બોલિવૂડની ‘ચાંદની’ વિલાઈઃ શ્રીદેવીનું દુબઇમાં નિધન

Monday 26th February 2018 07:52 EST
 
 

દુબઈ-મુંબઈઃ બોલિવૂડનાં લોકપ્રિય અભિનેત્રી અને લાખો દિલોની ધડકન ‘ચાંદની’ અને ‘હવા હવાઈ... ગર્લ’ શ્રીદેવીનું ૫૪ વર્ષની વયે દુબઈમાં આકસ્મિક નિધન થતાં ફિલ્મચાહકોમાં આઘાતનું મોજું ફરી વળ્યું છે. શ્રીદેવી તેના પતિ બોની કપૂર અને પુત્રી ખુશી સાથે નણંદનાં પુત્રનાં લગ્નમાં હાજરી આપવા દુબઈ ગયા હતા. અગાઉ તેમના મૃત્યુનું કારણ કાર્ડિયાક એરેસ્ટ હોવાનું જણાવાયું હતું, પરંતુ હવે દુબઇ પોલીસના ફોરેન્સિક રિપોર્ટને ટાંકીને જણાવાય છે કે તેમનું મૃત્યુ બાથટબમાં અકસ્માતે ડૂબી જવાથી થયું છે. 

દુબઇમાં જરૂરી કાનૂની કાર્યવાહી પૂરી થયા બાદ શ્રીદેવીના નશ્વર દેહને મુંબઈ લાવવામાં આવશે. બાદમાં જૂહુના પવનહંસ મુક્તિધામમાં અંતિમ સંસ્કાર કરાશે. શ્રીદેવીનાં લાખો ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપવા તેમનાં બંગલાની આસપાસ ઊમટી પડયા છે.

૧૩ ઓગસ્ટ ૧૯૬૩નાં રોજ તામિલનાડુમાં જન્મેલી શ્રીદેવીએ પોતાનાં શાનદાર અભિનયથી લાખો ફિલ્મ ચાહકોનાં દિલમાં આદરભર્યું સ્થાન જમાવ્યું હતું. એક સમયે શ્રીદેવી હિન્દી ફિલ્મોમાં પહેલી મહિલા સુપરસ્ટાર બન્યાં હતાં. ૨૦૧૩માં તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનવામાં આવ્યાં હતાં. પતિ બોની કપૂર અને પુત્રી ખુશી સાથે તેઓ ભાણેજ મોહિત મારવાહનાં લગ્નમાં હાજરી આપવા દુબઈ ગયા હતા. મોટી પુત્રી જ્હાનવીની ફિલ્મનું ભારતમાં શૂટિંગ ચાલી રહ્યું હોવાથી તે દુબઈ ગઈ ન હતી. દુબઈમાં રાત્રે ૧૧થી ૧૧.૩૦ કલાક વચ્ચે શ્રીદેવીને તીવ્ર હાર્ટએટેક આવ્યો હતો. આ પછી તેમને વધુ સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં તેમણે નશ્વર દેહનો ત્યાગ કર્યો હતો. જોકે દુબઇ પોલીસના જણાવ્યા પ્રમાણે શ્રીદેવીનું બાથટબમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું છે. 

બાથરૂમમાં પગ લપસ્યો...

દુબઇમાં થયેલી ફોરેન્સિક તપાસ અનુસાર, શ્રીદેવીનો પગ લપસ્યો હતો અને તેઓ બાથટબમાં પડી જતાં બેભાન થઈ ગયા હતા. તેમને તરત જ હોસ્પિટલે ખસેડાયા હતા, પરંતુ ત્વરિત સારવાર છતાં તેઓ ભાનમાં આવ્યા નહોતા અને તેમનું નિધન થયું હતું. અહેવાલ પ્રમાણે, હાર્ટએટેકના કારણે તેઓ પડી ગયા હતા.

ફોરેન્સિક તપાસ શા માટે?

દુબઈમાં કોઈ વિદેશી નાગરિકનું અચાનક મોત થાય તો તેની તપાસ થાય છે તેમજ પોસ્ટમોર્ટમ કરાય છે જેથી મૃત્યુનું સાચું કારણ જાણી શકાય. પોલીસ રિપોર્ટ કરતાં પહેલાં ત્યાંના દૂતાવાસને જાણ કરે છે. દૂતાવાસ પાસપોર્ટ રદ કરે છે અને પછી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ અપાય છે. આ પછી જ મૃતદેહને જે તે દેશમાં લઈ જવા મંજૂરી અપાય છે. આમ ત્યાંનાં કાયદા મુજબ શ્રીદેવીનાં મૃતદેહની ફોરેન્સિક તપાસ કરાઈ.

બહેનને મળવા રોકાયા હતા

શ્રીદેવીનાં સૌથી નજીક ગણાય એવા લોકોમાં સૌથી પહેલું નામ તેમની બહેન શ્રીલતાનું આવે છે. શ્રીદેવી શ્રીલતાની ખૂબ જ ક્લોઝ ગણાતા હતા. એક સમયે શ્રીદેવીના શૂટિંગથી લઈને ૨૪ કલાક કોઈ સાથે રહેતું તો એ શ્રીલતા હતાં. શ્રીલતા હવે દુબઈમાં રહે છે. દુબઈમાં લગ્નપ્રસંગ પૂરો કરીને પતિ બોની કપૂર અને પુત્રી ખુશી મુંબઈ પાછા ફર્યા હતા. જ્યારે શ્રીદેવી શ્રીલતા સાથે થોડા દિવસ રહેવા માટે રોકાયા હતા. શ્રીદેવી નિયત કરેલા સમય પ્રમાણે પાછા ફરવાના હતા. જોકે બોની કપૂર સરપ્રાઈઝ પ્લાન બનાવીને શ્રીદેવીને લેવા માટે ફરી દુબઈ ગયા હતા. દુબઈથી બંનેએ સાથે આવવાનો પ્લાન બનાવ્યો હતો. આથી જ શ્રીદેવીને કાર્ડિયાક એટેક આવ્યો ત્યારે પતિ બોની કપૂર તેમની સાથે હતા. જો બોની કપૂરે સરપ્રાઈઝ પ્લાન બનાવ્યો ન હોત તો શ્રીદેવીને છેલ્લી પળોમાં મળી શક્યા ન હોત.

હાર્ટની કોઇ તકલીફ નહોતી: સંજય કપૂર

શ્રીદેવીના દિયર અને અભિનેતા સંજય કપૂરે જણાવ્યું કે, આ સમાચારથી અમારા પરિવારને બહુ મોટો આઘાત લાગ્યો છે. આટલા વર્ષમાં ક્યારેય તેમણે હૃદયને લગતી કોઈ બીમારી અંગે કશું જ જણાવ્યું નથી. તેઓ ખૂબ જ સ્વસ્થ હતા. તેઓ નિયમિતપણે કાર્ડિયો-એક્સરસાઈઝ પણ કરતા હતા અને દરરોજ બે કલાક વોકિંગ કરતા હતા. સ્વાસ્થ્ય બાબતે તેઓ ખૂબ જ ગંભીર અને સજાગ હતા. તેમને હાર્ટએટેક આવશે તેવી કલ્પના પણ થઇ શકે નહીં.

અમિતાભને અમંગળનો આભાસ થયો?

બોલિવૂડના શહેનશાહ અમિતાભે મોડી રાતના કરેલી ટ્વિટે સમગ્ર સોશ્યલ મીડિયામાં ખળભળાટ મચાવ્યો છે. રાતના ૧-૧૫ વાગ્યે અમિતાભે ટ્વિટર પર લખ્યું હતું કે ‘ન જાણે કેમ મને એક વિચિત્ર ગભરાહટ થઈ રહી છે.’ આનાથી એવું પ્રતીત થાય છે કે અમિતાભને કંઈક અમંગળ બનવાનો અહેસાસ થયો હતો. ત્યારબાદ અમિતાભે એક અન્ય ટ્વિટમાં લખ્યું હતું કે, ‘આ એક સિકસ્થ સેન્સ (છઠ્ઠી ઈન્દ્રિય)ની વાત છે.’ ઉલ્લેખનીય છે કે અમિતાભે શ્રીદેવી સાથે ‘ઈન્ક્લાબ’, ‘આખરી રાસ્તા’ અને ‘ખુદા ગવાહ’માં કામ કર્યું હતું. ઉપરાંત શ્રીદેવીની કમબેક ફિલ્મ ‘ઈંગ્લિશ વિંગ્લિશ’માં અમિતાભે સ્પેશ્યલ અપિયરન્સ આપ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter