ગુજરાત રાજ્યની સ્થાપના પ્રસંગે...

રવિશંકર મહારાજ Saturday 30th April 2016 06:23 EDT
 
 

‘આજે ગુજરાતનું રાજ્ય સ્થપાઈ રહ્યું છે. તે વખતે પૂ. ગાંધીજીની ભવ્ય મૂર્તિ અને એમણે આપેલો ભવ્ય વારસો તેમજ આ સ્થળે રહીને આપણને આપેલા અનેક પાઠો પણ નજર સમક્ષ તરવરે છે. વળી ગુજરાતના ઘડવૈયા અને આપણને સૌને પ્રિય એવા પૂ. સરદારશ્રીનું આ પ્રસંગે સ્મરણ થાય છે. તેમણે નમ્રભાવે પ્રણામ કરી મારી ભાવભીની અંજલિ અર્પણ કર્યા સિવાય રહી શકતો નથી. દેશને માટે જેમણે નાની-મોટી કુરબાનીઓ અને પ્રાણ અર્પ્યા છે, તે સૌ નામીઅનામી રાષ્ટ્રવીરોને આદરભાવે વંદન કરું છું.
રાષ્ટ્રપતિ ગાંધીજીની નજર સમક્ષ દરેક ક્ષણે ભારતનું ગામડું અને ગામડાંની પ્રજા રહેતી. એમના વિકાસમાં એ ભારતનો વિકાસ જોતાં. આપણા ગુજરાતનાં ગામડાંઓમાં કુશળ, ખંતીલા અને ખૂબ મહેનતુ ખેડૂતો છે. ભણેલા ન હોવાં છતાં ધંધો-રોજગાર ચલાવવામાં અતિશય કુશળ એવા આપણે ત્યાં સુંદર કારીગરો છે. વહાણવટું કરવામાં કુશળ એવા દરિયાકાંઠે વસતાં દરિયાખેડુઓ પણ છે, અને ગુજરાતની જનતા પાસે અર્થવ્યવહારમાં કુશળ અને કરકસરિયા એવા વ્યવહારકુશળ મહાજનો પણ છે.
આ બધાની શક્તિને ગુજરાતના હિતમાં ચાલના મળે તો ગુજરાત ભલે નાનું રાજ્ય હોય, ભલે અત્યારે ખાધવાળો પ્રદેશ ગણાતો હોય, તો પણ થોડા વખતમાં સમૃદ્ધ બની શકે એ વિશે મારા મનમાં બિલકુલ શંકા નથી. સ્વરાજ્ય મળ્યા પછી દેશભરમાં ઘણાં વિકાસકાર્યો થયાં છે. રાષ્ટ્રની સંપત્તિ તેમજ પેદાશ પણ વધી હશે. પણ એની યોગ્ય વહેંચણી થાય તો જ આપણને સમતા અને શાંતિની દિશામાં પ્રયાણ કર્યું કહેવાય. યોગ્ય વહેંચણી કરવાનો રસ્તો ધનદોલતની લહાણી કરવી એ નથી, પણ આપણને ત્યાંની એક એક સશક્ત વ્યક્તિને એને લાયકનું કામ મળી રહે અને હોંશે હોંશે એ કામ કરવાનો તેના દિલમાં ઉત્સાહ પ્રગટે એ કરવાની ખૂબ જરૂર છે.
આપને ત્યાંની માનવશક્તિનો અને કુદરતી બક્ષિસોનો ઉપયોગ થાય તો આપોઆપ સંપત્તિ અને સમૃદ્ધિ પણ વધવાની અને યોગ્ય વહેંચણી પણ થવાની. આવું કરવું હશે તો આપણને ખેતી અને ગોપાલન તરફ આજે આપીએ છીએ તેથી પણ વિશેષ ધ્યાન આપવું પડશે. ભૂમિ એ કદી શોષણનું સાધન ન બનવી જોઈએ. એ તો પોષણનું સાધન બનવી જોઈએ. આપણું ગોધન અને પશુધન ખાંડુમાંડું હવે નહીં ચાલે, પણ જોઈને આંખ ઠરે એવું ગોધન હોવું જોઈએ. જે દેશમાં દૂધની નદીઓ વહેતી, એ દેશમાં ચોખ્ખાં ઘી-દૂધ મળવાં દુર્લભ થાય એ આપણી કેવી દુર્દશા કહેવાય! એ સ્થિતિ આપણે ટાળવી જોઈએ.
ગોસંવર્ધન અને ગૌસેવા એ જ એનો સાચો ઇલાજ છે. ગૌવધબંધી જેમ અમદાવાદ શહેર અને સૌરાષ્ટ્રે કરી છે, એમ આખા ગુજરાતમાં થવી જોઈએ. એમ થશે તો મને બહુ ગમશે. પણ ઉત્તમ ગોપાલન એ જ ખરેખર ગૌસેવાનો સાચો માર્ગ છે એ કદી ભૂલવા જેવું નથી.
આજે અનાજ આપણે પરદેશથી મંગાવવું પડે છે. આ સ્થિતિ આપણા માટે ખતરનાક અને શરમજનક છે. અનાજની બાબતમાં ગુજરાતે સ્વાવલંબી બનવાનો નિર્ધાર કરવો જ જોઈએ અને એ સાથે એની સુવ્યવસ્થિત યોજના ઘડીને દેશને માર્ગદર્શન આપવું જોઈએ.
સ્વરાજ્ય મળ્યા પછી અતિ પવિત્ર ઉત્પાદક શ્રમશક્તિ દિવસે દિવસે આપણામાં ઘટતી જાય છે અને પ્રજાનું મોં વધારે ને વધારે ભોગ તરફ જઈ રહ્યું છે. એ ભોગ પ્રાપ્તિ માટે એને અન્ન અને ઘી-દૂધ કરતાં સિક્કાની અગત્ય વધુ સમજાવા લાગી છે. તેથી ખેતી જેવો પવિત્ર ધંધો કરનાર ખેડૂતો પણ સિક્કા પાછળ પડ્યા છે. પણ આ બધાનું ખરું કારણ છે સુધરેલા ગણાતા ભદ્રસમાજનો આચાર. આપણા આ વર્ગે સ્વરાજ મળ્યા પછી ત્યાગને બદલે ભોગ તરફની રૂખ બતાવી છે. એટલે એ દિશાએ સામાન્યજન પણ વળ્યા છે. આ કારણે જીવનનાં બધાં ક્ષેત્રોમાં તાણ અને અસંતોષનું ભાન થવા લાગ્યું છે.
પ્રજા વધારે પૈસા પાછળ દોટ કેમ કાઢે છે? એને જેટલું મળે છે એટલું ઓછું જ પડે છે? એનું મોં સંગ્રહ તરફ અને વધુ સુખભોગ તરફ કેમ વધે છે? આ વૃત્તિ રોકવા માટે ચીનની જેમ આટલાં કપડાં પહેરો, આમ જ કરો, આમ જ વર્તો એવા વટહુકમો ભલે બહાર ન પાડીએ, પરંતુ આપણા પ્રધાનો, આપણા આગેવાનો અને આપણા અમલદારો તથા આપણા મુખ્ય કાર્યકરો પોતાના જીવનમાં સાદાઈ અને કરકસરનું તત્ત્વ અપનાવીને પ્રજાને ઉત્તમ પ્રકારનું માર્ગદર્શન આપી શકશે.
બંગલાઓ, મોટરો, ફર્નિચર, મોટાઈ દેખાડવાની રીતભાતો, હોટેલો, મિજબાનીઓ એ સૌમાં સાદાઈ અને કરકસરની છાપ પાડવી જોઈએ. રાજ્યનાં કામમાં તો ઠીક, પણ અંગત જીવનમાંય એ તત્ત્વો દેખાવા લાગશે તો પ્રજા પર એની જાદુઈ અસર પડશે.
આજે લાંચરુશ્વત અને કાળા બજારની બદીઓ ઠેર ઠેર જોવા મળે છે. એ માટે રાજ્ય અને પ્રજાજનોએ સહકાર સાધીને એને દૂર કરવાનો દૃઢ નિર્ધાર કરવો પડશે.
આપને સ્વરાજ્ય મળ્યાને આજે બાર બાર વર્ષનાં વહાણા વાયાં, એમ છતાં આપણા સામાન્યજનોને આપણું રાજ્ય જેવું લાગે છે, કારણ કે આપણા વહિવટની ભાષા હજી અંગ્રેજી ચાલે છે. લોકોની ભાષામાં લોકોનો વહિવટ ન ચાલે, લોકો સમજી શકે એ ભાષામાં ન્યાય ન તોળાય, લોકો સમજી ન શકે એવી ભાષામાં શિક્ષણ ન અપાય, ત્યાં સુધી લોકોને ‘આ અમારું રાજ્ય છે અને એના ઉત્કર્ષ માટે અમારે પરિશ્રમ ઉઠાવવો જોઈએ’ એવી ભાવના નહીં જાગે, રાજ્ય માટેનો આત્મભાવ નહીં જાગે. એટલે ગુજરાત રાજ્યે સૌપ્રથમ એવી જાહેરાત કરવી જોઈએ કે ગુજરાત રાજ્યનો તમામ વહિવટ ગુજરાતી ભાષામાં ચાલશે, શિક્ષણનું માધ્યમ પહેલેથી છેલ્લે સુધી ગુજરાતી જ રહેશે અને નોકરીઓ માટેની પરીક્ષાઓ પણ ગુજરાતીમાં લેવામાં આવશે.
પ્રાથમિક શિક્ષણનાં પ્રથમ સાત ધોરણોમાંથી સ્વ. ખેરસાહેબની મુંબઈ સરકારે અંગ્રેજીને બાદ રાખવાની જે નીતિ વર્ષો પહેલા જાહેર કરીને અમલમાં આણી છે, એ બહુ ડાહપણભરી નીતિ છે અને એને ગુજરાત રાજ્ય દૃઢતાથી વળગી રહેશે. શિક્ષણનું ધોરણ ઉતરી ગયું છે એને ઊંચું લાવવા માટે શું કરવી જોઈએ, એની પણ ખૂબ વિચારણા
કરવી પડશે.
ભણેલા તેમજ અભણને કામધંધો આપવો એ આજની મુખ્ય સમસ્યા છે. એ માટે ખાદી અને ગ્રામોદ્યોગ જેવા યોગ્ય ધંધા-રોજગાર શરૂ કરવા. જે ધંધાને રક્ષણ આપવાની જરૂર હોય તેને રક્ષણ આપવું અને વધુ બેકાર બનતા અટકે એવી શિક્ષણપ્રણાલી ઊભી કરવી એમાં આપણી સફળતાની ચાવી પડેલી છે.
નોકરી અને શિક્ષણની ડિગ્રી વચ્ચેનો સંબંધ છૂટો કરી દેવામાં આવે અને જે ધંધામાં જવા માટે આવડતની જરૂર હોય તે અંગેની પ્રવેશ પરીક્ષા લઈને જ ઉમેદવારને દાખલ કરવાની પ્રથમ અપનાવવામાં આવે તો શિક્ષણમાં જે ગંદકીઓ પેસે છે, તેમાંથી આપણે સહેજે બચી શકીએ.
બધા પક્ષોને મારી ન્રમ વિનંતી છે કે તેઓ એટલું નજર સમક્ષ રાખે કે આપણા પક્ષ કરતાં પ્રજા બહુ મોટી છે. સમગ્ર રાજ્ય કે દેશના હિત ખાતર પક્ષનું મહત્ત્વ ઓછું આંકવાની પરિપાટી આપણે શરૂ કરવા જેવી છે. વિરોધી પક્ષે વિરોધ ખાતર વિરોધ કરવાનો ન હોય અને રાજ્યકર્તા પક્ષે વિરોધ પક્ષની વાત છે માટે એનો વિરોધ કરવાની પ્રથામાંથી બચવા જેવું છે. પક્ષો એ ખરેખર તડાં છે, ગામનાં તડાં પડવાથી જેમ ગામની બેહાલી થાય છે, એમ રાષ્ટ્રના તડાં પડવાથી રાષ્ટ્રની બેહાલી થાય છે.
બધા પક્ષવાળા ભલે આજે ને આજે પક્ષમાંથી મુક્ત ન થઈ શકે. પણ ગ્રામ પંચાયતોમાં પક્ષો ન પેસે એનો તો આગ્રહ જરૂર આપણે રાખી શકીએ, અને ચૂંટણી દરમિયાન પક્ષનું ઝેર ફેલાતું અટકે એ માટે બધા પક્ષોએ શુદ્ધિ માટે પાળવા જેવા કેટલાક નિયમો નક્કી કરી એને અમલમાં મૂકવાની નીતિ સ્વીકારવી જોઈએ. તો જ આપણે પ્રજાને લોકશાહીની સાચી કેળવણી આપી શકશું.
લોકશાસનની સાચી ચાવી છે લોકકેળવણી. વહીવટ ચલાવવામાં રાજ્યકર્તાઓને દંડશક્તિનો ઓછામાં ઓછો આશરો લેવો પડે અને ગોળીબાર જેવા આકરાં પગલાં લેવાં જ ન પડે, એવી રીત શોધવી જોઈએ.
આજકાલ આપણે ત્યાં શહીદની નહીં, શહીદીની ચર્ચાઓ ચાલે છે, પણ એ વખતે જે બનાવો બન્યા હતાં એ બહુ દુઃખદાયક હતાં. છેવટે તો એ વખતે ઘવાયેલા કે મરાયેલા એ આપણાં ગુજરાતના જ બાળકો હતાં, એ લાગણી તરફ પણ સહાનુભૂતિથી જોવું જોઈએ. તેમના મા-બાપોને પણ વિનંતી કરું
છું કે તેઓ ગઈ ગુજરી ભૂલી જાય. પરમેશ્વર એમના આત્માને શાંતિ આપે એ જ પ્રાર્થના.
આજકાલ નાનાં નાનાં છોકરાંઓને જોઉં છું, એમની સમજણ અને એમનું શોર્ય અને એમનું પાણી જોઉં છું ત્યારે હું ખૂબ ખુશ થઈ જાઉં છું. પણ મા-બાપોએ કુટુંબો મારફત અને પોતાના જીવન મારફત જે સુસંસ્કારો સીંચવા જોઈએ, એમાંથી આપણે કંઈક પાછા પડ્યા છીએ, કેવળ મોટાઈ અને પૈસા કમાવવામાં પડ્યા છીએ. શિક્ષકો પણ એમના હાથમાં જે અમોલી મૂડી મૂકવામાં આવી છે અને કેટલીક જવાબદારી છે એનું ભાન પણ વિસર્યા લાગે છે. સરકાર તથા રાજકીય પક્ષો પણ કેળવણી તથા કેળવણીમાં કામ કરનારાઓ પ્રત્યે જેવું ધ્યાન આપવું જોઈએ તેવું આપી નથી શક્યા. આ ત્રણેય જો પોતાનું કર્તવ્ય બરાબર બજાવવા લાગી જાય તો આજે જુવાનોની શક્તિનો પૂરેપૂરો ઉપયોગ પ્રજાના હિતમાં વપરાતો થઈ જાય અને આપણે ખૂબ સુખી થઈ શકીએ.
અસ્પૃશ્યતા નિવારણ માટે આપણી સરકારે ઉત્તમ કાયદો કરીને આપણું કલંક ધોયું છે. પણ વર્ષોથી સેવેલા ઊંચનીચના સંસ્કારો હજી પ્રજાજીવનના વ્યવહારમાંથી દૂર નથી થયા. એ વાત માટે તો હજી આપણે પ્રજામાનસ કેળવવાનો ભગીરથ પુરુષાર્થ કરવો પડશે. એ વાત સ્ત્રી જાતિના પ્રશ્નને પણ એટલી જ લાગુ પડે છે. આ માટે તેમનાં સમાજોપયોગી કામોને પ્રતિષ્ઠા આપવી જોઈએ અને ઊંચનીચના જાતિભેદ દૂર કરવા જોઈએ.
આવો જ સવાલ દારૂબંધીનો છે. એ અંગે આપણી જે નીતિ છે, તે ખરેખર શ્રેષ્ઠ છે, તે ચાલુ રહેવી જોઈએ. તેને સંપૂર્ણપણે સફળ બનાવી શકીએ તો દેશને બહુ મોટો ફાયદો થાય.
ખરી રીતે તો પૂ. વિનોબાજીએ આપણને ગ્રામ્ય સ્વરાજ્યની જે રીત બતાવી છે, તે એ છે કે સરકાર પર બધો આધાર નહીં રાખતાં પ્રજાએ પોતે ગ્રામશક્તિ એકઠી કરીને ખોરાક, પોષાક, રક્ષણ, કેળવણી, આરોગ્ય અને આસપાસના ઝઘડાઓ મિટાવવામાં સ્વાલંબી બનવું જોઈએ. ઉત્તમ તો એ છે કે લોકો પોતાનો વ્યવહાર પોતાની મેળે કરતા થાય અને રાજ્ય તેમાં સરળતા કરી આપે.
ગુજરાત અને મહારાષ્ટ્ર ભલે અલગ અલગ રાજ્ય બન્યાં. પણ છેવટે તો આપણે સૌ એક જ ભારતદેશના વાસીઓ છીએ. સર્વ પ્રાંતોના લોકો આપણા દેશબંધુઓ છે. સૌની ભાષાઓ એ આપણી જ ભાષા છે. જુદા પડવાનું કે ભેગા રહેવાનું, આપણા સ્વાર્થ અને સુખ માટે નથી, પણ આખા રાષ્ટ્રની ઉન્નતિ અને સેવા કરવા માટે છે. આપણે એક જ નાવમાં બેઠેલા છીએ એ વાત કદી ન ભૂલીએ.
વળી આપણી ગુજરાતની મોટી કોમ - આદિવાસી, જે જંગલમાં પડી છે તે કરકસર અને મહેનતથી જીવે છે પણ અજ્ઞાનતામાં જીવે છે. તો એ આદીવાસી કોમની ઉન્નતિ માટે આપણે ખૂબ લક્ષ આપવું પડશે.
આપણે ગાંધીજીના અને સરદારશ્રીના વારસદારો છીએ. એટલે એમણે આપેલા વારસાને શોભાવીએ. પ્રભુ આપણને ગાંધીમાર્ગે રાજ્ય ચલાવવાની, ધનથી ગરીબ છતાં સંસ્કારોથી ભવ્ય એવા ભારતના સેવકો થવાની શક્તિ અને સદ્બુદ્ધિ આપે અને સુપંથે ચાલવાનું પ્રભુ બળ આપે એવી પ્રભુ પ્રાર્થના કરીને આપણે નવું પ્રયાણ કરીએ.
આપ સર્વે આ પ્રસંગે આ પવિત્ર કાર્યની શરૂઆત કરવા માટે મને આગ્રહ કર્યો તે માટે તમારા સૌનો આભાર માનું છું.
સર્વે ભવન્તુ સુખિન:।
સર્વે સન્તુ નિરામયા:।
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ।
મા કશ્રિત્ દુ:ખ ભાગ્ભવેત્।।
(ગુજરાત રાજ્યના ઉદ્ઘાટન પ્રસંગે, સાબરમતી આશ્રમ - ૧ મે, ૧૯૬૦)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter