બોલિવૂડનાં ચરિત્ર અભિનેત્રી રીમા લાગુનું નિધન

Thursday 18th May 2017 02:06 EDT
 
 

હિન્દી સિનેમાનાં ચરિત્ર અભિનેત્રી અને નેવુંના દાયકાથી પ્રેમાળ માતા તરીકે અભિનય આપનારાં રીમા લાગુનું ૧૮મી મેએ વહેલી સવારે અવસાન થયું હતું. તેમની વય ૫૯ વર્ષની હતી. કાર્ડિયાક એટેક બાદ તેમને સારવાર માટે કોકિલાબહેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમના અંતિમ સંસ્કાર ૧૮મીએ પાંચ વાગ્યે ઓશિવરા સ્મશાન ઘાટમાં થશે.

૧૯૭૦ના અંતમાં અને ૧૯૮૦ની શરૂઆતમાં તેમણે હિન્દી અને મરાઠી ફિલ્મોમાં કામ શરૂ કર્યું હતું. મરાઠી એક્ટર વિવેક લાગુ સાથે તેમનાં લગ્ન થયા હતા. જોકે, થોડા વર્ષો બાદ જ બંને અલગ થઈ ગયા હતા. તેમની એક દીકરી છે. તેમણે શાહરૂખ ખાન, અનુપમ ખેર, કાજોલ, સંજય દત્ત અને માધુરી દીક્ષિત જેવાં દિગ્ગજ કલાકારો સાથે કામ કર્યું છે. રીમાની મોટાભાગની ફિલ્મો અને તેનાં રોલ યાદગાર રહ્યાં છે. તેમની તમામ ફિલ્મો દર્શકોમાં હીટ રહી હતી.

હિન્દી સિનેમાની મમતામયી માતા

રીમા લાગુ ઇન્ડિયન સિનેમાની ફેવરિટ માતા તરીકે પ્રખ્યાત છે. તેમણે લગભગ લાંબા સમય સુધી ફિલ્મોમાં માતાની ભૂમિકા ભજવી છે. રાજશ્રી પ્રોડક્શનની મોટાભાગની ફિલ્મોમાં તેઓ માતા તરીકે દેખાયાં છે. તેમાં પણ સલમાન ખાનની માતાના રોલમાં તે વધુ ફેમસ હતાં. ‘મૈને પ્યાર કિયા’, ‘હમ આપકે હૈ કૌન’, ‘હમ સાથ સાથ હૈ, ‘આશિકી’, ‘સાજન’, ‘વાસ્તવ’, ‘કુછ કુછ હોતા હૈ’ જેવી ફિલ્મોમાં તેઓ હીરો કે હિરોઈનની માતા તરીકે દેખાયાં છે. આ ઉપરાંત ટીવી પડદા પર સિરિયલ ‘શ્રીમાન શ્રીમતી’ અને ‘તૂ તૂ મેં મેં’માં પણ તેમનો અભિનય વખણાયો છે. રીમા લાગુ હિન્દી ફિલ્મો ઉપરાંત મરાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનો પણ હિસ્સો રહ્યાં હતાં. ‘આશિકી’ ‘મૈને પ્યાર કિયા’ અને ‘હમ આપકે હૈ કોન’ અને ‘વાસ્તવ’ માટે તેમને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter