રક્ષાબંધનઃ નિર્મળ અને નિઃસ્વાર્થ પ્રેમનું પર્વ

Saturday 05th August 2017 08:10 EDT
 
 

અન્ય પર્વોની જેમ રક્ષાબંધન (આ વર્ષે ૭ ઓગસ્ટ) સાથે પણ પૌરાણિક કથાઓ જોડાયેલી છે. જે કથાઓ આજે બહુ પ્રસ્તુત ન લાગે તો પણ કહેવાતી રહેતી હોય. જે કથાઓ સમયના વિરાટ પરિવર્તનો છતાં ટકી ગઈ હોય તેની પાછળ કશુંક શક્તિશાળી તત્ત્વ હોવાની પૂરી શક્યતા છે. આવી કથાઓ તેના દેખીતા અર્થ કરતાં પ્રતીકો અને રૂપકો દ્વારા ઘણું વધારે કહેતી હોય છે. ઉપરાંત વાર્તા તરીકે તેની એક મઝા પણ હોય છે. બાળકોને તો ખૂબ મઝા પડે છે. આજે રક્ષાબંધન સાથે જોડાયેલી આવી જ કથાઓ જોઈએ.
સૌથી જાણીતી કથા કૃષ્ણ અને દ્રોપદીની છે. કૃષ્ણ અને દ્રૌપદીનો સંબંધ કોઈ એક નામમાં બંધાય તેવો નથી, પણ એક કથા એવી છે કે એક વાર કૃષ્ણ શેરડી છોલતા હતા ત્યારે તેમની આંગળી પર ચપ્પુ વાગી ગયું. રુક્મિણીએ સેવકને બૂમ પાડીને બાંધવાનું વસ્ત્ર મંગાવ્યું. સત્યભામા પોતે ઊઠીને પાટો શોધવા ગઈ, જ્યારે દ્રોપદીએ તત્ક્ષણ પોતાનું કિંમતી વસ્ત્ર ફાડીને કૃષ્ણની આંગળી પર પાટો બાંદ્યો. કૃષ્ણ પ્રસન્ન થયા અને દ્રોપદીને વચન આપ્યું કે તે મુશ્કેલીમાં હશે ત્યારે પોતે તેની સહાય કરશે. તેમને શબ્દ વાપરેલો અક્ષયમ્ - જેનો કદી ક્ષય ન થાય. કુરુસભામાં દ્રૌપદીનાં વસ્ત્ર ખેંચાયા ત્યારે કૃષ્ણે અસંખ્ય વસ્ત્રો પૂરા પાડીને દ્રૌપદીની રક્ષા કરી.
આ જ રીતે કૃષ્ણ અને સુભદ્રાની કથા પણ જાણીતી છે. ત્રેતા યુગમાં રાવણ સીતાને હરી ગયો ત્યારે લંકાના અશોક વનમાં ત્રિજટા નામની રાક્ષસી સીતાને સાંત્વન આપતી રહેતી. આ ત્રિજટાને રામે વરદાન માંગવાનું કહ્યું ત્યારે તેણે માંગ્યું કે દરેક યુગમાં પોતે પ્રભુની નજીક રહે. વિષ્ણુના અવતાર રામે ત્રિજટાને કહ્યું કે દ્વાપર યુગના અંતમાં હું કૃષ્ણ તરીકે જન્મ લઈશ ત્યારે તું મારી બહેન સુભદ્રા રૂપે જન્મ લેશે. સુભદ્રા અને કૃષ્ણ વચ્ચે અતૂટ દોસ્તી હતી. સુભદ્રા અને અર્જુન પરસ્પર આકર્ષાયાં ત્યારે કૃષ્ણએ બીજાઓનો વિરોધ વહોરી લઈને પણ બંનેને પરણાવી આપ્યા હતાં.
યમ અને યમુના આ બે ભાઈબહેન દ્વારા રક્ષાબંધનનો તહેવાર શરૂ થયો હોવાનું મનાય છે. યમુના, જેને આપણે પવિત્ર નદીના રૂપમાં જાણીએ છીએ અને મૃત્યુના દેવતા યમ સંબંધમાં સગાં ભાઈબહેન, પણ યમ સતત કામમાં રહે એટલે યમુનાને બહુ ઓછું મળી શકે. યમુનાએ યમ પાસે વચન લીધું કે વર્ષમાં બે વાર તેણે બહેન માટે સમય કાઢવો. એક વાર રક્ષાબંધન પર અને બીજી વાર ભાઈબીજ પર તેણે ચોક્કસ બહેને મળવું. યમે વચન આપ્યું અને પાળ્યું. તેણે બહેનને અમરત્વનું વરદાન આપ્યું અને એ વરદાન પણ આપ્યું કે આ દિવસે જે ભાઈ રક્ષા બંધાવશે અને બહેનની રક્ષા કરવાની પ્રતિજ્ઞા લેશે તેને અમરત્વનું વરદાન મળશે. રક્ષાબંધનના તહેવારની શરૂઆત યમ અન યમુનાએ કરી હતી એવું
મનાય છે.
લક્ષ્મી અને બલિની વાર્તા પણ જુદા જુદા સંદર્ભ સાથે મળે છે. ભગવાન વિષ્ણુ પોતાના ભક્ત રાજા બલિના દ્વારપાળ તરીકે લાંબો સમય રહ્યા ત્યારે લક્ષ્મી બલિ પાસે ગઈ અને પોતાને આશ્રય આપવા વિનંતી કરી. બલિએ તેને માનપૂર્વક આશ્રય આપ્યો. લક્ષ્મીનો વાસ થવાથી બલિની સંપત્તિ અને સમૃદ્ધિમાં ખૂબ વધાર થયો. બલિએ તેનો આભાર માન્યો. લક્ષ્મીએ બલિના કાંડા પર રાખડી બાંધી. બલિએ તેને કંઈક માગવાનું કહ્યું ત્યારે તેણે પોતાની અને પતિની ઓળખ આપી. વિષ્ણુ અને લક્ષ્મી બલિને ત્યાં વર્ષના ચાર મહિના આવવાનું વચન આપી સ્વર્ગમાં ગયા.
એક કથા સંતોષી માના જન્મની છે. ભગવાન ગણેશની બહેન મનસાએ એક શુભ દિવસે તેમના હાથમાં રક્ષા બાંધી. એ જોઈને ગણેશના બે પુત્રો શુભ અને લાભને પણ બહેન મેળવવાની ઇચ્છા થઈ. રિદ્ધિ અને સિદ્ધિના શરીરમાંથી પ્રગટેલી દિવ્ય જ્યોતિમાંથી ગણેશે એક સુંદર કન્યાનું સર્જન કર્યું. જેનું નામ રાખ્યું સંતોષી. આ કથાને કોઈ શાસ્ત્રીય આધાર નથી, પણ ૧૯૭૫ની ફિલ્મ ‘જય સંતોષી મા’ની સફળતા પછી આ વાર્તા શાસ્ત્રીય આધારવાળી વાર્તાઓ કરતાં પણ વધારે લોકપ્રિય બની ગઈ હતી.
ઇતિહાસમાં રક્ષાબંધનના બે બહુ જાણીતાં ઉદાહરણો છે. સિકંદર અને પોરસની વાર્તા આપણે જાણીએ છીએ. એ ઘટના ઇ.સ. પૂર્વે ૩૨૬માં બની હતી. કહે છે કે સિકંદર જ્યારે ભારત પર ચઢી આવ્યો હતો ત્યારે તેની રાણી રોક્સાનાએ ભાતના રાજા પોરસ પર ખાનગીમાં વણેલી દોરી મોકલી હતી અને સંદેશો આપ્યો હતો કે તમે ભારતવાસી આ દોરીને પવિત્ર માનો છો અને એ મોકલનાર સ્ત્રીને બહેન માની તેની રક્ષા કરો છો. હું તમારી પાસે વચન માગું છું કે તમે મારા પતિ સાથે યુદ્ધ ભલે કરો, પણ એનો જીવ નહીં લો. પોરસે એમ જ કર્યું અને રણમેદાનમાં મોકો મળ્યો તો પણ સિકંદરને માર્યો ન હતો. જોકે, તે હારી ગયો હતો. સિકંદરે તેની બહાદુરીની કદર કરી તેને ક્ષત્રપ બનાવ્યો હતો. સિકંદરના મૃત્યુ પછી પણ તે મેડિસિનિયાને વફાદાર રહ્યો હતો.
આવો જ દાખલો કર્ણાવતી અને હુમાયુનો છે. જે વધારે પ્રસિદ્ધ છે. મેવાડના રાણા સાંગાના મૃત્યુ પછી તેની રાણી કર્ણાવતી પુત્ર વિક્રમજિતના નામે રાજ્ય ચલાવતી હતી.
ગુજરાતના બહાદુરશાહે જ્યારે મેવાડ પર ચડાઈ કરી ત્યારે મુશ્કેલ સ્થિતિ ઊભી થઈ. બહાદુરશાહે પહેલા પણ એક વાર વિક્રમજિતને હરાવ્યો હતો. કર્ણાવતીએ એક ગુપ્ત પત્ર હુમાયુને મોકલ્યો અને પોતાને બહેન માની રક્ષા કરવાની વિનંતી કરતાં રાખડી પણ મોકલી. દરમિયાન મેવાડના રજપૂતોએ બહાદુરશાહ સામે લડી લેવાનો ફેંસલો કર્યો. હુમાયુને પત્ર મળતાં તેને નવાઈ લાગી. કર્ણાવતીનો પતિ રાણા સાંગા ૧૫૨૭માં હુમાયુના પિતા અકબરના હાથે એક લડાઈમાં માર્યો ગયો હતો. હુમાયુ પોતે પણ ફોજ લઈને લડવા નીકળેલો હતો. તેણે કર્ણાવતીનું માન રાખવાનો નિર્ણય કર્યો અને પોતાની ફોજની દિશા બદલી નાખી. તે પહોંચ્યો ત્યારે મેવાડ હારી ચૂક્યું હતું. પદ્માવતીએ જૌહર કરી લીધું હતું. હુમાયુએ બહાદુરશાહને હરાવી મેવાડથી હાંકી કાઢ્યો અને કર્ણાવતીના પુત્ર વિક્રમજિતને ગાદી સોંપી.
સંબંધોની દુનિયામાં ભાઈબહેનના સંબંધનું એક ખાસ મહત્ત્વ છે. નિર્મળતા, નિઃસ્વાર્થ અને સદ્ભાવનાભર્યા પ્રેમની સૌથી વધારે શક્યતા આ સંબંધમાં છે. પણ એક તબક્કે ભાઈબહેન જુદા પડીને પોતપોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ જાય છે. ને પછી રોજરોજની વ્યસ્તતાઓ વચ્ચે સંબંધોનું પોત પાતળું પડવા માંડે છે. એવું ન થાય તે માટે ભાઈઓ, બહેનો, આ રક્ષાબંધનને હળજોમળજો, ખાજોપીજો, મોજમજા માણજો. પણ તમારા સંબંધની મીઠાશ અને મજબૂતીને જાળવવાની પ્રતિજ્ઞા લેવાનું ન ભૂલશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter