રમજાન માસઃ ઇબાદત દ્વારા નેકીઓનો ખજાનો લૂંટવાનો માસ

પર્વ વિશેષ

Thursday 18th June 2015 02:41 EDT
 
 

ઇસ્લામના પવિત્ર માસ રમજાનનો શુક્રવાર, ૧૯ જૂનથી પ્રારંભ થઈ રહ્યો છે. હિજરી સનના નવમા માસ રમજાનનું ઇસ્લામમાં વિશેષ મહત્ત્વ છે. અરબી ભાષાના ‘અરબ’ શબ્દ પરથી ઊતરી આવેલા આ ભાષાના શાબ્દિક અર્થ થાય છે બાળવું. તેનો આધ્યાત્મિક અર્થ ગહન છે. આ માસ ગુનાઓને બાળવાનો અને ઇબાદત દ્વારા નેકીઓનો ખજાનો લૂંટવાનો માસ છે. રોજાનો આરંભ ઇસ્લામમાં હિજરતના બીજા વર્ષથી મદીનામાં થયો હતો. આ અંગે કુરાને શરીફમાં ફરમાવાયું છે, ‘ઇમાનવાળાઓ, રોજા તમારા પર ફર્જ કરવામાં આવ્યા છે. જેમ તમારી અગાઉના લોકો માટે તે ફર્જ કરવામાં આવ્યા હતા. જેથી તમો તકવા ઇખ્તિયાર કરો.’

કુરાને શરીફની ઉપરોક્ત નાનકડી આયાત રોજા અંગે ઘણું કહી જાય છે. તેનું વિશ્લેષણ જરૂરી છે. આ આયાતમાં નીચેની બાબતો સમાયેલી છે.

• દરેક મુસ્લિમ માટે રમજાન માસના ત્રીસે ત્રીસ રોજા ખુદાને ફરજિયાત કર્યા છે. દરેક બાલીગ અર્થાત્ પુખ્ત સ્ત્રી પુરુષ માટે રોજા ફર્ઝ છે.

• રોજા માત્ર તમારા માટે જ ફર્જ નથી. તમારા અગાઉની પ્રજા માટે પણ ફર્ઝ હતા અને તમારા પછીની કોમ માટે પણ ફર્ઝ હતા અને તમારા પછીની કોમ માટે પણ ફર્ઝ રહેશે.

• રોજા એટલે માત્ર ભૂખ્યા, તરસ્યા રહેવું નહિ, પણ મન, વચન અને કર્મથી રોજા રાખવા. કારણ કે રોજામાં ‘તકવા’ અત્યંત જરૂરી છે.

• ‘તકવા’ એટલે પરહેજગારી, સંયમ. રોજા રાખનાર દરેક મુસ્લિમ માટે ચાર બાબતો પર સંયમ આવશ્યક છે. બૂરા મત કહો, બૂરા મત દેખો, બૂરા મત સુનો અને બૂરા મત સોચો.

• આટલો સંયમ રાખ્યા પછી જ રોજાનો સાચો ઉદ્દેશ આરંભાય છે અને તે છે, ઇબાદત અને ઝકાત-ખેરાત.

• ‘તકવા’ અર્થાત્ સંયમ વગર ઈબાદત નકામી છે. ઝકાત-ખેરાત નકામાં છે અને ભૂખ્યા તરસ્યા રહેવું નકામું છે.

‘તકવા’ સાથેના રોજા અને ઇબાદત જરૂરી છે. કારણ કે હજરત મહંમદ સાહેબ (સ.અ.વ.)એ ફરમાવ્યું છે. ‘રોજા (દોજખથી બચવાની) ઢાલ છે.’

બુખારી શરીફનું આ વિધાન પણ અત્યંત અર્થસભર છે. રોજા રાખનારા માનવી પવિત્ર, નિર્મળ અને ઇબાદતમાં લીન હોય છે. દુનિયામાં તે જીવે છે, પણ તે મન વચન અને કર્મથી ખુદા સાથે બંધાયેલો રહે છે.

વળી, રમજાન માસનું બીજું પણ એક આધ્યાત્મિક મહત્ત્વ છે. કુરાને શરીફનું અવતરણ રમજાન માસમાં જ થયું છે. આ અંગે કુરાને શરીફમાં કહ્યું છે, ‘એ રમજાનનો મહિનો છે. તેમાં કુરાન ઊતરવાનું શરૂ થયું. જે માર્ગદર્શક છે લોકો માટે. જે હિદાયતની રોશન સચ્ચાઈઓ ધરાવે છે. જે સત્યને અસત્યથી અલગ કરનાર છે.’

કુરાને શરીફના અવતરણની કથા પણ જાણવા જેવી છે.

મહંમદ સાહેબ હંમેશા રમજાન માસમાં સંસારથી અલગ થઈ ગારે હીરા જેવા એકાંત સ્થાન પર ખુદાની ઇબાદતમાં ગુજારતા હતા. રમજાન માસ પૂર્ણ થતા તેઓ શહેરમાં પાછા ફરતા. સૌથી પહેલા ખાને કાબાહનો સાતવાર તવાફ કરતા. એ પછી આપ ઘરે જતા. રસ્તામાં મળતા ગરીબો કે જરૂરિયાતમંદોને જમાડતા. આપનો આ નિયમ દર રમજાન માસ માટે બરકરાર હતો.

દર વર્ષની જેમ એ રમજાન માસમાં પણ મહંમદ સાહેબ માસના આરંભે જ ગારે હીરામાં આવી ચડ્યા હતા અને ખુદાની ઇબાદતમાં લીન હતા. મહંમદ સાહેબ પર વહી ઊતરવાના એક દિવસ પૂર્વે તેમના વહાલસોયા પુત્ર કાસીમનું અવસાન થયું. આમ છતાં પુત્રના અવસાનના ગમમાં જરા પણ વિચલિત થયા વગર તેઓ ખુદાની ઇબાદતમાં રત રહ્યા અને ત્યારે મહંમદ સાહેબ પર પ્રથમ વહી ઉતારી. ‘વહી’ એટલે છૂપી વાતચીત, ઇશારો, ઇસ્લામિક સંદર્ભમાં વહી એટલે ખુદા તરફથી આપવામાં આવેલ સંદેશ, પયગામ. એ સમયે હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)ની વય ૪૦ વર્ષ, ૬ માસ અને ૧૦ દિવસની હતી. રમજાન માસનો ચોવીસમો રોજો હતો. રસૂલે પાક (સ.અ.વ.) હંમેશ મુજબ ગારેહિરામાં આખી રાત ખુદાની ઇબાદત કરી આરામ ફરમાવી રહ્યા હતા. ચારે તરફ એકાંત અને સન્નાટો હતો. પ્રભાતનું ઝાખું અજવાળું ધરતીના સીના પર રેલાઈ રહ્યું હતું. બરાબર એ સમયે ગારેહિરામાં અલ્લાહના ફરિશ્તા જિબ્રાઇલ આવી ચડ્યા. હજરત જિબ્રાઇલ અલ્લાહના સૌથી માનીતા ફરિશ્તા હતા. સમગ્ર ફરિશ્તાઓના સરહાદર હતા. કુરાને શરીફમાં તેમને ‘રુહુલ કુદ્સ’ અને ‘રુહુલ અમીન’ કહેલ છે. રુહુલ કુદૂસ અર્થાત પાક રુહ, પવિત્ર આત્મા.

ફરિશ્તા જિબ્રાઈલ દ્વારા સૌપ્રથમ આયાત મહંમદ સાહેબ (સ.અ.વ.) પર ઊતરી. ખુદાએ હજરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.) પર ઉતારેલી એ સૌથી પ્રથમ આયાત માત્ર મુસ્લિમો માટે જ નહીં, પરંતુ સમગ્ર માનવજાત માટે ઇલ્મ-જ્ઞાનનો ઉપદેશ આપે છે. એ આયાતમાં ખુદાએ કહ્યું હતુંઃ

‘પઢો પોતાના પરવરદિગારના નામથી. જેમણે આખા વિશ્વનું સર્જન કર્યું છે. જેણે લોહીના એક બુંદથી ઇન્સાનનું સર્જન કર્યું છે. એ જ તારો પાલનહાર ખુદા છે. જેણે ઇન્સાનને કલમ દ્વારા જ્ઞાન આપ્યું અને ઇન્સાન જે વસ્તુ નહોતો જાણતો, જેનાથી તે અજ્ઞાન હતો તે બધી તેને શીખવી છે.’

આમ રમજાન માસમાં હજરત મહંમદ સાહેબ પર કુરાને શરીફની આયાતો ઊતરવાનો આરંભ થયો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter