શાહરુખ સામે ફરિયાદ કરવા આદેશ

Saturday 21st March 2015 07:33 EDT
 
 

મહારાષ્ટ્ર બાળ કમિશને શાહરુખ ખાન સામે મુંબઈ પોલીસને એફઆઇઆર દાખલ કરવાનો ૨૦ માર્ચના રોજ આદેશ કર્યો છે. વાનખેડે સ્ટેડિયમમાં સિક્યુરિટી ગાર્ડ્સ સાથે ગાળા-ગાળી કરવાના કેસમાં ચાઈલ્ડ કમિશને આ આદેશ કર્યો હતો.

વર્ષ ૨૦૧૨માં આઈપીએલની મેચ દરમિયાન શાહરુખ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં તેના સંતાનો સાથે મેચ જોવા આવ્યો ત્યારે સિક્યુરિટી ગાર્ડસ અને એમસીએના અધિકારીઓ સાથે તેનો ઝઘડો થયો હતો. ગાર્ડસ સાથે શાહરુખે ગાળા-ગાળી કરી હોવાનો આરોપ છે. કોલકાતા નાઇટ રાઇડર્સના માલિક શાહરુખે મેચ પૂરી થયા બાદ સ્ટેડિયમમાં જવાનો પ્રયાસ કર્યો ત્યારે બોલાચાલી થઈ હતી ત્યાં ઘણાં બાળકો પણ હતા. બાળકોની હાજરીમાં ગાળા-ગાળી કરવાના કેસમાં તેની સામે કેસ ચલાવવાનો આદેશ કરાયો છે. ઉલ્લેખનીય છે કે આ વિવાદ પછી મુંબઈ ક્રિકેટ એસોસિએશને શાહરુખ પર વાનખેડે સ્ટેડિયમમાં પ્રવેશવા પર જ પાંચ વર્ષનો પ્રતિબંધ મૂક્યો હતો. જોકે ગયા વર્ષે આઇપીએલના ચેરમેન રનજિબ બિસ્વાલના આગ્રહને પગલે આ પ્રતિબંધ પાછો ખેંચી લેવાયો હતો. શાહરુખે આક્ષેપ કર્યો હતો કે ગાર્ડસે તેના બાળકો સાથે ગેરવર્તન કર્યું હતું, જેને કારણે તેણે અસભ્ય વર્તન કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter