‘એ દિલ...’ની રિલીઝ હૈ મુશ્કિલ મુદ્દે કરણ ગળગળોઃ આ ફિલ્મ રિલીઝ થવા દો. હવેથી પાક કલાકારો સાથે કામ નહીં કરું

Thursday 20th October 2016 08:25 EDT
 
 

મુંબઈઃ પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવાની માગણી વચ્ચે સિનેમા ઓનર્સ એક્ઝિબિટર્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ ૧૪મીએ મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને ગોવામાં પાકિસ્તાની અભિનેતાઓની ફિલ્મો રિલીઝ નહીં કરવાનું નક્કી કર્યું હતું. આ જાહેરાતની સાથે જ કરણ જોહરની ‘એ દિલ હૈ મુશ્કિલ’ના રિલીઝ પર પ્રશ્નાર્થ છે. આ ફિલ્મમાં પાકિસ્તાની કલાકાર ફવાદ ખાન સહઅભિનેતા છે અને આ દિવાળીએ આ ફિલ્મ રિલીઝ થવાની છે.

સીઓઇએઆઇના પ્રમુખ નીતિન દતારે જણાવ્યું કે આ નિર્ણય કોઇ રાજકીય દબાણમાં લેવાયો નથી. લોકલાગણીને ધ્યાનમાં રાખી લેવાયો છે. ૧૪મી ઓક્ટોબરે થિયેટર માલિકોની મિટિંગ મળી હતી અને એમાં નક્કી થયું હતું કે, દેશભક્તિ અને દેશના રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખીને પાકિસ્તાની કલાકાર, ટેકનિશિયન્સ, દિગ્દર્શક કે સંગીત દિગ્દર્શકે જેમાં કામ કર્યું હોય તેવી ફિલ્મો બતાવવાથી દૂર રહેવા તમામ સભ્યોને વિનંતી કરવામાં આવે છે. બંને દેશો વચ્ચે સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી આ નિર્ણય ૧૪મીથી જ અમલી બને છે. અગાઉ ઇન્ડિયન મોશન પિકચર્સ પ્રોડ્યુસર્સ એસોસિયેશને પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકતો ઠરાવ પસાર કર્યો હતો. જોકે કહ્યું કે જે ફિલ્મો તૈયાર થઇ ગઇ હોય તેને નિશાન ન બનાવવી જોઇએ. ફિલ્મ ઉદ્યોગે થિયેટર માલિકોના નિર્ણયની ટીકા કરી છે, પણ મનસેએ આવકાર્યા છે. સેન્સર બોર્ડના ચેરમેન પહલાજ નિહલાનીએ કહ્યું કે આ નિર્ણય ખોટો છે કેમકે ફિલ્મમાં મોટા ભાગના ભારતીય કલાકારો છે.

અનુરાગે મોદીને નિશાન બનાવ્યા પછી પલટી

આ બધા વચ્ચે નિર્માતા-નિર્દેશક અનુરાગ કશ્યપે ફિલ્મ ‘એ દિલ...’ની રજૂઆત પર પ્રતિબંધ મામલે કરણ જોહરના સમર્થનમાં ઝુકાવતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યું હતું. કશ્યપે ટ્વિટ કરી હતી કે, આપણે દરેક સમસ્યાનો ઉકેલ ફિલ્મો પર દોષારોપણ કરીને અને તેના પર રોક લગાવીને કરીએ છીએ જે યોગ્ય નથી. કરણ અમે તમારી સાથે છીએ. અનુરાગે અન્ય એક ટ્વિટમાં લખ્યું કે, સાહેબ (મોદી), તમે હજુ સુધી પચ્ચીસમી ડિસેમ્બરના પાકિસ્તાન પ્રવાસની માફી માગી નથી. આ એ જ સમય છે કે જ્યારે ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું.

જોકે ૧૯મીએ અનુરાગ કશ્યપે પલટી મારતાં કહ્યું હતું કે, મેં ક્યારેય મોદીએ માફી માગવી જોઈએ એવી વાત કરી જ નથી. કશ્યપે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર આ સ્પષ્ટતા કરી છે. કશ્યપે ફેસબુક પર જણાવ્યું હતું કે, મેં ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઈઝી ટાર્ગેટ બનાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો. ઇલેક્ટ્રોનિક મીડિયાને બાઇટ આપવી ન પડે એ માટે હું એ વાત અહીં કહી રહ્યો છું. મેં ક્યારેય સ્થિતિ વિશે સવાલ કર્યો નહોતો. વડા પ્રધાનને ભવિષ્યની સ્થિતિ વિશે કોઈ ધારણા કે અંદાજ નહીં હોવાને કારણે તેઓ પાકિસ્તાનના પ્રવાસે ગયા હતા, પરંતુ મારી વાતનું વતેસર થઈ ગયું. સરકાર કોઈ ફિલ્મ પર પ્રતિબંધની વાત નથી કરતી એ બાબત હું સારી રીતે સમજું છું. સરકાર ક્યારેય પાકિસ્તાની કલાકારોને તેમના દેશમાં પાછા મોકલવાની વાત નથી કરતી એ પણ હું જાણું છું. વડા પ્રધાને ક્યારેય મારી ફિલ્મને સેન્સર નથી કરી, પરંતુ આપણે તેમને ચૂંટ્યા હોય તો આપણને એવી દાદાગીરી કરનારાઓ, મીડિયા કે રાજકીય પક્ષોથી બચાવવાની પણ તેમની ફરજ છે.

કરણને લાદ્યું બ્રહ્મજ્ઞાન

પાકિસ્તાની કલાકારોએ જે ફિલ્મોમાં કામ કર્યું હોય એ ફિલ્મો ભારતમાં દર્શાવવા સામે વિરોધના પગલે કરણ જોહરની આગામી ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ની રિલીઝ અટકાવવાની વાતો ચાલી રહી છે. કરણની ફિલ્મમાં પાકિસ્તાની એક્ટર ફવાદ ખાને સહઅભિનેતા તરીકે કામ કર્યું છે. હવે પોતાની ફિલ્મની રિલીઝ ભારતમાં અટકે એવી સ્થિતિ વચ્ચે કરણ જોહરે તોબા પોકારીને કહ્યું છે કે, હવે તે પાકિસ્તાની કલાકારોને પોતાની ફિલ્મમાં નહીં સમાવે, પણ તેની રિલીઝ માટે તૈયાર ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ને રિલીઝ થવા દેવામાં આવે. ૧૮મીએ ધર્મા પ્રોડક્શન્સની ટીમે મુંબઈ પોલીસ-કમિશનરને મળીને ‘એ દિલ હૈ મુશ્કિલ’ની રિલીઝ વખતે સિક્યોરિટીની માગણી પણ કરી છે.

ફિલ્મમેકર કરણ જોહરે ‘એ દિલ હૈ મુશ્કિલ’માં ફવાદ ખાનને સામેલ કરવાના મુદ્દે ૧૮મીએ ૧.૪૬ મિનિટના વીડિયો-સ્ટેટમેન્ટ દ્વારા જાહેર કર્યું હતું કે, ભવિષ્યમાં હું ક્યારેય પાકિસ્તાની કલાકારો સાથે કામ કરવાનો નથી. કેટલાક લોકો મારા પર રાષ્ટ્રવિરોધીનો સિક્કો મારી રહ્યા છે. થોડા વખતનું મારું મૌન મારી સામે સવાલ ઉઠાવે છે, પરંતુ મારા માટે મારો દેશ પહેલો અને પછી બીજી બાબતો છે. હું કહેવા માગું છું કે હું મારી ફિલ્મો દ્વારા પ્રેમના સંદેશ સાથે દેશભક્તિની ભાવના વ્યક્ત કરું છું અને એ ભાવના સમાજમાં ફેલાવવા ઇચ્છું છું.

MNSજુદા વિચારો ધરાવતો બંધુ પક્ષ: મુકેશ ભટ્ટ

ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ની રિલીઝ વખતે પોલીસ-રક્ષણની માગણી કરવા માટે પોલીસ-કમિશનર દત્તા પડસળગીકરને મળ્યા પછી ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાના પ્રમુખ મુકેશ ભટ્ટે જણાવ્યું હતું કે, MNS જુદા વિચારો ધરાવતા ભાઈ જેવો રાજકીય પક્ષ છે. અમે એની જોડે સમાધાન કરીને શાંતિ સ્થાપવા ઇચ્છીએ છીએ. ફિલ્મ દિવાળીના તહેવાર દરમ્યાન રિલીઝ થવાની છે. દિવાળીના તહેવારમાં અજુગતું ન બને એવું સૌ ઇચ્છે છે એમ અમારી ઇન્ડસ્ટ્રી પણ ઇચ્છે છે, પરંતુ રાજકીય પક્ષોની ધમકીથી ઉત્સવની મોજ છિન્નભિન્ન થવાનો સંભવ છે. અમે પોલીસ-કમિશનર પાસે રક્ષણની માગણી કરી છે અને એ સંમત પણ થયા છે.   


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter