ચૈત્રીય નવરાત્રિ શક્તિ ઉપાસનાનું મહાપર્વ

પર્વ વિશેષઃ ચૈત્રી નવરાત્રિ (૨૫ માર્ચ - ૨ એપ્રિલ)

Wednesday 25th March 2020 06:04 EDT
 
 

કાળગણનાના વિશાળ વિસ્તારમાં કલ્ય (ચાર યુગ)થી માંડીને નિમિષ (આંખનો પલકારો), પળ-વિપળ, દિવસો, માસ, વરસ વગેરે સમય તબક્કાનો સમાવેશ થાય છે. વરસનાં જુદાં જુદાં નામ - સમયગાળા વિશ્વકક્ષાએ પ્રસ્થાપિત છે. જેમ કે, ઇસવી સન એટલે જાન્યુઆરીથી ડિસેમ્બર. વિક્રમ સંવત એટલે કારતકથી આસોના ૧૨ માસ. વિક્રમ સંવત કારતકથી આસોનું છે એમ ચૈત્રી પંચાગ પણ છે. ચૈત્રથી ફાગણ બાર માસને ‘ચૈત્રી વર્ષ’ પણ ગણાય છે.

ચૈત્ર સુદ એકમને ગૂડી પડવો કહે છે અને આ જ દિવસથી નવ દિવસ માટે ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થાય છે. આ દિવસને ‘સંવત સરોત્સવ’ કહીને મહારાષ્ટ્ર અને ભારતીય રાજ્યોમાં આપણી ધનતેરસ અને દિવાળીની માફક સામૂહિક પ્રજાકીય ઉજવણી થાય છે.

ગૂડી પડવાની પૌરાણિક કથા કંઇક આવી છે. પોતાના ગામ વિસ્તાર પર અન્ય રાજાએ હુમલો કર્યો. રાજા સૈન્ય અને પ્રજાને સામે લડત આપી. આ લડતમાં ‘શાલીવાહન’ નામના એક ‘કુંભકારે’ સૈનિકના માટીનાં પૂતળાં બનાવીને પ્રાણ પૂરી લડતમાં ઉપયોગ કરીને લડાઇ જીતી લીધી. આ ખુશાલીમાં ત્યાંના રાજા-પ્રજા-સૈન્યે કુંભકારમાં નામ પરથી ‘શાલીવાહન શક’ નામે સંવત સર શરૂ કરી. શાલીવાહનના પ્રદાનને ચિરંજીવ સ્મૃતિમાં, સામાજિક વ્યવહાર અમલમાં ચાલુ રાખવા નામ આપ્યું રાખ્યું ‘ગૂડી પડવો’. ગૂડીનો અર્થ થાય છે વિજયધ્વજ, વિજય પતાકા અને પડવો એટલે સુદ એકમ. આથી ચૈત્ર સુદ-૧ને ગૂડી પડવો કહેવાય છે. ચૈત્રી નવરાત્રિના નવ નોરતા પણ આ જ દિવસે શરૂ થાય છે.

સમગ્ર બ્રહ્માંડ અણુએ અણુમાં વ્યાપ્ત ચૈતન્યતા બક્ષતી પરામ્બિકા શક્તિનું પૂજન મા દુર્ગા સ્વરૂપે થાય છે. ચૈત્ર માસનાં સુદ એકમ (આ વર્ષે ૨૫ માર્ચ)થી પ્રારંભ થતી ચૈત્રીય નવરાત્રિ શક્તિ ઉપાસનાનો શુભ - શ્રેષ્ઠ સમય છે. વર્ષભરમાં ચાર વખત નવરાત્રિ પર્વ આવે છે. નવરાત્રિને 'નવાહ્મ યજ્ઞા' પણ કહે છે. મા જગદંબાની આરાધના માટેની નવરાત્રિનો યજ્ઞ ગણાયો છે.

ચૈત્રી નવરાત્રિ ‘ગુપ્ત નવરાત્રિ’ ગણાય છે. સાધના નવરાત્રિ ગણાય છે. આ સાધના નવરાત્રિને ગૂડી પડવાની કથા સાથે સાંકળાવામાં આવે છે. આ જ દિવસે ભગવાન રામે વાલીવધ કરેલો. જાંબવને હનુમાનજીને શક્તિ બળ યાદ કરાવીને, સમુદ્ર પાર કરવાની હિંમત જગાવેલી હતી. આ જ દિવસે ગૂડી પડવાનું પર્વ ‘યુદ્વ જીત પર્વ’ - વિજય દિન પર્વ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણી કરીને ફરી માતાજીની સાધના, ઉપાસના, મંત્રજાપ, અનુષ્ઠાનના માધ્યમથી યુદ્વમાં વપરાયેલી શક્તિની પુનઃ પ્રાપ્તિ માટે નવ દિવસનું ગુપ્ત નવરાત્રી અનુષ્ઠાન કરવામાં આવે છે.

મા જગદંબાની શક્તિ એટલે સમગ્ર બ્રહ્માંડની શક્તિ મનાય છે. આથી જ મનુષ્ય માતાની શક્તિને અખંડ શક્તિ કહે છે, જે બ્રહ્માંડનું સંચાલન કરે છે. મા જગદંબા સ્વરૂપ સમગ્ર બ્રહ્માંડની પ્રકૃતિ ઉત્પન્ન કરીને માની શક્તિમાં લય કરે છે. આથી જ શાસ્ત્રોમાં જગદંબાની શક્તિને આદ્યશક્તિ એટલે અનાદિશક્તિ કહી છે. એમની અપારશક્તિ પૃથ્વી ઉપર દસેય દિશાએ તથા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે. આથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ આ શક્તિની પૂજા કરે છે.

માર્કન્ડ મુનિએ શક્રાદયની બીજી સ્તુતિમાં મા જગદંબાનો વિરાટ અર્થ આપી તેમની શક્તિનું વર્ણન કર્યું છે. આ સ્તુતિમાં મા અંબા શબ્દનો ભાવાર્થ જણાવાતાં કહેવાયું છે, જે પાલનપોષણ કર્તા છે. તે સર્વેને વિશાળ અર્થમાં મા કહે છે. એટલે જ બ્રહ્માંડની અંદરની જે શક્તિ મનુષ્યનું પાલન કરી શકે છે તે સર્વશક્તિ જગદંબા છે. આથી જ ઋષિઓએ તેમને મા અંબા નામ આપીને પ્રાર્થના કરે છે, ‘હે મા જગતજનની! સમગ્ર બ્રહ્માંડની ભીતર દેવ સ્વરૂપ શક્તિ છે તે તારા આશીર્વાદથી પ્રાપ્ત થઈ છે. સર્વ લોકોનું કલ્યાણ કરનારી શક્તિ સ્વરૂપમાં જગદંબાને પ્રણામ કરીએ છીએ.’ શક્તિસ્વરૂપ જગદંબાને પામવાનું સર્વમય, માનવીનાં સર્વગુણનો આધાર, નિર્વિકાર, નિત્ય, નિરંજન છે.

આ સર્વે ઋષિ જ્યારે મા જગદંબાને પૂછે છે કે હે દેવી! તમે ખરેખર કોણ છો? ત્યારે માએ ઉત્તર આપતા જણાવ્યું: ‘આ સમગ્ર બ્રહ્માંડ મારી જ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયું છે ને મારામાં લય થાય છે. જગતમાં જે કંઈ સારું કે નરસું છે તે સર્વ મારી પ્રકૃતિ જ છે. હું બુદ્ધિશાળી વ્યકિતની શુદ્ધ બુદ્ધિમાં વસું છું, તેમના જીવનમાં હું આનંદ સ્વરૂપ છું. જ્યારે મલિન વૃતિ ધરાવતા મનુષ્ય માટે દુઃખ સ્વરૂપ છું. વિશ્વનાં વિકાસનાં વિજ્ઞાનનું સ્વરૂપ હું છું. અજ્ઞાાનીઓમાંના અજ્ઞાાનને દૂર કરી, જ્ઞાાનનો પ્રકાશ ફેલાવનાર હું જ છું. હું શક્તિ તથા બ્રહ્મસ્વરૂપ છું. માનવીનાં જન્મ-મૃત્યુનું કાળ ચક્ર હું છું.’

માઈ ભક્તો ચૈત્રીય નોરતામાં વિશેષ દૂર્ગાપૂજા કરે છે કેમ કે સંસારમાંની માયામાં ઓતપ્રોત મનુષ્યને સદ્બુદ્ધિ આપવા દુર્ગા સ્વરૂપ માતાની પૂજા આવશ્યક છે. જેથી માનવજીવનમાં શુદ્ધ - કલ્યાણની ભાવના ઉત્પન્ન થાય.

‘દુર્ગાયૈ દુર્ગા પારાયે સારાયે સર્વકારિણ્યે ।

ઋચાત્વે તર્થવ કૃષ્ણાર્થે દ્યુમાથૈ સતત નમ: ।।

(અર્થાત્ હે દેવીમા! દુર્ગમ સંક્ટને પાર કરનાર સદ્બુદ્ધિ આપનાર આપ જ છો. આવી શુદ્ધ બુદ્ધિથી અમારા મનમાં શુભ વિચારો ઉત્પન થાય એવી અમને પ્રકૃતિ આપો. જેનાથી અમારા જીવનમાં મલિન વિચારો દૂર થાય અને સારા વિચારો આવે. આવા દુર્ગા સ્વરૂપ દેવીને હું નમસ્કાર કરું છું.)

દૈવી શક્તિની સાધના એ સત્વશીલ અને કલ્યાણકારી ઉપાસના મનાય છે. પરમ પ્રકાશની ઝાંખી કરવા તથા પ્રેરણા પૂંજની પ્રાપ્તિ કાજે માતા જગદંબાનું ધ્યાન, અર્ચન, પૂજન, ચિંતન-મનન ઉત્તમ માર્ગ છે. દૈવી શક્તિરૂપી નાવથી જીવનના મહાસાગરની અનંતતા તથા અગાધતાને પાર કરી શકાય છે. આવી શક્તિની ભક્તિ માનવ- જીવન ઉજ્જવળ બનાવે છે. તેના આત્માને પ્રકાશિત કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter