‘અલ્યા, ઉતરફેણી! ઉતરફેણી!’ (વધુ આવતા સપ્તાહે)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter