ફિલ્મ રિવ્યુ ‘ગોળકેરી’

Friday 13th March 2020 07:05 EDT
 
 

અર્બન ગુજરાતી ફિલ્મ ‘ગોળકેરી’ તાજેતરમાં જ સિનેમાગૃહોમાં આવી છે. સોલ સૂત્ર નિર્મિત આ ફિલ્મમાં મલ્હાર ઠાકર, માનસી પારેખ ગોહિલ, સચિન ખેડેકર અને વંદના વૈદ્ય મુખ્ય ભૂમિકામાં છે. ‘ગોળકેરી’ એ વર્ષ ૨૦૧૭માં આવેલી મરાઠી ફિલ્મ ‘મુરબ્બા’ની ઓફિશિયલ રિમેક છે. પ્રેમ, તકરાર, ગેરસમજ, રિસામણું અને મનામણું બધું જ છે આ ફિલ્મમાં. ફિલ્મની પટકથા વિરલ શાહ અને અમાત્ય ગોરડિયાએ લખી છે અને દિગ્દર્શન વિરલ શાહનું જ છે.
વાર્તા રે વાર્તા
એક આત્મવિશ્વાસુ, સમજદાર, પોતાના નિર્ણયો જાતે લેતી છોકરી હર્ષિતા (માનસી પારેખ ગોહિલ) અને સીધા સરળ આઈઆઈએમ પાસ આઉટ ઈન્ટેલિજન્ટ પણ આત્મવિશ્વાસની કમી ધરાવતા યુવાન સાહિલ મોહનભાઈ સુતરિયા ઉર્ફે સામોસુ (મલ્હાર ઠાકર) વચ્ચે પ્રેમ થાય છે અને બંને વચ્ચે એક તબક્કે તકરાર થાય છે. મધ્યમ વર્ગીય માતા પિતાએ જનરેશન ગેપને ખાળીને દીકરાને ગમતી છોકરીને ઘરમાં વહુ બનાવીને લાવવા માટેની સમજ ધીરે ધીરે કેળવી હોય છે તેમાં લાગણીશીલ યુવાનોમાં ગેરસમજ થાય છે ત્યારે સામોસુ અને હર્ષિતા વચ્ચે બધું સહજ કરવા સામોસુના માતા - પિતા પ્રયત્નો શરૂ કરે છે.
કેમેસ્ટ્રી કમાલની
સમોસુ - સાહિલ મોહનભાઈ સુતરિયા અને થવાની હસ્સુ - હર્ષિતાની કેમેસ્ટ્રી તો સરસ છે જ, પણ અભિનયમાં મંજાયેલી જોડી મોસુ - મોહન સુતરિયા (સચિન ખેડેકર) અને જોસુ જ્યોત્સના સુતરિયા (વંદના પાઠક)ની કેમેસ્ટ્રી તો કમાલની છે, ઉપરાંત ફિલ્મમાં ચારેય મુખ્ય કલાકારોની કેમેસ્ટ્રી પડદે સરસ દેખાય છે. ફિલ્મમાં ભરપૂર ખાટી મીઠી કોમિક તો ક્યારેક ઈમોશનલ સિચ્યુએશન છે. જેમ કે સામોસુના બ્રેકઅપ જેવા ગંભીર મુદ્દે સામોસુ, હસ્સુ, જોસુ, મોસુ વચ્ચે વાતમાંથી હળવી કોમેડી ઉપજે છે તે લાજવાબ છે. ફિલ્મમાં સંજોગો પ્રમાણે ઈમોશનલ અને કોમિક ડાયલોગ પણ સરસ છે.
મ્યુઝિક મસ્ત
ફિલ્મમાં મ્યુઝિક મિકા સિંહ, હૃષિકેશ – સૌરભ અને જશરાજનું છે. ફિલ્મની શરૂઆતમાં જ એક ટ્યૂન કર્ણપ્રિય છે. એ સિવાય ફિલ્મના ગીતો ‘અમસ્તા અમસ્તા’ અને મિકા સિંહ તથા પાર્થિવ ગોહિલે ગાયેલું પાર્ટી સોંગ ‘સોણી ગુજરાતની’ સાંભળવામાં મજા આવે એવું છે.

મુખ્ય કલાકારોઃ મલ્હાર ઠાકર, માનસી પારેખ-ગોહિલ, વંદના વૈદ્ય, સચિન ખેડેકર
દિગ્દર્શનઃ વિરલ શાહ
સંગીતઃ મિકા સિંહ, હૃષિકેશ – સૌરભ અને જશરાજ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter