ભક્તિમાર્ગના યાત્રિકો છે પ્રાચીન સંસ્કૃતિના સંવાહકો

Tuesday 05th April 2016 09:35 EDT
 

‘માડી એક-બે ભજન તો સંભળાવો...’ ભાવનાએ કહ્યું અને જવાબ જોરદાર મળ્યો, ‘મને અંદરથી ઊપડે અને ભાવ જાગે તો ગાઉં...’
લંડનથી પોતાના પિયરના ગામ અમદાવાદમાં દીકરાને લઈને ભાવના એકાદ મહિનો રહેવા આવી હતી. દીકરો ચારેક વર્ષ બાદ ભારત આવી રહ્યો હતો. ગુજરાતી ભાષા, ગુજરાતી ભોજન અને રીતરિવાજોના વાતાવરણ વચ્ચે ઉછરેલા યુવાન દીકરાને થોડું વધુ ગુજરાત વિશે જાણવા મળે - શીખવા મળે એ હેતુથી ભાવના એને વિધવિધ સ્થાનોના પ્રવાસ કરાવતી.
આવા જ એક પારિવારિક સ્નેહીને ત્યાં અમદાવાદ નજીક જતા વખતે પહેલા તેઓ જાણીતા તીર્થસ્થાન વૈષ્ણોદેવીની પ્રતિકૃતિરૂપ બનેલા એસ. જી. હાઈવે પરના વૈષ્ણોદેવી મંદિરે ગયા. ભાવપૂર્વક દર્શન કર્યા અને પછી નજીકના ઓગણજ ગામે આવેલા ફ્લેટમાં રહેતા સ્નેહી કોકિલાબાને મળવા ગયા.
એંસીની વયે પહોંચેલા કોકિલાબાના હૈયે વાત્સલ્યનો મહાસાગર ઉમટ્યો. ખૂબ વાતો કરી, ત્યાં કીચન એરિયામાંથી વૃદ્ધ માજીનો સ્વર સંભળાયો, ‘ચા-નાસ્તાના વાસણ આપી દો તો માંજી નાખું’ અને ભાવનાએ કહ્યું, ‘અરે, આ તો ભાનુમા જ લાગે છે.’ પરિવારની પુત્રવધૂએ કહ્યું, ‘હા, તમે છેલ્લે આવ્યા ત્યારે મળ્યા હતાને, જુઓને તમે કેવા સરસ ફોટા પાડ્યા હતા...’ અને થોડી વારે ભાનુમા બેઠક રૂમમાં સહુને મળવા આવ્યા. ભાવના પગે લાગી. ભાનુમાએ આશીર્વાદ આપ્યા. સાથે દીકરાને આવેલો જોઈ રાજી થયા અને તળપદી ભાષાના મિજાજે વાતોએ વળગ્યા.
‘અમારે ભાનુમા વિના એકે ય દિવસ ન ચાલે, એ આવે એટલે ઘરમાં સહુને આનંદ થઈ જાય.’
‘અરે બેન શું લઈને જવાના? આ તમે પ્રેમ આપો છે ને યાદ કરો છો બહુ થયું...’ ભાનુમાએ કહ્યું.
‘અમારા ભાનુમા કામ કરતા કરતા રેડિયો પણ સાંભળે ને ભજન પણ બહુ સરસ ગાય હોં!’ ઘરની પુત્રવધૂએ કહ્યું. સાંભળીને ભાવનાએ લેખના આરંભે લખેલો સંવાદ કર્યો.
‘અરે બેન, મારે તો જુઓ છોકરાવે મોબાઈલ લઈ આલ્યો, એમાં ભજન ગોઠવી આલ્યા... તે હેઈને ભજનો સાંભળતી જાવ ને મારા કામ કરતી જાઉં.’
આર્થિક રીતે રળવા જવાની કોઈ આવશ્યક્તા નહીં, બાળકો ખૂબ સાચવે, પરંતુ આખો દિવસ પસાર ક્યાં કરવો? એ પ્રશ્નના જવાબરૂપ ભાનુમા બે-ત્રણ ઘરના કામ કરે. આ પરિવારો પણ એને યોગ્ય સન્માન આપે. કુદરતે મીઠો અવાજ આપેલો, એટલે હવે ઢળતી ઉંમરે ગામના મંદિરમાં સાંજે આરતી બાદ બે-ચાર ભજન તો ભાનુમા ગાય અને બાકીના સહુ ઝીલે. ભજનમાં એમના હૃદયનો ભાવ ભળે અને ક્યારેક તો આંખમાંથી અશ્રુ પણ ઝરે. આસો અને ચૈત્રિ નવરાત્રિના દિવસોમાં માતાજીના પદો અને પ્રાચીન ગરબા ગાય ત્યારે આસપાસના વાતાવરણમાં એક ગ્રામીણ વૃદ્ધાના અવાજની મીઠાશ અને ભક્તિ પ્રસરી જાય.
‘હાલો ત્યારે, દીકરા હારે મારો એક ફોટો પાડી લ્યો...’ કહીને હસતા હસતા ભાનુમા સાથે સહુએ ફોટો પડાવ્યો ને ભાનુમા વિદાય થયા.

•••

ચૈત્રિ નવરાત્રિના દિવસો આવ્યા એટલે હમણાં જ બનેલી આ ઘટનાનું સ્મરણ થયું.
ગુજરાતના ગામડાંઓમાં અને શહેરોની નજીકના ગામોમાં આજે પણ મંદિરોમાં સવાર-સાંજ આરતી બાદ ભજનો ગવાય છે. કોઈ પણ પ્રકારની પ્રોફેશનલ તાલીમ વિના માત્ર નિજાનંદ માટે ગવાતા આ ભજનો અને તેના ગાયકો એક અદભૂત ભક્તિપૂર્ણ વાતાવરણ ઊભું કરી આપે છે.
પ્રાચીન ભજનવાણીના - ગરબાના મૂળ ઢાળને સાચવીને ગાતા આ ગાયકો ગુજરાતીની પ્રાચીન સંસ્કૃતિના સંવાહકો છે, ભક્તિમાર્ગના યાત્રીઓ છે અને ભજન પરંપરાની અમૂલ્ય ધરોહરને આગળ વધારવાનું કામ કરે છે. ભાંગતી રાત્રે કોઈ ભજનિકનો મીઠો સ્વર સંભળાય ત્યારે એના શબ્દો અને ભાવ થકી આપણા અંતરમનમાં અજવાળું રેલાય છે.
લાઈટ હાઉસ
શક્તિ નહીં તારી કળાય રે મા અંબિકા,
તું ચૌદ ભુવનમાં ગવાય રે મા અંબિકા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter