સૈફઅલી ખાને પોતાના પૈસાથી સેફ કરી લીધો પટૌડી મહેલ

Wednesday 13th November 2019 06:42 EST
 
 

અભિનેતા સૈફઅલી ખાને તાજેતરમાં જણાવ્યું છે કે, વારસાગત પટૌડી પેલેસને તેણે પોતાના અભિનયની કમાણીથી ખરીદી લીધો છે. સૈફઅલી ખાનને નવાબના સંબોધનથી નવાજવામાં આવે છે, પણ સૈફઅલી ખાને તાજેતરમાં એ ખુલાસો કર્યો કે, વીસ વર્ષની ઉંમરે તે મુંબઈમાં આવ્યો અને એક્ટિંગમાં કારકિર્દી શરૂ કરી હતી. તેણે મુંબઈ આવ્યા પછી માતા-પિતાની આર્થિક મદદ લીધી નહોતી. સૈફે તેના ક્રિકેટર પિતા મન્સુરઅલી ખાન પટૌડીના અવસાન બાદ વારસાગત મહેલને ‘નિમરાણા હોટેલ’ને ભાડે આપ્યો હતો. આ પેલેસને અમન નાથ અને ફ્રાન્સિસ હોટેલ તરીકે ચલાવતા હતા. ફ્રાન્સિસે સૈફને કહેતા કે તેને જ્યારે પેલેસ પાછો જોઈએ ત્યારે જણાવે. જોકે જ્યારે સૈફે પેલેસ પાછો માગ્યો ત્યારે તેની પાસે અધધધધ રકમની માગ કરવામાં આવી હતી. એક મીડિયા મીટ ગોઠવીને જાહેર કરાયું હતું કે, સૈફે મહેલ પાછો મેળવવા પૈસા ચૂકવવાના રહેશે.
સૈફ કહે છે કે, વારસાગત મહેલ પાછો મેળવવા મેં દિવસ રાત મહેનત કરીને નાણા ભેગા કરવાના શરૂ કરી દીધા હતા. ફ્રાન્સિસ હવે જીવિત નથી, પણ અંતે જે ઘર મને વારસામાં મળવું જોઈતું હતું એને મેં મારી ફિલ્મોના પૈસામાંથી ખરીદી લીધું છે. તમે તમારા વારસાને ભૂલી ન શકો. અમારો પરિવાર તો ન જ ભૂલે. પેલેસ સાથે સંકળાયેલો ઇતિહાસ, સંસ્કૃતિ, સુંદર ફોટોગ્રાફ્સ અને થોડી જમીન આ બધું વારસામાં મળ્યું છે. મારો ઉછેર ત્યાં જ થયો છે એ મારા માટે ગર્વની વાત છે. જોકે વારસાના નામે અમારી પાસે કશું જ નહોતું રહ્યું. હવે મહેલ સિવાય અમારી પાસે વારસાગત કંઈ રહ્યું નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter