‘બાજીરાવ’ની થઇ ‘મસ્તાની’

Tuesday 20th November 2018 11:56 EST
 
 

મુંબઇઃ બોલિવૂડની ‘મસ્તાની’ દીપિકા પાદુકોણ લગ્નના બંધને બંધાઈને હવે ‘બાજીરાવ’ રણવીર સિંહની થઈ ગઈ છે. દીપ-વીર ઈટલીના લેક કોમોમાં વિલા દે બલબિયાનેલો ખાતે સ્વજનોની હાજરીમાં લગ્નગ્રંથિથી જોડાયા હતા. ૧૪ નવેમ્બરે પહેલાં આ યુગલે કોંકણી રીતિરિવાજથી લગ્ન કર્યા હતા, બીજા દિવસે તેઓ સિંધી પરંપરા અનુસાર જનમજનમના બંધને બંધાયા હતા. દીપિકા દક્ષિણ ભારતીય પરિવારમાંથી આવે છે જ્યારે રણવીર સિંધી પરિવારમાંથી આવતો હોવાથી બન્ને પરંપરા અનુસાર લગ્નવિધિ યોજાઇ હતી.
લગ્ન બાદ દંપતીએ જ તેની પ્રથમ તસવીરો જાહેર કરી હતી. દિપીકા લાલ કાંજીવરમ્ સાડી અને ભારે નેકલેસ, એરિંગ અને માથાપટ્ટીમાં સજ્જ હતી. તો રણવીર શ્વેત વસ્ત્રોમાં સજ્જ હતો. એક અન્ય તસવીરમાં તે લાલ શેરવાની પહેરેલો જોવા મળે છે. મહેમાનો મોટર બોટ દ્વારા લગ્નસ્થળે પહોંચ્યા હતા અને લાલ ગુલાબથી તેમનું સ્વાગત થયું હતું. સિંધી લગ્નવિધિ દરમિયાન લગ્નમંડપ લાલ ગુલાબથી સજાવાયો હતો અને શરણાઇના સૂરોની સાથેસાથે રણવીરના લોકપ્રિય ફિલ્મી ગીતોની ધૂન પણ વાગતી સંભળાતી હતી.

કાસ્ટા દીવા રિસોર્ટમાં રોકાણ

દીપિકા અને રણવીર પરિવારજનો અને મિત્રો સાથે લેક કોમો પાસે આવેલાં કાસ્ટા દીવા રિસોર્ટમાં રોકાયા હતા. મહેમાનોને લગ્નસ્થળે પહોંચાડવા સંખ્યાબંધ મોટરબોટની વ્યવસ્થા કરાઈ હતી. જાનૈયાઓ બોલીવૂડના ગીતો પર ડાન્સ કરતા જોવા મળતા હતા. મોટા ભાગના સંબંધીઓ લાલ પાઘડી અને ગુલાબી પોષાકમાં સજ્જ હતા. 

દીપિકાની પસંદગીની સજાવટ

દીપિકા-રણવીરના લગ્ન માટે વિલાની આકર્ષક સજાવટ કરાઇ હતી. દીપિકાને ખૂબ જ પસંદ એવા વોટર લીલી ફૂલોથી સજાવાયેલા મંડપમાં યુગલ લગ્નબંધને બંધાયું હતું. ફરાહ ખાન અને સંજય લીલા ભણસાલી બીજા ૩૦થી ૪૦ ગેસ્ટ્સ સાથે આ લગ્નમાં હાજર રહ્યા હતા. આમ તો દીપિકા અને રણવીરે કહ્યું હતું કે મહેમાનોને લગ્નમાં તેમને ગિફ્ટ્સ ન આપવા જણાવ્યું હતું, પણ ફરાહ ખાને તેમને એક સરપ્રાઇઝ ગિફ્ટ આપી છે. તેણે આ બન્નેને લાઇફ કાસ્ટિંગ આર્ટિસ્ટ ભાવના જાસરાએ બનાવેલો મેમેન્ટો ગિફ્ટ કર્યો હતો. જેમાં આ બન્નેના પર્સનલાઇઝ્ડ હેન્ડ ઇમ્પ્રેશન્સ છે. નોંધનીય છે કે ભાવના જાસરાએ અંબાણી પરિવાર, બચ્ચન પરિવાર, ઇન્ડિયન ક્રિકેટ ટીમ અને અક્ષય કુમાર માટે આ પહેલા આવા મોમેન્ટો બનાવ્યા છે. જે સ્પેશિયલાઇઝ્ડ હોય છે.

ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત

લગ્નવિધિ દરમિયાન ચુસ્ત સલામતીની વ્યવસ્થા હતી. મહેમાનોને ખાસ પ્રકારની રીસ્ટ બેન્ડ અને ક્યુ આર કોડ આપ્યા હતા. વૈશ્વિક નેતાઓને મળે તેટલી સલામતી વ્યવસ્થા ગોઠવાઈ હતી. 

દીપિકા થઇ લાગણીભીની

આ પહેલા દીપિકા-રણવીરની મહેંદી, સગાઇ અને સંગીત સેરેમની થઇ હતી. જેમાં ૧૨ નવેમ્બરે સાંજે રણવીર સિંહે ઘૂંટણીયે પડીને લેડી લવ દીપિકાને રિંગ પહેરાવી હતી. બાદમાં દીપિકાએ રણવીરને રિંગ પહેરાવી હતી. બીજા દિવસે બપોરે મહેંદી કાર્યક્રમ અને સાંજે સંગીત કાર્યક્રમ યોજાયો હતો. સગાઇ દરમિયાન રણવીરે દીપિકા માટે એક સ્પીચ પણ તૈયાર કરી હતી. જેને સાંભળીને દીપિકા લાગણીશીલ થઇ ગઇ હતી. રણવીર સિંહે દીપિકા માટેનો તેનો પ્રેમ ક્યારેય છુપાવ્યો નથી. સગાઇ દરમિયાન પણ તેણે દીપિકા માટેનો તેનો પ્રેમ ઉપસ્થિત મહેમાનોની હાજરીમાં વ્યક્ત કર્યો હતો. બોલિવૂડના સ્ટાર્સે પણ આ નવયુગલને સોશિયલ મીડિયા પર લગ્નની શુભેચ્છાઓ પાઠવી હતી. દીપિકાની બહેન અનિષાએ સોશિયલ મીડિયા પર ‘લડકીવાલે’ લખ્યું હતું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં આ કપલની ઘણા વખતથી ચર્ચા ચાલી રહી હતી પરંતુ કોઈએ પણ ખુલીને વાત કરી નહોતી. 

લાંબા હનીમૂનની શક્યતા નહીંવત્

નવયુગલ દીપ-વીર પરત મુંબઇ પહોંચી ગયા છે અને હવે તેઓ મુંબઇ અને બેંગલુરુમાં શાનદાર રિસેપ્શનની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. જોકે આ નવયુગલ લાંબા સમય માટે હનીમૂન પર જાય તેવી શક્યતા નહીંવત છે. આ બન્ને સાથે સમય પસાર કરવા માટે બહુ ઓછા દિવસો મળવાના છે. રણવીરને રિસેપ્શન બાદ તરત શૂટિંગમાં જોડાવવું પડશે. બન્ને પોતાની કારકિર્દી પ્રત્યે ગંભીર છે અને પ્રોફેશનલ વલણ અપનાવી રહ્યા છે. તેથી જ તેઓએ હનીમૂનને પ્રાધાન્ય આપવા કરતાં કામને મહત્વ આપ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter