...અને ડો. હાથી શૂટિંગ પર ન આવ્યા

Wednesday 11th July 2018 09:26 EDT
 
 

પ્રખ્યાત ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ડોક્ટર હંસરાજ હાથીનું પાત્ર ભજવતા કવિકુમાર આઝાદે હાર્ટ એટેકના કારણે વોકહાર્ટ હોસ્પિટલમાં નવમી જુલાઈએ અંતિમ શ્વાસ લીધાં હતાં. કવિ કુમારને નાનપણથી જ એક્ટિંગનો શોખ હતો. જ્યારે તેઓ યુવાન હતા ત્યારે તેમનાં શરીર પર ચરબીના થર જામવા લાગ્યા. તેમ છતાં તેમણે પોતાના અભિનયના શોખને જીવંત રાખ્યો. અભિનયની સાથે તેમને કવિતાઓ લખવાનો પણ શોખ હતો. જાણીતા સ્વર્ગસ્થ કોમેડિયન ટુનટુન એકવાર બિહારના સાસારામ આવ્યા હતાં અને તેમણે કવિ કુમારને જોતાં જ ભવિષ્યવાણી કરી હતી કે તેઓ અભિનેતા બનશે. તેમની આ ભવિષ્યવાણી સાચી પડી. કવિ આઝાદે દિલ્હીમાં એક્ટિંગની ટ્રેઇનિંગ લીધી હતી. તે પછી તેઓ મુંબઇ આવ્યાં હતા. નબળી આર્થિક પરિસ્થિતિ અને મુંબઈમાં અતિસંઘર્ષ પછી તેમને વર્ષ ૨૦૦૦માં ફિલ્મ ‘મેલા’માં કામ કરવાની તક મળી. આ ઉપરાંત તેમણે ‘ફંટૂશ’, ‘ડ્યૂડ્સ ઇન ધ સેન્ચુરી’ જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. વર્ષ ૨૦૦૮માં તેમણે ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં નિર્મલ સોનીએ ડોક્ટર હાથીનું પાત્ર છોડ્યું તે પછી કવિ આઝાદને આ પાત્ર મળ્યું હતું. કવિકુમારે વર્ષ ૨૦૧૦માં સર્જરી દ્વારા આશરે ૮૦ કિલો વજન ઓછું કરાવ્યું હતું. આ સર્જરી પછી જોકે તેમની રોજિંદી જિંદગીમાં પડતી મુશ્કેલીઓ ઓછી થઇ હતી. છતાં તેઓ નાની મોટી સ્વાસ્થ્યને લગતી બીમારીઓથી પીડાતા હતા.
‘હું નહીં આવું’
મૂળ બિહારના સાસારામના કવિકુમારની તબિયત નાદુરસ્ત હોવાથી શોના નિર્માતા આસિત મોદીને મૃત્યુ પહેલાં કવિકુમારે ફોન કરીને કહ્યું હતું કે, હું નહીં આવું. તબિયત ખરાબ હોવાથી હું શૂટિંગમાં બ્રેક લઈ રહ્યો છું. હસતા હસાવતા કવિકુમારની દુનિયામાંથી વિદાય થવાથી ‘તારક મહેતા’ની ટીમ
સહિત ટીવી અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારોએ તેમને શોકાંજલિ પાઠવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter