ક્રિસમસ પર્વનો શુભ સંદેશ

પર્વવિશેષ

ક્રિસ્ટોફર બેન્જામીન, પ્રેસબીટેરીઅન ચર્ચ-વેમ્બલી Saturday 15th December 2018 05:13 EST
 
 

ક્રિસમસ પ્રેમનું પર્વ છે. પ્રેમ સ્વરૂપ પરમેશ્વર માનવ બની અવતર્યા, અને સહુ માનવોને પ્રેમનો માર્ગ બતાવ્યો. ડિસેમ્બરની પહેલી તારીખથી ક્રિસમસ ઇવ ૨૪ ડિસેમ્બર સુધીના સમયને એડવેન્ટ એટલે આગમનના સમય તરીકે ઉજવવામાં આવે છે. પ્રેમભાવ અને શુભેચ્છા દર્શાવવાનો, તૂટેલા સંબંધોને બાંધવાનો અને સત્કાર્યોમાં સામેલ થવાનો આ સમય છે. માનવજાતને હેતુસરનું જીવન જીવવાની તક આપવા માટે પરમેશ્વર માનવ બનીને માનવજીવનમાં સામેલ થયા અને સેવકનું રૂપ ધારણ કર્યું. સામાજિક હકારાત્મક પરિવર્તન (પોઝિટિવ ચેન્જ) લાવવા માટે પરમેશ્વર જાતે માનવ બન્યા. આ પ્રકારનું પરિવર્તન એટલે કે નવા ખ્યાલ, નવા વિચાર અને નવા વ્યવહારની શરૂઆત પ્રભુ યીશુના આગમનથી થઈ. આંખને બદલે આંખ અને દાંતને બદલે દાંત - એવો વેર વાળવાનો જે નિયમ હતો તેને પ્રભુ યીશુએ બદલી નાખ્યો. વેર વાળવાને બદલે ક્ષમા આપવાનું શીખવ્યું. શિષ્યોના પગ ધોઈને સેવાનો પાઠ શીખવ્યો. દુશ્મનને સાત વાર નહીં પણ સેંકડો વાર ક્ષમા કરવાનો આદેશ આપનાર પ્રભુએ મૃત્યુ સમયે માફીનો મહામૂલો મંત્ર જીવી બતાવ્યો.

પવિત્ર પરમેશ્વર બાળક બની એક માનવી કુટુંબમાં અવતર્યા. પ્રભુ યીશુના માતાપિતા ઇઝરાયલ દેશનાં પ્રખ્યાત રાજા દાઉદનાં વંશજ હતા. આ કુટુંબનો ઉપયોગ દૈવી બાળકનાં જીવનનો હેતુ અને મિશન પરિપૂર્ણ કરવા માટે કરવામાં આવ્યો. મધર મેરીના માનભર્યા નામથી જાણીતા પ્રભુ યીશુના માતાને ખ્રિસ્તી ધર્મના કેટલાક પંથ જેવા કે, રોમન કેથોલિક ચર્ચ, ઓર્થોડોક્સ ચર્ચ, એંગ્લીકન ચર્ચમાં માનભર્યું સ્થાન આપવામાં આવ્યું છે. મધર મેરીને થીઓટોકોસ કહેવામાં આવે છે. થીઓટોકોસ ગ્રીક ભાષાનો શબ્દ છે, જેનો અર્થ થાય છે દેવની જનેતા, મધર ઓફ ગોડ, અથવા દેવધારક, ગોડ બેરર. સંત મેરીનો ઉલ્લેખ કુર્રાનમાં પણ કરવામાં આવ્યો છે. કુર્રાનમાં ૧૯મા સૂરાને સૂરા મિરિયમ તરીકે લખવામાં આવ્યો છે. પ્રભુ યીશુના જન્મ અને મૃત્યુના વર્ણનમાં મધર મેરીનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મધર મેરીએ માતાઓને સમાજમાં આગવું સ્થાન અપાવ્યું છે. આના સંદર્ભમાં મધર્સ ડેની ઉજવણી બધા જ દેશોમાં કરવામાં આવે છે.

