ફિલ્મ પ્રીવ્યુ ‘બોમ્બે વેલ્વેટ’

Monday 18th May 2015 06:52 EDT
 
 

લેખક જ્ઞાનપ્રકાશની નવલકથા‘મુંબઈ ફેબલ્સ’ પર આધારિત આ ફિલ્મમાં એક મીડિયા-ટાઇકૂન, મહત્વાકાંક્ષી યુવાન, વાસનાનો લાલચુ રાજકારણી, સંગીતમાં આગળ જવા ઇચ્છતી યુવતી અને બધાને ખુલ્લા પાડવા માગતા જાસૂસની વાત છે. મીડિયા અગ્રણી કૈઝાદ ખંભાતા (કરણ જોહર) ઇચ્છે છે કે સાત ટાપુઓના બનેલા મુંબઈમાં માત્ર તેનું જ શાસન હોય, તે આ રાજ ભોગવે પણ છે. જોની બલરાજ (રણબીર કપૂર) એક બોક્સર છે. પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે જોની બોક્સિંગની રિંગમાં ઊતરીને પોતાની જરૂરિયાત પૂરી કરે છે. એક દિવસ અચાનક જોનીની મુલાકાત ગાયિકા રોઝી (અનુષ્કા શર્મા) સાથે થાય છે. રોઝીને જોઇને જ જોની તેના પ્રેમમાં પડે છે, પણ રોઝીના અનેક દીવાના છે જે નિયમિત રીતે રોઝીને જોવા-સાંભળવા બોમ્બે વેલ્વેટ નામના જેઝ બારમાં આવે છે. રોઝીને પામવા માટે જોનીને હવે ધનવાન બનવું છે. એ માટે તે નીતિ, સિદ્ધાંત અને પ્રામાણિકતા નેવે મુકવા પણ તૈયાર છે.

જોનીને કૈઝાદ ખંભાતા પોતાની સાથે લે છે. કૈઝાદ ખંભાતા અનેક પ્રકારનાં ષડ્યંત્રો રાચે છે. કૈઝાદ મુંબઈના મોટા બિલ્ડરને પોતાની ચાલમાં ફસાવીને ગોસિપનું જર્નલિઝમ કરવા માગે છે તો બીજી તરફ મુંબઈ પર રાજ કરી રહેલા રાજકારણીઓને પણ તે પોતાના પગના તળિયે દબાવી રાખવા ઇચ્છે છે અને સાથોસાથ મુંબઈના દરિયાકાંઠે થઈ રહેલા સ્મગલિંગ પર પણ પોતાનો કબજો જમાવી રાખવા માગે છે. કૈઝાદ તેની ચાલમાં સફળ રહે છે, પણ જ્યારે તે તેની ચાલમાં રોઝીને ફસાવીને આગળ વધે છે ત્યારે જોની અપસેટ થાય છે. જોની અને રોઝી વચ્ચે શરૂ થયેલી ગેરસમજ વધીને મોટી ખીણ બને છે અને જોની બધું ભૂલીને બદલાની ભાવના સાથે બધું પતન કરવા તૈયાર થાય છે. હવે આગળની સ્ટોરી જાણવા આ ફિલ્મ જોવી રહી.

-----------------------------------

નિર્માતાઃ અનુરાગ કશ્યપ, વિક્રમાદિત્ય મોટવાણે, વિકાસ બહલ અને મધુ માનતેના

દિગ્દર્શકઃ અનુરાગ કશ્યપ

ગીતકારઃ અમિતાભ ભટ્ટાચાર્ય

સંગીતકારઃ અમિત ત્રિવેદી

ગાયકઃ શેફાલી અલ્વારેસ, નીતિ મોહન, મોહિત ચૌહાણ, શામલી ખોલગડે વગેરે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter