'કરે કોઈ લાખો, બુરાઈ છતાં હું; બુરાઈને બદલે, ભલાઈ કરું છું.'

આરોહણ

રોહિત વઢવાણા Tuesday 11th January 2022 04:11 EST
 

'ના પૂછો મુજને કે હું શું કરું છું,

મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું...'
સાંભળી છે આવી સ્વછંદિતાની વાત કોના મોઢેથી? પોતાના મનમાં આવે તેવું કરવાના અલ્લડવેળાને આજના જમાનાના કિશોરો પોતાની સ્વતંત્રતા કહે પણ ગઈ પેઢીના લોકો માટે તો આવી આઝાદી શક્ય નહોતી. પોતાના મનમાં આવે તેવું કરવાની ઈચ્છા અને તેમાં પણ કોઈનેય જવાબ ન આપવા જેવી બંધનમુક્તતા કેટલા લોકોને મળી શકે? પરંતુ વાસ્તવિકતામાં આ કોઈ ગઝલની પંક્તિ નથી પરંતુ ભજનનું મુખડું છે. ગુજરાતી સંતવાણીમાં બહુ લોકપ્રિય ભજન છે 'ના પૂછો મુજને...'
આ ભજનની પ્રથમ પંક્તિ સાંભળીને એવું લાગે કે ગાનાર કોઈ જ મર્યાદા વિના સ્વતંત્ર જીવન જીવવા ઈચ્છે છે. પરંતુ બીજી પંક્તિમાં તે પોતાની જાતે જ એક બંધન અને મર્યાદા માંગતા કહે છે:
'ન જાઉં ન જાઉં, કુમાર્ગે કદાપિ;
વિચારી વિચારી ને, ડગલાં ભરું છું.
...શું પુછો છો મુજને કે, હું શું કરું છું...'
અહીં તો કુમાર્ગે ન ભટકી જવાય એટલા માટે ભક્ત ડગલાં પણ વિચારી વિચારીને ભરવા માંગે છે. કેવો વિરોધાભાસ? ભાવની દૂરી છતાં કેટલી પરસ્પરતા જળવાઈ રહી છે તે પણ નોંધવા જેવી વાત છે. એક તરફ તો કોઈ પૂછે પણ નહિ કે શું કરે છે અને ક્યાં જાય છે, અને બીજી તરફ નિરંકુશ જીવનમાં પણ પોતાનાથી કોઈ કુમાર્ગ ન લેવાય જાય એટલા માટે ડગલે ડગલે રખાતું સંયમ અદભુત છે.
તેનાથી આગળની કડી જુઓ:
'કરે કોઈ લાખો, બુરાઈ છતાં હું;
બુરાઈને બદલે, ભલાઈ કરું છું.'
કોઈ બુરાઈ કરે તો પણ પોતે ભલાઈ કરવાની વાત - જાણે કે આટલી સ્વતંત્રતામાં પણ કોઈ અસ્તિત્વ જ ન હોય તેમ, નિરાભિમાની જીવન જીવવાની ખેવના કે બીજું શું? પરંતુ આ નાનપ આવવાનું કારણ કોઈ ડર કે હિમ્મતની ખામી નથી. કેમ કે ભક્ત તો આગળ કહે છે કે:
'નથી બીક કોઈની, મને આ જગતમાં;
ફકત એક મારા, પ્રભુથી ડરું છું.'
માત્ર ભગવાન સિવાય બીજા કોઈનો જેને ડર નથી તે વ્યક્તિ કોઈને આધીન થઈને શા માટે રહે? એટલા માટે જ કહી શકે ને કે મને જ્યાં ગમે ત્યાં હરું છું, ફરું છું. પરંતુ તેની સામે તરત જ આ પ્રભુની શક્તિને આધીન થઈને રહેનાર ભક્તને પોતાના પ્રભુનો ડર છે એટલા માટે જ તે દરેક કદમ સંભાળી સંભાળીને ચાલે તે સ્વાભાવિક છે. આવો ડર ખરેખર તો એક પ્રકારે બહાદુરી જ કહેવાય. એ સર્વોપરી સિવાય બીજા કોઈનેય આધીન ન થવાની એ ખેવના ભક્તનો ભગવાનમાં દ્રઢ વિશ્વાસ સૂચવે છે.
વળી આ ફરવાનું, વિચારવાનું કારણ પણ ભક્ત આગળની પંક્તિમાં ગાય છે અને કહે છે કે:
'ચડી છે ખુમારી, પીધી છે પ્રેમ સુરા;
જગતમાં હું પ્રેમી, થઈ થઈ વિચરું છું.'
એ તો પ્રેમની મદિરા, સૂર પીને જે નશો ચડે તે નશામાં ચકનાચૂર થઈને એ જગતમાં પ્રેમી બનીને વિચરે છે, તેના મનમાં આવે ત્યાં હરે છે ફરે છે. આ પ્રેમ પણ કોનો? ભગવાનનો, તેના પ્રભુનો. આવા પ્રભુપ્રણયથી જે અનુરાગી બન્યો હોય તેને જે મદ ચડે તેના કેફમાં તે જગતભરમાં સ્વચ્છંદી થઈને વિચારે તો શું નવાઈ?
આખરે ભક્ત છેલ્લી પંક્તિમાં કહે છે કે,
'છે સાધુ ક્વન, ભક્ત "સત્તાર"નું;
કવિ જ્ઞાનીઓને, હું ચરણે ધરું છું.'
પોતાને સાધુ, ભક્ત ગણાવીને સત્તાર કવિ, જ્ઞાનીઓને ચરણે પોતાના આ કવનને ધરવાની વાત કરે છે. અને ખબર છે આ કવિ કોણ? ગુજરાતના રાજપીપળાના મુસ્લિમ સૂફી સંત સત્તારશાહ બાપુ (ચિશ્તી નિઝામી) કે જેઓએ મુસ્લિમ ધર્મના હોવા છતાંય કેટલાય ભજનો લખેલા અને તેમની વાણી સૌરાષ્ટ્રમાં જ નહિ, ગુજરાતભરમાં અને ગુજરાતી બોલાતી હોય તે દરેક પ્રદેશોમાં લોકપ્રિય બનેલી. આવો છે આપણો ગુજરાતનો ભક્તિ - સૂફી ફિલસૂફીનો વારસો. આવી સમૃદ્ધ છે આપણી સંતવાણી અને આવી સહિષ્ણુ છે આપણી સૌરાષ્ટ્રની પાવનભૂમિ. (અભિવ્યક્ત મંતવ્યો લેખકના અંગત છે.)


comments powered by Disqus