ક્રિસમસ એ પ્રેમનું પર્વ છે. પરમેશ્વરના દિવ્ય પ્રેમની સમજ આપવા માટે યીશુએ ત્રણ દૃષ્ટાંત કહ્યાં છે.

ખોવાયેલો દીકરો, ખોવાયેલો સિક્કો અને ખોવાયેલું ઘેટું.

પરમેશ્વરના પ્રેમની સમજ આપવા માટે પ્રભુ યીશુએ ખોવાયેલા દીકરાની વાર્તા કહી હતી. એક ધનિક માણસને બે દીકરા હતા. નાના દીકરાએ પિતા પાસે મિલકતનો પોતાનો ભાગ માગ્યો. આ પૈસા લઈને તે દૂર દેશમાં ચાલ્યો ગયો. ત્યાં તેણે પોતાની મિલકત મોજશોખમાં ઉડાવી દીધી. આ દેશમાં દુકાળ પડ્યો. છોકરો મુશ્કેલીમાં મૂકાઈ ગયો. એક ટંક ખાવાના પણ તેને સાંસા પડવા લાગ્યા. આ પરિસ્થિતિમાં તેને ભાન થયું કે, મારા પિતાના ઘેર કેટલા બધા નોકરોને પેટ ભરીને ખોરાક મળે છે, અને હું અહીં ભૂખે મરું છું. હું મારા પિતા પાસે પાછો જઈશ અને ક્ષમાની યાચના કરીશ.

આ છોકરો પોતાના ઘેર પાછો ફર્યો. દીકરાને આવતો જોઈને તેનો બાપ તેને આવકારવા સામો દોડ્યો. દીકરાને ચૂંબન કરીને ભેટી પડ્યો. દીકરાએ પિતાને કહ્યું કે હું તમારો દીકરો કહેવાવાને યોગ્ય નથી રહ્યો. મને ક્ષમા કરો. દીકરાએ પિતાની કૃપાયુક્ત ક્ષમાનો અનુભવ કર્યો. આ વાર્તા એક દૃષ્ટાંત અને વાસ્તવિકતા પણ છે. આ પ્રેમાળ પિતા દીકરાના આગમન માટે ઝંખતો હતો, કે તેનો દીકરો પસ્તાવો કરે અને પોતાની ભૂલ સમજીને પાછો ફરે. આ દૃષ્ટાંતમાં જે પસ્તાવાની વાત કરવામાં આવી છે તે વિશેષ પ્રકારની છે. ગ્રીક ભાષામાં લખાયેલા બાઈબલમાં તેના માટે મેટાનોઇઆ શબ્દ વાપરવામાં આવ્યો છે. આ શબ્દનો અર્થ થાય છે - સાચો પસ્તાવો, જે વ્યક્તિના સમગ્ર જીવનમાં પરિવર્તન લાવે છે. પસ્તાવો કરીને પાછા વળતા માનવો માટે પરમેશ્વરનો આ વ્યવહાર છે. આપણે સહુ ઇશ્વરની અજાયબ કૃપાના હકદાર બનીએ છીએ.

આપણે સહુ આપણા સર્જનહાર જે આપણા પ્રેમાળ પિતા છે તેમની નજરમાં આ દૃષ્ટાંતના દીકરા સમાન છીએ. શું પરમેશ્વર આપણા માટે કોઈ પૂર્વગ્રહ કે દ્વેષ રાખે છે? ના, તે કૃપાનિધિ દેવ છે. કૃપાળુ પરમેશ્વર આપણે પસ્તાવો કરીએ ત્યારે આપણને પ્રેમથી સ્વીકારે છે.

Lord Jesus said 'Father in heaven does not want any of these little ones to be lost.'

ગુલામોનો વેપાર કરતા વહાણનો કપ્તાન અને પાછળથી ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના ચર્ચ પાસ્ટર બનનાર જોન ન્યૂટને લખેલા ભજનના શબ્દો ખૂબ અસરકારક છે. જે ઇશ્વરની કૃપાનું વર્ણન કરે છે.

Amazing grace how sweet the sound, that saved a wretch like me.

I once was lost, but now am found, was blind but now I see.

‘ગુજરાત સમાચાર’ના સહુ વાચક મિત્રોને ક્રિસમસ પર્વની હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter