ગુરુના આશીર્વાદનું બળ

ડો. સી. એલ. પટેલ Friday 31st July 2015 10:08 EDT
 
 

વર્ષ ૧૯૯૩માં એચ. એમ. પટેલ સાહેબના નિધન બાદ ચારુતર વિદ્યામંડળની જવાબદારી યોગ્ય વ્યક્તિ સંભાળે તે માટે ઘણા બધા શુભેચ્છકો પ્રયત્નશીલ હતા. એમાં ખાસ કરીને એ વખતના ઉપપ્રમુખ અને જ્યોતિ લિમિટેડના માલિક શ્રી નાનુભાઈ અમીન તથા બીએપીએસ સંસ્થાના ગુરુહરિ પ્રગટબ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ પણ ચિંતિત હતા. એનું કારણ એ હતું કે ૧૯૪૫-૪૬માં પૂજ્ય ભાઈકાકા અને પૂજ્ય ભીખાભાઈ સાહેબને પૂજ્ય શાસ્ત્રીજી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત થયેલા અને વિદ્યાનગરની તે વખતની વેરાન ભૂમિ પર પૂજ્ય શાસ્ત્રીજી મહારાજે પગલાં કરેલાં. બસ, ત્યારથી જ એક પરંપરા રહી હતી કે ચારુતર વિદ્યામંડળ અને ચારુતર આરોગ્ય મંડળને બીએપીએસનો ખૂબ ભાવનાત્મક ટેકો રહેતો. આમ પ્રગટબ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે ૧૯૯૩માં મને આજ્ઞા કરી કે સી. એલ., ચારુતર વિદ્યામંડળની જવાબદારી સંભાળવા માટે તમે ચેરમેનની ચૂંટણી લડો અને આ જવાબદારી સંભાળો. તેઓની આજ્ઞા બાદ મેં ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષપદ માટે ઝંપલાવ્યું. 

મારી સાથે બેરિસ્ટર શ્રી આનંદભાઈ અમીન, ધર્મજના ડો. સુમનભાઈ રશ્મિભાઈ પટેલ તથા તે વખતના માનદ મંત્રી શ્રી ગોરધનભાઈ પટેલે પણ આ જગ્યા માટે પ્રયત્ન કર્યો હતો. ખરેખર જ્યારે ચૂંટણી આવી ત્યારે મારા સિવાયના બીજા ત્રણેય જણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી. મને વિદ્યાનગર મ્યુનિસિપાલિટી, ધર્મજ, કરમસદ, આણંદ, નડિયાદ, અમદાવાદ, વડોદરા વગેરેના સભાસદોનો ટેકો પ્રાપ્ત થયો. અધ્યક્ષપદની ચૂંટણીમાં હું વિજયી બન્યો.
ચૂંટણી બાદ ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરવા સારંગપુર મુકામે ગયો. પ્રગટબ્રહ્મ સ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે મને આશીર્વાદ આપ્યાઃ ‘સી.એલ., કોઈ ચિંતા કરવાની નહિ. તમારી સાથે શાસ્ત્રીજી મહારાજ છે. તમારા બધા સંકલ્પો પૂરા થશે.’
તેમના આશીર્વાદથી મને નવી જવાબદારી ઉપાડવાનું બળ પ્રાપ્ત થયું. તેમણે છ ફૂટનો ગુલાબનો હાર પહેરાવી આશીર્વાદ આપ્યા. તેમના આશીર્વાદના બળથી મારા જેવી એક સામાન્ય વ્યક્તિએ અસામાન્ય કહી શકાય એવી આ મોટી જવાબદારી સંભાળવાની શરૂઆત કરી.
હું ખરેખર નસીબદાર છું કે ગુરુહરિના આશીર્વાદ સાથે કામકાજમાં જરૂરી એવા મંત્રીઓ મને પ્રાપ્ત થયા, જેઓએ પોતાનું જીવન શિક્ષણ માટે સમર્પિત કર્યું હોય. એકેડેમિક ફિલ્ડમાં મારો પોતાનો ખાસ અનુભવ નહોતો. વર્ષ ૧૯૮૮થી ’૯૧ દરમિયાન હું ડો. એચ. એમ. પટેલ સાહેબ સાથે સહમંત્રી તરીકે કામ કરતો હતો એટલે ચારુતર વિદ્યામંડળની ઘણી બધી સંસ્થાઓની માહિતી મેં મેળવેલી હતી, છતાં પણ હું કહી શકું કે એકેડેમિક ફિલ્ડનો અનુભવ મારા ચારુતર વિદ્યામંડળના મંત્રીઓ, હજારો પ્રાધ્યાપકો-શિક્ષકોના યોગદાન થકી મને પ્રાપ્ત થયો અને અધ્યક્ષ તરીકે આ સંસ્થાઓમાં કામ કરવા માટે એ અનુભવની સાથે સાથે દૃષ્ટિ પણ પ્રાપ્ત થઈ. ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ પ્રમાણે એક પછી એક કામો હાથ પર લઈને પૂરા કરવા માટે પ્રયત્નશીલ રહેતાં કામકાજમાં પ્રગતિ સાધી શકાય.
વર્ષ ૨૦૧૪માં અધ્યક્ષ તરીકે મારી કારકિર્દીના ૨૧ વર્ષ પૂરા થતાં હોઈ ગુરુહરિ પ્રમુખસ્વામી મહારાજને પત્ર લખીને આજ્ઞા મેળવી કે મારે સેવા ચાલુ રાખવી કે નિવૃત્ત થવું. તેઓની આજ્ઞા મને મળી કે તમારી સેવાની જરૂર છે. સેવા ચાલુ રાખવી અને જરૂર લાગે તો અધ્યક્ષની ચૂંટણી લડવી. આ રીતે ફરીને આગળની ટર્મ માટે મેં અધ્યક્ષની ચૂંટણીમાં ઝૂકાવ્યું, જેમાં સભાસદોના સહકારથી હું અધ્યક્ષની ચૂંટણી જીતી શક્યો. ત્યાર પછીના થોડા સમયમાં મને બીમારી લાગુ પડી.
મારી બીમારીમાં મારા શરીરમાં જે કાંઈ ક્ષતિ દેખાઈ તે અંગે અપપ્રચાર શરૂ થઈ ગયો અને મારી તબિયતમાં સુધારો થઈ શકે તેમ નહિ હોવાની ખોટી રીતે પબ્લિસિટી કરીને મારી બીમારી જીવલેણ છે તેવી લોકોમાં હવા ઊભી કરવામાં આવી. આ બધું થતાં મારું ‘મોરલ’ નીચું ગયું, પરંતુ મારા અમેરિકાસ્થિત દીકરાઓએ પોતાના મિત્રમંડળમાંના મેડિકલ વ્યવસાયમાં કાર્યરત લોકો પાસેથી માહિતી મેળવી કે મારી બીમારી માટે જરૂરી સર્જરીના નિષ્ણાત એવા ડોક્ટર કોઈમ્બતૂરની જેમ્સ હોસ્પિટલના ડો. પનીરવેલુ છે. તેઓ લેપ્રોસ્કોપિ પદ્ધતિથી આવા ટ્યૂમરની સર્જરી કરતા હોવાથી તેમની એપોઇન્ટમેન્ટ લઈને ૨૭ માર્ચ, ૨૦૧૫ના રોજ હું કોઈમ્બતૂર ગયો. ત્યાં બધાં પરીક્ષણો (ટેસ્ટ) બાદ ૩૦ માર્ચ, ૨૦૧૫ના રોજ મારી સર્જરી થઈ. મારી સર્જરી પૂરી થતાં ડો. પનીરવેલુએ મને ખૂબ ઉમંગથી કહ્યું કે ડો. પટેલ, કોઈ જાતની ચિંતા કરશો નહીં. મારે આ ટ્યૂમરના અનુસંધાનમાં જે કાંઈ કરવાનું હતું તે બધું કર્યું છે. તમે હવે સંપૂર્ણ રોગમુક્ત છો. ભવિષ્યમાં તમારે કીમો કે રેડિયેશન લેવાની જરૂર નહીં રહે, એવું પણ તેમણે ભારપૂર્વક કહ્યું.
આ બાજુ મારા ગુરુ પ્રગટબ્રહ્મ સ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે તેમની પોતાની તબિયત નાદુરસ્ત હોવા છતાં મને આશીર્વાદ આપ્યા અને કહેવડાવ્યું કે ‘તમારે કોઈ જાતની ચિંતા કરવાની જરૂર નથી. તમે કોઈ પણ રોગથી મુક્ત છો. ચિંતા કરશો નહીં.’ સદગુરુ સંત પૂજ્ય મહંતસ્વામીએ પણ મને ફોનથી આશીર્વાદ આપ્યા કે ‘અમારે તો તમારી પાસેથી હજુ ૧૫ વર્ષ સેવા લેવાની છે. એટલે તમારું શરીર નીરોગી રહે એટલા માટે અમારા આશીર્વાદ છે.’
છેલ્લે મેં ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લીધી. ત્યાં ડો. મૌલિક શાહ, ડો. કૌશલ પૂજારા, ડો. પ્રતીક અગ્રવાલ, ડો. પરિમલ સાળવી અને મેનેજમેન્ટ બાજુથી શ્રી પ્રજ્ઞેશ ગોર સહિતનાએ ખૂબ મહેનત કરીને મને રોગમુક્ત કરવા તસ્દી લીધી. આમ છતાં અગાઉની જે બાયોપ્સી શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં થોડી ઉતાવળમાં થયેલી એને માટે ચોખવટ મેળવવા માટે આ બધા ડોક્ટરોના આગ્રહથી પેટ સ્કેન માટેનો આગ્રહ રાખ્યો. ગત ૯ જૂન, ૨૦૧૫ના રોજ ગુજરાત ઇમેજિંગ સેન્ટર - સામવેદ હોસ્પિટલમાં મારું આખું બોડી ચેકઅપ થયું.
ચેકઅપને અંતે એવો રિપોર્ટ મને મળ્યો કે તમારા આખા શરીરમાં કોઈ પણ જગ્યાએ કેન્સરના કોઈ અંશ નથી અને તમારું શરીર સંપૂર્ણપણે કેન્સરમુક્ત છે. ત્યાર પછી સોડિયમ લોસની ફરિયાદ સંદર્ભે પણ તપાસ કરાઈ હતી. સોડિયમની ૧૩૬ની માત્રા જોઈએ, એની જગ્યાએ તે ૧૩૯ થયું. શરીરની બીજી બધી જરૂરિયાતો જેમ કે બ્લડ સુગર, બી.પી. વગેરે બધું ડોક્ટરોના પ્રયત્નથી સુધારા પર છે અને હું નિયમિત રીતે સવારના ઓફિસમાં હાજરી આપું છું. મને કોઈ શારીરિક મુશ્કેલી રહી નથી એવું મને લાગે છે.
આ બધામાં મારે એક ખાસ બાબત વાચકોને ધ્યાનમાં લાવવાની છે કે જીવનમાં કોઈ પણ કાર્ય કે સિદ્ધિ માટે આપણને ગુરુના આશીર્વાદ હોય તો આપણે જે કાંઈ વિચારતા હોઈએ તે બધું કરી શકીએ છીએ. છેક ૧૯૯૪થી ગુરુના આશીર્વાદથી મેં જે કોઈ સંકલ્પ કર્યા હોય તે પૂરા થયા છે. ગુરુના આશીર્વાદથી જ આવું બળ હું પ્રાપ્ત કરી શક્યો તે માટે મારા ગુરુહરિ પ્રગટબ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના ચરણોમાં લાખ લાખ વંદન.

(લેખક ચારુતર વિદ્યામંડળ (સીવીએમ)ના અધ્યક્ષ છે)


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter