પુષ્ટિમાર્ગના સંસ્થાપક શ્રીમદ્ વલ્લભાચાર્યજી

પર્વ વિશેષ

Friday 21st April 2017 06:55 EDT
 
 

પુષ્ટિમાર્ગના સંસ્થાપક શ્રીમદ્ વલ્લભાચાર્યજીનું પ્રાગટય ચૈત્ર વદ એકાદશી (આ વર્ષે ૨૨ એપ્રિલ)ના રોજ વિક્રમ સંવત ૧૫૩૫ (ઈસવી સન ૧૪૭૮)માં થયું હતું. તેમના પિતા લક્ષ્મણ ભટ્ટ અને માતા ઇલ્લમ્માગારુ હતાં. તેમના પરિવારનું મૂળ સ્થાન આંધ્ર પ્રદેશના ખમ્મનની નજીક કાંકરવાડા નામનું ગામ હતું. તેઓ તૈલંગ બ્રાહ્મણ હતા અને ગોત્ર ભારદ્વાજ હતું.

શ્રીમદ્ વલ્લભાચાર્યજીનો પરિવાર ધાર્મિક નિષ્ઠાવાળો હતો. લક્ષ્મણ ભટ્ટથી પાંચ પેઢી પહેલાં યજ્ઞાનારાયણ ભટ્ટે ૩૨ સોમયજ્ઞા કર્યા. તેમના પુત્ર ગંગાધન ભટ્ટે ૨૮, તેમના પુત્ર ગણપતિ ભટ્ટે ૩૦, તેમના પુત્ર બાલમ ભટ્ટે પાંચ અને તેમના પુત્ર લક્ષ્મણ ભટ્ટે પાંચ સોમયજ્ઞા કર્યા. આ રીતે ૧૦૦ સોમયજ્ઞા પૂરા થયા.

યજ્ઞાનારાયણને એ વરદાન મળ્યું હતું કે સો સોમયજ્ઞા સંપન્ન થશે ત્યારે તમારા વંશમાં ભગવાનનું અવતરણ થશે. વલ્લભાચાર્યજીના પિતા શ્રી લક્ષ્મણ ભટ્ટના સમયમાં એકસો સોમયજ્ઞા પૂરા થયા અને તેમને ત્યાં શ્રી વલ્લભાચાર્યનું પ્રાગટય થયું.

પ્રાગટય

લક્ષ્મણ ભટ્ટ અને પત્ની ઇલ્લમ્માગારુ કાંકરવાડાથી તીર્થયાત્રા કરતાં કાશી પહોંચ્યાં અને અહીં જ નિવાસ કર્યો. લક્ષ્મણ ભટ્ટના પુત્ર રામકૃષ્ણ અને બે પુત્રીઓ સરસ્વતી અને સુભદ્રા હતી. ઇલ્લમ્માગારુ સગર્ભા હતાં. ત્યારે કાશી પર યવનોનું આક્રમણ થવાની જોરદાર અફવા ફેલાઈ. આ સ્થિતિમાં લક્ષ્મણ ભટ્ટે કાશી છોડી દેવાનો નિર્ણય કર્યો અને પોતાની પત્ની તથા પરિવાર સાથે નીકળી પડયા.

લાંબી થકવી નાખનારી અને કષ્ટદાયક યાત્રા તેમ જ માનસિક તણાવને કારણે ઇલ્લમ્માગારુને સાતમા મહિને મધ્ય પ્રદેશના રાયપુર જિલ્લામાં ચંપારણ્ય નામના વનમાં શમી વૃક્ષની નીચે પ્રસવ થયો. બાળકમાં ચૈતન્યનાં લક્ષણ કે હલચલ ન દેખાતાં તેઓ શિશુને મૃત સમજીને વૃક્ષના પાનમાં લપેટીને શમી વૃક્ષની બખોલમાં મૂકીને ચૌડા ગામમાં પહોંચ્યા. ત્યાં રાત્રે બંનેને સ્વપ્ન આવ્યું કે તેઓ જે નવજાત શિશુને મૃત સમજીને મૂકી આવ્યાં છે એ તો ૧૦૦ સોમયજ્ઞા પછી થનારું ભગવાનનું પ્રાગટય છે.

તેઓ ફરીથી ચંપારણ્ય આવ્યાં. ત્યાં આવીને જોયું તો જે સ્થાન પર શિશુ મૂકીને આવ્યાં હતાં તે સ્થાન પર અગ્નિએ ઘેરો બનાવેલો હતો. માતા ઇલ્લમ્માગારુ અગ્નિની ચિંતા ન કરતાં શિશુની પાસે પહોંચી ગયાં. તેમણે બાળકને ઉઠાવીને ગળે લગાવ્યું. આ દરમિયાન જાણવા મળ્યું કે કાશી પર આવેલું સંકટ ટળી ગયું છે, તેથી બધા જ લોકો પાછા કાશી પહોંચી ગયા.

કાશીમાં બાળકના નામકરણ સંસ્કાર કરવામાં આવ્યા અને વલ્લભ નામ રાખવામાં આવ્યું. પાંચ વર્ષે યજ્ઞોપવિત સંસ્કાર થયા. નાની ઉંમરમાં જ વલ્લભે વેદ-શાસ્ત્રોનું ઊંડું અધ્યયન કરી લીધું. પિતા તથા ગુરુજનો તેમની અસાધારણ પ્રતિભા જોઈને આશ્ચર્યચકિત હતા.

દીક્ષા

શ્રી રુદ્રસંપ્રદાયના શ્રી વલ્વમંગલાચાર્યજી દ્વારા તેમને અષ્ટાદશાક્ષર ગોપાલ મંત્રની દીક્ષા આપવામાં આવી. ત્રિદંડ સંન્યાસની દીક્ષા સ્વામી નારાયણેન્દ્રતીર્થ પાસેથી પ્રાપ્ત થઈ.

શ્રીમદ્ વલ્લભાચાર્યજીના મત અનુસાર, ત્રણ સ્વીકાર્ય તત્ત્વ છે - બ્રહ્મા, જગત અને જીવ. બ્રહ્મનાં ત્રણ સ્વરૂપ વર્ણિત છે. આધિદૈવિક, આધ્યાત્મિક તથા અંતર્યામી રૂપ. અનંત દિવ્ય ગુણોથી યુક્ત પુરુષોત્તમ શ્રીકૃષ્ણને જ પરબ્રહ્મ સ્વીકારતાં તેમણે મધુર રૂપ તથા લીલાઓને જ જીવમાં આનંદના આવિર્ભાવનો સ્ત્રોત માનવામાં આવ્યો છે. જગત બ્રહ્મની લીલાનો વિલાસ છે.

વિવાહ

દ્વિતીય ધર્મપ્રચાર પ્રવાસ સમયે પંઢરપુરમાં શ્રીમદ્ વલ્લભાચાર્યજીને ભગવાન શ્રી વિઠ્ઠલનાથજીએ ગૃહસ્થાશ્રમ સ્વીકાર કરવાની આજ્ઞા આપી. ભગવદ્ આજ્ઞાને અનુસરીને વલ્લભાચાર્યજીએ કાશી આવીને દેવન ભટ્ટના સુપુત્રી મહાલક્ષ્મીજી સાથે વિવાહ કર્યા. સમય વીતતાં તેમને ત્યાં ગોપીનાથ તથા વિઠ્ઠલનાથ નામના બે પુત્ર થયા. ત્યારબાદ તેઓ ત્રીજી વાર પ્રવાસ પર નીકળી ગયા.

મહાપ્રભુજીનું ગૃહસ્થજીવન આદર્શમય હતું. તેમનામાં લૌકિકતા પ્રત્યે આસક્તિ નહોતી. સ્વતંત્ર ભક્તિમાર્ગના સંસ્થાપક હોવા છતાં પણ તેમણે વૈદિક મર્યાદાઓનું પાલન કર્યું હતું અને ત્રણ સોમયજ્ઞા કર્યા હતા.

૮૪ બેઠકો

શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ ત્રણ વાર ખુલ્લા પગે ભારત ભ્રમણ કર્યું તથા વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કરીને પોતાના સિદ્ધાંતોનો પ્રચાર કર્યો. આ ત્રણ યાત્રાઓ લગભગ ૧૯ વર્ષમાં પૂરી થઈ. પ્રવાસ દરમિયાન તેમણે ભીડભાડથી દૂર કોઈ એકાંતમાં કે કોઈ જળાશયના કિનારા પર મુકામ કર્યો. તેમણે જ્યાં શ્રીમદ્ ભાગવત પારાયણ કરી તે સ્થાનો આજે બેઠકના નામથી ઓળખવામાં આવે છે. તેમની ૮૪ બેઠકો પ્રસિદ્ધ છે.

સંન્યાસ

શ્રીમદ્ વલ્લભાચાર્ય ગૃહસ્થાશ્રમની મનોહર વાટિકામાં વધારે દિવસ સુધી આનંદિત ન રહી શક્યા, તેથી સુબોધિનીનું કાર્ય પૂરું થતાં જ પત્નીની આજ્ઞા મેળવી સંન્યાસ-દંડ ધારણ કર્યું. સંન્યાસ લીધા પછી તેઓ કાશીમાં હનુમાન ઘાટ પર રહેવા લાગ્યા.

થોડા સમય પછી બંને પુત્ર પિતાના દર્શનાર્થે આવ્યા, પરંતુ તેમણે મૌન ધારણ કર્યું હતું. આથી વાતચીત ન કરતાં ગંગાજીની રેત પર સાડા ત્રણ શ્લોક દ્વારા શિક્ષા આપી. આ શ્લોક ‘શિક્ષા શ્લોકો’ના નામથી વિખ્યાત છે.

શ્રીનાથજી પ્રાગટય

ભગવત પ્રેરણાથી તેઓ વ્રજમાં ગોકુળ પહોંચ્યા અને ગોવિંદ ઘાટ પર વિશ્રામ કર્યો. રાત્રે તેઓ ચિંતન કરી રહ્યા હતા કે જીવ સ્વભાવથી જ દોષોથી ભરેલો છે. તેને પૂર્ણ નિર્દોષ કેવી રીતે બનાવી શકાય? પરમ કૃપાળુ આચાર્યશ્રીને શ્રાવણ સુદ એકાદશીની મધ્ય રાત્રિએ પ્રભુશ્રી ગોવર્ધનધરણનો આદેશ થયો કે બ્રહ્મસંબંધથી જીવોના બધા જ પ્રકારના દોષોની નિવૃત્તિ થઈ જશે. તેમણે આજ્ઞાને શિરોધાર્ય કરી. પ્રભુને પવિત્રા ધરાવીને મિસરીનો ભોગ ધરાવ્યો અને પ્રાતઃકાળે પોતાના પ્રિય શિષ્ય દામોદરદાસ હરસાનીને બ્રહ્મસંબંધની દીક્ષા આપી. આ દિવસથી તેમણે પુષ્ટિ સંપ્રદાયમાં દીક્ષાનો શુભારંભ કર્યો.

ભગવદ્ આજ્ઞાનું પાલન કરીને તેઓ આન્યોર ગામમાં પધાર્યા. ત્યાં તેમને ગોવર્ધનધારી શ્રીનાથજીના પ્રાગટયની વાતની જાણ થઈ. તેઓ સદુપાંડેના ચબૂતરા પર આવીને બિરાજ્યા. ત્યારબાદ તેઓ ગિરિરાજ પર જઈને પ્રભુ ગોવર્ધનધરણનાં દર્શન કરવા પધાર્યા. પ્રભુ પોતાના પ્રિયને મળવા માટે સ્વયં કંદરાથી બહાર પધાર્યા. પ્રભુ અને ભક્ત બંનેનું અદ્વિતીય પરસ્પર મિલન થયું અને બંને આલિંગનબદ્ધ થઈ ગયા. શ્રીમદ્ વલ્લભાચાર્યજીએ શ્રીનાથજીની સેવાપ્રણાલી નિશ્ચિત કરી અને સંવત ૧૫૭૬માં શ્રીનાથજીના ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું.

પરમધામ ગમન

શ્રી વલ્લભાચાર્યજીની પરમધામ જવાની ઘટના જાણીતી છે. પોતાના જીવનનાં સમસ્ત કાર્યો સમાપ્ત કરીને એડૈલથી પ્રયાગ થઈને તેઓ કાશીમાં આવી ગયા હતા. એક દિવસ તેઓ હનુમાન ઘાટ પર પહોંચીને સ્નાન કરવા લાગ્યા. તેઓ જે જગ્યાએ ઊભા રહીને સ્નાન કરી રહ્યા હતા ત્યાં એક ઉજ્જ્વળ જ્યોતિ જોવા મળી અને અનેક લોકોની સામે શ્રી વલ્લભાચાર્યજી સદેહ ઉપર ઊઠવા લાગ્યા. જોતજોતામાં તેઓ આકાશમાં લીન થઈ ગયા.

હનુમાન ઘાટ પર પણ તેમની એક બેઠક બનેલી છે. તેમનું મહાપ્રયાણ વિક્રમ સંવત ૧૫૮૭માં અષાઢ સુદ બીજના દિવસે થયું. તે વખતે તેમની ઉંમર બાવન વર્ષ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter