ગૂડી પડવોઃ શાલિવાહન શક સંવતનો પ્રારંભ

પર્વવિશેષ

Thursday 07th April 2016 06:16 EDT
 
 

હિન્દુ પંચાંગ મુજબ ચૈત્ર માસના પ્રારંભ સાથે શાલિવાહન શક સંવતનો પ્રારંભ થાય છે. વિક્રમ સંવત ૨૦૭૨ના ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પહેલી તિથિ - ચૈત્ર સુદ-૧ (આ વર્ષે ૮ એપ્રિલ) એટલે નવા વર્ષનો પ્રારંભ. મહારાષ્ટ્રમાં ‘ગૂડી પડવા’ તરીકે જાણીતા આ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થાય છે. વર્ષભરનાં સાડાત્રણ મુહૂર્તોમાં ગૂડી પડવાની ગણતરી થાય છે. ગૂડી પડવાના પવિત્ર દિવસે શાલીવાહન સંવતનો પ્રારંભ થાય છે.

ગૂડી પડવાના પવિત્ર દિવસે શાલીવાહન સંવતનો પ્રારંભ થાય છે. કથા એવી છે કે, શાલિવાહન નામનો એક કુંભાર પુત્ર હતો. તેને એક વખત યુદ્ધ માટે જવું પડ્યું. આ સમયે છોકરાએ માટીમાંથી સૈનિકો બનાવીને સૈન્ય ઉપર જળ છંટકાવ કરીને સૈન્યને સજીવન કર્યું અને સજીવન થયેલા સૈન્યથી તેણે શત્રુને પરાજિત કર્યા. પ્રસંગની સ્મૃતિરૂપે તે દિવસથી શાલિવાહન શકનો પ્રારંભ થયો.

વાર્તાનો વાસ્તવિક સૂર એવો છે કે તે સમયમાં લોકો સાવ પૌરુષહીન અને નિર્બળ હતા. લોકોમાંથી પરાક્રમ નાશ પામ્યું હતું, તેથી શસ્ત્રુઓ સામે પરાજય પામતા હતા. આવી વિકટ પરિસ્થિતિમાં શાલિવાહન નામના કુંભારે માટીના માનવીમાં જળ છાંટી ચૈતન્ય પ્રગટાવ્યું. આજે આપણે સહુ દીન, શક્તિહીન, જડવાદ સામે લડવા અસમર્થ થયા છીએ. ખરા અર્થમાં આજના માનવીના મૃત મનને જીવન કરવા, મનમાં આશાવાદ પ્રગટાવવા, શરીરમાં શક્તિસંચાર કરવાની ખાસ જરૂરિયાત છે.

ગૂડી પડવાની પૌરાણિક માન્યતા

કહેવાયછે કે પ્રભુ શ્રી રામે વાલીના ત્રાસમાંથી ત્યાંની પ્રજાને છોડાવી હતી અને દક્ષિણની ભૂમિને પવિત્ર, નિષ્પાપ બનાવી હતી. આ સમયે વાલીના ત્રાસમાંથી મુક્ત થયેલી પ્રજાએ ખૂબ આનંદવિભોર બનીને, ઉત્સાહપૂર્વક ઘરે ઘરે ધ્વજાઓ (ગૂડીઓ) ઊભી કરી. સહુએ પોત પોતાના આંગણમાં, પોતાનાં ઘરોને શણગારી પોતાનાં આંગણમાં અને ઘરો ઉપર વિજયસૂચક ચિહન ધજાઓ ઊભી કરી, ગૂડીઓ ઊભી કરી એટલે ત્યારથી પવિત્ર દિવસ ગૂડી પડવા તરીકે મનાયો.

ઘરમાં કે આંગણમાં ગૂડી-ધજા ઊભી કરવા પાછળનો સંકેત છે કે, ઘરમાંથી, માનવીના મનમાંથી વાલીરૂપી અસુરીવૃત્તિનો નાશ અને તેના મન ઉપર પ્રભુ શ્રી રામ રૂપી દિવ્યતાની ઝાંખી, ગૂડી એટલે વિજય પતાકા. ભોગ ઉપર યોગનો વિજય, વૈભવ ઉપર વિભૂતિનો વિજય, વિકાર ઉપર પવિત્ર વિચારનો વિજય, આજના માનવીએ સતત વિચાર કરવો જોઈએ કે મારા મનમાં રહેલા વાલીરૂપી વાનરવૃત્તિ-ચંચળવૃત્તિનો નાશ થયો કે નહીં અને શ્રીરામ રૂપી મારું મન સાત્ત્વિક બન્યું કે નહીં?

વિશિષ્ટ ઉજવણી

ખાસ કરીને મલબાર પ્રાંતમાં ઉત્સવ ખૂબ વિશિષ્ટ રીતે ઊજવાય છે. પવિત્ર દિવસે ઘરની તમામ મૂલ્યવાન સંપત્તિ, ચીજવસ્તુઓ કીમતી ઘરેણાઓ વગેરે ઘરના પૂજાસ્થાનમાં પ્રભુને અર્પણ કરવામાં આવે છે. ત્યાંના લોકો પવિત્ર દિવસે સવારમાં વહેલા ઊઠી પથારીમાંથી બેઠા થઈને બંધ આંખોએ ઘરના પૂજાસ્થાનમાં જઈ પ્રભુની સામે આંખો ઉઘાડે છે. ગૃહલક્ષ્મી સહિત પ્રભુનાં દર્શન કરે છે અને ઘરના વડીલ પૂજાસ્થાનમાં સ્થાપિત દેવતાની આરતી ઉતારીને સ્તુતિ ગાય છે.

સમગ્ર વિધિ કરવા પાછળનો હેતુ એ છે કે, વર્ષના પ્રથમ દિવસે સહુ પ્રથમ પ્રભુનું દર્શન થાય તો સમગ્ર વર્ષ ખૂબ સુખમય અને પ્રભુમય પસાર થાય.

બીજું કે, સર્વ સંપત્તિ પ્રભુને અર્પણ કરી દઈને એવી ભાવના વ્યક્ત કરવામાં આવે છે કે આશીર્વાદરૂપે, પ્રસાદરૂપે પ્રભુ મને જે આપશો તે પવિત્ર માર્ગે વાપરીશ. મને જે કંઇ મળ્યું છે તે પ્રભુએ મને આપેલી પ્રસાદી છે, તેનો હું દૂરુપયોગ નહીં કરું. લોકહિતાર્થે અને મારા પરિવારના હિતાર્થે વાપરીશ તેવી પવિત્ર ભાવના છુપાયેલી છે.

લીમડાના રસનું સેવન

ખાસ કરીને આ દિવસે લીમડાનો રસ અને સાકર પ્રભુને ધરાવાય છે. સમય દરમિયાન ઋતુકાળ પ્રમાણે આ અરસામાં અતિશય ગરમીનો પ્રકોપ હોય છે, માટે ગરમીના પ્રકોપથી બચવા પ્રભુને ધરાવેલા લીમડાનો રસ તથા સાકરનું સેવન કરવાની પ્રણાલી ગૂડી પડવા સાથે જોડાયેલી રહી છે. લીમડો આરોગ્યપ્રદ છે. શરૂમાં ખૂબ કડવો લાગે, પરંતુ અંતે તો બીમારી મુક્ત કરે છે. વ્યક્તિ નીરોગી રહે છે. વ્યક્તિ શરીરથી બીમારીમુક્ત રહે છે. સાથે સાથે કુવિચારોથી પણ મુક્ત બને છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter