કોમેડી ફિલ્મ-પીકે

Monday 29th December 2014 05:20 EST
 

રાજસ્થાનના એક નાના ગામમાં એક દિવસ અચાનક જ એક માણસ આવે છે. તેનું નામ શું છે એ કોઈને ખબર નથી, પરંતુ તેનું વર્તન એવું છે કે બધાને એમ જ લાગે છે કે તે દારૂ પીધેલો છે. આથી બધા તેને પીકે (આમિર ખાન) કહેતા હોય છે. પીકે ભોળો અને નિર્દોષ વ્યક્તિ છે. તે બધાને એક જ વાત પૂછ્યા કરે છે કે તેમણે ભગવાનને જોયા છે કે નહીં?

પીકેને સમાજ સાથે કંઈ નિસ્બત નથી. તેને કોઈની પરવા નથી. કેવાં કપડાં પહેરાય અને કેવી રીતે રહેવાય તેનું પણ તેને ભાન નથી. તે લીલા કલરનું પેન્ટ પર લાલ રંગનો શર્ટ પહેરીને પણ ફરે છે, ક્યારેક શરીર ઢાંકવા મહિલાઓનો ચણિયો પણ ચડાવી લે છે. કેટલાક લોકો તેને પાગલ પણ કહે છે. કેટલાકને તે માનસિક રીતે વિકૃત પણ લાગે છે. અમુક લોકો પીકેને પરગ્રહવાસી પણ માને છે. કોણ છે આ પીકે? તે ક્યાંથી આવ્યો છે? તે શું કરવા આવ્યો છે? પીકેને પોતાની ઓળખાણ આપવામાં કોઈ રસ નથી, તેનું તો બસ એક જ કામ છે ભગવાનને શોધવાનું અને ભગવાનનું સરનામું મળે તો તેમને મળવાનું.

ભગવાનની શોધમાં નીકળેલા પીકેનો ઘણા લોકો લાભ-ગેરલાભ લે છે. આમ છતાં તે પોતાની મંઝિલ પર આગળ વધે છે. પીકેના શરીર પર એક તબક્કે જગતભરના ભગવાનોનો સામાન આવી જાય છે. માળા, રુદ્રાક્ષ, કિરપાણ, ત્રિશૂળ, ટોપી, તિલક બધું કરી લીધા પછી પણ તેની ભગવાનની શોધ અકબંધ રહે છે. હવે આગળની સ્ટોરી જાણવા ફિલ્મ જોવી રહી.

-----------------------------

નિર્માતાઃ રાજકુમાર હિરાણી, વિધુ વિનોદ ચોપરા

દિગ્દર્શકઃ રાજકુમાર હિરાણી

અન્ય કલાકારઃ સંજય દત્ત, બોમન ઇરાની, સૌરભ શુક્લા વગેરે

સંગીતકારઃ શાંતનુ મોઇત્રા, અજય-અતુલ ગોગાવાલે, અંકિત તિવારી

ગીતકારઃ સ્વાનંદ કિરકિરે, અમિતાભ વર્મા, મનોજ મુન્નાશીર


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter