શ્રીદેવીને મહાનુભાવોની શ્રદ્ધાંજલિ

Monday 26th February 2018 09:08 EST
 
 

શ્રીદેવીના અકાળે નિધનના સમાચાર સાંભળીને આમ આદમીથી માંડીને મહાનુભાવોએ આઘાતનો આંચકો અનુભવ્યો હતો. વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ આપેલી શ્રદ્ધાંજલિ...

• અભિનેત્રી શ્રીદેવીના મૃત્યુના સમાચાર જાણીને આઘાત લાગ્યો. તેમના આ નિધનના સમાચારથી કરોડો ચાહકોને ઊંડા દુખની લાગણી થઈ છે. લમ્હે, ઈંગ્લિશ-વિંગ્લિશ અને મૂનડ્રામ પીલાઈ જેવી ફિલ્મોનો તેમનો રોલ હંમેશા લોકોને પ્રેરણા પૂરી પાડશે. તેમના પરિવારને દિલાસો પાઠવું છું. - રામનાથ કોવિંદ, રાષ્ટ્રપતિ
• શ્રીદેવી ભારતીય ફિલ્મનાં ખૂબ જ ગણમાન્ય અભિનેત્રી હતાં. લાંબી ફિલ્મી કારકિર્દી દરમિયાન તેમણે વૈવિધ્યસભર ભૂમિકાઓ ભજવી હતી. કેટલાય યાદગાર રોલના કારણે તેઓ હંમેશા યાદ રહેશે. તેમના પરિવારને સાંત્વના. - નરેન્દ્ર મોદી, વડા પ્રધાન
• કરોડો ચાહકોના ફેવરિટ અભિનેત્રી શ્રીદેવીના નિધનના સમાચારથી આઘાત લાગ્યો. શ્રીદેવી ખૂબ જ પ્રતિભાવંત અને વર્સેટાઈલ અભિનેત્રી હતાં. તેમણે ઘણી ભાષાઓમાં વૈવિધ્યપૂર્ણ ભૂમિકા ભજવીને આગવો રસ્તો કંડાર્યો હતો. તેમના આત્માને ભગવાન શાંતિ આપે. તેમના પરિવારજનોને દિલાસો. - રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ
• મારી પાસે આ સમાચાર સાંભળ્યા પછી કંઈ જ કહેવા માટે શબ્દો નથી. હું હજુ પણ આ વાતને માની શકતી નથી. શ્રીદેવીને ચાહનારા બધા ચાહકોની જેમ હું પણ ઊંડા દુઃખની લાગણી અનુભવું છું. - પ્રિયંકા ચોપરા, અભિનેત્રી
• હું માની નથી શકતી કે શ્રીદેવીનું નિધન થયું છે. મને એવો આભાસ થાય છે કે જાણે તે હસી રહ્યાં છે, વાતો કરી રહ્યાં છે. શ્રીદેવી ખૂબ જ ઉમદા અભિનેત્રી હતા, કેટલીય અભિનેત્રીઓ માટે અભિનયની સ્કૂલ હતા. - કાજોલ, અભિનેત્રી
• આ ટ્રેજિક સમાચાર સાથે હું ઉઠયો ત્યારે એક પણ શબ્દ બોલવાની મારામાં શક્તિ નહોતી. બોની કપૂર અને તેમની બંને પુત્રીઓને ભગવાન આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. - રિશી કપૂર, અભિનેતા
• ઉઠતાંની સાથે જ શ્રીદેવીના નિધનના ખરાબ સમાચાર સાંભળ્યા. સિનેમાએ એક ખૂબ જ ટેલેન્ટેડ વ્યક્તિને ગુમાવી છે. શ્રીદેવીએ તેમના કામનો અભૂતપૂર્વ વારસો પાછળ મૂકતાં ગયાં છે. - માધુરી દિક્ષિત, અભિનેત્રી
• શ્રીદેવી એનર્જીથી ભરપૂર અભિનેત્રી હતી. ૧૯૮૫ પછી દેશને જે સારા અદાકાર મળ્યા એમાંનાં એક હતાં શ્રીદેવી. તે જ્યારે શૂટિંગ કરતાં ત્યારે ભલભલા ડિરેક્ટર્સને તેના દરેક શોટ વખતે તેમની એનર્જી જોઈને આશ્વર્યમાં પડી જતા. શ્રીદેવીમાં ડાન્સ, ડ્રામા અને રોમાન્સનો અનોખો સંગમ જોવા મળતો હતો. - સુભાષ ઘઈ, દિગ્દર્શક
• શ્રીદેવીજીના નિધનના સમાચાર સાંભળીને હું ખૂબ જ ડિસ્ટર્બ થઈ ગયો છું. હું તેમના કામનો ફેન હતો અને રહીશ. - આમિર ખાન, અભિનેતા


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter