લાંબા સમયની બીમારી બાદ અભિનેતા સાંસદ વિનોદ ખન્નાનું નિધન

Thursday 27th April 2017 06:04 EDT
 
 

છેલ્લા એક મહિનાથી કેન્સરની બીમારીથી પીડાઈ રહેલા અભિનેતા વિનોદ ખન્નાનું ૭૦ વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું છે. તેઓ એચએન રિલાયન્સ ફાઉન્ડેશનમાં સારવાર હેઠળ હતા. વિનોદ ખન્નાનાં શરીરમાં પાણીની અછતનાં કારણે તેમને થોડા સમય પહેલાં ગિરગાંવમાં એચએન રિલાયન્સ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ સેન્ટરમાં દાખલ કરાયા હતાં. વિનોદ ખન્નાનો જન્મ ૬ ઓક્ટોબર, ૧૯૪૬માં પાકિસ્તાનના પેશાવરમાં થયો હતો. વિનોદ ખન્નાની લાઈફ-સ્ટોરી ફિલ્મી વાર્તાથી ઓછી નથી. સાધારણ પરિવારમાંથી આવ્યા બાદ બોલિવૂડ એક્ટર બન્યા હતા.

મધ્યમ વર્ગીય પરિવારના સંતાન વિનોદ ખન્ના ઇન્ડિયન સિનેમામાં આવ્યા પછી ઓશોથી પ્રભાવિત થયા હતા અને સંન્યાસી બન્યા હતા. પત્ની ગીતાંજલી સાથેના લગ્નવિચ્છેદથી તેઓ ઘણા ચર્ચામાં રહ્યા હતા. વિનોદ ખન્નાના બે પુત્રો અક્ષય અને રાહુલ હિન્દી ફિલ્મોમાં અભિનેતા છે. થોડા સમય પહેલાં જ વિનોદ ખન્નાના મૃત્યુના સમાચારો સોશિયલ મીડિયા પર વહેતા થયા ત્યારે તેમનાં પત્ની કવિતાએ વિનંતી કરી હતી કે ખોટી અફવા ન ફેલાવો. વિનોદ ખન્ના હાલમાં નાદુરસ્ત તબિયતથી પીડાઈ રહ્યા છે. વિનોદ ખન્નાએ હિન્દી ફિલ્મોમાં અભિનયની શરૂઆત વર્ષ ૧૯૬૮થી કરી હતી. તેમની પ્રથમ ફિલ્મ ‘મન કા મીત’ હતી. પહેલી ફિલ્મ ‘મન કા મીત’ બોક્સ ઓફિસ પર એવરેજ રહી હતી, પણ આ ફિલ્મ પછી વિનોદ ખન્નાએ ૧૫ ફિલ્મ્સ સાઈન કરી હતી.

આ ઉપરાંત વિનોદ ખન્નાએ ‘મેરે અપને’, ‘મેરા ગાંવ મેરા દેશ’, ‘ઈમ્તિહાન’, ‘ઈનકાર’, ‘અમર અકબર એન્થની’, ‘લહૂ કે દો રંગ’, ‘કુર્બાની’, ‘દયાવાન’ અને ‘જુર્મ’ જેવી યાદગાર ફિલ્મો કરી હતી. વર્ષ ૨૦૧૫માં આવેલી ફિલ્મ ‘દિલવાલે’માં તેમણે છેલ્લે અભિનય આપ્યો હતો. 

વિનોદ ખન્નાના નિધન બાદ બોલિવૂડની હસ્તીઓ અને રાજકીય નેતાઓએ શોકની લાગણી વ્યક્ત કરી છે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter