પરમ કલ્યાણકારી પર્વઃ મહા શિવરાત્રિ

પર્વવિશેષ

Wednesday 07th February 2018 01:40 EST
 
 

શિવરાત્રિનું પર્વ એ ભારતીય જનજીવન ઉપર વિશેષ પ્રભાવ પાડનાર મહાન પર્વ છે. ભારતમાં જ નહીં, વિશ્વભરમાં જ્યાં જ્યાં ભારતીય જઇ વસ્યો છે ત્યાં ત્યાં શિવાલયો આવેલાં છે. આથી જ પરમ પિતા શિવ પરમાત્માના દિવ્ય અવતરણનું યાદગાર પર્વ મહાશિવરાત્રિ (આ વર્ષે ૧૩ ફેબ્રુઆરી) દેશવિદેશમાં ધામધૂમથી ઊજવાય છે.

શિવરાત્રિના સંદર્ભમાં શિકારી અને હરણાંની વાર્તા પ્રચલિત છે. શિકારી હરણીનો શિકાર કરવા તત્પર બને છે ત્યારે હરણી કહે છે કે હું મારાં બાળકોને મળીને આવું, તેટલી મને રજા આપ. પછી હું તારા શિકાર માટે હાજર થઈશ. શિકારી એ વાત માની ગયો. જંગલમાં રાત્રિનો સમય સલામતીથી વિતાવવા શિકારી બીલીના વૃક્ષ ઉપર ચઢી ગયો. રાત્રિ દરમિયાન તે પાંદડાં તોડીને નીચે ફેંકવા લાગ્યો. આ વૃક્ષ નીચે શિવલિંગ આવેલું હતું. બીજી તરફ, હરણીએ ઘેર જઈને શિકારી સાથેની વાતચીત કહી સંભળાવી. હરણી, હરણ અને હરણબાળ સૌ સમર્પણ માટે તૈયાર થયાં. તે સૌ વાયદા મુજબ શિકારી પાસે આવ્યાં. રાત્રિનો ઉપવાસ અને શિવલિંગ ઉપર બીલીપત્ર ફેંકતાં શિકારીના હૃદયમાં પરિવર્તન થયું હતું. તેવામાં મરવા તત્પર બનેલા હરણ પરિવારને જોતાં તેને આશ્ચર્ય થયું. તેનાથી તે પ્રસન્ન થયો. તેણે સાચાબોલાં હરણાંને જીવતદાન આપ્યું. એમ કહેવાય છે કે આ ઘટનાથી શિકારી અને હરણાં સ્વર્ગવાસી થયાં.

હવે પ્રશ્ન એ થાય છે કે આટલા મહાન પર્વના મૂળમાં માત્ર આ ઘટના જ હોઈ શકે? વાસ્તવમાં શિવરાત્રિ એ પરમાત્માના દિવ્ય અવતરણનો મહાન યાદગાર દિવસ છે. શિવરાત્રિના તહેવાર સાથે શિવ+રાત્રિ એમ બે શબ્દો સંકળાયેલા છે. તેને શંકરરાત્રિ કહેવાતી નથી. તે વસ્તુ સ્પષ્ટ કરે છે કે શિવ અને શંકરમાં અંતર છે. બ્રહ્મા, વિષ્ણુ અને શંકર દેવતા છે. જ્યારે શિવ પરમાત્મા છે.

શિવલિંગ ઉપર ત્રણ આડી લીટીઓ કરવામાં આવે છે તે આ ત્રણ દેવતાઓની સૂચક છે. જ્યારે વચ્ચે કરાતું તિલક એ નિરાકાર શિવ પરમાત્માનું પ્રતીક છે. આથી જ શિવને ત્રિમૂર્તિ શિવ કહેવાય છે અર્થાત્ બ્રહ્મા, વિષ્ણુ અને શંકરના પણ રચયિતા છે.

શિવરાત્રિના તહેવારમાં જે કર્મકાંડનું, ધાર્મિક ક્રિયાઓનું આચરણ થાય છે તેની પાછળ પણ આધ્યાત્મિક રહસ્ય રહેલું છે. શિવરાત્રિના દિવસે જાગરણ કરવામાં આવે છે. આ જાગરણ તો માત્ર પ્રતીક છે. તે માત્ર એક રાત્રિનું સ્થૂળ જાગરણ નથી, પણ આ સંગમયુગમાં આત્માની જ્યોતિ જગાડવાનું, આત્માને જાગૃત કરવાનું સૂચન કરે છે. વિકારોની કાલિમામાંથી મુક્ત થઈને આત્માને સતોપ્રધાન બનાવવાના પુરુષાર્થનું તે સૂચન કરે છે.

શિવરાત્રિ નિમિત્તે થતો ઉપવાસ એ શિવ પરમાત્માની સમીપ જવાનું સૂચન કરે છે. પરમાત્મા શિવ સૂર્ય, ચંદ્ર, તારાગણોથી પણ પાર આવેલા લાલ પ્રકાશમય પરમ ધામના નિવાસી છે. તેથી ઉપવાસ નિમિત્તે આપણી બુદ્ધિને સાંસારિક સંબંધો, પદાર્થોથી અલિપ્ત કરીને તે પિતા પરમાત્મા સાથે બુદ્ધિયોગ જોડવાનું સૂચન કરે છે. પરમાત્માની સમીપ બુદ્ધિથી વાસ કરવાનો સંકેત કરે છે. પ્રાચીન કાળમાં ઋષિમુનિઓ કંદમૂળ ખાઈને ભોજનની આસક્તિ વિના ધ્યાન, ભક્તિ, પૂજા, પ્રાર્થના, તપસ્યા કરતા હતા. શિવરાત્રિમાં કંદમૂળનો ઉપયોગ થાય છે. જ્યારે માણસ જીભના અને અન્ય કર્મેન્દ્રીયોના વિકારી પ્રભાવથી મુક્ત થાય છે, સાત્વિક આહાર લે છે ત્યારે જ તે સાધનાપથમાં પ્રગતિ કરી શકે છે. જેમાં જિહવારસને જીતવો તે મહત્ત્વની બાબત છે.

શિવની પૂજામાં ધતૂરો, કરેણ, બીલીપત્ર આદિ પુષ્પો ચઢાવવામાં આવે છે તે આત્માઓનું સૂચન કરે છે. પરમાત્માના દિવ્ય અવતરણ સમયે આત્માઓ પતિત, વિકારી બની ગયા હોય છે. તેમનામાં દિવ્યતાની કોઈ સુગંધ અસ્તિત્ત્વ ધરાવતી નથી. આવા આત્માઓ પરમાત્માને ઓળખીને, પરમાત્મા ઉપર સ્વયંનું સમર્પણ કરે છે. ઈશ્વરીય કાર્યમાં તન, મન, ધનનું સમર્પણ કરે છે. ત્યાગ, તપસ્યા, સેવાની ત્રિવેણી દ્વારા ઈશ્વરીય કાર્યમાં સહયોગી બને છે.

આ દિવસે ભાંગ પીવામાં આવે છે, પણ તેનું રહસ્ય ભુલાઈ ગયું છે. નશીલી ચીજ લેવી તે સાધના નથી, પણ પરમાત્માની યાદથી આત્મા જે અતિન્દ્રીય સુખનો નશો અનુભવે છે, આત્માનંદની, દિવ્યાનંદની અનુભૂતિ કરે છે તે જ સાચો નશો છે. ભાંગ પીવી નહીં, એ તો તેનું બાહ્યરૂપ છે તેના આંતરિક સૂક્ષ્મ સ્વરૂપને આપણે ભૂલી ગયા છીએ.

શિવલિંગ ઉપર જળાધારી રાખવામાં આવે છે. શિવલિંગ ઉપરનો ઘડો એ આત્માનું સૂચન કરે છે. ઈશ્વરીય જ્ઞાન, યોગાભ્યાસથી આત્મામાં સતત જ્ઞાન ટપકતું રહે. પરમાત્માની યાદ નિરંતર રહે તેનું પ્રતીક જળાધારી છે. નિરંતર ઈશ્વરીય યાદ એ જ પરમાત્માને કરવામાં આવતો સાચો અભિષેક છે.

શિવના મંદિરમાં પોઠિયો રાખવામાં આવે છે તે પ્રજાપિતા બ્રહ્માનું સૂચન કરે છે. પરમાત્મા આ ભાગ્યશાળી રથમાં પ્રવેશ કરીને પોતાનું સ્વર્ગ સ્થાપનાનું કાર્ય કરાવે છે. જ્યારે મંદિરમાં રાખવામાં આવતું કાચબાનું પ્રતીક એ સ્થિતપ્રજ્ઞ જિતેન્દ્રીય કર્મયોગીનું સૂચન કરે છે. મંદિરમાં રાખવામાં આવતી ગણપતિની મૂર્તિ એ શિવસુત, ગુણોના પતિ, શ્રેષ્ઠ યોગીની યાદગાર છે. જ્યારે અંબિકાદેવીની મૂર્તિ એ પરમાત્માના કાર્યમાં મહત્ત્વનું પ્રદાન કરનાર, શક્તિસેનાના સેનાની માતેશ્વરી જગદંબા સરસ્વતીજીની યાદગાર છે. જે યોગી જીવનમાં એક પિતા પરમાત્માની જ યાદમાં મગ્ન રહે છે, યાદ અને સેવા જેનો જીવનમંત્ર છે, દેહના સર્વ સંબંધો ભૂલીને જે પરમાત્માને સર્વસ્વ અર્પણ કરે છે તેની યાદરૂપે હનુમાનજીની મૂર્તિ શિવાલયમાં રાખવામાં આવે છે.

શિવાલયમાં રાખવામાં આવતો ઘંટ એ આત્માને અજ્ઞાનના અંધકારમાંથી જાગવા માટેનું અને સંગમયુગના શ્રેષ્ઠ સમયને ઓળખવાનું સૂચન કરે છે. કુંભકર્ણની જેમ અજ્ઞાન નિદ્રામાં સૂતેલા માનવોને જ્ઞાનઘંટ વગાડીને જગાડી શકાય છે. શિવાલયની પાછળ કરાતી પ્રદક્ષિણા એ સૃષ્ટિચક્રનું સૂચન કરે છે.

શ્રીરામે રામેશ્વરમાં શિવલિંગની પૂજા કરી. ગોપેશ્વરમમાં શ્રીકૃષ્ણે શિવલિંગની પૂજા કરી છે. શંકર પણ શિવપિતાનું ધ્યાન ધરે છે. દુનિયાના સર્વધર્મોમાં નિરાકાર શિવપિતાની યાદ વિવિધ સ્વરૂપે છે. સુપ્રસિદ્ધ બાર જ્યોતિર્લિંગો સોમનાથ, મલ્લિકાર્જુન, કેદારનાથ, વિશ્વેશ્વર, રામેશ્વર, મહાકાલ, ત્ર્યંબકેશ્વર, ઓમકાર, ભીમાશંકર, ધૃષ્મેશ્વર, નાગનાથ અને વૈદ્યનાથ અને સર્વ શિવાલયો પણ નિરાકાર જ્યોતિર્બિન્દુ શિવ પરમાત્માની યાદ અપાવે છે. તો આજના પવિત્ર દિવસે આપણે સૌ વિકારો, વ્યસનો, ખરાબ આદતોની આહુતિ આપીને આ નરકની દુનિયાને સ્વર્ગીય દુનિયા બનાવવામાં સહયોગ આપીએ એ જ શિવરાત્રિની યથાર્થ ઉજવણી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter